You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલ ગેટ્સનો એ કથિત સંબંધ જેના કારણે છોડવું પડ્યું પદ અને થયા છૂટાછેડા
માઇક્રૉસોફ્ટ દ્વારા તેના સ્થાપક બિલ ગેટ્સ સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ હાથ ધરવામાં આવી હતી. કંપનીએ પણ આ વાતની ઔપચારિકપણે પુષ્ટિ કરી છે.
કંપનીનું કહેવું છે કે તેણે આ મુદ્દે ફરિયાદીને પૂરતો સહયોગ આપ્યો છે અને એક લૉ ફર્મ પાસે સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરાવી છે. બિલ ગેટ્સ કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટરના પદ પરથી ખસ્યા તેના થોડા સમય પહેલાં જ આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી.
જોકે ગેટ્સના પ્રવક્તાનું કહેવું છે કે ડાયરેક્ટરપદેથી ખસવા અને તપાસ વચ્ચે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. બીજી બાજુ, માઇક્રોસૉફ્ટના શૅરધારકો દ્વારા ગેટ્સ સામેના આરોપો અને તપાસને સાર્વજનિક કરવાની માગ કરી છે સાથે જ સમગ્ર કંપનીમાં જાતીય સતામણીના આરોપો અને તપાસ સંદર્ભે પારદર્શકતાનો અહેવાલ બહાર પાડવા માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં બિલ તથા 27 વર્ષથી તેમનાં પત્ની મેલિંડાએ અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો, એ પછી કથિત સંબંધોના અહેવાલ બહાર આવવા લાગ્યા હતા.
એ જૂનો કિસ્સો
માઇક્રોસૉફ્ટનું કહેવું છે કે વર્ષ 2019ના અંતિમ ભાગ દરમિયાન તેમને ફરિયાદ મળી હતી કે વર્ષ 2000માં બિલ ગેટ્સે એક મહિલા કર્મચારી સાથે "અંતરંગ સંબંધોની શરૂઆત કરવાની માગ" કરી હતી.
બોર્ડની કમિટી દ્વારા આ આરોપો વિશે તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં બહારની લૉ ફર્મની પણ મદદ લેવામાં આવી હતી અને ફરિયાદીને પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન બિલ ગેટ્સ બોર્ડમાંથી ખસી ગયા અને તપાસ કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી.
જાહેરાતના ત્રણ મહિના પહેલાં જ ગેટ્સ આ પદ ઉપર ફરીથી ચૂંટાયા હતા એટલે આ પગલું કેટલાકને માટે ચોંકાવનારું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માઇક્રોસૉફ્ટની માલિકીની પ્રૉફેશનલ નેટવર્કિંગ સાઇટ લિંક્ડઇન ઉપર માર્ચ મહિનામાં પોસ્ટ મૂકતી વેળાએ ગેટ્સે લખ્યું, "માઇક્રૉસોફ્ટના બોર્ડમાંથી ખસી રહ્યો છું, એનો જરા પણ એવો અર્થ નથી કે હું કંપનીથી દૂર થઈ રહ્યો છું. માઇક્રૉસોફ્ટ હંમેશાં જ મારા જીવનનાં કામોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે."
"કંપની જે રીતે પ્રગતિ કરી રહી છે અને તેના થકી વિશ્વને લાભ થઈ રહ્યો છે, તેનાથી હું અગાઉ કરતાં અત્યારે વધુ આશાસ્પદ છું."
ગેટ્સે જાહેરાત કરી હતી કે તેઓ બિલ ઍન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સખાવતી કાર્યો ઉપર વધુ ધ્યાન આપવા માગે છે. જોકે તેના ગણતરીના સમયમાં જ બિલ તથા મેલિંડાએ છૂટાછેડાની જાહેરાત કરી હતી.
બંનેએ સાથે મળીને ફાઉન્ડેશન માટે સેવાકાર્યો ચાલુ રાખવાની વાત કરી છે, પરંતુ લગ્નવિચ્છેદને કારણે સંસ્થાની પ્રવૃત્તિઓ ઉપર અસર થશે, એમ ઘણાનું માનવું છે.
'વૉલ સ્ટ્રીટ જર્નલ'નાઅહેવાલ પ્રમાણે, પૂર્વ કર્મચારી સાથે ગેટ્સના સંબંધ વિશે બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમને લાગ્યું હતું કે તે અયોગ્ય હતું અને બિલ ગેટ્સે પદ છોડવું રહ્યું.
અખબારે આ મુદ્દે ગેટ્સના પ્રવક્તાનો સંપર્ક સાધ્યો હતો, જેમાં તેમણે સંબંધનો સ્વીકાર કર્યો હતો. સાથે કહ્યું, "એ સંબંધ 20 વર્ષ પહેલાંની વાત છે અને પરસ્પર સહમતીથી તેનો અંત આવ્યો હતો."
"આ ઘટના અને પદ છોડવાના બિલ ગેટ્સના નિર્ણય વચ્ચે કોઈ સંબંધ નથી. કેટલાંય વર્ષ પહેલાંથી જ સખાવતી કાર્યો માટે વધુ સમય ફાળવવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી."બિલ તથા મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને બીબીસીને જણાવ્યું હતું કે તેઓ એ નિવેદનનું અનુમોદન કરે છે.
'જાતીય સતામણીમાં પારદર્શકતા દાખવો'
માઇક્રૉસોફ્ટમાં રોકાણકાર અર્જુન કૅપિટલે એક ઠરાવ પસાર કરીને માગ કરી છે કે જાતીય સતામણીના આરોપો અને તેના મુદ્દે થયેલી તપાસમાં શું કાર્યવાહી કરવામાં આવી તેના વિશે કંપનીએ પારદર્શકતા રિપોર્ટ જાહેર કરવો જોઈએ.
અમેરિકાની મીડિયા સંસ્થા સીએનએનના રિપોર્ટ મુજબ, અર્જુન કૅપિટલનાં મૅનેજિંગ પાર્ટનર નતાશા લેબે જણાવ્યું, "જાતીય સતામણીના અનેક આરોપોને કારણે માઇક્રૉસોફ્ટ ઉપર ચાંપતી નજર છે, તે જાતીય સતામણીના આરોપોને યોગ્ય અને પારદર્શક રીતે ઉકેલવામાં નિષ્ફળ રહી છે."
કંપનીના નિવેદન પ્રમાણે, બિલ ગેટ્સના કથિત અયોગ્ય સંબંધો તથા કર્મચારીઓ તરફના જાતીય વર્તને ચિંતામાં વધારો કરાવ્યો છે. જે કંપનીના ટોચના મૅનેજમૅન્ટ દ્વારા ઊભી કરવામાં આવેલી સંસ્કૃતિ ઉપર સવાલ ઊભા કરે છે.
માઇક્રોસૉફ્ટના આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
બિલ ગેટ્સ, સંપત્તિ અને સખાવત
બિલ ગેટ્સે 1970ના દાયકામાં માઇક્રૉસોફ્ટની સહ-સ્થાપના કરી હતી, તેઓ 2008 સુધી તેની સાથે સક્રિયપણે જોડાયેલા હતા. જે હાલમાં દુનિયાની સૌથી મોટી સોફ્ટવૅર કંપની છે.
ફૉર્બ્સની યાદી મુજબ, 65 વર્ષીય બિલ ગેટ્સ વિશ્વની ચોથા ક્રમની સૌથી ધનવાન વ્યક્તિ છે, તેઓ 124 અબજ ડૉલરની સંપતિના માલિક છે. દંપતી વૉશિંગ્ટન, ફ્લૉરિડા, વ્યૉમિંગમાં લાખો-કરોડો ડૉલરની સંપતિઓ ધરાવે છે.
વૉશિંગ્ટનના મેડિના ખાતે તળાવને કિનારે આવેલું તેમનું નિવાસસ્થાન કમ સે કમ 12 કરોડ 70 લાખ ડૉલરનું હોવાનો અંદાજ છે. મે મહિનાની શરૂઆતમાં બિલ તથા મેલિંડાએ 27 વર્ષના લગ્નજીવનના અંતની જાહેરાત કરી હતી.
દંપતીએ 1994માં લગ્ન કર્યું હતું. બંનેએ છૂટાછેડા બાદ પણ બિલ ઍન્ડ મેલિંડા ફાઉન્ડેશન માટે મળીને કામ કરવાની જાહેરાત કરી છે. આ ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી. 2019માં તેની કુલ સંપત્તિ 43 અબજ કરતાં વધુની હતી.
અમેરિકાના મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ છૂટાછેડાની જાહેરાત કરતાં પહેલાં બંનેએ અનેક બેઠકો કરી હતી અને કોણે શું રાખવું તેના વિશે ચર્ચા કરી હતી. જોકે, કોને શું મળશે, તે અંગે હજુ સુધી ઔપચારિક રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
બંનેએ છૂટાછેડા પછી પણ સાથે મળીને સખાવતીકાર્યો કરવાની નેમ વ્યક્ત કરી છે. દંપતીને ત્રણ પુખ્તવયનાં સંતાન છે એટલે તેમની સંભાળ વિશે, તેમણે જવાબદારીની વહેંચણી કરવાની નથી રહેતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો