શા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે WHOનું ફંડિંગ અટકાવ્યું?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ને ફંડિંગ અટકાવવાના નિર્દેશ આપ્યા છે.

ટ્રમ્પનું કહેવું છે કે સંગઠન કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવાની મૂળભૂત કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

ટ્રમ્પનો આરોપ છે કે જ્યારે ચીનમાં કોરોના વાઇરસનો પ્રસાર શરૂ થયો હતો, ત્યારે WHO તેને અટકાવવામાં નિષ્ફળ રહ્યું, એટલું જ નહીં, તે સમગ્ર ઘટનાક્રમની સ્પષ્ટ તસવીર રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

ટ્રમ્પે કહ્યું હતું કે WHOની જવાબદારી નક્કી થવી જોઈએ. આ પહેલાં તેમણે WHO પર 'ચીનતરફી' વલણ ધરાવવાનો આરોપ મૂક્યો હતો.

અમેરિકા પર આફત

અમેરિકામાં કોરોના વાઇરસને કારણે 25 હજાર કરતાં વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે, જે વિશ્વમાં સૌથી વધારે છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીનાં આંકડા મુજબ અમેરિકામાં 25 હજાર કરતાં વધુ દરદીના મૃત્યુ થયા છે, જે કોઈપણ દેશ કરતાં વધુ છે. લગભગ છ લાખ અમેરિકનો આ રોગથી પીડિત છે.

ટીકાકારોનું કહેવું છે કે દેશમાં મહામારીને ફેલાતી અટકાવવા માટે ટ્રમ્પે બરાબર રીતે કામ નહોતું કર્યું.

અમેરિકા અને WHO

ટ્રમ્પનું કહેવું છે કે WHOએ કોરોના સંદર્ભે કેવી કામગીરી બજાવી, તેની પણ સમીક્ષા કરવામાં આવશે.

અમેરિકા WHOને સૌથી વધુ ફંડ આપે છે. ગત વર્ષે અમેરિકાએ 40 કરોડ ડૉલરનું ફંડ આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ દેશમાં સ્થિતિ પૂર્વવત્ બને તે માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું, "હું ટૂંક સમયમાં તમામ ગવર્નરો સાથે વાત કરીશ. તમામ રાજ્યોના ગવર્નરોએ પ્લાન ઉપર કામગીરી કરવાની જવાબદારી લેવી પડશે."

WHO પૂર્વે ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રોને આપવામાં આવતી સહાય ઉપર સવાલ ઉઠાવ્યા હતા, ઉપરાંત તેમના નેતૃત્વમાં અમેરિકા વૈશ્વિક જળવાયુ સંધિમાંથી પણ ખસી ગયું હતું.

ટ્રમ્પ છાશવારે વર્લ્ડ ટ્રૅડ ઑર્ગેનાઇઝેશન ઉપર પણ નિશાન સાધતા રહે છે.

ટ્રમ્પનું કહેવું છે કે દર વર્ષે અમેરિકા દ્વારા WHOને 40-50 કરોડ ડૉલર આપવામાં આવે છે, જ્યારે ચીન દ્વારા ચાર કરોડ ડૉલર જ આપવામાં આવે છે .જો WHO દ્વારા ચીનમાં પ્રવર્તમાન સ્થિતિનો વાસ્તવિક તાગ આપવામાં આવ્યો હોત અને તેના વિશે પારદર્શક રીતે માહિતી આપવામાં આવી હોત તો આજે જેવી સ્થિતિ ઊભી થઈ છે, તેવી સ્થિતિ ઊભી ન થઈ હોત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો