You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આરએસએસના વાર્ષિક સંમેલનમાં મહમદઅલી ઝીણાની તસવીર કેમ હઠાવવી પડી?
અમદાવાદના પિરાણા ખાતે યોજાઈ રહેલા આરએસએસના વાર્ષિક સંમેલન દરમિયાન રાખવામાં આવેલી પ્રદર્શનીમાં ગુજરાતના નામાંકિત લોકોની યાદીમાં મહમદઅલી ઝીણાની તસવીર રાખવામાં આવી હતી. જે પ્રદર્શન શરૂ થયું ત્યાં સુધીમાં ત્યાંથી હઠી ગઈ હતી.
અમદાવાદમાં શુક્રવારથી ત્રણ દિવસ માટે 'અખિલ ભારતીય પ્રતિનિધિસભા'નું આયોજન કરવામાં આવ્યું છે.
સભાસ્થળ પર રાખવામાં આવેલી એક પ્રદર્શનીમાં જુદાજુદા ક્ષેત્રોમાં નામના મેળવનારા 200 જેટલા ગુજરાતીઓની તસવીરો રાખવામાં આવી છે.
આ ખ્યાતનામ લોકોમાં વિક્રમ સારાભાઈ, અઝીમ પ્રેમજી, વિનુ માંકડ, પરવીન બાબી, સંજીવ કુમાર અને ડિમ્પલ કાપડિયાનો પણ સમાવેશ થાય છે.
જોકે, આ 200 જેટલા નામાંકિત લોકોમાં એક નામ એવું હતું, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એ નામ હતું મહમદઅલી ઝીણાનું.
મહમદઅલી ઝીણાનો પરિવાર મૂળ રાજકોટના મોટી પાનેલી ગામનો વતની હતો. પ્રદર્શનીમાં નામ સાથે તેમના પરિચયમાં 'પહેલા ચુસ્ત રાષ્ટ્રભક્ત, પછીથી ભારતના ધર્મ આધારિત ભાગલા સર્જનાર બૅરિસ્ટર' લખવામાં આવ્યું હતું.
જોકે, સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝીણાની તસવીર રાખવામાં આવી હતી. તે એક દિવસ બાદ ત્યાંથી હઠાવી દેવામાં આવી હતી.
અમદાવાદમાં શું છે આરએસએસનો કાર્યક્રમ?
આરએસએસની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે અમદાવાદમાં 11થી 13 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા' યોજવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સભા અમદાવાદના પિરાણાસ્થિત શ્રીનિશ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે યોજાઈ રહી છે.
આ સભામાં આરએસએસના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે સહિત તમામ સહકાર્યવાહ સહિત લગભગ એક હજાર જેટલા કાર્યકર્તાઓ હાજર રહેશે.
અહેવાલો અનુસાર, ભાજપના કેટલાક ઉચ્ચ હોદ્દેદારો પણ આ સભામાં ભાગ લઈ રહ્યા છે.
આ સભામાં વીતેલા એક વર્ષ દરમિયાન સંઘ દ્વારા કરવામાં આવેલા કાર્યો અને આગામી વર્ષ દરમિયાન કરવાની કામગીરીની ચર્ચા અને રણનીતિ નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ દરમિયાન જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવેલા છે. તેમણે અમદાવાદ ખાતે એક મેગા રોડ શોમાં ભાગી લીધો અને જીએમડીસી ગ્રાઉન્ડમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી.
પ્રદર્શન ચાલુ થયું ત્યારે તસવીર ત્યાં નથી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતપ્રચાર પ્રમુખ વિજય ઠાકરના જણાવ્યા પ્રમાણે, આ ઘટના બે દિવસ પહેલાંની છે.
તેઓ કહે છે કે આ કાર્યક્રમની તૈયારી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. તે સમયે ગુજરાતમાં જન્મેલા એવા 200 નામાંકિત લોકોની યાદીમાં આ નામ અને તસવીર હતી.
જોકે, અત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને પ્રદર્શનમાં આ તસવીર ત્યાં નથી. તૈયારી સમયે તસવીર ત્યાં હતી. જે ધ્યાને આવતા બદલી નાખવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો