મોદી-યોગીની મુલાકાત વખતે કાનપુરમાં હિંસા કેમ ફાટી નીકળી?

પૂર્વ મુખ્ય મંત્રી અને બહુજન સમાજ પાર્ટીનાં વડાં માયાવતીએ શુક્રવારે કાનપુરમાં ફાટી નીકળેલી હિંસાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

માયાવતીએ ટ્વીટ કર્યું, "રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની યુપી મુલાકાત દરમિયાન કાનપુરમાં રમખાણો અને હિંસા ખૂબ જ દુઃખદ, દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક છે અને પોલીસ, ગુપ્તચરતંત્રની નિષ્ફળતા છે. સરકારે સમજવું પડશે કે શાંતિ વ્યવસ્થાના અભાવમાં રાજ્યમાં રોકાણ અને વિકાસ કેવી રીતે શક્ય છે?"

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, "સરકાર ધર્મ, જાતિ અને પક્ષના રાજકારણથી ઉપર ઊઠીને સ્વતંત્ર અને નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ કરીને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. સાથે જ હું લોકોને શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉશ્કેરણીજનક ભાષણોથી દૂર રહેવાની અપીલ કરું છું.

આ પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આ ઘટના પર ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું, "મહામહીમ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને મુખ્ય મંત્રી શહેરમાં હોવા છતાં પોલીસ અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતાના કારણે ભાજપનાં પ્રવક્તા નુપુર શર્મા દ્વારા આપવામાં આવેલ ઉશ્કેરણીજનક નિવેદનોથી કાનપુરમાં અશાંતિ સર્જાઈ છે તે બદલ ભાજપનાં નેતાની ધરપકડ થવી જોઈએ. અમારી બધાને શાંતિ જાળવવાની અપીલ છે."

કાનપુરના બેકનગંજ વિસ્તારમાં શુક્રવારની નમાજ બાદ બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે.

વહીવટી તંત્રનું કહેવું છે કે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકો સામે ગૅંગસ્ટર અને એનએસએ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

કાનપુરમાં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને મુખ્ય મંત્રીની હાજરી વચ્ચે હિંસા

શુક્રવારે જ્યારે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને મુખ્ય મંત્રી કાનપુર દેહાતમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા, તે જ સમયે કાનપુરના બેકનગંજ વિસ્તારમાં શુક્રવારની નમાજ બાદ બે સમુદાયો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી.

તણાવપૂર્ણ પરિસ્થિતિને પગલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કાનપુર જિલ્લા કલેક્ટર નેહા શર્માએ ઘટનાસ્થળે પહોંચીને મીડિયાને જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો, ત્યાર બાદ પોલીસ અને પ્રશાસને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે આ એક આયોજનપૂર્વકની ઘટના હતી કે અચાનક બની હતી, તે વિશે અત્યારે કશું કહી શકાય નહીં, પરંતુ લોકોની પૂછપરછ ચાલી રહી છે.

કાનપુર પોલીસ કમિશનર વિજય શંકર મીણાએ બીબીસીને જણાવ્યું કે આ સંબંધમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે ગૅંગસ્ટર ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના અંગે અધિક પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું હતું કે, "કાનપુરના નાઈ રોડ વિસ્તારમાં શુક્રવારની નમાજ બાદ કેટલાક લોકોએ ત્યાંની દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો સામેના પક્ષના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી અને પથ્થરમારાની ઘટના બની હતી. આ માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. જરૂરી બળપ્રયોગ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી."

સંપત્તિ જપ્ત કરાશે

બીબીસી સંવાદદાતા અનંત ઝણાણે સાથે વાત કરતાં કાનપુરના કમિશનર વિજય મીણાએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં અમે 18 લોકોની ધરપકડ કરી છે અને ઘણા લોકોની ઓળખ થઈ ગઈ છે અને હજુ ઓળખપ્રક્રિયા ચાલુ છે. આ લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે."

ન્યૂઝ એજન્સી એનએનઆઈ સાથે વાત કરતાં વિજયસિંહ મીણાએ જણાવ્યું હતું કે "અમે સુરક્ષાકર્મીઓને સંક્ષિપ્તમાં જણાવ્યું હતું કે દરેકે સતર્ક અને સાવધાનીપૂર્વક ફરજ બજાવવી જોઈએ. અમે રૂટ પર માર્ચ પેટ્રોલિંગ પણ કરી રહ્યા છીએ જેથી સામાન્ય લોકોમાં વિશ્વાસ વધે. પૂરતું પોલીસ બળ તહેનાત છે. કોઈ સમસ્યા નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો