ગુજરાત બોર્ડની ધોરણ 10 -12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો તારીખો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ તથા 12ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઈ છે.

બોર્ડની અખબારી યાદી પ્રમાણે ધોરણ-10 તથા 12ની પરીક્ષા 10 મે 2021થી 25 મે 2021 દરમિયાન યોજાશે. કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30%નો કાપ મૂકવામાં આવ્યો હતો. જેથી આગામી પરીક્ષા 70% અભ્યાસક્રમ સાથે પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષાનો કાર્યક્રમ

SSC ધોરણ-10

10 મે - સોમવાર - પ્રથમ ભાષા

12 મે - બુધવાર - વિજ્ઞાન

15 મે - શનિવાર - ગણિત

17 મે - સોમવાર - સામાજિક વિજ્ઞાન

18 મે - મંગળવાર - ગુજરાતી (દ્વિતીય ભાષા)

19 મે - બુધવાર - અંગ્રેજી (દ્વિતીય ભાષા)

20 મે - ગુરુવાર - હિન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી, ઉર્દૂ (દ્વિતીય ભાષા), હેલ્થકૅર, બ્યૂટી ઍન્ડ વેલનેસ, ટ્રાવેલ-ટુરિઝમ, રિટેઇલ

ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)નો કાર્યક્રમ

10 મે - સોમવાર - ભૌતિકવિજ્ઞાન

12 મે - બુધવાર - રસાયણવિજ્ઞાન

15 મે - શનિવાર - જીવવિજ્ઞાન

17 મે - સોમવાર - ગણિત

19 મે - બુધવાર - અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા)

21 મે - શુક્રવાર ગુજરાતી (પ્રથમ ભાષા), હિન્દી (પ્રથમ ભાષા), મરાઠી (પ્રથમ ભાષા), ઉર્દૂ (પ્રથમ ભાષા), સિંધી (પ્રથમ ભાષા), તામિલ (પ્રથમ ભાષા), ગુજરાતી (દ્વિતીય ભાષા), હિન્દી (દ્વિતીય ભાષા), સંસ્કૃત, અરબી, પ્રાકૃત, કૉમ્પ્યૂટર ઍજ્યુકેશન

ઉત્તર પ્રદેશમાં એક રૂપિયે કિલો ભાવ આવતા ખેડૂતે હજાર કિલો ફુલેવર રસ્તા પર ફેંક્યું

પિલિભિતમાં APMCમાં વેપારી દ્વારા ફુલેવરના પાકની ક્ષુલ્લક કિંમત આપવાની પેશકશથી રોષે ભરાયેલ એક સીમાંત ખેડૂતે એક હજાર કિલો પાક રસ્તા પર ફેંકી દઈ, જરૂરિયાતમંદોને વિનામૂલ્યે લઈ જવા દીધો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર જહાનાબાદના ખેડૂત મોહમ્મદ સલીમને APMC કૅમ્પસમાં વેપારી દ્વારા તેમના ફુલેવરના પાક માટે પ્રતિ કિલો એક રૂપિયો ચૂકવવાની પેશકશ કરાઈ હતી. જે ખેતરથી માર્કેટ સુધી પાકને લાવવાના ભાડા સમાન ભાવ હતો.

સલીમે અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારી પાસે અડધો એકર જમીન છે જેમાં મેં ફુલેવરનો પાક લીધો હતો. પાક લેવા માટે બીયારણ, સિંચાઈ, રોપણી અને ખાતર વગેરે માટે મેં આઠ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ઉપરાંત પાકની લણણી અને વાહનવ્યવહાર માટે અલાયદો ખર્ચ કરવો પડ્યો હતો."

તેમણે આગળ કહ્યું કે, "ફુલેવરની છૂટક કિંમત પ્રતિ કિલોગ્રામ 12થી 14 રૂપિયા છે. હું મારા પાક માટે ઓછામાં ઓછું આઠ રૂપિયાનું વળતર ઇચ્છતો હતો. જ્યારે મને માત્ર એક રૂપિયા પ્રતિ કિલોના ભાવની પેશકશ કરવામાં આવી ત્યારે મારી પાસે બધો પાક પાછો લઈ જવા માટેનું ભાડું બચાવવા માટે તેને ફેંકી દીધા સિવાય કોઈ રસ્તો ન હતો."

હાલ એનઆરસી લાગુ કરવાની કોઈ યોજના નથી - મોદી સરકાર

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે રાજ્યસભામાં કહ્યું કે અત્યારે સરકારની દેશવ્યાપી એનઆરસી યાને કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન લાગુ કરવાની કોઈ યોજના નથી ઘડી રહી.

જોકે, અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પહેલાં CAA લાગુ કરાશે અને પછી NRC લાગુ કરાશે.

નિત્યાનંદ રાય તરફથી આવેલા નિવેદન મુજબ વિવાદિત નાગરિકતા સંશોધન અધિનિયમ સંબંધિત નિયમો ઘડવામાં પાંચ મહિનાનો સમય લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે વિવાદિત નાગરિકતા સંશોધન અધિનિયમ અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનને લઈને દેશમાં અનેક વિરોધપ્રદર્શનો થયા હતા, જેમાં શાહીનબાગ વિરોધપ્રદર્શને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ સત્રમાં જ નિત્યાનંદ રાયે આ જ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે સરકારની એનઆરસી લાગુ કરવાની કોઈ યોજના હાલ નથી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતગણતરી બાબતે ગુજરાત હાઈકોર્ટની નોટિસ

ગુજરાત હાઈકોર્ટ મંગળવારે આ મહિને યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરીની તારીખોને પડકારતી અરજી બાબતે ગુજરાત સરકાર અને રાજ્ય ચૂંટણીપંચને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે.

ધ હિંદુ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે આ અરજીમાં અરજદારે રાજ્ય ચૂંટણીપંચના 23 જાન્યુઆરીના પરિપત્રને રદ કરવાની દરખાસ્ત કરી છે. નોંધનીય છે કે આ પરિપત્ર અનુસાર 23 ફેબ્રુઆરી અને 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરાશે.

અરજદારો નટવર મહિડા, ગોવિંદ પરમાર અને જગદીશ મકવાણાની અરજીને ધ્યાને લેતાં જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ ઈલેષ જે. વોરાની ખંડપીઠે નોટિસ જારી કરી હતી.

અરજી મુજબ, “મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાયેલ ચૂંટણીની મતગણતરીની તારીખો જુદી જુદી હોવાના કારણે મુક્ત અને વાજબી ચૂંટણીપ્રક્રિયા સામે પડકાર આવશે. કારણ કે છ મ્યુનિસિપલ કૉર્પોરેશનની મતગણતરી અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરતાં વહેલા યોજાવાની છે. આથી મતદારો પર અસર થઈ શકે છે.”

રાજ્ય ચૂંટણીપંચના પરિપત્ર પ્રમાણે છ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. તેમજ મ્યુનિસિપાલિટી અને પંચાયતોની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાનાર છે જેની મતગણતરી 2 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાત : કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ધુમાડાના કારણે ત્રણ મજૂરોનાં મૃત્યુ

ગુજરાતના મહેસાણા જિલ્લાના એક કેમિકલ પ્રોસેસિંગ યુનિટમાં ઝેરી ધુમાડાને કારણે ત્રણ મજૂરોનાં મૃત્યુ નીપજ્યું હોવાનું મંગળવારે સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

NDTV ડોટ કૉમના એક અહેવાલ અનુસાર પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર મજૂરો સોમવારે સાંજે જ્યારે આ ઘટના બની ત્યારે લિક્વિડ સોડિયમ બ્રોમાઇડ અન્ય ટૅન્કમાં ટ્રાન્સફર કરવાનું કામ કરી રહ્યા હતા.

આ ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા ફેક્ટરીના માલિક રવિ પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર મિતુલ મિસ્ત્રી વિરુદ્ધ ભારતીય ફોજદારી સંહિતાનાં લાગતાંવળગતાં સેક્શન અંતર્ગત ‘બેદરકારીથી મૃત્યુ નીપજાવવા’ બાબતે FIR નોંધાઈ છે.

મૃતકોનાં નામ હતાં રામસિંઘ રાજપુત, ઉત્તમ ગવારીયા અને પુખરાજ ટાંક. આ તમામ મૃતકો 25થી 30 વર્ષની ઉંમરના હતા.

નોંધનીય છે કે કેમિકલ યુનિટ મહેસાણા જિલ્લાના માંડલી ગામ નજીક આવેલું છે.

આ ઘટનાના આરોપી રવિ પટેલ પણ આ ઝેરી ધુમાડો શ્વાસમાં જવાના કારણે હાલ મહેસાણાની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગુજરાત: પાછલાં છ વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની આ વર્ષે સૌથી ઓછી ખરીદી

કેન્દ્ર સરકારે વર્ષ 2020-21ની ખરીફ માર્કેટિંગ સિઝનમાં રાજ્યમાંથી MSP પર 2.02 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે. જે પાછલાં છ વર્ષની સૌથી ઓછી ખરીદી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે પાછલાં છ વર્ષમાં પહેલી વખત રાજ્યમાંથી ફાળવાયેલા ક્વૉટા કરતાં મગફળીની ઓછી ખરીદી કરવામાં આવી છે.

અહેવાલ પ્રમાણે ખરીદી માટે હાથ ધરાયેલ પ્રોક્યુરમેન્ટ ઑપરેશન જલદી ખતમ થઈ ગયું હતું, કારણ કે કુલ નોંધાયેલા ખેડૂતો પૈકી માત્ર એક ચતુર્થાંશ ખેડૂતોએ જ નૅશનલ ઍગ્રીકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (Nafed)ને તેમનો પાક વેચ્યો હતો.

નાફેડના ડેટા અનુસાર 26 ઑક્ટોબરથી 12 જાન્યુઆરી સુધી રાજ્યમાં 2.02 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવી હતી. નાફેડના એક અધિકારીએ કહ્યું કે ખરીદીનો આ જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા ખરીદી માટે મંજૂર થયેલા જથ્થા કરતાં ઘણો ઓછો છે.

નોંધનીય છે કે સરકારને મગફળીનો પાક વેચવા માટે નોંધણી કરાવનાર કુલ 4.69 લાખ ખેડૂતો પૈકી માત્ર 1.13 લાખ ખેડૂતો એટલે કે 24 ટકા ખેડૂતોએ ખરેખર મગફળી નાફેડને વેચી હતી.

સરકાર દ્વારા 5,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ દીઠની MSP પર આ ખરીદી કરવામાં આવી છે.

ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું

ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાન્ના બાદ વધુ એક આંતરરાષ્ટ્રીય હસ્તી, ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ભારતમાં ખેડૂતો દ્વારા ચલાવાઈ રહેલા આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

ઇન્ડિયા ટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર 18 વર્ષીય ગ્રેટા વર્ષ 2018માં તેમના દ્વારા શરૂ કરાયેલી ‘ફ્રાઇડેસ ફૉર ફ્યુચર’ ચળવળથી પ્રસિદ્ધિ પામ્યાં હતાં.

મંગળવારે મૂળ સ્વીડનનાં ગ્રેટાએ દિલ્હીમાં ઇન્ટરનેટ શટડાઉનની એક ન્યૂઝ સ્ટોરીના અટેચમેન્ટ સાથે ટ્વીટ કર્યું કે, “અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનું સમર્થન કરીએ છીએ.”

નોંધનીય છે કે ગ્રેટા પહેલાં પોપ સ્ટાર રિહાન્નાએ પણ આ જ સમાચારની લિંક સાથે ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું કે, “આપણે ખેડૂત આંદોલન વિશે વાત કેમ નથી કરી રહ્યા?”

ગ્રેટા થનબર્ગને આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યાં છે. આ અગાઉ તેઓ ટ્વિટર પર વર્ષ 2020માં ભારતમાં આયોજિત કરાયેલ NEET અને JEE પરીક્ષાઓના આયોજન વિશે પણ ટ્વિટર રોષ ઠાલવી ચૂક્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો