You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધર્મેશ પરમાર : 24 વર્ષે મૃત્યુ પામેલા ગુજરાતી 'ગલી બૉય', ડાકલા અને સ્વદેશી મૂવમૅન્ટ માટે જાણીતા હતા
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ધર્મેશ પરમાર ઉર્ફે એમસી તોડફોડ મુંબઈસ્થિત હિપહૉપ ગ્રૂપ "સ્વદેશી"ના સભ્ય હતા. તેમણે ગુજરાતી ઉપરાંત હિન્દી અને મરાઠીમાં રૅપ સોંગ દ્વારા નામના મેળવી હતી. 20 માર્ચના રોજ માત્ર 24 વર્ષની ઉંમરે તેમનું મુંબઈમાં મૃત્યુ થયું છે. જોકે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે. મૃત્યુના એક દિવસ પહેલાં તેમણે પોતાના ગ્રૂપ 'સ્વદેશી' સાથે પર્ફોર્મ પણ કર્યું હતું.
થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ 'ગલી બૉય'ના ગીત 'ઇન્ડિયા 91'માં તેમણે પર્ફોર્મ કર્યું હતું.
એક અહેવાલ મુજબ, મૂળ ગુજરાતી પરિવારના ધર્મેશનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રના દાદરસ્થિત નાઇગાંવમાં થયો હતો.
તેઓ બોલીવૂડ ગીતો, ભજન અને ભીમગીતો સાંભળીને મોટા થયા હતા અને વીએચ-1 ચૅનલ જોઈને તેઓ રૅપ સોંગથી પ્રભાવિત થયા હતા.
સાથીઓએ ગુજરાતીમાં રૅપ સોંગ માટે પ્રેરિત કર્યા
'એમસી મવાલી'ને મળ્યા બાદ તેઓ 'સ્વદેશી મૂવમૅન્ટ'માં જોડાયા હતા અને તેમની એક રૅપર તરીકેની કારકિર્દી શરૂ થઈ હતી.
2018માં રેડબૂલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "હું મુંબઈમાં ઊછર્યો છું અને કૉન્વેન્ટ સ્કૂલમાં ભણ્યો છું એટલે મને ગુજરાતી બરાબર આવડતું નથી, પણ હું રોજ નવા શબ્દો શીખતો રહું છું."
તેમણે આગળ કહ્યું હતું કે હું ભાષાને સમજવા અને શીખવા પર ધ્યાન આપી રહ્યો હતો અને સ્વદેશી મૂવમૅન્ટના મારા સાથીઓએ મને ગુજરાતીમાં રૅપ સોંગ કરવા પ્રોત્સાહિત કર્યો હતો.
તેઓ માનતા હતા કે સંગીતમાં ભાષા ક્યારેય નડતી નથી. તે જ કારણથી ગુજરાતી ન સમજનારા લોકોને પણ તેમના ગુજરાતી રૅપ સોંગ પસંદ આવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વદેશી મૂવમૅન્ટ સિવાય તેઓ 'બંદિશ પ્રોજેક્ટ' અને 'તા ધૂમ' પ્રોજેક્ટ સાથે કામ કરી ચૂક્યા છે.
બંદિશ પ્રોજેક્ટ સાથે સેંકડો ગુજરાતી રૅપ સોંગ ગાનારા એમસી તોડફોડનું સૌથી વધુ પ્રચલિત ગીત 'ડાકલા' હતું.
જ્યારે 'તા ધૂમ' પ્રોજેક્ટ અંતર્ગત યુકે, નોર્વે સહિત વિવિધ દેશોમાં પર્ફોર્મ કરી ચૂક્યા છે.
જ્યારે આરે વનને બચાવવા મેદાનમાં ઊતર્યા
'સ્વદેશી મૂવમૅન્ટ' સાથે જોડાયા બાદ તેઓ બધા અવારનવાર આરે વનમાં ફરવા જતા હતા અને ટ્રેકિંગ કરતા હતા, જ્યાં તેઓ સંગીત વિશે, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજીવ દિક્ષીત વિશે વાતો કરતા હતા.
ત્યાં તેઓ ગીતો લખતાં, ભોજન બનાવીને જમતા પણ હતા. ટૂંકમાં આરે વન તેમના માટે ઘરની નજીક બીજું ઘર હતું.
પણ જ્યારે મહારાષ્ટ્ર સરકારે આરે વનમાં એક મેટ્રો શેડ બનાવવા માટે 2500 વૃક્ષ કાપવાનો નિર્ણય લીધો ત્યારે તેઓ મેદાનમાં ઊતર્યા.
સ્વદેશી મૂવમૅન્ટે વિરોધ દર્શાવવા ઘણાં ગીતો રચ્યાં. જેમાં ત્યાં રહેતા લોકો અને વનને બચાવવા માટે ચાલી રહેલી લડતને વર્ણવવામાં આવી હતી.
જ્યારે તેઓ આ અંગેના ગીતો પર્ફોર્મ કરતા તો લોકોને તે ખૂબ પસંદ આવતા હતા.
કઈ રીતે યાદ કરે છે સાથે પર્ફોર્મ કરનારા ગુજરાતી કલાકારો?
ત્રણ વર્ષ પહેલાં કૉમેડી ફૅક્ટરીએ એક પૅરોડી સોંગ બનાવ્યું હતું. 'ગુજરાતની ગરમી' નામના આ ગીતમાં એમસી તોડફોડે રૅપ કર્યું હતું.
આ ગીત અને તોડફોડ સાથે કામ કરવાના અનુભવ વિષે કૉમેડી ફેક્ટરીના મનન દેસાઈ જણાવે છે, "મેં પહેલા પણ તેમના ગીત સાંભળ્યાં હતાં, એટલે જ આ સોંગ વખતે સૌથી પહેલા તેમનું નામ યાદ આવ્યું હતું."
તેઓ આગળ કહે છે, "તેમણે પહેલાં તેમનો પાર્ટ ગાઈને મોકલ્યો હતો. જે એકદમ પરફેક્ટ હતો, એટલે બીજા જ દિવસે મુંબઇથી વીડિયો રેકૉર્ડ કરીને પણ મોકલી દીધો અને સોંગ પૂરું થયું હતું."
જોકે, રૂબરૂ મળવા અંગેના અનુભવ અંગે તેઓ કહે છે, "અમદાવાદમાં એક કાર્યક્રમમાં પહેલી વખત મળવાનું થયું હતું. આ કાર્યક્રમમાં અમે સ્ટૅન્ડ અપ કૉમેડી કરવા ગયા હતા અને તેઓ 'તા ધૂમ પ્રૉજેક્ટ' સાથે પર્ફોર્મ કરવાના હતા.
તેઓ એકદમ નિખાલસ, નિરભિમાની અને નમ્ર હતા. તેમની વાતો પણ અલગ હતી. તેઓ હંમેશાં કંઈકને કંઈક જાણવા માટે તત્પર રહેતા હતા. તેઓ સમાજ, જીવન, રાજકારણ અને આસપાસમાં થઈ રહેલા અન્યાય પ્રત્યેના પોતાના દૃષ્ટિકોણને ખૂબ સારી રીતે પોતાનાં ગીતોમાં ઢાળતાં હતાં."
આ જ કાર્યક્રમમાં પર્ફોર્મ કરનારા અન્ય સ્ટૅન્ડ-અપ કૉમેડિયન પ્રીતિ દાસ કહે છે, "તે સમયે તેમની ઉંમર 20-21 વર્ષની હતી પણ એનર્જી ખૂબ જ હતી. તેઓ હંમેશાં ચર્ચા માટે તત્પર રહેતા હતા.
પ્રીતિ આગળ કહે છે, "ગુજરાતી હોવાના કારણે તેમણે વાતચીતમાં મને સૂચનો પણ આપ્યાં અને મારી પાસે પણ કેટલાંક સૂચનો માગ્યાં હતાં. તે ખૂબ જ નમ્ર હતા. અમે બધા જ પર્ફોર્મન્સ બાદ સાથે જમવા પણ ગયા હતા."
ધર્મેશના મૃત્યુ અંગે વાત કરતા તેઓ જણાવે છે કે એક કલાકારનું મૃત્યુ પામવું અને એ પણ આટલી નાની ઉંમરમાં ખરેખર આઘાતજનક બાબત છે. એક એનર્જીથી ભરપૂર કલાકારને ગુમાવ્યાનું દુઃખ રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો