You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : કોરોના વૅક્સિનના કારણે બે દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા?
- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
“વૅક્સિનના કારણે જ તેમનું મૃત્યુ થયું છે. સવારે 10.30 વાગ્યે તેમણે વૅક્સિન મુકાવી છે. તેના બે-ત્રણ કલાકમાં જ જો માણસ મરી જાય તો એવું શા કારણે બન્યું હશે?, એ તો તમે પણ સમજી શકો છો. આ વૅક્સિનના કારણે જ બન્યું છે.”
જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ સોલંકીનું કોરોનાની રસી મુકાવ્યા બાદ થયેલ આકસ્મિક મૃત્યુનું કારણ તેમના સાળા હિતેશ સોલંકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈક આવો જવાબ આપ્યો. જોકે, તંત્ર એમનું મૃત્યુ કોરોના વૅક્સિનને કારણે નથી થયું એમ કહે છે.
હિતેશ સોલંકી 30 વર્ષીય જિજ્ઞેશ સોલંકી, જેઓ વડોદરા મહાનગરપાલિકના વૉર્ડ નંબર નવમાં સફાઈકર્મી તરીકે કાર્યરત્ હતા, તેમના મૃત્યુ અગાઉની ક્ષણો અંગે વાત કરતાં આગળ કહે છે કે, “વૅક્સિન મુકાવીને તેઓ ઘરે આવીને નહાવા ગયા. નાહીને બહાર નીકળ્યા અને તેમણે કપડાં પહેર્યાં, પછી તેઓ તરત જ પથારી પર પડી ગયા. આ દૃશ્ય જોઈ તાત્કાલિક તેમને હૉસ્પિટલ લઈ જવા માટે 108 બોલાવી અને તેમને હૉસ્પિટલ લઈ આવ્યા, પરંતુ અહીં તેમનું મૃત્યુ નીપજ્યું.”
27 જાન્યુઆરી, 2021ના રોજ ભારતમાં કોરોનાના પ્રથમ દર્દી મળી આવ્યાની વાતને એક વર્ષ પૂરું થયું છે. આ એક વર્ષ દરમિયાન ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરોડો દર્દીઓને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો, લાખોની સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં.
કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રસીઓ વિકસાવી લેવાઈ છે અને રસીકરણની કામગીરી જારી છે, ત્યારે પાછલા સમગ્ર વર્ષ દરમિયાન આ મહામારીથી ત્રસ્ત થઈ ચૂકેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હવે કોરોનાની રસી સાથે જોડાયેલા કેટલાક ચિંતાજનક સમાચારો સામે આવવા લાગ્યા છે.
આવા જ એક સમાચાર છે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના સફાઈકર્મી જિજ્ઞેશ સોલંકીના મૃત્યુના. તેમના પરિવારનો દાવો છે કે તેમનું મૃત્યુ કોરોનાની રસી મુકાવવાના કારણે નીપજ્યું છે.
જિજ્ઞેશભાઈને સુદામાપુરી અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે કોરોના સામે રક્ષણ આપતી રસી કોવિશિલ્ડ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીમાં ફ્રન્ટલાઇન વર્કર તરીકે કાર્ય કરતાં લોકોને રસી આપવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી પરિસ્થિતિમાં રસી મુકાવવાથી કથિતપણે થયેલા મૃત્યુના સમાચારે ફરી વાર સામાન્ય લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે.
નોંધનીય છે કે હાલ ભારતમાં એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને સ્થાનિક કંપની ભારત બાયોટૅક દ્વારા વિકસિત કૉવૅક્સિન આપવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે.
રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ સ્ટાફ, સુરક્ષાદળના જવાનો, પોલીસકર્મીઓ અને સફાઈકર્મીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.
અહીં નોંધવું ઘટે કે પાછલા અમુક દિવસોમાં વૅક્સિન લીધા બાદ સામાન્ય તકલીફો થવાથી માંડી વૅક્સિન લેનારનું મૃત્યુ થયા હોવાના દાવા થઈ રહ્યા છે. આ તમામ સમાચારોએ કોરોના સામે રક્ષણ આપવાનો દાવો કરતી આ વૅક્સિન લેવું કેટલું સુરક્ષિત છે તે અંગે ઘણા પ્રશ્નો ઊભા કરી દીધા છે.
નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ આપવા માટે મંજૂર કરાયેલ વૅક્સિનોની મંજૂરી અંગે અગાઉ માધ્યમોમાં ભય અને શંકા વ્યક્ત કરી કરાઈ હતી. અને તેને મંજૂરી આપવા માટે બિનજરૂરી ઉતાવળ કરાઈ હોવાના આક્ષેપો પણ થયા હતા.
વૅક્સિનના કારણે બે દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા?
અગાઉ જણાવાયું છે તેમ મૃતક જિજ્ઞેશ સોલંકીના સાળા હિતેશ સોલંકીનો આક્ષેપ છે કે તેમના બનેવીનું મૃત્યુ ચોક્કસપણે વૅક્સિનના કારણે જ થયું છે.
પરંતુ જિજ્ઞેશનાં પત્ની દિવ્યા સોલંકીએ પોતાના પતિના મૃત્યુના કારણ અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે વૅક્સિન મુકાવાના કારણે તેમના પતિનું મૃત્યુ નીપજ્યું છે? તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, “હજુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ નથી આવ્યો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુના ખરા કારણની ખબર પડી શકશે.”
બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવા માટે જારી કરાયેલ નિવેદનમાં જિજ્ઞેશભાઈનું મૃત્યુ વૅક્સિનૅશનના કારણે ન થયું હોવાનું જણાવાયું છે.
નિવેદનમાં જણાવાયું છે કે વડોદરાની SSG હૉસ્પિટલના ડૉક્ટરો દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસ અનુસાર મૃતક હૃદય સંબંધી સમસ્યાથી પીડાઈ રહ્યા હતા.
નિવેદન અનુસાર મૃતકને પાછલાં અમુક વર્ષોથી હૃદયરોગની તકલીફ હતી. તેમજ તેઓ પાછલા દસ દિવસથી હૃદયમાં દુખાવાની તકલીફ અનુભવી રહ્યા હતા. તેમજ પાછલા એક માસથી શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયામાં અને રોજિંદું કામકાજ કરવામાં તકલીફ અનુભવી રહ્યા હતા.
નિવેદનમાં આગળ જણાવાયું છે કે, “મૃતકના ઇકો કલર ડોપ્લર રિપોર્ટમાં જોવા મળેલ કે તેઓ ઇસ્ચેમિક હાર્ટ ડિસીઝ અને પ્લમોનરી આર્ટિઅરી હાઇપર ટેન્શનથી પીડાતા હતા. તેથી તેમને મેડિકલ મૅનેજમેન્ટ, ડાયટ કંટ્રોલ અને ફિઝિયોથેરપી તથા નિયમિત તબીબી તપાસ કરાવવા માટે જણાવવામાં આવેલ પરંતુ હાલ તેમના પરિવારના જણાવ્યા મુજબ તેઓ કોઈ દવા લઈ રહ્યા ન હતા.”
નિવેદન પ્રમાણે હજુ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે વડોદરાની SSG હૉસ્પિટલમાં રાખવામાં આવેલ છે. જેનો રિપોર્ટ આવનાર છે.
બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે પણ પત્રકારો સાથેની વાતચીતમાં રસીની આડઅસર અંગેની વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો.
“હવે હું જ મારાં બાળકોની મા અને પિતા પણ”
મૃતક જિજ્ઞેશ બે પુત્રીઓના પિતા હતા. તેમનાં પત્ની દિવ્યા સોલંકી પોતાના પતિના મૃત્યુ બાદ કૉર્પોરેશન અને તંત્ર પાસેથી સહાયની અપેક્ષા વ્યક્ત કરતાં કહે છે કે, “મારા પતિના મૃત્યુ બાદ યોગ્ય સહાય કરવા માટેની તમામ રજૂઆતો તંત્ર દ્વારા માની લેવાઈ છે. ચાર દિવસમાં તે અંગે અમને સ્પષ્ટ જવાબ આપી દેવાશે.”
તંત્ર તરફથી સહાય બાબતે કરાયેલા વાયદા અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “કૉર્પોરેશનના અધિકારીઓ સાથે વાતચીત કરતાં તેમણે મારા પતિના મૃત્યુ બાબતે દુ:ખ વ્યક્ત કર્યું છે અને બનતી તમામ સહાય વહેલી તકે કરવાનો વાયદો કર્યો છે.”
પોતાની માગણીઓ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “મારાં સાસુ-સસરા નથી, મારા પતિનું પણ હવે મૃત્યુ થયું છે. તેથી મારું આગળનું જીવન સારી રીતે ચલાવી શકું તે માટે મારી કૉર્પોરેશન પાસે માગ હતી કે મારી અને મારી બંને પુત્રીઓની સહાય કરવામાં આવે અને મને નોકરી આપવામાં આવે, તેમજ પેન્શન અને અન્ય બનતા તમામ લાભો અમને આપવામાં આવે. હવે હું જ મારાં બાળકોની મા અને પિતા છું.”
મૃતકના પરિવારને સહાય બાબતે વાત કરતાં વડોદરા શહેર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે કહ્યું કે, “મારી મૃતકનાં પત્ની સાથે મુલાકાત થઈ છે. તેમને અમે કૉર્પોરેશન તરફથી બનતી તમામ મદદ કરવાનો વાયદો કર્યો છે. તેમને મળવાપાત્ર તમામ સહાય કરવામાં આવશે. તેમજ તેમને મળવાપાત્ર ગ્રૅચ્યુઇટી પણ ચૂકવવામાં આવશે.”
શું હતો સમગ્ર મામલો?
આ સમગ્ર મામલા, જેમાં વૅક્સિન મુકાયા બાદ સફાઈકર્મી જિજ્ઞેશ સોલંકીનું મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અંગે વિગતવાર માહિતી આપતાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના રાષ્ટ્રીય મહાસચિવ જિગર સોલંકી જણાવે છે કે, “31મી જાન્યુઆરીના રોજ સવારે વડોદરા મહાનગરપાલિકના વૉર્ડ નંબર નવના કાયમી સફાઈકર્મી જિજ્ઞેશને તેમના ઉપરી અધિકારી તરફથી તેમને જાણ કરવામાં આવી કે તેમણે કોવિડ-19 વિરુદ્ધ રક્ષણ આપતી રસી મુકાવવાની છે. તેમણે પાસેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને વૅક્સિન લીધી.”
સંપૂર્ણ ઘટનાક્રમ જણાવતાં આગળ તેઓ કહે છે કે, “વૅક્સિન મુકાવ્યા બાદ એક કલાકમાં તેમની તબિયત લથડી. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે SSG હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ બપોરે અઢી વાગ્યે તેમને કન્સલ્ટન્ટ ઑફિસરે મૃત જાહેર કર્યા હતા.”
મૃતક જિજ્ઞેશભાઈના સાળા હિતેશભાઈ બનાવના દિવસનો ઘટનાક્રમ અંગે જણાવે છે કે, “મારા બનેવી સવારે 10.30 વાગ્યે નોકરી ગયા હતા. તેઓ પોતાનું કામ પતાવી પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને તેમના ઉપરી અધિકારી તરફથી જાણ કરવામાં આવી કે તેમને ફરજિયાત કોરોના સામે રક્ષણ પૂરું પાડતી વૅક્સિન મુકાવવા માટે જવાનું છે.”
“જ્યારે તેઓ વૅક્સિન મુકાવી પાછા મારા ઘરે મકરપુરા આવ્યા ત્યારે તેમને ચક્કર આવી રહ્યા હતા. ત્યાંથી તેઓ જ્યારે પોતાના ઘરે વડસર જવા માટે નીકળ્યા તેના અડધા કલાકમાં જ મારા પર મારી બહેનનો ફોન આવ્યો અને તેમણે મને કહ્યું કે મારા બનેવી એકદમ બેભાન થઈ ગયા છે. હું તરત મારા બનેવીના ઘરે પહોંચ્યો. ત્યારે આસપાસવાળાએ ફોન કરીને 108 બોલાવી લીધેલી. તેમને 108માં અમે હૉસ્પિટલ લઈને આવ્યા પરંતુ અહી તેમને મૃત જાહેર કરી દેવાયા.”
વૅક્સિનેશન બાદ સમસ્યાના અન્ય મામલા
નોંધનીય છે કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના એક અહેવાલ અનુસાર રવિવારે રાત્રે અને સોમવારે સવારે કોરોના વિરુદ્ધ રક્ષણ આપતી રસી લીધા બાદ લોકરક્ષક દળનાં 42 મહિલા તાલીમાર્થીઓને હળવી આડઅસરો થઈ હોવાનું સામે આવ્યું હતું.
અહેવાલ અનુસાર સુરતમાં 12, વડોદરામાં 16 અને અમદાવાદમાં 14 મહિલા તાલીમાર્થીઓને તાવ, માથામાં દુખાવો અને અન્ય આરોગ્ય સંબંધી તકલીફોને કારણે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
આરોગ્ય વિભાગના એક સિનિયર અધિકારીએ આ અંગે કહ્યું હતું કે તેમણે જે જિલ્લાઓમાં આ બનાવ નોંધાયા છે ત્યાંથી રિપોર્ટ માગ્યો છે, તેમજ વૅક્સિન મેળવનાર કોઈને પણ ખાસ મોટી તકલીફ નથી.
તેમજ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીએ આ અંગે માહિતી આપતાં અખબારને જણાવ્યું હતું કે, “બધાં પોલીસકર્મીઓ ખતરાથી બહાર છે. તેઓ બધાને માઇનર તકલીફો હતી જે રસીકરણ બાદ કોઈને ય થઈ શકે છે. દાખલ થયેલાં પોલીસકર્મી પૈકી મોટા ભાગનાંને જલદી જ ડિસ્ચાર્જ કરી દેવાશે.”
નૅશનલ હેલ્થ મિશનના ડાયેરેક્ટર એમ. એ. પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે, “જે પોલીસકર્મીઓને વૅક્સિન લીધા બાદ સ્વાસ્થ્યસંબંધી તકલીફો થઈ હતી તેમાંથી મોટા ભાગનાને માથામાં દુખાવો, ચક્કરની સમસ્યા અને હળવો તાવ હતો. આ બધી તકલીફો વૅક્સિનૅશનની માઇનર સાઇડ ઇફેક્ટ છે.”
નોંધનીય છે કે મહિલા પોલીસ તાલીમાર્થીઓ સિવાય વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના સફાઈકર્મીઓને પણ સ્વાસ્થ્યસંબંધી તકલીફો થતાં તેમને સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો