You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિલમ્બુર આયિશા : એ અભિનેત્રી જેમણે મુસ્લિમ હોવાના કારણે ગોળીઓ અને નફરતનો સામનો કર્યો
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિન્દી
વર્ષ હતું 1953નું. 18 વર્ષીય આયિશા સ્ટેજ પર પર્ફોમન્સ આપી રહ્યાં હતાં અને અચાનક એક ગોળી તેમની બાજુમાંથી નીકળી ગઈ.
હાલ કેરળમાં મલપ્પુરમમાં આવેલા નિલમ્બુર શહેરમાં રહેતાં 87 વર્ષીય આયિશા કહે છે, "હું તે સમયે સંવાદ બોલી રહી હોવાથી સ્ટેજ પર ફરી રહી હતી. જેના કારણે ગોળી મારી બાજુમાંથી નીકળીને પડદાને લાગી હતી."
તેઓ નિલમ્બુર શહેરનાં વતની હોવાથી તેઓ સ્ટેજ પર આ નામથી ઓળખાતાં હતાં.
આવો પ્રયાસ માત્ર એક વખત થયો ન હતો. અનેક વખત મુસ્લિમ મહિલાઓ અભિનય ન કરી શકે તેવું માનનારા ઘણા લોકોએ તેમના પર હુમલો કર્યો છે.
જોકે, તેમણે પથ્થરો, લાકડીઓ અને થપ્પડોનો સામનો કરીને અભિનય ચાલુ રાખ્યો. તેઓ કહે છે, "સમય જતાં અમે લોકોનાં દૃષ્ટિકોણને બદલવામાં સફળ રહ્યાં."
ગયા મહિને તેઓ ચર્ચામાં હતાં. જ્યારે કેરળમાં કેટલાક વિદ્યાર્થીઓએ તેમના એ જ નાટકનું નવું વર્ઝન રજૂ કર્યું હતું જેને ભજવતી વખતે તેમના પર ગોળી ચલાવવામાં આવી હતી.
આ નાટકનું નામ હતું, 'ઈજ્જુ નલ્લોરુ મનસનકન નોક્કુ.' જેનો અર્થ થાય છે તમે સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરો.
નાટકના નવા વર્ઝનની શરૂઆત આયિશા પર થયેલ હુમલાથી થાય છે અને ત્યાર બાદ જૂના વર્ઝનની જેમ મુસ્લિમોમાં ધાર્મિક રૂઢિચુસ્તપણા પર નિશાન સાધે છે. જોકે, હાલના વર્ઝનમાં અસહિષ્ણુતા અને ધાર્મિક કટ્ટરતાની તાજેતરની કેટલીક ઘટનાઓને સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ પર થયેલા અત્યાચારની ઘટનાઓ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં જ એક કેરળમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થિની સ્ટેજ પર ઍવૉર્ડ લેવા જતાં એક સિનિયર મુસ્લિમ નેતાએ આયોજકોને ઠપકો આપ્યો હતો. જેના કારણે વિવાદ ઊભો થયો હતો.
2014માં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી ત્યારથી ભારતમાં સૌથી મોટા લઘુમતિ સમુદાય મુસ્લિમો પર હુમલાની ઘટના વધી છે.
તેની સામે લઘુમતિ સમુદાય પણ એક રાજકીય મંથનમાંથી પસાર થઈ રહ્યો છે. જે ધાર્મિક ઓળખને આગળ વધારવાના નામે કેટલીક વખત રૂઢિચુસ્ત પ્રથાઓ અને નિવેદનોનો સામે આવતાં રહે છે.
આયિશાને ચિંતા છે કે 50 અને 60ના દાયકામાં તેઓ અને તેમના સાથી કલાકારોએ દેશમાંથી જે રૂઢિચુસ્તપણાને દૂર કરવા માટે મહેનત કરી હતી, દેશમાં હવે ફરીથી એવી જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. કેરળ જેવા સૌથી પ્રોગ્રેસિવ ગણાતા રાજ્યમાં પણ.
તેઓ જણાવે છે, "અમે લોકોનાં વલણને બદલવાનો પ્રયત્ન કર્યો પણ હવે જ્યારે એક યુવાન છોકરીને સ્ટેજ પર જવા દેવાને લઈને પણ વાંધો પડતો હોય તો એમ લાગે છે કે આપણે પાછા એ ભયાવહ દિવસોમાં પહોંચી ગયાં છીએ."
બધી શરૂઆત એક ગ્રામોફોનથી થઈ
આયિશાનો જન્મ એક ધનાઢ્ય પરિવારમાં થયો હતો. જોકે, પિતાના અવસાન બાદ ધીરેધીરે તેમની આર્થિક પરિસ્થિતિ કથળવા લાગી હતી. તેમના કહેવા પ્રમાણે, ખરાબ હાલતમાં ગુજરાન ચલાવવા માટે સમાજના લોકો અને નેતાઓ દ્વારા થોડીઘણી મદદ મળી હતી.
જીવન થોડું અઘરું હતું પણ તેઓ ઘરે હોવાથી તેઓ ખુશ હતાં, પરંતુ આ ખુશી વધારે સમય માટે રહી ન હતી. 14 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન એક 47 વર્ષીય પુરુષ સાથે કરાવી દેવામાં આવ્યાં હતાં પણ તેમણે ગણતરીના દિવસોમાં જ આ લગ્ન પૂરાં કરવાનો નિર્ણય લઈ લીધો.
નિર્ણય લીધા બાદ અને છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન તેમને જાણ થઈ કે તેઓ પ્રૅગનન્ટ છે. તેમ છતાં તેમણે પોતાનો નિર્ણય દૃઢ રાખ્યો અને છૂટાછેડા લઈ લીધા.
તેમના પિતાના અવસાન બાદ ઘરમાં માત્ર એક મોંઘી એવી વસ્તુ બચી હતી. જે હતી ગ્રામોફોન. એક દિવસે ઘરે ગ્રામોફોન પર વાગી રહેલા ગીતની સાથેસાથે તેઓ ગાઈ રહ્યાં હતાં અને તેમનો ભાઈ અને તેમનો મિત્ર ઈકે અયામુ ત્યાં આવી પહોંચ્યા. ઈકે અયામુ એ સારા એવા નાટ્યકાર હતા.
તે સમયે કૉમ્યુનિસ્ટોના પીઠબળથી કેટલાંક પ્રોગ્રેસિવ થિયેટર ગ્રૂપો રાજ્યભરમાં પૉલિટિકલ ડ્રામા, ગીતો અને અન્ય વિવિધ પ્રકારની કળા પ્રદર્શિત કરી રહ્યાં હતાં. જેનાથી ઘણાં નાના ગ્રૂપોને પણ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું.
તે સમયે ડ્રામામાં મહિલાઓનાં પાત્ર પણ પુરુષો જ ભજવતા હતા.
જ્યારે ઈએમએસ નમ્બૂદ્રિપાદ 1957માં કેરળના પ્રથમ કૉમ્યુનિસ્ટ મુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમણે ઈકે અયામુને નાટકોમાં મહિલાઓનું પાત્ર ભજવવા માટે મહિલાઓની પસંદગી કરવાનું સૂચન આપ્યું હતું.
અયામુએ જ્યારે આયિશાને ગીત ગાતાં સાંભળ્યાં ત્યારે નાટકમાં અતિ મહત્ત્વનું એવું જમીલાનું પાત્ર ભજવવા ઑફર કરી.
આયિશા આ પાત્ર ભજવવા તૈયાર હતાં પણ તેમનાં માતાએ ચિંતા હતી કે જો તેમ થશે તો તેમને ધાર્મિક નેતાઓ દ્વારા બહિષ્કૃત કરવામાં આવશે.
આયિશા કહે છે, "મેં માતાને કહ્યું કે જ્યારે આપણે તકલીફમાં હતાં ત્યારે કોઈ ન આવ્યું. તો હવે એ લોકો કઈ રીતે સજા આપી શકે?"
નાટક સફળ રહ્યું પણ તેની સાથે કેટલાક વિવાદ પણ ઊભા થયા.
તે નાટકમાં આયિશાના પિતાનું પાત્ર ભજવનારા વીટી ગોપાલાક્રિશ્નન કહે છે, "અમારા પર ઘણા હુમલા થયા. રૂઢિચુસ્ત મુસ્લિમો એ વાત સાંખી ન શક્યા કે તેમના સમાજની એક યુવતી કઈ રીતે સ્ટેજ પર જઈ શકે."
આયિશા જ્યારે પણ સ્ટેજ પર જાય ત્યારે લોકો તેમના પર પથ્થર ફેંકતા અને જ્યારે તેમના સાથી કલાકારો તેમને બચાવવાનો પ્રયત્ન કરે તો તેમને પણ માર પડતો.
એક વખત એક પુરુષ સ્ટેજ પર ચઢી આવ્યા હતા અને તેમણે આયિશાને જોરદાર તમાચો માર્યો હતો. એ તમાચાના કારણે આયિશાને બહેરાશ આવી ગઈ હતી. જે હાલમાં પણ છે. તેમના પર ગોળી ચલાવનારાને અત્યાર સુધી પકડી શકાયા નથી.
શું આ હુમલાથી તેઓ ડરી ગયાં?
આયિશા કહે છે, "ના, આ હુમલાથી મારું મનોબળ વધ્યું હતું."
તેઓ જણાવે છે, "તે એક સારું નાટક હતું જેમાં લોકોમાંથી સારી બાબત બહાર લાવવી અને તેમના ભૂતકાળને જતો કરીને તેમને પ્રેમ કરવાનું દર્શાવવામાં આવ્યું છે. કદાચ આ કારણથી જ અમારા ગ્રુપ પર અનેક વખત હુમલા થયા હશે."
કેરળના સિનિયર પત્રકાર જ્હૉની ઓકેના જણાવ્યા પ્રમાણે આયિશાનાં જુસ્સા અને હિંમતે તેમને કેરળના ઇતિહાસમાં એક આગવું સ્થાન અપાવ્યું છે.
તેઓ કહે છે, "તેઓ કલા અને સંસ્કૃતિ દ્વારા ચલાવાયેલી સામાજિક સુધારણા ચળવળનો ભાગ હતાં."
આયિશાએ ઘણી ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું છે પણ થોડા સમય બાદ તેઓ પાછાં હઠતાં ગયાં અને બાદમાં સાઉદી અરેબિયા કામ કરવા માટે ગયાં.
ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે મલયાલમ ભાષાની ફિલ્મો અને નાટકોમાં ફરી વખત અભિનય શરૂ કર્યો અને પોતાના પ્રદર્શનને લઈને ઘણા ઍવૉર્ડ પણ મેળવી ચૂક્યાં છે.
પોતાના જીવન વિશે વાત કરતાં તેઓ કહે છે કે તેમને કોઈ દુખ નથી. તેઓ કહે છે, "મેં શારીરિક કે શાબ્દિક હુમલા હોય, બધાયનો દૃઢતાથી સામનો કર્યો. આજે 87 વર્ષની ઉંમરે હું દુનિયા સામે ગર્વભેર ઊભી રહી શકું છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો