You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Hyderabad Gang rape : કારમાં સગીરા પર કથિત બળાત્કાર, પોલીસને જણાવી આપવીતી
- લેેખક, સુરેખા અબ્બુરી, બાલા સતીશ
- પદ, બીબીસી તેલુગુ
હૈદરાબાદમાં એક સગીરા સાથે ગૅંગરેપનો કેસ નોંધાયો છે. હૈદરાબાદ પોલીસે ત્રીજી જૂને આ અંગે મીડિયાને માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે કથિત ગૅંગરેપનો આ કેસ 28મી મેનો છે. જેમાં પાંચ આરોપીઓએ સગીર કન્યા પર ગાડીમાં ગૅંગરેપ કર્યો હતો.
પોલીસે કહ્યું કે આ પાંચ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે અને એમાંથી ત્રણ સગીર છે, જ્યારે બે પુખ્ત વયના છે.
પોલીસે 18 વર્ષીય એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક સગીર વયના આરોપીની ધરપકડ કરી છે.
એક આરોપીની પોલીસ શનિવારે અટકાયત કરશે, પોલીસ અન્ય આરોપીઓને શોધી રહી છે.
પોલીસે બાંયધરી આપી છે કે આગામી 48 કલાકમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી લેશે.
સગીરાએ પોલીસને શું કહ્યું?
સગીરાના નિવેદન અને પ્રાથમિક માહિતીના આધારે પોલીસ કહે છે કે આરોપીઓએ નશો નહોતો કર્યો.
પોલીસે કહ્યું કે 28 મેની રાત્રે સગીરાના કેટલાક મિત્રોએ જ્યુબલી હિલ્સમાં 'એમ્નેશિયા ઍન્ડ ઇન્સોમેનિયા' નામના એક પબમાં પાર્ટી આપી હતી.
સગીરા આ પાર્ટીમાં સામેલ થવા માટે ગયાં હતાં. ક્લબ દ્વારા દાવો કરાયો છે કે આ નૉન-આલ્કોહૉલિક (એવી પાર્ટી જેમાં શરાબની વ્યવસ્થા ન હોય) પાર્ટી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાંજે અંદાજે પાંચેક વાગ્યે સગીરા અને આરોપીઓનું ગ્રૂપ પબમાંથી બહાર આવ્યાં હતાં. આ ગ્રૂપના યુવકે સગીરાને ઘર સુધી છોડવાની ઑફર આપી હતી.
એ બાદ સગીરા આરોપીઓ સાથે તેમની કારમાં પેસ્ટ્રીની દુકાનમાં પણ ગઈ હતી. જે બાદ આરોપીઓ સગીરાને એક જગ્યાએ લઈ ગયા, જ્યાં સગીરા સાથે ગાડીમાં જ ગૅંગરેપ કર્યો.
સગીરાની આપવીતી
પોલીસના જણાવ્યા પ્રમાણે સગીરાના પિતાએ 31 મેની રાત્રે જ્યુબલી હિલ્સ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.
તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે સગીરા સાથે છેડતી અને મારકૂટ થઈ છે. તેમણે જણાવ્યું કે ઘટના બાદ સગીરા આઘાતમાં સરી પડી છે અને એ એવી સ્થિતિમાં જ નથી કે ઘટના અંગે વધારે માહિતી આપી શકે.
ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 354, 323 અનો પોક્સો અધિનિયમની સેક્શન 9, 10 હેઠળ એફઆઈઆર નોંધી લીધી હતી.
પોલીસે સગીરાને 'ભરોસા' નામના હેલ્પ-સેન્ટરમાં મોકલી હતી, જ્યાં 'પીડિતાઓનું કાઉન્સેલિંગ' કરવામાં આવે છે.
કાઉન્સેલિંગમાં થયો ખુલાસો
હૈદરાબાદના પશ્ચિમ ઝોનના ડીસીપી જોએલ ડેવિસે જણાવ્યું કે સગીરાએ કાઉન્સેલિંગ દરમિયાન આપવીતી વર્ણવી હતી.
સગીરાએ જણાવ્યું કે તેમનું જાતીય શોષણ થયું છે. જ્યારે આરોપીઓ વિશે પૂછ્યું, તો જાણ થઈ કે સગીરાને એક જ આરોપીનું નામ યાદ હતું.
સગીરા પાસેથી મળેલી માહિતી, સીસીટીવી ફૂટેજ અને કૉલ ડેટાના આધારે અન્ય ચાર આરોપીઓની ઓળખ પણ પોલીસે કરી લીધી હતી.
સગીરાના નિવેદનના આધારે એફઆઈઆરમાં પોલીસે 'સામૂહિક બળાત્કાર'નો ઉલ્લેખ કર્યો અને તેમાં આઈપીસીની કલમ 376ડીને પણ ઉમેરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો