કોરોના વાઇરસ : અમદાવાદની હૉસ્પિટલમાં મુસ્લિમ દર્દીઓને અન્ય ધર્મીઓથી અલગ રખાયા? સરકારનો ઇન્કાર

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પર આરોપ છે કે તેમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓને તેમના ધર્મના આધારે અલગ-અલગ વૉર્ડમાં દાખલ કરવામાં આવે છે.

જોકે, ગુજરાત સરકાર અને ભારત સરકાર આ આરોપોનો ઇન્કાર કરી ચૂકી છે.

જેમ કે સી-4 વૉર્ડમાં માત્ર મુસલમાન સમાજના લોકોનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે, જ્યારે એ-4 વૉર્ડમાં માત્ર હિન્દુ સમાજના લોકોને રાખવામાં આવી રહ્યા છે.

12મી એપ્રિલ પહેલાં આ તમામ લોકો એક જ વૉર્ડમાં હતા.

19 વર્ષના એક પુરુષ દર્દીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "એ-4 વૉર્ડમાં હિન્દુ અને મુસલમાન સમાજના લોકોને એક સાથે રાખવામાં આવી રહ્યા હતા અને બન્ને સમાજના લોકોને એક જેવી જ સારવાર અપાતી હતી. પરંતુ હવે બન્નેને અલગ-અલગ રાખવામાં આવે છે."

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ સી-4 વૉર્ડમાં ઇલાજ કરાવી રહેલા 19 વર્ષના પુરુષ દર્દી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ એપ્રિલથી એ-4 વૉર્ડમાં દાખલ હતા.

તેઓ કહે છે, "તેમની સામે અનેક હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોને એ જ વૉર્ડમાં લાવવામાં આવ્યા અને તેમનો ઇલાજ કરવામાં આવતો હતો."

"પરંતુ 12મી એપ્રિલે રાત્રે 11 વાગ્યે સિવિલના સ્ટાફના અમુક લોકોએ અમને કહ્યું કે અમારામાંથી અમુક લોકોને સારી સગવડવાળા સી-4 વૉર્ડમાં લઈ જવામાં આવી રહ્યા છે."

એ-4 માં જેટલા મુસ્લીમ સમાજના લોકો હતા તેમને તમામને સી-4માં લઈ જવામાં આવ્યા. "થોડી વાર બાદ અમને ખ્યાલ આવી ગયો કે તેમણે હિન્દુઓ અને મુસ્લિમોને અલગ-અલગ વૉર્ડમાં મૂકી દીધા છે."

તેમણે જ્યારે આ વિશે હૉસ્પિટલ સ્ટાફને પૂછ્યું તો આ દર્દીને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ દર્દી કહે છે કે તમામ મુસ્લિમ દર્દીઓ એક જ વૉર્ડમાં આવતા રહ્યા ત્યારે અમને આખી પરિસ્થિતિનો અંદાજ આવ્યો.

આવી જ રીતે અન્ય એક 42 વર્ષના પુરુષ દર્દી જે હજી બે દિવસ અગાઉ જ સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતા, તેમને સીધા સી-4 વૉર્ડમાં લઈ જવામાં આવ્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે એ વૉર્ડમાં લગભગ 28 જેટલા દર્દીઓ છે, અને એ તમામ મુસ્લિમ સમાજના જ છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ સિવિલ હૉસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જી. એચ. રાઠોડ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે દર્દીઓની તેમની મેડિકલ કંડિશન પ્રમાણે સારવાર કરાઈ રહી છે.

"આ પ્રક્રિયામાં ડૉક્ટર્સને યોગ્ય લાગે તે પ્રમાણેના વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે."

ડૉ. રાઠોડને તેમના ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા જવાબ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે કોઈ ગેરસમજ થઈ ગઈ હોય તેવું લાગે છે.

જો કે ધર્મને આધારે હૉસ્પિટલમાં ખાટલા અપાતાં હોવાના આરોપોને તેમણે નકારી કાઢ્યા હતા.

જો કે અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલમાં તેમણે કહ્યું છે કે બન્ને સમાજના લોકોને કોઈ અગવડ ન પડે માટે તેમને અલગ-અલગ વૉર્ડમાં રાખવામાં આવ્યા છે.

આ અહેવાલમાં લખ્યું છે એ પ્રમાણે તેમણે એવું પણ કહ્યું હતું કે આ પ્રકારની વ્યવસ્થા કરવા માટે તેમને સરકારમાંથી કહેવામાં આવ્યું હતું.

જ્યારે બીબીસી ગુજરાતીએ તેમની સાથે આ અહેવાલ વિશે વાત કરી તો તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

ગુજરાત સરકરાના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ ખાતાએ ટ્વીટ કરીને આ મીડિયા રિપોર્ટનું ખંડન કર્યું છે અને ટ્વીટમાં જણાવ્યું છે કે દર્દીઓને જુદા-જુદા વૉર્ડમાં તેમની મેડિકલ પરિસ્થિતિ અને લક્ષણો જેવી બાબતોને ધ્યાનમાં લઈને અલગ-અલગ વૉર્ડમાં રાખવામાં આવ્યા છે.

દાનીશ કુરૈશી એક મુસ્લિમ કર્મશીલ છે. તેમના એક મિત્ર હૉસ્પિટલમાં કોરોના હોવાને કારણે દાખલ છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે અમુક હિન્દુ સમાજના લોકોએ હૉસ્પિટલ સ્ટાફને ફરિયાદ કરી હતી કે મુસ્લિમ સમાજના લોકો સાથે નથી રહેવું. એ પછી હૉસ્પિટલ સ્ટાફ હરકતમાં આવ્યું હતું.

જો કે ડૉ. જી. એચ.રાઠોડે જણાવ્યું હતું કે આવો કોઈ ઘટનાક્રમ ઘટ્યો નથી.

ગુજરાત સરકારના સ્વાસ્થય અને પરિવારકલ્યાણ ખાતાએ પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને મીડિયા રિપોર્ટને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે આ રિપોર્ટ પાયાવિહોણો છે.

આ ટ્વીટ કરવામાં આવ્યું એના થોડાક કલાકો પહેલાં બીબીસી ગુજરાતીએ સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ ખાતાના રાજ્ય મંત્રી કિશોર કાનાણી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે પોતાના દર્દીને ક્યાં અને કેવી રીતે રાખવા તે તો ડૉક્ટરોનો વિષય છે. તેમણે એવું પણ ઉમેર્યું કે "સરકારે તો એવી કોઈ ગાઇડલાઇન્સ નથી આપી કે દર્દીઓને તેમના ધર્મના આધારે દાખલ કરવા. પરંતુ જો ડૉકટર્સ આવું કરી રહ્યા છે તો તે તેમની જરૂરીયાત હશે."

બીબીસીએ તેમને સવાલ કર્યો કે શું કોઈ ડૉક્ટર આવી રીતે ધર્મના આધારે દર્દીઓનું વર્ગીકરણ કરે છે તો તેમણે સંવાદદાતાને સવાલ કર્યો કે તમે કોરોના વાઇરસ સામે લડનારની સાથે છો કે નહીં? તમારે આવા મુદ્દાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલને કોરોનો વાઇરસના સંક્રમણ સામેની લડાઈ માટે એક નોડલ હૉસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

1200 ખાટલાની આ હૉસ્પિટલને કોરોનાના દર્દીઓ માટે આરક્ષિત રખાઈ છે. આ હૉસ્પિટલ ઉપરાંત વી. એસ. કૅમ્પસમાં આવેલી એસ. વી. પી. હૉસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે.

જો કે આમાંથી ઘણા દર્દીઓ મુસ્લિમ સમાજના છે.

મુસ્લિમ કર્મશીલોનું શું કહેવું છે?

જ્યારે બીબીસી ગુજરાતીએ આ વિશે મુસ્લિમ સમાજના કર્મશીલો સાથે વાત કરી તો તેમણે આ પ્રકારના વ્યવહારને સાંખી ન લેવાય તેવું કહ્યું હતું.

દાનીશ કુરૈશી કહે છે કે તેમના એક મિત્ર દ્વારા તેમને ખબર પડી હતી કે સિવિલ હૉસ્પિટલમાં જ્યારે કોઈ હિન્દુ દર્દીએ હૉસ્પિટલ સ્ટાફને એવી ફરિયાદ કરી હતી કે તેઓ મુસ્લિમ સાથે ન રહી શકે, ત્યારબાદ જ દર્દીઓને અલગ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આવી જ રીતે ઇકરામ મિર્ઝા નામના એક કર્મશીલે કહ્યું કે આ ઇસ્લોમોફૉબીયાનું પરિણામ છે.

તેઓ કહે છે, "લોકોને મુસલમાન સાથે હૉસ્પિટલમાં પણ રહેવું નથી, જે આપણા સંવિધાનની વિરુદ્ધ છે."

શું છે COVID 19નો પ્રોટોકૉલ?

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય પ્રમાણે દર્દીઓનું વર્ગીકરણ ત્રણ પ્રકારના ગ્રૂપમાં થઈ શકે છે.

પ્રથમ તો જે કન્ફર્મ કે સસ્પેક્ટ હોય તેમને માઇલ્‍ડ કે ખૂબ માઇલ્ડ ગ્રૂપમાં મૂકી શકાય,

બીજા તેવા કે જેમની હાલત મૉડરેટ છે, અને ત્રીજા ગ્રૂપમાં એવા લોકોનો સમાવેશ થાય કે જેમની હાલત ગંભીર હોય.

દર્દીને કૅટેગેરી પ્રમાણેની દવા આપવાની રહે છે, જો કે ક્યાંય ધર્મ આધારિત વર્ગીકરણની વાતનો ઉલ્લેખ નથી.

કોરોના વારસ અને ગુજરાત રાજ્ય

બુધવાર સવાર સુધી ગુજરાતભરમાં આશરે 617 કોરોનાના પૉઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 55 લોકો સાજા થઈને પાછા ઘરે ફર્યા છે અને 26 લોકોનાં મૃત્યુ થયાં છે.

સરકારે અમદાવાદના કોટ વિસ્તારમાં હાલમાં કર્ફ્યૂ લાદી દીધો છે.

જો કે ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓનો મૃત્યુદર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી સૌથી વધારે નોંધાયો છે.

હાલમાં ગુજરાતનો મૃત્યુદર 4.3 છે, જ્યારે મધ્ય પ્રદેશનો 6.84 અને મહારાષ્ટ્રનો 6.62 છે.

હાલમાં જ અમદાવાદ પોલીસે એક પત્ર લખીને તમામ પોલીસ સ્ટેશનને જાણ કરવી પડી હતી કે મુસ્લિમ સમાજના લોકો વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા ખોટા વાઇરલ મૅસેજને કારણે કોમી એકતાને નુકસાન થઈ શકે છે, માટે તમામ પોલીસ સ્ટેશને સતર્ક રહેવું.

ગુજરાત પોલીસે ખોટા મૅસેજ ફેલાવતાં ગુનેગાર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને પકડી પાડ્યો હતો, પરંતુ કોરોના વાઇરસને કારણે મુસ્લિમ સમાજના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પણ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એવું કહ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીનની ઘટના બાદ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે.

ઘણા મુસ્લિમ નેતાઓ માને છે કે કોરોના વાઇરસને કારણે હિન્દુ અને મુસલમાન વચ્ચેની ખાઈ વધી ગઈ છે.

મુસ્લિમ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં વધારો થયો છે. હાલમાં જ આવી જ પેટ્રોલીંગ ડ્રાઇવ દરમિયાન જુહાપુરાના અમુક લોકોએ પોલીસની સામે પથ્થરમારો કરતા ઘણા મુસ્લિમ લોકોની સામે ફરિયાદ થઈ હતી.

હાલમાં કોટ વિસ્તારમાં કર્ફ્યૂ છે, જેમાં મોટાભાગના મુસ્લિમ સમાજના લોકો રહે છે.

અમદાવાદમાં હાલમાં 346 કેસો નોંધાયા છે, જેમાંથી લગભગ 200થી વધુ કોટ વિસ્તારના લોકો છે.

હજી સુધી શહેરમાં 6,595 ટેસ્ટ થયા છે અને શહેરમાં 13 લોકોનાં મૃત્યુ કોરોના વાઈરસને કારણે થયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો