કોરોના વાઇરસ : ચીનની લૅબોરેટરીમાંથી જગતભરમાં ફેલાયો વાઇરસ?

    • લેેખક, પૉલ રિંકન
    • પદ, સાયન્સ ઍડિટર, બીબીસી ન્યૂઝ

કોરોના વાઇરસ ક્યાંથી અને કેવી રીતે આવ્યો એ બાબતે જાતજાતની માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાકનો દાવો છે કે એ વાઇરસ પશુઓમાંથી માણસોમાં પહોંચ્યો છે.

કયા પશુમાંથી એ માણસમાં પહોંચ્યો છે એ બાબતે કશું નક્કર કહી શકાતું નથી. કેટલાકનો દાવો છે કે આ વાઇરસ પેંગોલિનમાંથી માણસોમાં પહોચ્યો છે, તો કેટલાક તેના માટે ચામાચીડિયાને જવાબદાર માને છે.

બીજા કેટલાક લોકો માને છે કે આ વાઇરસ ચીનની પશુમાર્કેટમાંથી આવ્યો છે. ચીનમાં અનેક જંગલી પશુઓનો ઉપયોગ ખાવા તથા દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેથી કોરોના વાઇરસ ત્યાંથી માણસોમાં પ્રવેશ્યાનો દાવો છે.

એક સમય સુધી તો ચામાચીડિયાને જ કોરોના વાઇરસનો મૂળ સ્રોત માનવામાં આવતું હતું.

એવી દલીલ કરવામાં આવતી હતી કે ચીનના વુહાન શહેરમાં પશુઓની માર્કેટમાંથી વાઇરસ માણસોને વળગ્યો હતો અને આખી દુનિયામાં ફેલાઈ ગયો હતો.

એ પછીના એક સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે આ વાઇરસ પેંગોલિનમાંથી આવ્યો હતો. એ બાબતે પણ સંશોધન કરવામાં આવ્યું હતું.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસ જેવાં ચિહ્નો ધરાવતા વાઇરસ પેંગોલિનમાંથી મળ્યા છે, પણ એ સંશોધન હજુ પ્રારંભિક તબક્કામાં છે.

એક થિયરી એવી પણ છે કે કોરોના વાઇરસ ચીનની પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવ્યો હતો.

પાયાનો સવાલ એ છે કે આ વાઇરસ ખરેખર ચીનના વુહાન શહેરની પ્રયોગશાળામાંથી નીકળીને આખી દુનિયામાં ફેલાયો છે?

અમેરિકાના ગૃહ મંત્રાલયના સૂત્રો જણાવે છે કે તેના દૂતાવાસના અધિકારી વુહાનસ્થિત એક વાઇરસ લૅબોરેટરીમાંનાં જૈવવૈવિધ્ય બાબતે ચિંતિત હતા.

આ લૅબોરેટરી એ શહેરમાં છે, જ્યાં કોરોના વાઇરસના ચેપનો પહેલો કેસ બહાર આવ્યો હતો અને તેના લાંબા સમય પછી આખી દુનિયાનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું.

જો આવું કંઈ હોય તો આ રોગચાળા સંબંધે અત્યાર સુધી આપણી સમજમાં જે આવ્યું છે તેમાં શેનો ઉમેરો થશે?

સૂત્રો શું કહે છે?

'ધ વૉશિંગ્ટન પોસ્ટ' અખબારે દૂતાવાસનાં સૂત્રોના આધારે સમાચાર આપ્યા છે. અખબારે જણાવ્યું છે કે અમેરિકાના વિજ્ઞાન રાજદ્વારીઓએ 2018માં ચીનની સંશોધન સંસ્થાઓની મુલાકાત અનેક વાર લીધી હતી. લૅબોરેટરીમાં અપૂરતી સલામતી સંબંધે અધિકારીઓએ અમેરિકાને બે ચેતવણી પણ આપી હતી.

અખબાર દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, અમેરિકાના અધિકારીઓએ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી (ડબલ્યુઆઈવી)ની સલામતી વ્યવસ્થામાંનાં છીંડાં તથા બીજી ખામીઓ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મદદની માગણી પણ કરી હતી.

કોરોના વાઇરસ સંબંધે ચામાચીડિયાં પર લૅબોરેટરીમાં ચાલતા સંશોધન બાબતે રાજદ્વારીઓએ ચિંતા વ્યક્ત કરી હોવાનો દાવો છે.

રાજદ્વારીઓને આશંકા હતી કે એ સંશોધન સાર્સ (SARS) જેવા કોઈ નવા રોગચાળાનું કારણ બની શકે છે.

ધ વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે, સૂત્રોના આ દાવાઓએ અમેરિકન સરકારની ચર્ચામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. અમેરિકામાં એ બાબતે ચર્ચા થતી હતી કે કોવિડ-19 રોગચાળાનો સ્રોત ડબલ્યુઆઈવી અથવા વુહાનની જ કોઈ બીજી લૅબોરેટરી છે.

ફોક્સ ન્યૂઝે પણ લૅબોરેટરી થિયરી સંબંધે એક રિપોર્ટ તાજેતરમાં જ બહાર પાડ્યો હતો.

કોરોના વાઇરસ બાબતે સૌથી પહેલી વાર ગયા વર્ષના ડિસેમ્બરમાં જાણવા મળ્યું હતું. તેના શરૂઆતના કેસનો સંબંધ વુહાનના પશુમાર્કેટ સાથે હતો.

અહીં એ સ્પષ્ટતા અત્યંત જરૂરી છે કે ઇન્ટરનેટ પરનાં આ વ્યાપક અનુમાન સિવાય એવા કોઈ નક્કર પુરાવા નથી મળ્યા કે સાર્સ કોવિડ-2 વાઇરસ લૅબોરેટરીમાં થયેલી ભૂલનું પરિણામ છે.

પ્રયોગશાળામાં સલામતીના માપદંડ

જે પ્રયોગશાળાઓમાં વાઇરસ તથા બૅક્ટેરિયા સંબંધી સંશોધન તથા પ્રયોગો કરવામાં આવતા હોય છે, ત્યાં સલામતીની બીએસએલ સ્ટાન્ડર્ડ સિસ્ટમનું પાલન કરવામાં આવે છે.

બીએસએલનો અર્થ છે, બાયૉસેફટી લેવલ.

બીએસએલ સેફટીના ચાર સ્તર છે. તેના લેવલનો આધાર જેના વિશે સંશોધન કરવામાં આવી રહ્યું છે તે જૈવિક એજન્ટના પ્રકાર અને તેને અલગ કરવા માટે લેવામાં આવતી તકેદારી પર હોય છે.

બાયૉસેફટી લેવલ વન સૌથી નીચલું સ્તર છે અને તેનો ઉપયોગ જૈવિક એજન્ટ્સના અભ્યાસ માટે જાણીતી પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવે છે. એ માણસો માટે જોખમકારક નથી.

બાયૉસેફટીનું લેવલ વધે તેમ તકેદારીનું સ્તર પણ વધતું હોય છે.

દાખલા તરીકે, તમે બાયૉસેફટીના લેવલ ચાર પર હો તો સૌથી વધુ તકેદારી જરૂરી હોય છે. એ સૌથી ઊંચું સ્તર છે.

આ લેવલ, જ્યાં સૌથી ખતરનાક વાઇરસ (જેના વૅક્સિન તથા ઇલાજ ઉપલબ્ધ હોય) બાબતે સંશોધન, ચાલતું હોય એ પ્રયોગશાળાઓ માટે અનામત હોય છે.

તેમાં ઈબોલા, મરમર્ગ તથા શીતળા માટેની અમેરિકા તથા રશિયામાં સ્થિત માત્ર બે પ્રયોગશાળાનો સમાવેશ થાય છે.

કેટલીક કૉસ્મેટિક વિવિધતાઓ સાથે સમગ્ર દુનિયામાં બીએસએલ સ્ટાન્ડર્ડનું પાલન કરવામાં આવે છે.

લંડનની કિંગ્ઝ કૉલેજનાં બાયૉસિક્યૉરિટી નિષ્ણાત ડૉ. ફિલપ્પા લેંટજોસના જણાવ્યા મુજબ, રશિયાનું ઉદાહરણ લઈએ તો ત્યાંની ઉચ્ચતમ નિયંત્રિત પ્રયોગશાળાઓમાં સ્ટાન્ડર્ડ વન અને સૌથી નીચલા સ્તરની પ્રયોગશાળાઓમાં સ્ટાન્ડર્ડ ફૉરનો અમલ કરવામાં આવે છે.

આમ રશિયામાં આ માપદંડ બિલકુલ અલગ છે, પણ મૂળ પ્રક્રિયા અને ઢાંચો સમાન છે.

અલબત્ત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અલગઅલગ સ્તરો માટે એક મેન્યુઅલ બનાવ્યું છે, પણ એ બંધનકર્તા નથી.

ડૉ. લેંટજોસના જણાવ્યા મુજબ, આ પ્રયોગશાળાઓને માત્ર કામ કરવાની સલામત જગ્યાના સ્વરૂપે જ નહીં, પણ અહીં કામ કરતા લોકો માટે તેમજ પર્યાવરણના સંદર્ભમાં પણ સલામત હોય એવી જગ્યાના સ્વરૂપે વિકસાવવામાં આવી છે.

ડૉ. લેંટજોસ કહે છે, "તમે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કોઈ યોજના પર કામ કરવા ઇચ્છતા હો તો પ્રયોગશાળા કેટલાક ચોક્કસ માપદંડ અનુસારની હોય તેવો આગ્રહ રાખવામાં આવે છે. તમારી પાસે બજારમાં વેચવા માટે કોઈ પ્રોડક્ટ હોય કે તમે કોઈ બીજી સેવા આપતા હો એટલે કે પરીક્ષણ અથવા બીજી સેવા, તો તમારે આંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન કરવું પડે છે."

ડબલ્યુઆઈવીને અમેરિકા તરફથી ભંડોળ મળ્યું હતું. અમેરિકન સંશોધન સંસ્થાઓની સહાય તેને મળી હતી. દૂતાવાસનાં સૂત્રોએ વધારે આર્થિક સહાયની ઑફર પણ કરી હતી.

સલામતીમાં કેવા પ્રકારની ભૂલ થઈ?

ધ વૉશિંગ્ટન પોસ્ટ અખબારમાં પ્રકાશિત સામગ્રીમાંથી એ ખબર પડતી નથી, પણ સામાન્ય રીતે કહીએ તો સલામતીમાં અનેક સ્તરે ભૂલ થઈ શકે છે.

ડૉ. લેંટજોસ જણાવે છે કે લૅબોરેટરીમાં પ્રવેશવાની પહોંચ ધરાવતા વૈજ્ઞાનિક તથા ટેકનૉલૉજિકલ સેવા સાથે સંકળાયેલા લોકોથી તેમજ પ્રશિક્ષણ અને રેકર્ડ જાળવવાની પ્રક્રિયા દરમિયાન ભૂલ થવાની સંભાવના હોય છે.

રાજદ્વારી સૂત્રોની ચિંતા કેટલી અસાધારણ?

2014માં વૉશિંગ્ટન પાસેના એક સંશોધન કેન્દ્રમાંથી કાર્ડબોર્ડના બૉક્સમાં શીતળાની રસીની શીશીઓ મળી આવી હતી.

2015માં અમેરિકન સૈન્યે દેશની નવ પ્રયોગશાળાઓ અને દક્ષિણ કોરિયાના એક સૈન્ય થાણાને મૃત બીજાણુઓને બદલે લાઇવ એન્થ્રેક્સને નમૂના ભૂલથી મોકલ્યા હતા.

બીએસએલ સ્કેલમાં નીચલા સ્તરે લૅબોરેટરીમાં સલામતીના માપદંડ અલગ-અલગ છે અને અનેક નાના-મોટી ભૂલો તો સમાચાર સુધ્ધાં ગણાતી નથી, પણ બીએસએલ-4નું સ્ટાન્ડર્ડ પ્રાપ્ત કર્યું હોય એવી લૅબોરેટરીઝ જૂજ છે.

ડબલ્યુઆઈવી-એક મુજબની દુનિયાની 50 લૅબોરેટરીની યાદી વિકિપીડિયા પર છે, પણ એ સત્તાવાર યાદી નથી. અત્યંત ચુસ્ત માપદંડને ધ્યાનમાં રાખીને લૅબોરેટરી બનાવવી પડે છે, કારણ કે એ લૅબોરેટરીઝમાં અત્યંત ખતરનાક પેથોજેન સાથે કામ પાર પાડવામાં આવતું હોય છે.

તેમનો સૅફટી રેકર્ડ સામાન્ય રીતે સારો હોય છે. તેથી આ પૈકીની કોઈ પણ પ્રક્રિયા સંબંધે ચિંતા વ્યક્ત કરવામાં આવે તો એ બહુ જ મહત્ત્વની હશે.

વાઇરસ લીકેજના દાવા અગાઉ થયા હતા?

હા, કોવિડ-19 બાબતે જાણ થઈ કે તરત જ અનેક અનુમાન કરવામાં આવ્યાં હતાં. જોકે એ પૈકીની મોટા ભાગની અટકળનું ઉદગમસ્થાન ક્યાં હતું એ જાણવા મળ્યું નથી.

જાન્યુઆરીમાં એક ઑનલાઇન થિયરી પ્રચલિત થઈ હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે વાઇરસ કોઈ લૅબોરેટરીમાં જૈવિક હથિયાર તરીકે તૈયાર કરી શકાય છે.

અલબત્ત, વિજ્ઞાનીઓ શરૂઆતથી જ આ થિયરીને નકારતા રહ્યા હતા.મોટા ભાગના વિજ્ઞાનીઓ અને અત્યાર સુધીનાં સંશોધનો દર્શાવે છે કે કોરોના વાઇરસ મુખ્યત્વે પશુઓમાંથી જ માણસોને વળગ્યો હતો. પશુઓમાં પણ ચામાચીડિયા બાબતે શંકા વધારે છે. વાઇરસનો મૂળ સ્રોત ચામાચીડિયું જ હોવું જોઈએ એવી આશંકા છે.

જોકે, મૌલિક વૈજ્ઞાનિક સંશોધનના હેતુસર પણ વાઇરસ બનાવી શકાય છે. દાખલા તરીકે, કોઈ વાઇરસ ભવિષ્મમાં કઈ રીતે મ્યૂટેટ થશે એ જાણવા માટે પણ વાઇરસ બનાવી શકાય.

અલબત્ત, માર્ચમાં પ્રકાશિત એક અમેરિકન સંશોધનના તારણમાંથી આવો કોઈ સંકેત મળ્યો નથી.

સ્ક્રિપ્સ રિસર્ચના સહલેખક ક્રિસ્ટિયન ઍન્ડરસન જણાવે છે કે કોરોના વાઇરસનો જે જીનોમ ડેટા ઉપલબ્ધ છે તેની સાથે સરખામણી કર્યા બાદ આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે સાર્સ કોવિડ-2 સંપૂર્ણપણે કુદરતી રીતે સર્જાયો છે.

આ નેચરલ વાઇરસ ભૂલથી પ્રયોગશાળાની બહાર આવી ગયો હોવાનો આરોપ છે, જે ચિંતાકારક છે.

ચેપી રોગો બાબતે સંશોધન કરતી કમસેકમ બે સંસ્થાઓ વુહાન સીફૂડ માર્કેટની નજીક હોવાની હકીકતે ઉપરોક્ત આરોપને દૃઢ બનાવ્યો છે.

ડબલ્યુઆઈવીએ ચામાચીડિયાના કોરોના વાઇરસ બાબતે સંશોધન કર્યું હતું. એ સંપૂર્ણપણે કાયદેસરનું હતું અને ડબલ્યુઆઈવીમાં થયેલા સંશોધનનાં તારણો અનેક આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રકાશિત પણ થયાં હતાં.

ડૉ. લેંટજોસનું કહેવું છે કે વાઇરસ ક્યાંથી આવ્યો એ કહેવું અત્યારે તો થોડું મુશ્કેલ છે. એ બાબતે અનેક પ્રકારની વાતો છે, પણ સાર્સ કોવિડ-2 વુહાનસ્થિત કોઈ સંશોધન સંસ્થામાંથી બહાર આવ્યાના કોઈ નક્કર પુરાવા અત્યાર સુધી મળ્યા નથી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને ગુરુવારે આ બાબતે એક પત્રકારપરિષદમાં જવાબ આપ્યો હતો.

તેમણે પત્રકારોને કહ્યું હતું, "કોવિડ-19 કે સાર્સ કોવિડ-2 વાઇરસ પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા ન હોવાનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીઓએ વારંવાર કહ્યું છે."

કોરોના વાઇરસનો ચેપ ફેલાતો રોકવા માટે લેવામાં આવેલાં પગલાં સંબંધે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટી તંત્રને સતત સવાલ કરવામાં આવી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અમેરિકન સરકાર લૅબોરેટરી થિયરીની તપાસ કરી રહી છે.

આ વાઇરસને ફેલાવો શરૂ થવાની સાથે જ ચીન પર આક્ષેપ થતા રહ્યા હતા કે કોરોના વાઇરસના સંક્રમણના પ્રારંભિક તબક્કામાં તેણે પારદર્શકતા રાખી ન હતી.

અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયો પણ કહી ચૂક્યા છે કે ચીને પારદર્શક રીતે સ્પષ્ટતા કરવાની જરૂર છે.

અમેરિકા અને ચીન વચ્ચે એક બાજુ જીભાજોડી ચાલુ છે ત્યારે વિજ્ઞાનીઓ તેના મૂળ કારણને શોધવાના પ્રયાસ કરી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો