ભારતીય સૈન્યના એ મેજર જનરલ જેમણે પોતાનો પગ પોતાના હાથે કાપી નાખ્યો હતો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વાત છે 7 ડિસેમ્બર, 1971ની. અતગ્રામ અને ગાઝીપુરના યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોને હરાવ્યા બાદ '5 ગુરખા રાઇફલ'ની ચોથી બટાલિયનના જવાનોને ચાર દિવસનો આરામ અપાયો હતો.

આ જવાનોએ જંગલના તળાવમાં નાહીને કપડાં સૂકવવાં નાખ્યાં ત્યાં જ બ્રિગેડ મુખ્યાલયથી કમાન્ડિંગ ઑફિસર લેફ્ટનન્ટ કર્નલ હરોલિકર માટે ફોન આવ્યો.

'તમારી બટાલિયનને વધુ એક કામ સોંપવામાં આવે છે અને તમે તરત આગળ વધો' તેવો આદેશ આપવામાં આવ્યો.

હરોલિકરે વિરોધ નોંધાવ્યો કે તેમના જવાનો ચાર દિવસથી સૂતા નથી અને તેમને આરામની સખત જરૂર છે.

બ્રિગેડ કમાન્ડર બન્ટી ક્વિને કહ્યું, "શું મેં આ વાતનો વિરોધ નહીં કર્યો હોય હૅરી? પણ મારી વાત સાંભળવામાં આવી નથી."

સિલહટમાં ભારતીય સૈનિકો પર હુમલો

હકીકતમાં એવું થયું હતું કે કોઈએ કોર કમાન્ડર જનરલ સગત સિંહને માહિતી આપી હતી કે પાકિસ્તાનની '202 ઇન્ફન્ટ્રી બ્રિગેડ'ને સિલહટથી હઠાવીને ઢાકાની સુરક્ષા માટે રવાના કરવામાં આવી છે. સિલહટની સુરક્ષા માટે માત્ર 200-300 રઝાકારોને રાખવામાં આવ્યા છે.

જનરલ સગત સિંહે યોજના તૈયાર કરી કે ગુરખા સૈનિકો પાસે 10 હેલિકૉપ્ટરો છે તેનાથી સિલહટમાં તેમને ઉતારવામાં આવે અને તરત તેનો કબજો લઈ લેવામાં આવે. ગુરખા બટાલિયનને સવારે સાડા સાત વાગ્યે 'હેલિબૉર્ન ઑપરેશન'નો આદેશ મળ્યો હતો.

સાડા નવ વાગ્યે ઑપરેશનની પ્રેક્ટિસ કરી લેવામાં આવી અને તે દિવસે જ બપોર અઢી વાગ્યે ઑપરેશન શરૂ કરી દેવાયું. કલોરાથી સૌપ્રથમ સાત 'એમઆઈ 4' હેલિકૉપ્ટરથી ગુરખા સૈનિકોને સિલહટમાં ઉતારવામાં આવ્યા.

હાલમાં જ પ્રગટ થયેલા પુસ્તક '1971 સ્ટોરીઝ ઑફ ગ્રીટ ઍન્ડ ગ્લૉરી ફ્રૉમ ધ ઇન્ડો-પાક વૉર'ના લેખક મેજર જનરલ ઇયાન કારડોઝો કહે છે, "ગુરખા બટાલિયનના જવાનોને 'હેલિબૉર્ન ઑપરેશન'ની તાલીમ ક્યારેય અપાઈ નહોતી. હકીકતમાં આ જવાનો પહેલીવાર હેલિકૉપ્ટરમાં બેસી રહ્યા હતા."

"મેજર મણિ મલિકની આગેવાનીમાં લગભગ સાડા ત્રણ વાગ્યે પ્રથમ હેલિકૉપ્ટર સિલહટ પહોંચ્યું. હેલિકૉપ્ટર નીચે ઊતર્યું એટલે ગુરખા સૈનિકો પણ ઊતરવા લાગ્યા, ત્યાં જ પાકિસ્તાની સૈનિકોએ 'અલ્લાહ હો અકબર'ના નારા સાથે હેલિકૉપ્ટર પર હુમલો કરી દીધો."

"પહેલી ખેપ મારવામાં આવી ત્યારે અમારા સીઓનો રેડિયો સેટ આવ્યો નહોતો. એટલે અમે બ્રિગેડ કમાન્ડરને જાણ કરી શક્યા નહોતા કે અમારી સ્થિતિ શું થઈ રહી છે."

પાકિસ્તાનીઓ પર ખુકરીથી હુમલો

આ હુમલાનું વર્ણન અર્જુન સુબ્રમણિયમના પુસ્તક 'ઇન્ડિયાઝ વૉર્સ 1947-1971'માં મળે છે.

સુબ્રમણિયમને વિંગ કમાન્ડર એસ.સી. શર્માએ જણાવ્યું હતું, "હું એમઆઈ હેલિકૉપ્ટરની પ્રથમ ખેપમાં સિલહટમાં ઊતર્યો હતો. અમારી સાથે 75-80 ગુરખા સિપાહી હતા. હેલિકૉપ્ટરનો અવાજ બહુ મોટો હતો એટલે અમને અંદાજ નહોતો કે આ રીતે ત્યાં અમારું સ્વાગત થશે."

"અમે જમીનની પાંચ ફૂટ ઊપરથી જ છલાંગ લગાવી હતી. નીચે પડ્યા તો અમારા પર ફાયરિંગ થઈ રહ્યું હતું. લેફ્ટનન્ટ કર્નલ હરોલિકરે બધા સૈનિકોને જમીન પર ચત્તાપાટ થઈ જવા કહ્યું. પાકિસ્તાનીઓ અમારી તરફ અલ્લાહ હો અકબરની ચીસો પાડતાં આગળ વધ્યા."

"ગુરખા જવાનો ચુપચાપ જમીન પર સૂતા હતા. પાકિસ્તાનીઓ માત્ર 40 ગજ દૂર રહ્યા ત્યારે 'જય કાલી મા અયો ગુરખાલી'ના નારા સાથે તેમના પર ખુકરીઓથી હુમલો કરી દીધો. પાકિસ્તાની સૈનિકોએ ભાગ્યા અને 400 મીટર દૂર ગામમાં આશરો લીધો."

ખોટી માહિતીને કારણે લૅન્ડિંગ

હકીકતમાં જનરલ સગત સિંહને ખોટી માહિતી મળી હતી કે '202 પાકિસ્તાની બ્રિગેડ'ને સિલહટથી ઢાકા લઈ જવામાં આવી રહી છે. '313 બ્રિગેડ'ને ઢાકા જવા માટે કહેવાયું હતું, પણ તે ઢાકા જવાના બદલે સિલહટ આવી પહોંચી હતી.

એટલે ગુરખા સૈનિકોની બટાલિયને ત્યાં લૅન્ડ કર્યું ત્યારે તેમનો સામનો પાકિસ્તાનની બે બ્રિગેડ એટલે કે લગભગ 8000 સૈનિકો સાથે થયો હતો. બીજા દિવસે વધુ ગુરખા સૈનિકો સાથે વધુ હેલિકૉપ્ટરો ત્યાં લૅન્ડ થયાં ત્યારે પાકિસ્તાની સૈનિકો ભ્રમમાં પડ્યા કે ભારતે ત્યાં બીજી બટાલિયન ઉતારી દીધી છે.

ભારતીય સૈનિકોની ત્યાં કેવી હાલત થઈ હતી તેનું સુપેરે વર્ણન પીવીએસ જગનમોહન અને સમીર ચોપડાના પુસ્તક 'ઇગલ્સ ઓવર બાંગ્લાદેશ'માં કરવામાં આવ્યું છે.

તેઓ લખે છે, "ભારતીય વાયુસેનાનાં હેલિકૉપ્ટરો અને ગુરખા સૈનિકો અચાનક લૅન્ડ થયાં એટલે સિલહટમાં હાજર પાકિસ્તાની બ્રિગેડ કમાન્ડર થોડા મૂંઝાયા હતા."

"જનરલ સગત સિંહને ખોટો અંદાજ હતો કે ત્યાં ગુરખા જવાનોએ બહુ થોડા વિરોધનો સામનો કરવો પડશે. પરંતુ તેનાથી ઊલટું થયું હતું. ગુરખા સૈનિકો ઊતર્યા તેનાથી થોડી દૂર જ પાકિસ્તાની સૈનિકોનો મોટો જથ્થો હતો. જમીન માર્ગે હવે ગુરખા સૈનિકોને કુમક પહોંચાડી શકાય તેમ પણ નહોતી."

ભોજન અને પાણી ખૂટી પડ્યાં

સિલહટમાં ઉતારવામાં આવેલા ગુરખા સૈનિકોની સંખ્યા માત્ર 384ની હતી. બહુ જલદી પાકિસ્તાનીઓને પણ તેમની સંખ્યા કેટલી છે તેનો ખ્યાલ આવી જવાનો હતો.

9 ડિસેમ્બરની રાત્રે તેઓ ત્યાં ઊતર્યા હતા તેને 48 કલાક થઈ ગયા હતા. તેમને લિંક અપ કરાશે તેવી ખાતરી અપાઈ હતી પણ તે થઈ શક્યું નહોતું.

સૈનિકો પાસે ભોજન અને પાણી પણ ખૂટવાં લાગ્યાં હતાં. મોત પામનારાની સંખ્યા વધી રહી હતી. સ્થાનિક લોકો ભાગી ગયા હતા તેમની ઝૂંપડીઓમાંથી થોડું ઘણું ખાવાનું મળી રહ્યું હતું.

પાણી માટે ગંદા તળાવો પર આધાર રાખવો પડતો હતો. રૂમાલથી પાણી ગાળવામાં આવતું હતું.

આવા સમયે જ ભારતીય પક્ષને બીબીસી તરફથી અજાણતા જ મદદ મળી ગઈ.

બીબીસીની ભૂલને કારણે ભારતીય સૈનિકોને થયો ફાયદો

તે વખતે ભારતીય સેનાએ કેટલાક વિદેશી સંવાદદાતાઓને પોતાની સાથે લઈ જવાનું નક્કી કર્યું હતું, જેથી દુનિયાને યુદ્ધની સાચી માહિતી મળી શકે.

જનરલ કારડોઝો કહે છે, "તે વખતે સમાચાર માટે ત્રણ સ્રોત હતા, રેડિયો પાકિસ્તાન જેને અમે 'રેડિયો જૂઠિસ્તાન' કહેતા હતા. આકાશવાણી હતું, પણ તેમાં મુશ્કેલી એ હતી કે તેના સમાચારો મોડા આવતા હતા. સમાચારો સેનાના મુખ્યાલય પર મોકલીને 'ક્લિયરન્સ' લેવું પડતું હતું. ત્રીજો સ્રોત હતો બીબીસીનો, જેની ઘણી વિશ્વસનિયતા હતી."

"બીબીસીના યુદ્ધ સંવાદદાતાએ રેડિયો બુલેટિનમાં એવી ખોટી માહિતી આપી હતી કે ભારતે સિલહટમાં પોતાની બ્રિગેડ ઉતારી દીધી છે. બીબીસીનું આ પ્રસારણ બંને દેશના સૈનિકો એક બીજાની સામે રહીને સાંભળી રહ્યા હતા."

"કર્નલ હરોલિકરે અમને પૂછ્યું કે તમે સાંભળ્યું બીબીસીએ શું કહ્યું? એક અફસરે નવાઈ સાથે કહ્યું કે બીબીસીએ આવી ભૂલ કેવી રીતે કરી? મેં તરત કહ્યું, બીબીસીએ ખોટું નથી કહ્યું સર, તે બિલકુલ સાચી વાત કરે છે. પાકિસ્તાનીઓએ પણ તેને સાંભળ્યું છે. હવે આપણે એવો ભ્રમ પેદા કરવો જોઈએ કે આપણી આખી બ્રિગેડ જ છે."

બટાલિયનને ફેલાવી દેવાઈ

જનરલ કારડોઝો કહે છે, "અમારા સીઓ અને મેં ભેગા થઈને બટાલિયનને મોટા વિસ્તારમાં ગોઠવી દીધી. કેટલાક સૈનિકોને ઑટોમેટિક શસ્ત્રો સાથે ખાંચામાં ગોઠવી દેવાયા, જેથી તપાસ કરી રહેલા પાકિસ્તાનીઓને ભ્રમ થાય કે ત્યાં એક ભારતીય બટાલિયન નહીં, પણ આખી બ્રિગેડ છે."

ગુરખા સૈનિકોની એક પ્લેટૂનને આદેશ અપાયો કે નજીકના એક ટેકરા પર કબજો કરી લેવામાં આવે. તે ટેકરા પર પાકિસ્તાની સૈનિકોનો કબજો થાય તો ત્યાંથી તેમને ચોખ્ખું દેખાય કે ભારતીય સૈનિકોની સંખ્યા બહુ ઓછી છે.

લગભગ એ જ વખતે પાકિસ્તાની ટુકડીઓ પણ ટેકરા પર કબજો કરવાની યોજનામાં હતી. પરંતુ ગુરખાઓ તેમની પહેલાં ત્યાં પહોંચી ગયા અને ઊંચાઈએથી ફાયરિંગ કરીને તેમને રોકી દીધી.

ગુરખા સૈનિકોએ ખુકરીઓને ધાર કાઢી

રાત્રે ભારતીય વાયુ સેનાનાં હેલિકૉપ્ટર ત્યાં ઊતરતાં ત્યારે પાકિસ્તાની સૈનિકોને લાગતું કે કૂમક લઈને તે આવ્યાં છે.

સાચી વાત એ હતી કે હેલિકૉપ્ટર ઘાયલોને અને મૃતકોને લેવા આવતાં હતાં. ગુરખા જવાનોએ પેટ્રોલિંગ ગોઠવી દીધું અને હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે હવે ગુરખાઓ પાસે દારૂગોળો ખતમ થવા લાગ્યો હતો.

મેજર જનરલ કારડોઝો કહે છે, "અમારા સીઓ સૈનિકોની છાવણી પર જતા ત્યારે જોતા કે ગુરખાઓ પોતાની ખુકરીની ધાર કાઢતા હતા. શા માટે આમ કરો છો તે પુછાયું ત્યારે જણાવ્યું કે અમારો દારૂગોળો ખતમ થઈ જશે તે પછી અમે અમારા ભરોસાના હથિયાર ખુકરીથી હુમલો કરીશું."

પાકિસ્તાને સફેદ ધ્વજ દેખાડી આત્મસમર્પણ માટે સંદેશ મોકલ્યો

આ રીતે ગુરખા સૈનિકોએ સિલહટના મોરચાને આઠ દિવસ સુધી જાળવી રાખ્યો.

15 ડિસેમ્બર, 1971ની સવારે 9 વાગ્યે ભારતીય સેનાધ્યક્ષ સેમ માણેકશાએ રેડિયો પર જાહેરાત કરી અને પાકિસ્તાની સૈનિકોને હથિયાર હેઠાં મૂકવા જણાવ્યું હતું.

આ જાહેરાત થઈ તે સાથે જ બે પાકિસ્તાની અફસર સફેદ ધ્વજ સાથે ગુરખા છાવણી તરફ આગળ વધ્યા હતા.

તેનું વર્ણન કરતાં કર્નલ આરડી પલસોકરે પોતાના પુસ્તક 'ફૉરએવર ઇન ઑપરેશન'માં લખ્યું છે, "આ અફસરોએ જણાવ્યું કે તેમના કમાન્ડર 4/5 ગુરખા સૈનિકો સામે આત્મસમર્પણ કરવા માગે છે. સી કંપનીના મેજર માને મલિકે તેમને 1500 મીટર દૂરથી આવતા જોયા. તેમણે તરત જ કમાન્ડિંગ ઑફિસરને સંદેશ મોકલીને પૂછ્યું કે શું આદેશ છે?"

"લેફ્ટનન્ટ કર્નલ હરોલિકરે આગળ આવીને જોયું તો 1000થી 2000 જેટલા પાકિસ્તાની સૈનિકો જંગલની ધાર પાસે એકઠા થયા હતા. તે વખતે હજી સુધી આત્મસમર્પણ માટેની સત્તાવાર માહિતી આવી નહોતી. તેથી સીઓને પાકિસ્તાની સૈનિકોના ઈરાદા પર શંકા ગઈ હતી."

ભારતીય સૈનિકોએ આત્મસમર્પણ સ્વીકાર કરવાની મનાઈ કરી

આ પાકિસ્તાની અફસરોએ ભારતીય સૈનિકોને નોંધ આપી કે ગેરિસન કમાન્ડર ભારતીય બ્રિગેડ કમાન્ડરની સામે પોતાની સંપૂર્ણ ગેરીસન સાથે આત્મસમર્પણ કરવા માગે છે.

જનરલ કારડોઝો કહે છે, "અમારા સીઓને તરત ખ્યાલ આવી ગયો કે અમારી આખી બ્રિગેડ અહીં છે તેવું દેખાડવાની ચાલ કામ આવી ગઈ છે. તેમને એ પણ ખ્યાલ હતો કે હજીય પાકિસ્તાનીઓને અંદાજ આવી જાય કે તેમની સામે ભારતની માત્ર અડધી બટાલિયન જ છે, તો સ્થિતિ પલટાઈ શકે તેમ હતી."

"એ પાકિસ્તાની અફસરોને પાછા જતા રહેવા કહેવાયું અને જણાવાયું કે હજી સુધી સરેન્ડર લેવા માટેનો આદેશ આવ્યો નથી. ભારતીય બ્રિગેડ કમાન્ડર ત્યાંથી 100 માઇલ દૂર હતા. તેથી તેમને એક કૉડેડ સંદેશ મોકલાયો કે તેઓ તરત આવે અને પાકિસ્તાની સૈનિકોને સરેન્ડર કરાવે."

ભારતીય બ્રિગેડિયર હેલિકૉપ્ટરથી ઊતર્યાં તે જોઈ પાકિસ્તાનીઓ અચરજમાં

15 ડિસેમ્બરે બપોરે ભારતીય બ્રિગેડ કમાન્ડર બન્ટી ક્વિન હેલિકૉપ્ટરથી સિલહટ પહોંચ્યા.

ત્રણ વાગ્યે પાકિસ્તાની ગેરીસન કમાન્ડર તેમને મળવા આવ્યા. બીજા દિવસે સવારે એટલે કે 16 ડિસેમ્બરે સમગ્ર સિલહટ ગેરીસને ભારતીય સૈનિકો સામે આત્મસમર્પણ કરી લીધું.

પાકિસ્તાનીઓને નવાઈ તો લાગી હતી કે બ્રિગેડયર હેલિકૉપ્ટરથી કેવી રીતે આવ્યા. બાદમાં તેઓ ચોંકી ગયા હતા કે તેમની બે બ્રિગેડ સામે હકીકતમાં ભારતની અડધી બટાલિયન જ હતી.

સમગ્ર રીતે ત્રણ પાકિસ્તાની બ્રિગેડિયરો, 173 અફસરો, 290 જેસીઓ અને 8000 પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈનિકો સામે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં. સરેન્ડર કરનારા પાકિસ્તાની બ્રિગેડિયર હતા સલીમુલ્લા ખાં, ઇફ્તિખાર રાણા અને એસએ હસન.

સરેન્ડર પછી પાકિસ્તાની ગેરીસન કમાન્ડરે સ્વીકાર્યું હતું કે "આ બટાલિયન અહીં આવી ના હોત તો અમે કમસે કમ બીજા 10 દિવસ સુધી સિલહટમાં રહેત."

જનરલ કારડોઝો કહે છે, "જોકે આ ઘટના 50 વર્ષ પહેલાં બની હતી, પણ 5/4 ગુરખા બટાલિયનના અફસરો અને જવાનો બીબીસીની ઉપરની ઐતિહાસિક ભૂલ માટે આભાર માનવા માગે છે. બીબીસી માટે ભલે ભૂલ હતી, પણ અમારા માટે તે સૌથી સારું પ્રસારણ હતું."

કારડોઝોનો પગ સુરંગ પર પડી ગયો

આ યુદ્ધમાં ગુરખા બટાલિયનના 4 અફસરો, 3 જેસીઓ અને 123 જવાનો માર્યા ગયા હતા. પાકિસ્તાની ગોળીબારીમાં તેમની એક રેજિમૅન્ટલ એડ પોસ્ટ પણ બરબાદ થઈ ગઈ હતી.

16 ડિસેમ્બરે સવારે બૉર્ડર સિક્યોરિટી ફોર્સના કમાન્ડર આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો શરણે આવી રહ્યા છે તે જાણીને ગભરાયા હતા, કેમ કે તે વખતે ત્યાં ભારતીય સૈનિકોની સંખ્યા બહુ ઓછી હતી.

મેજર કારડોઝોને તેમની મદદે મોકલાયા હતા. તે વખતે જ કારડોઝોનો પગ પાકિસ્તાને પાથરેલી બારૂદી સુરંગ પર પડ્યો હતો. તેમના પગના ફુરચેફુરચા ઊડી ગયા.

કારડોઝો યાદ કરતાં કહે છે, "મેં ડૉક્ટરને કહેલું કે મને થોડું મૉર્ફિન આપો. તેમણે કહ્યું કે આ ઑપરેશન દરમિયાન ગોળાબારમાં તેમની બધી દવા ખતમ થઈ ગઈ છે. મેં તેમને કહ્યું કે શું તમે પગને કાપી શકશો? તેમણે કહ્યું કે પણ કાપવા માટે કોઈ સાધન નથી."

"મેં ત્યારે સહાયકને કહ્યું કે મારી ખુકરી ક્યાં છે? તે ખુકરી લઈને આવ્યો ત્યારે મેં કહ્યું કે આનાથી પગ કાપી નાખો. તેમણે કહ્યું, સર, મારાથી આ નહીં થાય. મેં ખુકરી હાથમાં લીધી અને મારી જાતે મારો પગ કાપી નાખ્યો.પગને જમીનમાં દાટી દેવા મેં જણાવ્યું. હું આજે પણ મજાક કરતો હોઉં છું કે આજે પણ બાંગ્લાદેશની એક ફૂટ બાય એક ફૂટ જમીનમાં હું પગ જમાવીને બેઠો છું."

પાકિસ્તાની સર્જને કર્યું ઑપરેશન

તે વખતે સીઓએ આવીને કહ્યું કે તમે બહુ ભાગ્યશાળી છો. એક પાકિસ્તાની સર્જને પણ આત્મસમર્પણ કર્યું છે. તે તમારું ઑપરેશન કરશે.

કારડોઝોએ તે પાકિસ્તાની સર્જન પાસે ઑપરેશન કરાવવાનો ઇનકાર કર્યો અને વિનંતી કરી કે કોઈ રીતે હેલિકૉપ્ટરથી ભારત પહોંચાડી દો.

જોકે તે દિવસે પાકિસ્તાની સેના ઢાકામાં પણ આત્મસમર્પણ કરી રહી હતી એટલે સેના પાસે વધારાનું કોઈ હેલિકૉપ્ટર ઉપલબ્ધ નહોતું. કારડોઝોના સીઓએ ફરી કહ્યું કે "તમે પાકિસ્તાની સર્જન પાસે ઑપરેશનની ના પાડીને મૂર્ખાઈ કરો છો."

કારડોઝો યાદ કરતાં કહે છે, "બહુ માથાકૂટ પછી હું ઑપરેશન માટે તૈયાર થયો. પરંતુ મેં બે શરતો રાખી હતી. પહેલી શરત એ કે મને કોઈ પાકિસ્તાનીનું લોહી ચડાવવામાં ના આવે. બીજું ઑપરેશન વખતે તમારે ત્યાં હાજર રહેવું. મારી બંને શરતો માની લેવામાં આવી. એક પાકિસ્તાની સર્જન મેજર મહમદ બશીરે મારું ઑપરેશન કર્યું. જો તે આ વાંચી રહ્યા હોય તો હું તેમનો આભાર વ્યક્ત કરવા માગું છું. તેમણે ખૂબ સારું કામ કર્યું હતું."

કારડોઝોને પહેલાં ત્યાંથી ઓડિશાના ચંદ્રનગર અને બાદમાં પુણે લઈ જવાયા હતા. પુણેમાં તેમને કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો હતો.

તેઓ ભારતીય સેનાના પ્રથમ એવા અસફર બન્યા જેઓ શારીરિક રીતે અક્ષમ હતા. તેમણે એક બટાલિયન અને બાદમાં એક બ્રિગેડના કમાન્ડર તરીકે કામ કર્યું હતું.

ઇયાન કારડોઝો છેલ્લે ભારતીય સેનામાંથી મેજર જનરલના પદ પરથી રિયાટર થયા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો