You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત મોદીની છે કે યોગીની?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
37 વર્ષ પછી ઉત્તર પ્રદેશમાં એવું બની રહ્યું છે કે ભાજપા સતત બીજી વાર સત્તા પર આવતો દેખાય છે.
યુપીની ચૂંટણી ભલે ભાજપે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચહેરાના આધારે લડી હોય પરંતુ વડા પ્રધાન મોદીએ પણ કંઈ ઓછો ચૂંટણીપ્રચાર નહોતો કર્યો.
એક તરફ યોગી આદિત્યનાથે કોરોના મહામારીની બીજી લહેર પછી ઉત્તર પ્રદેશના બધા જિલ્લાનો પ્રવાસ કર્યો અને ચૂંટણી દરમિયાન 200થી પણ વધારે રેલીઓ કરી. તો, પીએમ મોદીએ 27 ચૂંટણીરેલીઓ સંબોધી.
ભાજપે જેટલા જોરશોરથી સીએમ યોગીની 'બુલડોઝર બાબા' તરીકેની છબિનો લાભ લેવાની કોશિશ કરી, એટલો જ લાભ કેન્દ્રની ફ્રી રાશન સ્કીમનો લીધો.
મોદી વધારે મજબૂત થયા કે યોગી
આ બધા વચ્ચે સવાલ એવો થઈ રહ્યો છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપની જીત કોની છે - મોદીની કે યોગીની? એનો જવાબ વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી એક લાઇનમાં કંઈક આ રીતે આપે છેઃ
"આ પરિણામોથી પીએમ મોદીએ પોતાની 'બ્રાન્ડ મોદી'ની મજબૂતાઈને જાળવી રાખી છે, તો યોગીએ પોતાની બ્રાન્ડ ઇમેજ વધારે મજબૂત કરી છે."
પોતાના આ મત માટે તેઓ ઘણાં કારણો ગણાવે છે.
નીરજાએ કહ્યું કે, "મોદીએ છેલ્લી ઘડીએ જઈને પૂર્વાંચલને સંભાળ્યું અને એક સ્પિન આપ્યો. તેઓ દરેક ચૂંટણીમાં આવું કરે છે. પરંતુ આ ચૂંટણીના સૌથી મોટા સ્ટાર યોગી જ છે. તેઓ દેશના સૌથી મોટા રાજ્યના પહેલા એવા મુખ્ય મંત્રી છે જેઓ સતત બીજી વાર જીતી ગયા છે. ગઈ વખતે બહારથી લાવીને યોગીને સીએમની ખુરશી પર બેસાડાયા હતા પરંતુ આ ચૂંટણી એમના નેતૃત્વમાં લડવામાં આવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મોદી કરતાં અલગ યોગીની પોતાની ફૅન ફૉલોઇંગ છે. આ જીતથી યોગીએ 'મોદી પછીના ભાજપ'માં વડા પ્રધાન પદની દાવેદારી વધારે પાકી કરી લીધી છે. બની શકે કે 2024માં યોગી વડા પ્રધાન પદના દાવેદાર ના હોય, પરંતુ આગળ જતાં ક્યારેક બની શકે છે."
આ જ કારણ છે કે ઘણા જાણકારો આ ચૂંટણીમાં મોદી કરતાં વધારે યોગીની શાખ દાવ પર લાગી હોવાની વાતો કરતા હતા.
યુપીમાં ભાજપ જીતી ગઈ છે ત્યારે એને યોગીના કામકાજનું રિપોર્ટ કાર્ડ માનવામાં આવે છે, જેમાં તેઓ સારા માર્ક્સ સાથે પાસ થયા છે.
'ધ હિન્દુ' અખબાર સાથે જોડાયેલાં વરિષ્ઠ પત્રકાર નિસ્તુલા હેબ્બાર આ જીતની પાઘડી મોદી-યોગીની જુગલબંધીના શિરે બાંધે છે.
યોગી વિશે તેમણે કહ્યું કે, "ભાજપના ટૉપ બે નેતાઓની જોડીમાં હવે ત્રીજાની શક્યતા ઊભી થતી દેખાય છે. આટલા મોટા રાજ્યમાં સતત બીજી વખતની જીત એ ખૂબ મોટી વાત છે. 2017ની જીત મોદીની જીત હતી પરંતુ 2022ની જીતમાં યોગી પણ સામેલ છે."
પરંતુ સાથોસાથ તેમણે એમ પણ કહ્યું કે 2022ની જીતમાં કેન્દ્રની સ્કીમને નજરઅંદાજ ન કરી શકાય. ત્રણ દિવસ વારાણસીમાં રહીને પીએમ મોદીએ જે કર્યું તે પણ મહત્ત્વનું છે. પીએમ મોદી ઉચ્ચ જ્ઞાતિમાંથી નથી આવતા, વિપક્ષના મંડલના રાજકારણમાં એ(પરિબળ)નો પણ મહત્ત્વનો રોલ રહ્યો છે. એટલું જ નહીં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ જો ચાર શૂન્યથી આગળ છે તો એનું શ્રેય મોદીને આપવામાં આવે છે.
કાયદો વ્યવસ્થા
યુપીની જીતમાં યોગીના યોગદાન વિશે નિસ્તુલાએ જણાવ્યું કે, "રાજ્યમાં કાયદા વ્યવસ્થા સુચારુ કરવા માટે મુખ્ય મંત્રી યોગીએ જે કર્યું એનો ફાયદો ભાજપને મળ્યો - તે આ પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે."
આ જ કારણ છે કે પરિણામો પછી ભાજપનાં સાંસદ હેમા માલિનીએ ગુરુવારે ફરી કહ્યું કે, "બુલડોઝરની આગળ કશું ના ચાલે."
ભાજપ સતત એમ કહી રહ્યો છે કે એમના શાસનકાળમાં કોઈ રમખાણ નથી થયાં અને ગુનખોરી ઘટી છે.
ભલે ને એનસીઆરબીના આંકડાની દૃષ્ટિએ આ વાત સાચી ના હોય, પરંતુ ભાજપ જનતાને ભરોસો કરાવવામાં સફળ રહ્યો કે એમના રાજમાં સપા રાજના મુકાબલે કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયો હતો.
એટલું જ નહીં, ભાજપે લોકોને 2017 પહેલાંની સમાજવાદી પાર્ટીના શાસનમાંની ખરાબ કાયદા વ્યવસ્થાની બીક પણ ખૂબ બતાવી. પક્ષની રેલીઓમાં ભાજપના નેતાઓએ વારંવાર કહ્યું કે જો લાલ ટોપીવાળા સત્તા પર આવ્યા તો ફરીથી ગુંડાગર્દી શરૂ થઈ જશે.
કાયદો વ્યવસ્થાના મુદ્દે યોગી અને અખિલેશ રાજના ફરકનો લાભ લેવામાં ભાજપ સફળ થતો દેખાય છે.
હિન્દુ-મુસલમાન અને મંદિર એજન્ડા
જ્યારે કાયદા વ્યવસ્થાની વાત આવે છે ત્યારે 2013ના મુઝફ્ફરનગરનાં રમખાણોની જરૂર યાદ આવે. ઘણા જાણકારો માને છે કે રમખાણોના કારણે ભાજપને 2014 અને 2017માં ધ્રુવીકરણનો લાભ મળ્યો, પરંતુ 2022ની ચૂંટણીમાં ધ્રુવીકરણ કોઈ મોટો મુદ્દો ના રહ્યો.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આને '80:20ની ચૂંટણી' ચોક્કસ ઠરાવેલી, જેને અખિલેશે મુસલમાનો માટે અપાયેલું બયાન ગણાવ્યું. પરંતુ ભાજપ હમેશાં 'સબ કા સાથ સબ કા વિકાસ'ની વાતો કરતો રહ્યો.
નિસ્તુલા અહીં અન્ય એક વાત જોડે છે. તેમણે કહ્યું કે, "ભાજપે સીધેસીધું હિન્દુ-મુસલમાન ન કર્યું, પરંતુ ઘણી જગ્યાએ એમનો 'કોડવર્ડ' કામ કરી ગયો."
જેમ કે, ભાજપ જ્યારે 'સુરક્ષા'ની વાતો કરે છે, તો આપમેળે 'માફિયા' 'ડૉન' અંગેનો એક સંદેશો પહોંચે છે અને કેટલાક ખાસ ચહેરા આંખો સામે આવે છે. એ જ રીતે જ્યારે અયોધ્યા અને કાશીની વાત થાય છે તો જનતાને આપમેળે હિન્દુ અને હિન્દુત્વની વાત સમજાઈ જાય છે.
આ જ વાતને નીરજા જુદી રીતે રજૂ કરે છે. તેમણે કહ્યું કે, "યોગી એક મજબૂત નેતારૂપે ઊભરી આવ્યા છે. હિન્દુ રક્ષકરૂપે પોતાની છબીને વધારે મજબૂત કરી છે, જે મુસલમાનોની લગામ તાણી શકે છે. આ વિષયમાં ખૂલીને વાત ન કરી અને ના તો પ્રચાર કરવામાં આવ્યો, પરંતુ દબાયેલા અવાજે તો જરૂર કરવામાં આવી."
જે વેશભૂષામાં યોગી હમેશાં દેખાય છે, મંદિર બનવાનો માર્ગ સરળ બન્યા પછી જેટલી વાર યોગી આદિત્યનાથ ત્યાં ગયા, આ બધાંએ એમની હિન્દુ નેતા તરીકેની છબીને વધારે મજબૂત બનાવી.
એની અસર એ થઈ કે ચૂંટણીનો અંત આવતાં આવતાં ભાજપે અખિલેશને પણ મંદિરમાં દર્શન કરવા માટે મજબૂર કરી દીધા.
ગરીબ કલ્યાણ યોજના
કેટલાક જાણકારો સત્તાવિરોધી લહેર અંગે પણ સવાલો કરી રહ્યા છે. શું પાંચ વર્ષના ભાજપાના શાસન પછી યોગી વિરુદ્ધ સત્તાવિરોધી લહેર નહોતી?
આ પ્રશ્નનો જવાબ ફ્રી રાશન અને ખેડૂત સન્માન નિધિ જેવી યોજનાઓમાં છે.
ઘણા જાણકારો કહે છે કે આ બંને સ્કીમ ન હોત તો કદાચ ભાજપની જીતના માર્જિન પર સત્તાવિરોધી લહેરની થોડી અસર જોવા મળી શકી હોત.
નિસ્તુલાએ જણાવ્યું કે, "કોરોનાકાળમાં લોકોને જે તકલીફો પડી એને ફ્રી રાશને કંઈક અંશે ઓછી કરવાનું કામ કર્યું."
નીરજાએ કહ્યું કે, "કોવિડની બીજી લહેરમાં લોકો ભાજપ પ્રતિ ગુસ્સે હતા, આક્રોશ નહોતો. આ પ્રકારની સ્કીમે ગુસ્સાને કંઈક અંશે ઘટાડી દેવાનું કામ કર્યું. એનું શ્રેય મોદી સરકારને આપવામાં આવે છે."
આ યોજનાઓને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવાનું અને એનો લાભ લેવાનું કામ ભાજપના સંગઠન અને રાજ્ય સરકારે ખૂબ સારી રીતે કર્યું.
આ કારણે યુપીની જીત મોદી અને યોગી બંનેની છે.
ખેડૂતોની નારાજગી અને ગેર-ઓબીસી નેતાઓના બળવાથી ભાજપને થોડું નુકસાન થયું - એ બાબતે બંને જાણકારો એકમત જરૂર છે, પરંતુ ભાજપે એની ભરપાઈ પોતાના સંગઠન અને કાર્યકર્તાઓ દ્વારા કરી, જેમણે સરકારની સ્કીમને ઘરે-ઘરે પહોંચાડવાનું કામ કર્યું.
ભવિષ્યમાં આ બંને નેતા (મોદી અને યોગી) એકબીજા સાથે કઈ રીતે તાલમેલ સાધી શકે છે એ જોવું રસપ્રદ રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો