'NRC અંગે મોદી સરકારે કોઈ નિર્ણય નથી લીધો' - Top News

'હાલમાં નેશનલ સિટીઝનશિપ રજિસ્ટર લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય નથી લીધો.'

રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે બજેટસત્રના ચોથા દિવસે સંસદમાં બજેટ દરમિયાન આ વાત કહી હતી.

અગાઉ સરકારે જાહેરાત આપીને NRC મુદ્દે પ્રવર્તમાન સ્થિતિને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને મંગળવારે સંસદમાં જ આ વાત પુનરોચ્ચાર કર્યો હતો.

વિપક્ષનું માનવું છે કે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ બાદ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન લાવવામાં આવશે. એટલે જ દેશના કેટલાક ભાગોમાં સી.એ.એની સામે દેખાવો ચાલુ છે.

અગાઉ ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે પહેલાં સી.એ.એ. અને પછી એન.આર.સી. લાવવામાં આવશે.

સિયાચીનમાં સૈનિકોની કફોળી સ્થિતિ

સિયાચીનમાં તહેનાત ભારતીય સૈનિકો સરંજામ તથા ખાવા-પીવાની ચીજોની તંગી ભોગવે છે.

કમ્પ્ટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG)ના અહેવાલને ટાંકતાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા લખે છે કે ભારતીય સૈનિકો પાસે ઠંડીની સામે રક્ષણ આપતાં વિશિષ્ટ વસ્ત્રો તથા અન્ય સામાનનો સ્ટૉક નથી.

રિપોર્ટ મુજબ, સૈનિકોને જરૂર મુજબ ભોજન પણ નથી મળતું. સંરક્ષણ મંત્રાલયે CAGને જણાવ્યું હતું કે આ ખામીઓ દૂર કરી લેવાશે.

દરમિયાન સૈન્ય અધિકારીએ અખબારને જણાવ્યું છે કે આ રિપોર્ટ વર્ષ 2015-'16થી 2018-'19 દરમિયાનનો છે. હવે ખામીઓને દૂર કરી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે સિયાચીનમાં તહેનાત સૈનિકના પોશાક માટે લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

કેરળમાં કોરોના 'રાજ્ય આપદા'

કેરળ સરકારે કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સ્થિતિને 'રાજ્ય આપદા' જાહેર કરી છે.

રાજ્યના આરોગ્યમંત્રી કે. કે. શૈલજાએ જણાવ્યું હતું કે બીમારીને અટકાવવા માટે જરૂરી પગલાં પ્રભાવક રીતે લઈ શકાય તે માટે તેને 'આપદા' જાહેર કરવામાં આવી છે.

ફાઇનાન્સિયલ એક્સ્પ્રેસ આ અંગે લખે છે કે ત્રણ નાગરિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. 2,155 લોકોને ઘરમાં જ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, જ્યારે 84 નાગરિકોને સરકારી હૉસ્પિટલોમાં અલગથી રાખવામાં આવ્યા છે.

એન.ડી.ટી.વી. (ન્યૂ દિલ્હી ટેલિવિઝન)ના અહેવાલ મુજબ, ઍર ઇન્ડિયાની બે વિશેષ ઉડ્ડાણો દ્વારા 647 ભારતીય તથા માલદીવના સાત નાગરિકોને ભારત લવાયા હતા.

ઍર ઇન્ડિયાએ આ બંને ઉડ્ડાણમાં ફરજ બજાવનાર 30 કૅબિન-ક્રૂ, આઠ પાઇલટ, એક વરિષ્ઠ અધિકારી તથા 10 કૉમર્સિયલ સ્ટાફને એક અઠવાડિયાની રજા ઉપર મોકલી આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચીનથી ભારત પરત ફરેલા નાગરિકોને હરિયાણાના માનેસરમાં તથા દિલ્હીમાં ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ ફોર્સની હૉસ્પિટલોમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

શાહીનબાગ અંગે મોદીનું નિવેદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હી વિધાનસભા ચૂંટણી સંદર્ભે એક જાહેરસભાને સંબોધી હતી.

જેમાં મોદીએ કહ્યું હતું કે 'શાહીનબાગ, સીલમપુર તથા જામિયાનાં પ્રદર્શનો સંયોગ નથી, પ્રયોગ છે. આ પ્રદર્શન રાજકીય છે તથા તેને કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટીનું રાજકીય પીઠબળ હાંસલ છે."

"પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અંગે ન્યાયતંત્રે પોતાની નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ આ લોકો કોર્ટની પરવાહ નથી કરતા. છતાં વાત બંધારણની કરે છે."

મોદીએ કહ્યું હતું કે જો આ કાવતરું ઘડનારાઓની તાકત વધી તો ગઈકાલે ગમે-તે ગલી કે રસ્તાને બંધ કરી દેવાશે.

મોદીએ ઉમેર્યું હતું કે જો આ આંદોલન માત્ર કાયદાના વિરોધ પૂરતું મર્યાદિત હોત તો સરકારની ખાતરી બાદ સમાપ્ત થઈ જવું જોઈતું હતું.

પાકિસ્તાનમાં તીડનું રાષ્ટ્રીય સંકટ

તીડના ત્રાસથી પીડિત પાકિસ્તાને તેને 'રાષ્ટ્રીય સંકટ' જાહેર કર્યું છે. વિશેષ કરીને કૃષિમંત્રી પંજાબ પ્રાંતમાં તેની ભયાનક અસર જોવા મળી રહી છે.

લાઇવ મિન્ટ વેબસાઇટના અહેવાલ મુજબ, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં તાજેતરમાં એક બેઠક મળી હતી, જેમાં તીડ સામે લડવા માટેનો 'નેશનલ ઍક્શન પ્લાન' મંજૂર કરવામાં આવ્યો હતો.

આ માટે રૂપિયા (પાકિસ્તાની) 7.3 અબજ ફાળવવામાં આવ્યા છે. દેશના ખાદ્યસુરક્ષાના પ્રધાને તીડ મુદ્દે પ્રાંતીય તથા રાષ્ટ્રીય સરકારને સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું છે.

અમદાવાદમાં સૌથી વધુ રેપના કેસ

ગુજરાતમાં સૌથી વધુ બળાત્કારના ગુના અમદાવાદમાં નોંધાયા છે. વર્ષ 2019 દરમિયાન રાજ્યમાં દુષ્કર્મના કુલ 525 કેસ નોંધાયા, જેમાંથી 81 એકલા અમદાવાદમાં નોંધાયા હતા.

સી.આઈ.ડી. (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)ના તાજેતરના અહેવાલને ટાંકતા ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

અહેવાલ મુજબ વર્ષ 2015માં અમદાવાદમાં દુષ્કર્મના 45 કેસ નોંધાયા હતા, જેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને 2019માં આ સંખ્યા વધીને 81 ઉપર પહોંચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની કુલ વસતિના લગભગ નવ ટકા નાગરિકો અમદાવાદમાં વસે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો