You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુપીએ સરકારે દસ વર્ષ સુધી સંરક્ષણને લગતી કોઈ ખરીદી કરી નહોતી એવો નિર્મલા સીતારમણનો દાવો શું સાચો છે?
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી ડિસઇન્ફોર્મેશન યુનિટ
ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, 2014 પહેલાં, દસ વર્ષ સુધી કોઈ સંરક્ષણ ખરીદી ન કરાતાં શસસ્ત્ર દળો 'લાચાર' બની ગયાં હતાં.
નાણામંત્રીએ 21 માર્ચ, 2022 ના રોજ રાજ્યસભામાં જવાબ આપતી વખતે આ દાવો કર્યો હતો. નાણામંત્રી બનતાં પહેલાં, નિર્મલા સીતારમણ સંરક્ષણમંત્રી હતાં.
સંસદ ટીવી પર ઉપલબ્ધ નિર્મલા સીતારમણના પૂરા 47-મિનિટ લાંબા ભાષણ અને મંત્રીના કાર્યાલય દ્વારા કરાયેલ ટ્વીટના આધારે, તેમના શબ્દો આ પ્રમાણે હતા :
"ભારતીય સંરક્ષણનાં દસ વર્ષના ઇતિહાસમાં શૂન્ય ખરીદી નોંધાઈ છે. દસ વર્ષ ખાલી ગયાં હતાં. 2014 પછી આપણે ઝડપથી પિનથી લઈને ઍરક્રાફ્ટ, બધું ખરીદવું પડ્યું. અને હું એવી વસ્તુઓની યાદીને ફરીથી કહીશ કે જેણે આપણા સંરક્ષણને સદંતર નિઃશસ્ત્ર બનાવ્યું. આમાંથી કંઈ જ કરવામાં આવ્યું ન હતું, જેમાંથી કંઈ ખરીદવામાં આવ્યું ન હતું. ડિફેન્સમાં રાતોરાત કશું જ ઊભું થઈ જતું નથી. વારસાગતની સમસ્યાઓ પણ આપણને નડે છે જેના ઉકેલનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. (અન્ય સભ્યને જવાબ આપતા). દસ વર્ષ જેટલા લાંબા સમયમાં કંઈ પણ ખરીદવામાં આવ્યું ન હતું. ચાલો આપણે એ મુદ્દો સ્વીકારીએ. દસ વર્ષની પ્રાપ્તિ સાત વર્ષમાં થઈ રહી છે તેની પ્રશંસા થવી જોઈએ."
તેમનું ભાષણ સ્વર્ગસ્થ સંરક્ષણમંત્રી અરુણ જેટલી અને વર્તમાન સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિતના તેમના પક્ષના સાથીદારોનાં ઓડિટ તારણો અને અવતરણો પર આધારિત હોવાનો દાવો કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે ખરીદીના અભાવનો અર્થ એ છે કે સંરક્ષણ દળો માટે "તે સમયે પરિસ્થિતિ લાચારીભરી હતી'.
આ દાવો કેટલો સાચો છે?
મંત્રીએ જે કહ્યું તેનાથી વિપરીત, સંરક્ષણમંત્રાલય (MoD) રેકર્ડના અવલોકનમાંથી જાણવા મળે છે કે દસ વર્ષના સમયગાળામાં હસ્તાંતરણ અને ખરીદીઓ થઈ હતી. જેમાં જહાજો, સબમરીન, મિસાઇલ સિસ્ટિમ અને ઍરક્રાફ્ટ જેવાં મોટાં શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે.
બીબીસીએ સંસદમાં રજૂ કરેલા તેમજ તેમના વાર્ષિક અહેવાલો (મંત્રાલયની સાઇટ પર ઉપલબ્ધ)માં પ્રગટ કરવામાં આવેલા સંરક્ષણમંત્રાલયના ડેટાની સમીક્ષા કરી હતી.
જેમાં આ પ્રમાણે કેટલીક મુખ્ય ખરીદીઓ કરવામાં આવી છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
• 2005 - ઑક્ટોબર 2005માં 'ટ્રાન્સફર ઑફ ટેક્નૉલૉજી (ટીઓટી) હેઠળ મેઝાગોન ડૉક લિમિટેડ (એમડીએલ), મુંબઈ ખાતે છ ફ્રેન્ચ સ્કોર્પિયન ક્લાસ સબમરીનના સ્વદેશી બનાવટ' માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ છ સબમરીનમાંથી પાંચમીની દરિયાઈ ટ્રાયલ શરૂ થઈ છે અને તે ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ થવાની અપેક્ષા છે.
• 2006 - ભારતીય વાયુસેના (આઈએએફ) માટે 20 સ્વનિર્મિત લાઇટ કોમ્બેટ ઍરક્રાફ્ટ (એલસીએ) તેજસ માટે સંરક્ષણમંત્રાલય અને સરકારની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) વચ્ચે માર્ચ 2006માં 2701.7 કરોડ રૂપિયાના કરાર કરવામાં આવ્યા હતા.
• 2007 - સંરક્ષણમંત્રાલયના સરકાર સંચાલિત એચએએલ સાથેના કરાર હેઠળ આઇએએફ માટે વધારાના ચાલીસ સુખોઇ 30 જેટ ખરીદવામાં આવ્યા હતા.
• 2008 - ભારતે આઈએએફ માટે છ સી130જે હર્ક્યુલસ ઍરક્રાફ્ટ ખરીદવા માટે યુએસ સરકાર સાથે 'ઑફર અને સ્વીકૃતિના પત્ર' પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલ 3835.38 કરોડ રૂપિયાની હતી.
• 2009 - જાન્યુઆરીમાં ભારતીય નૌકાદળ માટે 2.137 અબજ ડૉલરના આઠ P-8I લોંગ રેન્જ મેરીટાઇમ પેટ્રોલ ઍરક્રાફ્ટ માટે બોઇંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ વાત 2009માં ભારતના સંરક્ષણમંત્રાલયના અહેવાલમાં છે.
• 2009 - સંરક્ષણમંત્રાલયના વાર્ષિક અહેવાલના ડેટામાં ભારતીય સેના માટે 2009-10માં બ્રહ્મોસ મિસાઇલ માટેના કરારનો ઉલ્લેખ છે.
• 2009 - 2009-10ના સંરક્ષણમંત્રાલયના વાર્ષિક અહેવાલમાં દર્શાવ્યા મુજબ, ભારતીય વાયુસેના (આઈએએફ)ના વર્તમાન દિવસના વર્કહોર્સ, Mi17 V5 હેલિકોપ્ટરનો રશિયા સાથે કરાર પૂર્ણ થયા પછી સમાવેશ કરવામાં આવ્યો હતો.
સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન વિશે વાત કરીએ તો, મંત્રાલયનો અહેવાલ જણાવે છે કે કેવી રીતે તેમનો પોતાનો જાહેર ક્ષેત્રનો ઉપક્રમ 'બીઈએલને ભારતીય વાયુસેનાને આકાશ મિસાઇલ્સ (રૂપિયા 1,222 કરોડ)ની બે સ્ક્વોડ્રન સપ્લાય કરવાનો ઑર્ડર મળ્યો 'આવી જટિલતા અને વર્ગની શ્રેણીમાં સ્વદેશી વ્યૂહાત્મક શસ્ત્ર પ્રણાલી માટે સંરક્ષણ સેવાઓ તરફથી પ્રથમ કરાર હતો.'
ફેબ્રુઆરી 2014માં, છેલ્લા મહિનામાં, યુપીએ-શાસનમાં સંરક્ષણ મંત્રાલયે સંસદને સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે ખર્ચ કરેલા ભંડોળની માહિતી આપી હતી. જે પ્રમાણે, 2010-11માં તેમણે રૂપિયા 62,056 કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે 2012-13 સુધીમાં તે ખર્ચ વધીને રૂ. 70,499.12 કરોડ થયો હતો.
આનાથી સાબિત થાય છે કે નાણામંત્રીના સશસ્ત્ર દળો માટે "કશી ખરીદી નથી થઈ" એવાં નિવેદનો ખોટાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો