You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GSEB દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળે ધોરણ દસની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.
કોરોનાને કારણે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ ચેક કરી શકે છે.
આ વર્ષે બોર્ડ પરીક્ષાનું પરિણામ ઇન્ટરનલ ઍસેસમેન્ટ અને શાળા સ્તરે લેવાયેલી પરીક્ષાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
ફેસબુકના અધિકારીઓ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા
ફેસબુક ઇન્ડિયાના અધિકારીઓએ મંગળવારે ઇન્ફૉર્મેશન ટેકનોલૉજી મામલાની સંસદીય સ્થાયી સમિતિ સામે રજૂ થઈને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના દુરુપયોગ મુદ્દે પોતાનો પક્ષ રાખ્યો હતો.
ફેસબુક અને ગૂગલના અધિકારીઓને કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતાવાળી આ સંસદીય સમિતિએ હાજર થવા માટે સમન પાઠવ્યું હતું.
ફેસબુકના પબ્લિક પૉલિસીના ડાયરેક્ટર શિવનાથ ઠુકરાલ અને તેમનાં વકીલ નમ્રતા સિંહ મંગળવારે પૅનલ સામે હાજર થયાં હતાં.
સંસદીય સમિતિની આ બેઠકનો એજન્ડા નાગરિકોના અધિકારોની સુરક્ષા અને સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ્સના દુરુપયોગને રોકવાનો છે.
અગાઉ ફેસબુકના પ્રતિનિધિઓએ સંસદીય સમિતિને કહ્યું હતું કે ફેસબુકના કોવિડ પ્રોટૉકૉલ તેમના અધિકારીઓને ખાનગી મિટિંગ માટે મંજૂરી આપતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ સમિતિના ચૅરમૅન શશિ થરૂરે ફેસબુકને કહ્યું હતું કે તેમના અધિકારીઓએ સમિતિ સમક્ષ ખુદ હાજર થઈને પોતાનો પક્ષ રાખવો પડશે, કેમ કે સંસદનું સચિવાલય વર્ચ્યુઅલ મિટિંગ માટે મંજૂરી આપતું નથી.
મૉડર્નાની કોવિડ વૅક્સિનને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી મળી
કોરોના વાઇરસની રસી મૉડર્નાને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે.
નીતિ આયોગના સભ્ય ડૉ વી.કે.પૉલે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસેલી પ્રથમ રસીને ભારતમાં વપરાશ માટે મંજૂરી મળી છે. આ રસીને મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે.
ભારતમાં આ ચોથી વૅક્સિન છે જેને મંજૂરી મળી ગઈ છે.
આની પહેલાં ભારતમાં કોરોનાની રસી કોવિશિલ્ડ, કોવૅક્સિન અને સ્પુતનિકને મંજૂરી આપવામાં આવી હતી.
" હવે ભારતમાં ચાર વૅક્સિન થઈ ગઈ છે. કોવૅક્સિન, કોવિશિલ્ડ, સ્પુતનિક-વી અને મૉડર્ના. ફાઇઝરની સાથે હવે જલદી વાતચીત પૂરી થઈ જશે."
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ મૉડર્નાએ પણ જણાવ્યું છે કે અમેરિકાની સરકાર ભારતને આ વૅક્સિનના એક નિશ્ચિત ડોઝ કોવૅક્સ પ્રોગ્રામ હેઠળ ભારત સરકારને ઉપયોગ માટે આપશે.
દવા કંપની સિપ્લાએ મૉડર્ના સાથે કરાર કર્યો છે અને તેની વૅક્સિન આયાત કરવા માટે સોમવારે સરકાર પાસેથી મંજૂરી માગી હતી.
સિપ્લાએ ડીસીજીઆઈના 15 એપ્રિલ અને એક જૂને બહાર પાડવામાં આવેલા એ સર્ક્યુલરને ટાંક્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો અમેરિકા અને યુરોપમાં કોઈ વૅક્સિનને મંજૂરી મળેલી હોય તો એ વૅક્સિનને ભારતમાં વગર પરીક્ષણ ઉપયોગ માટે મંજૂરી આપી શકાય છે.
જમ્મુ બહાર મિલિટરિ એરિયામાં ફરી ત્રીજી વખત ડ્રૉન દેખાયા
ઍરફૉર્સ સ્ટેશનના ટેકનિકલ ઍરિયામાં વિસ્ફોટ થયો તે ડ્રૉનમાંથી બૉમ્બ ફેંકીને થયો હાવનું બહાર આવ્યું હતું.
જમ્મુમાં ઍરફૉર્સ સ્ટેશનમાં હુમલાની ઘટના પછી ફરીથી મિલિટરિ એરિયામાં ત્રીજી વખત ડ્રૉન જોવા મળ્યા છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ રત્નૂચક-કુંજવાનીમાં મળસ્કે અનુક્રમે 3.09 અને 4.19 વાગ્યે ડ્રૉન દેખાયા હતા.
ત્રીજી વખત ડ્રૉન જોવા મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ડ્રૉન દેખાયાના રિપોર્ટ્સ બાદ આખા ય વિસ્તારને બંધ કરી દેવાયો છે.
અત્રે નોંધવું કે બીજી વખત જ્યારે ડ્રૉન દેખાયા હતા ત્યારે સુરક્ષાદળોએ ગોળીબાર પણ કર્યો હતો.
વારંવાર ડ્રૉન આ રીતે ત્યાં દેખાતા ફરીથી સ્થિતિ ગંભીર બની છે. ફરીથી સર્ચ ઑપરેશન પણ થઈ રહ્યા છે.
જોકે ત્રીજી વખત દેખાયેલા ડ્રૉન વિશે આર્મીએ પુષ્ટિ નથી કરી
નૈનીતાલ હાઈકોર્ટના 'સ્ટે' પછી ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા સ્થગિત કરી
આ વર્ષે અમરનાથા યાત્રા રદ કરાયા બાદ હવે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધી છે.
ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાન મૅનેજમેન્ટ બોર્ડ દ્વારા આ જાહેરાત કરાઈ છે. જેમાં કહેવાયું છે કે કોવિડ-19ના કારણે ચારધામ યાત્રા આગામી નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે.
અત્રે નોંધવું કે મર્યાદિત સંખ્યા સાથે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને મંજૂરી આપી હતી. અને તેમાં આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો હતો. પરંતુ નૈનીતાલ હાઈકોર્ટે રોક લગાવતા તેને સ્થગિત કરવામાં આવી છે.
જોકે ઑનલાઇન દર્શન-પૂજા માટે શ્રદ્ધાળુઓ બુકિંગ કરી શકશે. પરંતુ યાત્રા સ્થગિત કરાઈ છે.
મર્યાદિત સંખ્યા સાથે ચારધામ યાત્રાને મંજૂરી આપવાના ઉત્તરાખંડ સરકારના નિર્ણય પર સ્ટે મૂકતા હાઈકોર્ટે કહ્યું 'ફરી તબાહીને આમંત્રણ આપવા જેવું થશે'
વન નેશન વન રાશન કાર્ડ યોજના 31 જુલાઈ સુધીમાં લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
મંગળવારે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશમાં કહ્યું કે કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને પ્રવાસી શ્રમિકોના રજિસ્ટ્રેશન માટે એનઆઈસીના સહયોગથી એક પોર્ટલ એટલે કે વેબસાઇટ શરૂ કરે.
અદાલતે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય 31 જુલાઈ 2021 પહેલાં બધા મજૂરોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, "રાજ્યને 31 જુલાઈ 2021 અથવા તેની પહેલા પ્રવાસી શ્રમિકોને રાશનના વિતરણ માટે યોજના લાગુ કરવાની છે. આ યોજના જ્યાં સુધી મહામારી છે ત્યાં સુધી લાગુ રહેશે."
સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે વન નેશન વન રાશન કાર્ડ યોજના બધા રાજ્યોમાં લાગુ કરાશે.
અદાલતે એવું પણ કહ્યું કે સરકાર આંતરરાજ્ય પ્રવાસી કામદાર અધિનિયમ 1979 હેઠળ બધા સંસ્થાનો અને ઠેકેદારોનું રજિસ્ટ્રેશન કરે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય સરકારો એ સ્થળોએ કમ્યુનિટી કિચન સ્થાપિત કરે જ્યાં મજૂરોની સંખ્યા વધારે છે. શ્રમિકો માટેની ભોજનની વ્યવસ્થા, મહામારી ખતમ થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે.
ભારતે ચીન પાસેની સરહદે વધુ 50 હજાર સૈનિકો કેમ તહેનાત કર્યા?
ભારતે ચીન સરહદે વધુ 50 હજાર સૈનિકો તહેનાતી માટે મોકલ્યા હોવાના અહેવાલ છે.
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના રિપોર્ટ મુજબ ચીન સાથે ગલવાન મામલેની વાટાઘાટોની મડાગાંઠ વચ્ચે ભારતે આ ઐતિહાસિક પગલું ભર્યું છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે આ વધારાના દળની મદદથી ભારતને જો જરૂર પડે તો ચીન તરફની જગ્યા કબજામાં લેવા અને હુમલો કરવામાં બળ મળશે. વ્યૂહાત્મક રીતે ભારતને આક્રમક બચાવ માટે સજ્જ કરાયું છે.
ઉત્તરી સરહદે હાલ ભારતના 2 લાખ સૈનિકો તહેનાત છે. વળી મોદી સરકારે તાજેતરના મહિનાઓમાં ચીનની સરહદ પાસે ત્રણ યુદ્ધ વિમાનો પણ તહેનાત કર્યાં છે.
અત્રે એ પણ નોંધવું કે સરંક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ લદ્દાખની અને કાશ્મીરની મુલાકાતે હતા. તેમણે ત્યાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ટ્વિટરને મળતું કાનૂની રક્ષણ હવે નહીં મળે?
કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
દરમિયાન 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી કાનૂન હેઠળ ટ્વિટરને જે ઇન્ટરમિડિઅરી તરીકે એક કાનૂની રક્ષણ મળે છે તે હવે તેને ન મળવું જોઈએ એવો સરકારનો નિષ્કર્ષ છે.
સોશિયલ મીડિયા કંપનીઓને થર્ડ પાર્ટી કૉન્ટેન્ટ સામે કાર્યવાહી મામલે કાનૂની રક્ષણ મળતું હોય છે. આથી એના પરની સામગ્રી બદલ યૂઝર જવાબદાર ગણાય છે. ટ્વિટર જવાબદાર નથી ગણાતું. પણ હવે ટ્વિટરનો ઇન્ટરમિડિઅરી તરીકેનો દરજ્જો સરકાર દૂર કરી રહી હોવાના અહેવાલ છે.
જેથી ટ્વિટરને આઈટીના નિયમ હેઠળ મળતું રક્ષણ નહીં મળે. નિષ્ણાતોનું માનવું છે કે આ ખૂબ જ ગંભીર પગલું છે.
અહેવાલમાં કહેવાયું છે કે આઈટી મંત્રાલય અને સરકારના અન્ય મંત્રાલયોનો નિષ્કર્ષ છે કે ટ્વિટરને મળતો એ દરજ્જો અને રક્ષણ માટે ટ્વિટર લાયક નથી.
ડેલ્ટા પ્લસ રસીની અસર ઘટાડે છે એવા કોઈ પુરાવા નથી - વી. કે. પોલ
રાજસ્થાનમાં કોવિડની રસીના બંને ડોઝ લીધા પછી પણ મહિલાને કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસનો ચેપ લાગ્યો હતો. જેથી રસીની અસરકારતા મામલે ચર્ચા છેડાઈ છે.
'એનડીટીવી'ના અહેવાલ મુજબ સરકારની કોવિડ ટાસ્ક ફૉર્સના વડા વી. કે. પોલે કહ્યું કે રસી ડેલ્ટા પ્લસ સામે ઓછી અસર કરે છે અથવા તેની અસર ઘટી જાય છે એના આધાર માટેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
તેમણે એમ પણ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ છે. અને કોવિડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તો તેને રોકી પણ શકાય છે.
તેમણે ઉમેર્યું કે ડેલ્ટામાં મ્યુટેશન થઈ ડેલ્ટા પ્લસનો નવો વેરિયન્ટ આવ્યો છે. તેના વિશે હજુ વધારે માહિતીઓ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો