મહમદઅલી ઝીણા અને જવાહરલાલ નહેરુ વચ્ચે વિખવાદ કેમ વધ્યો હતો?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

મહમદઅલી ઝીણા અને જવાહરલાલ નહેરુ બંનેનું વ્યક્તિત્વ અંગ્રેજ પ્રકારનું હતું. બંને લંડન જઈને બૅરિસ્ટર બન્યા હતા. બંનેનો ઉછેર એવી રીતે થયો હતો કે પોતાની માતૃભાષા કરતાં બ્રિટિશ ઢબનું અંગ્રેજી બોલવામાં વધુ ફાવટ હતી.

ઝીણા નહેરુની માફક નાસ્તિક નહોતા, પણ ઇસ્લામમાં દારૂની મનાઈ હોવા છતાં રાત્રે એક બે પેગ લેવામાં ઝીણાને બહુ છોછ નહોતો.

બંને અભિમાની, હઠીલા અને વાત વાતમાં ખોટું લાગી જાય તેવા સ્વભાવના હતા.

બંનેને પ્રશંસકોથી ઘેરાયેલા રહેવાનું ગમતું, પણ આમ જુઓ તો બંને એકલવાયું જીવન વધારે જીવ્યા હતા.

જાણીતા પત્રકાર નિસીદ હજારી પોતાના પુસ્તક 'મિડનાઇટ્સ ફ્યુરીઝ, ધ ડેડલી લિગસી ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન'માં લખે છે, "સિત્તેરની ઉંમરના થવા આવેલા ઝીણા દૂબળાપાતળા અને નબળા હતા, જ્યારે નેહરુ સ્ફૂર્તિલા જણાતા હતા. રોજ સિગારેટના બે પૅકેટ ફૂંકી નાખનારા ઝીણાને જલદી હાંફ ચડી જતો હતો."

"ઝીણા છ ફૂટના હતા, પણ તેમનું વજન માત્ર 63 કિલો હતું. એક જમાનામાં તેમના વાળની સરખામણી પ્રખ્યાત અભિનેતા સર જેરલ્ડ ડુ મૉરિએ સાથે થઈ હતી, પરંતુ ચાલીસીમાં પ્રવેશ પછી થોડાં વર્ષોમાં માથાના વાળ સફેદ થઈ ગયા હતા."

"નહેરુના વાળ પણ અકાળે ખરવા લાગ્યા હતા અને તેમણે વધતી ટાલ છુપાવવા માટે ગાંધી ટોપી પહેરવાનું શરૂ કર્યું હતું."

નહેરુ અને ઝીણા વચ્ચેનો વિરોધાભાસ

ઝીણાના વ્યક્તિત્વમાં સહેજ પણ હૂંફ નહોતી.

એક સમયે ઝીણાના નિકટના મિત્ર રહેલાં સરોજિની નાયડુએ એક વખત તેમના વિશે એવું કહ્યું હતું કે, "ઝીણા એટલા ઠંડા હતા કે ક્યારેય તેમને મળતી વખતે ફર કોટ પહેરવાની જરૂર છે એવો અહેસાસ થાય."

એક આંખે ચશ્માં (મોનોકલ) પહેરનારા તરીકે જાણીતા થયેલા ઝીણાને લાંબી લાંબી ચર્ચાઓમાં મજા પડતી, જ્યારે નહેરુને લાંબી મંત્રણાઓમાં એટલો જ કંટાળો ચડતો.

ઝીણા પોતાના હરીફોની ખામીઓ શોધી કાઢે અને તેનો ઉપયોગ કરીને તેમને નમાવવા મજબૂર કરે. માગણી થઈ હોય તેનાથી વધારે કંઈ ના મળતું હોય ત્યાં સુધી ક્યારેય કોઈ જાતની સુલેહ કે સમાધાન કરવા તૈયાર થાય નહીં.

ઝીણાએ એક વખત બ્રિટિશ લેખક બેવરલી નિકોલ્સને નહેરુ વિશે કહ્યું હતું કે, "આ જીવનમાં એવું કશું નથી જે અમને બંનેને જોડી શકે. અમારાં નામ, અમારાં કપડાં, અમારું ભોજન બધું એકબીજાથી ભિન્ન છે."

"અમારું આર્થિક જીવન, અમારા શૈક્ષણિક વિચારો, સ્ત્રીઓ અને પ્રાણીઓ પ્રત્યેનું વલણ એ બધી બાબતમાં અમે એકબીજાને પડકારતા રહીએ છીએ."

ઝીણા સામે નહેરુનો સૈદ્ધાંતિક વિરોધ

પાકિસ્તાન બનાવવાનું સપનું અન્ય વ્યક્તિએ જોયું હતું, પણ પાકિસ્તાન સાથે હંમેશ માટે ઝીણાનું નામ જોડાયેલું જોવા મળે છે.

મુસ્લિમ લીગના નેતા તરીકે મહમદઅલી ઝીણાએ મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની શક્યતા વિશે વિચારવાનું શરૂ કર્યું, ત્યારથી જવાહરલાલ નહેરુ તેમના સૈદ્ધાંતિક દુશ્મન બની ગયા હતા.

મુસ્લિમો અને હિન્દુઓ એકબીજાથી અલગ છે તેવા વિચારનો નહેરુએ હંમેશાં વિરોધ કર્યો હતો. તેમના માટે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી હળીમળીને રહે એ જ ભારતની સાચી ઓળખ હતી.

તેઓ ભારતને અમેરિકા જેવો દેશ ગણતા હતા, જ્યાં જુદીજુદી સંસ્કૃતિને આત્મસાત્ કરવાની અનોખી ક્ષમતા હોય.

કોઈ આધુનિક દેશ ધર્મ પર આધારિત હોઈ શકે તેવા સિદ્ધાંતની વિરુદ્ધમાં નહેરુ હતા. તેઓ આવા વિચારને મધ્યયુગી માનતા હતા.

નિસીદ હજારી લખે છે, "નહેરુના મતે આ એક મોટી વક્રોક્તિ હતી કે જેમને મુસ્લિમ મુદ્દાઓ સાથે દૂરથીય નાતો નહોતો, જેમનું ક્યારેય દમન નહોતું થયું, તે લોકો મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની હિમાયત કરી રહ્યા હતા."

એકબીજા સામે શબ્દબાણ

નહેરુ અને ઝીણા વચ્ચે 30 વર્ષ લાંબો પરિચય હતો, પરંતુ 40ના દાયકામાં પ્રવેશ સાથે બંને એકબીજાથી દૂર થવા લાગ્યા, એટલું જ નહીં, બંને વચ્ચે વ્યક્તિગત વૈમનસ્ય જાગવા લાગ્યું.

ભારત છોડો આંદોલન પછી જેલવાસ થયો તે દરમિયાન નહેરુએ પોતાની જેલ ડાયરીમાં લખ્યું હતું, "મુસ્લિમ લીગના આ નેતા સભ્ય દિમાગની ગેરહાજરીનું જીવતું જાગતું ઉદાહરણ છે."

નહેરુના આ અભિપ્રાય સામે ઝીણાએ એટલી જ કડક ભાષામાં જવાબ આપેલો.

એક ભાષણમાં ઝીણાએ કહ્યું, "ભારતની આધ્યાત્મિક એકતા અને બધી કોમો વચ્ચે ભાઈચારા વિશેના આ યુવાન નેતાના વિચારમાં મૂળભૂત ગરબડ છે. નેહરુ પીટર પેન જેવા છે, જે નથી નવું કંઈ શીખતા કે નથી જૂનું કંઈ છોડી દેતા."

ઝીણાનાં ભાષણ પર નહેરુની તીવ્ર પ્રતિક્રિયા

1937ની ચૂંટણીમાં મુસ્લિમ લીગને મુસલમાનોના પાંચ ટકાથી પણ ઓછા મતો મળ્યા. આમ છતાં, મુસ્લિમ લીગ મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ છે એવી વાતો ઝીણા કરતા રહ્યા હતા. નહેરુએ શરૂઆતમાં તેને ગંભીરતાથી લીધી ન હતી.

નહેરુએ ઝીણા સાથે પત્રવ્યવહાર કર્યો હતો પરંતુ જ્યારે એક પત્રમાં ઝીણાએ નહેરુને જણાવ્યું કે, "તમને મારા વિચારો સમજાવવા હવે મારા માટે મુશ્કેલ બની રહ્યું છે."

નહેરુએ ઝીણાને પત્રો લખવાનું જ બંધ કરી દીધું. આઝાદીનાં ચાર વર્ષ પહેલાં 1943 સુધીમાં નહેરુ ઝીણાથી એટલા કંટાળી ગયા હતા કે તેમને તેમનું પાકિસ્તાન આપવા માટે તૈયાર થઈ ગયા હતા.

નહેરુએ પોતાની જેલ ડાયરીમાં લખ્યું હતું કે, "ઝીણાને તેમનો નાનો દેશ ચલાવવા આપી દેવાનો ફાયદો એ થશે કે તેઓ ભારતના વિકાસમાં ઓછાં રોડાં નાખી શકશે."

નહેરુએ ત્યાં સુધી હજી જાહેરમાં પાકિસ્તાનની માગણી સ્વીકારી નહોતી.

1944માં મુસ્લિમ લીગના સંમેલનમાં ઝીણાએ ત્રણ કલાક લાંબું ભાષણ આપ્યું ત્યારે નહેરુએ પોતાની જેલ ડાયરીમાં લખ્યું, "ઝીણાએ કેવું બકવાસ, અશિષ્ટ, ભડકાઉ અને અહંકારી ભાષણ આપ્યું! ભારતનું અને અહીંના મુસ્લિમોનું આ કેટલું મોટું દુર્ભાગ્ય કે આ માણસની આટલી બધી અસર પડે છે. મારી દૃષ્ટિએ તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને હિન્દુ-મુસ્લિમ વચ્ચેની હલકી કોમી લડાઈમાં ફેરવી નાખ્યો છે."

કૉંગ્રેસ પર ઝીણાના પ્રહારોથી બ્રિટિશરો ખુશખુશાલ

ઝીણા-નહેરુ સંઘર્ષનું બહુ વિગતવાર વર્ણન જાણીતા પત્રકાર દુર્ગા દાસે પોતાના પુસ્તક 'ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નહેરુ ઍન્ડ આફટર'માં આપ્યું છે.

દુર્ગા દાસ લખે છે, "વર્ષ 1938માં લીગના પ્રમુખપદેથી આપેલા ભાષણમાં ઝીણાએ નહેરુની એ વિચારસરણીને પડકારી હતી કે અત્યારે ભારતમાં બે જ શક્તિઓ છે - અંગ્રેજો અને કૉંગ્રેસ. ઝીણાએ તેનો વિરોધ કરતાં કહ્યું કે ભારતમાં ચાર શક્તિ છે - બ્રિટિશરાજ, રજવાડાં, હિન્દુ અને મુસ્લિમ."

"તેમણે કૉંગ્રેસને ફાસીવાદી સંગઠન ગણાવ્યું. મેં જોયું કે અંગ્રેજો તેમના સૌથી મોટા દુશ્મન (કૉંગ્રેસ) પર આવા પ્રહારોથી ખુશ થયા છે."

"મેં ઝીણાને કહ્યું કે આનાથી ગાંધીજી મુશ્કેલીમાં મુકાશે અને તેમની તરફ કૉંગ્રેસનું વલણ સખત થઈ જશે. ઝીણાએ જવાબમાં કહ્યું - દુર્ગા, ગાંધી આ ભાષા જ સમજે છે."

બાકસ જેટલું પાકિસ્તાન મળે તો પણ સ્વીકાર્ય

આઝાદી પૂર્વે લંડનમાં મંત્રણાઓ થઈ ત્યારે ઝીણાએ નહેરુનું અપમાન કરવાની એક પણ તક ગુમાવી નહોતી. શીખ નેતા બલદેવસિંહને પોતાની બાજુ લેવા માટે પણ તેમણે પ્રયત્નો કર્યા હતા.

બાદમાં એસ. ગોપાલે જવાહરલાલ નહેરુના જીવનચરિત્રમાં લખ્યું હતું, "વર્ષો પછી બલદેવસિંહે યાદ કર્યું કે ઝીણાએ પોતાની સામે ટેબલ પર પડેલું માચિસનું બૉક્સ બતાવીને કહેલું કે જો મને આવડુંક પાકિસ્તાન મળી જાય તો પણ સ્વીકારીશ લઈશ."

ઝીણાએ કહ્યું હતું કે, "જો તમે શીખોને મુસ્લિમ લીગમાં જોડાવા માટે મનાવી શકો તો આપણી પાસે ઉત્તમ પાકિસ્તાન હશે, જેના દરવાજા દિલ્હીમાં ખૂલશે."

વચગાળાની સરકારમાં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેનો સમાવેશ

ભારત ખાતેના બ્રિટનના વાઇસરૉય લૉર્ડ વેવેલને આશા હતી કે જો નહેરુ અને ઝીણા સંયુક્ત સરકારમાં થોડા મહિનાઓ સાથે કામ કરશે તો તેમની વચ્ચે એક પ્રકારની સમજૂતી ઊભી થઈ શકશે.

આ વાતને ધ્યાનમાં રાખીને વેવેલે વચગાળાની સરકારમાં નહેરુની આગેવાનીમાં છ કૉંગ્રેસીઓ, પાંચ મુસ્લિમ લીગી સભ્યો અને ત્રણ લઘુમતી જૂથોના પ્રતિનિધિઓને મૂક્યા હતા.

બીજા શબ્દોમાં કહીએ તો તેઓ એવો સંદેશ આપવા માગતા હતા કે નહેરુ અને ઝીણા મતભેદોને કેટલી હદે હઠાવી શકે છે કે તેના પર ભારતની આઝાદીનો નિર્ણય આધારિત છે.

આ ભાવનાને ધ્યાનમાં રાખીને જ નહેરુએ 15 ઑગસ્ટ, 1946ના રોજ ઝીણાને પત્ર લખીને મુંબઈમાં મુલાકાત માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે વેવેલે પહેલેથી જ નહેરુને ચેતવણી આપી હતી કે ઝીણા પાસેથી કોઈ સકારાત્મક જવાબની અપેક્ષા ના રાખશો.

થયું પણ એવું જ. ઝીણાએ નહેરુને જવાબ આપ્યો કે, "મને ખબર નથી કે તમારી અને વાઇસરૉય વચ્ચે શું વાતચીત થઈ હતી. જો તમારી એવી અપેક્ષા હોય કે હું કૉંગ્રેસની આગેવાનીવાળી સરકારમાં કામ કરીશ, તો તમારા દિમાગમાંથી આ વિચાર કાઢી નાખજો."

અદ્દલ ઝીણાનો આ જવાબ હતો, અકડુ, મિજાજી અને જિદ્દી ઝીણાએ આ જવાબ નેહરુ કરતાંય પોતાના અનુયાયીઓને ધ્યાનમાં રાખીને આપ્યો હતો.

નહેરુએ ઝીણાને કેટલીક સ્પષ્ટતાઓ કરી અને 15 ઑગસ્ટે તેમને મળવા મુંબઈ પહોંચી ગયા, ત્યારે ઝીણાએ બીજો પત્ર લખ્યો, "તમે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે, જેની સાથે હું પૂરી રીતે સહમત નથી. તમે મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે, તો જો છ વાગ્યે આવશો તો મને આનંદ થશે."

નહેરુ અને ઝીણાની વાતચીત નિષ્ફળ

નહેરુ સાંજે 5.50 વાગ્યે જ ઝીણાના ઘરે પહોંચી ગયા. વકીલાતમાં સારી કમાણી કરીને ઝીણાએ મલબાર હિલ પર આરસનું આલિશાન ઘર બનાવ્યું હતું. પત્નીના મૃત્યુ પછી 17 વર્ષ બાદ ઝીણા તેમનાં બહેન ફાતિમા અને નોકરો સાથે આ ઘરમાં રહેતા હતા.

તે દિવસે બંને નેતાઓ વચ્ચે 80 મિનિટ સુધી વાતચીત ચાલી. લૉર્ડ વેવેલે પાછળથી પોતાની આત્મકથામાં લખ્યું, "ઝીણા વાતચીતમાં બહુ થાકેલા લાગતા હતા, હકીકતમાં, બેમાંથી કોઈની સમાધાન કરવાની ઇચ્છા નહોતી."

"ઝીણા પોતાનાથી જુનિયર અને યુવા નેહરુના હાથ નીચે કામ કરવા બિલકુલ તૈયાર નહોતા. કૉંગ્રેસ પોતાના ક્વૉટામાં કોઈ મુસ્લિમને પ્રધાન બનાવે તેવું પણ તેઓ ઇચ્છતા નહોતા."

બીજી બાજુ, નહેરુ પણ ઇચ્છતા નહોતા કે લીગના પ્રતિનિધિઓ સરકારમાં તેમના નેતૃત્વ સામે સવાલ ઉઠાવે અથવા અંગ્રેજો પાસેથી સંપૂર્ણ સ્વતંત્રતા માટેની તેમની ઝુંબેશને ધીમી કરે.

તેમણે લખ્યું, "કૉંગ્રેસના હાથ-પગને સાંકળથી બાંધી શકાય નહીં."

નહેરુની નજરમાં ઝીણા હંમેશાં નકારાત્મક

ભારતમાં વાઇસરૉય તરીકે આવેલા માઉન્ટબેટન પહેલેથી જ નહેરુથી પરિચિત હતા, કેમ કે તેમની વચ્ચે સિંગાપોરમાં મુલાકાત થઈ હતી.

માઉન્ટબેટને ભારતની સ્થિતિને સમજવા માટે નહેરુ પર મદાર રાખ્યો હતો. ઝીણા વિશે તેમનું આકલન શું એવી પૃચ્છા તેમણે કરી હતી.

કેંમ્બેલ જૉન્સને પોતાના પુસ્તક 'માઉન્ટબેટન'માં લખ્યું છે, "નહેરુએ કહ્યું કે ઝીણા વિશેની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેમને 60 વર્ષની ઉંમર પછી જ બહુ મોડે સફળતા મળી હતી. તે અગાઉ ભારતીય રાજકારણમાં તેમનું એટલું મહત્ત્વ નહોતું."

"બહુ સારા નહીં, પણ સફળ વકીલ ચોક્કસ બન્યા. તેમની સફળતાનું રહસ્ય એમાં રહેલું છે કે તેઓ સતત નકારાત્મક વલણ જાળવી રાખી શકે છે."

ઝીણાને વડા પ્રધાન બનાવવા ગાંધીનું સૂચન

31 માર્ચ અને 4 એપ્રિલ, 1947 વચ્ચે ગાંધીએ પાંચ વખત માઉન્ટબેટન સાથે વાતચીત કરી.

માઉન્ટબેટન લખે છે, "ગાંધીએ મને પ્રસ્તાવ મૂક્યો હતો કે મિસ્ટર ઝીણાને સરકાર બનાવવાની પ્રથમ તક આપવી જોઈએ. જો તેઓ આ દરખાસ્ત સ્વીકારે તો કૉંગ્રેસે તેમને જાહેરમાં સહકારની ગૅરન્ટી આપશે, પણ શરત એટલી કે ઝીણા મંત્રીમંડળે ભારતની જનતાના હિતમાં કામ કરવું."

"આ દરખાસ્તથી હું ચોંકી ગયો હતો. મેં તેમને જ પૂછ્યું કે આ દરખાસ્ત માટે ઝીણા શું કહેશે? ગાંધીજીનો જવાબ હતો કે જો તમે એમને જણાવશો કે મેં આ ફૉર્મ્યુલા તૈયાર કરી છે, તો જવાબમાં કહેશે પેલા ધુતારા ગાંધીએ."

જોકે, ગાંધીજીની આ દરખાસ્ત વિશે ઝીણાને ક્યારેય પૂછવામાં આવ્યું નહોતું.

સ્ટેનલી વૉલપાર્ટ ઝીણાની જીવનકથા 'જિન્ના ઑફ પાકિસ્તાન'માં લખે છે, "માઉન્ટબેટને આ મુદ્દે પહેલા નહેરુ સાથે વાત કરી. તેમની પ્રતિક્રિયા સંપૂર્ણપણે નકારાત્મક હતી."

"નહેરુને એ જાણીને ઘણું દુઃખ થયું કે તેમના મહાત્મા તેમની જગ્યાએ કાયદે-આઝમને વડા પ્રધાન બનાવવા તૈયાર છે. ગાંધી ઝીણાને સારી રીતે સમજતા હતા. તેઓ જાણતા હતા કે આવી દરખાસ્તથી તેમના અહમને બહુ સારું લાગશે. જોકે નહેરુએ માઉન્ટબેટનને જણાવ્યું કે આ સૂચન સંપૂર્ણપણે અવ્યવહારુ છે."

આઝાદીના અઠવાડિયા પહેલાં કરાચી પહોંચ્યા ઝીણા

7 એપ્રિલ, 1947ની સવારે ઝીણા વાઇસરૉયના ડાકોટા વિમાનમાં પોતાનાં બહેન સાથે દિલ્હીથી કરાચી પહોંચ્યા. ઍરપૉર્ટથી સત્તાવાર નિવાસસ્થાન તરફ જતી વખતે હજારો લોકોએ ઝીણાનું સ્વાગત કરતા નારા પોકાર્યા હતા.

પોતાના બંગલાનાં પગથિયાં ચડતાં ઝીણાએ તેમના એડીસી લેફ્ટનન્ટ એસ.એમ. એહસાન તરફ ફરીને કહ્યું, "તમે ખબર નહીં હોય, પણ આ જિંદગીમાં પાકિસ્તાન બનતું જોવા મળશે એવી મને આશા નહોતી."

14 ઑગસ્ટે માઉન્ટબેટનના સન્માન માટે ભોજન સમારોહ યોજાયો, તેમાં ફાતીમા અને વડા પ્રધાન લિયાકત અલી ખાની વચ્ચે તેઓ બેઠા હતા.

માઉન્ટબેટન લખે છે, "દિલ્હીમાં મધરાતે સ્વતંત્રતાદિવસની ઉજવણી થવાની છે તેની મજાક ઉડાવીને મને કહેવા લાગ્યા કે જ્યોતિષીઓએ આપેલા મુહૂર્તના આધારે ચાલવાની વાત કોઈ જવાબદાર સરકાર માટે કેટલી વિચિત્ર કહેવાય."

"હું તેમને જવાબ આપતો આપતો અટકી ગયો કે કરાચીમાં થનારા સમારંભનો કાર્યક્રમ પણ એટલે બદલાયો કે તેમને રમઝાન છે તે યાદ નહોતું. બપોરે જ તેઓ ભોજન સમારંભ યોજવા માગતા હતા, પરંતુ બાદમાં બદલીને રાત્રીભોજન સમારંભ કરવો પડ્યો."

ઝીણાના મૃત્યુના એક દિવસ પછી હૈદરાબાદ પર હુમલો

આ પછી નહેરુ અને ઝીણા વચ્ચે એક જ વાર મુલાકાત થઈ હતી. લાહોરમાં મોટા પાયે શરણાર્થીઓ એકઠા થયા હતા તે સમસ્યા ઉકેલવા માટે બે અઠવાડિયાં બાદ ઝીણા પોતે લાહોર ગયા હતા.

29 ઑગસ્ટે ગવર્ન્મેન્ટ હાઉસમાં પાકિસ્તાની અને ભારતીય નેતાઓ સાથે ઝીણા અને નહેરુની બેઠક થઈ હતી. એક જ છત નીચે છેલ્લી વાર આ બંને પ્રતિસ્પર્ધીઓ એકઠા થઈ રહ્યા હતા. આ મુલાકાતના એક વર્ષ અને 13 દિવસ પછી ઝીણાનું મૃત્યુ થયું હતું.

11 સપ્ટેમ્બર, 1948ના રોજ ઝીણાનું મૃત્યુ થયું, તે પછીના દિવસે નહેરુએ તેમની સાથેની દુશ્મનાવટને છેલ્લો ફટકો માર્યો.

સરદાર પટેલની જીવનકથામાં રાજમોહન ગાંધીએ લખ્યું છે કે, "પાકિસ્તાનના સ્થાપકને કબરમાં મૂકવામાં આવી રહ્યા હતા ત્યારે નહેરુએ તેમના લશ્કરી કમાન્ડરોને હૈદરાબાદ તરફ કૂચ કરવાનો આદેશ આપી દીધો હતો."

"બંગાળના રાજ્યપાલ કૈલાસનાથ કાટજુએ પૂછ્યું કે શું ઝીણાના સન્માનમાં ભારતીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવા જોઈએ કે કેમ, ત્યારે સરદાર પટેલે ઉપેક્ષા સાથે જવાબ આપેલો - એ તમારા કંઈ સગા થાય છે?"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો