You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ન્યૂ યૉર્કમાં મૃતદેહોની અંતિમવિધિ કઈ રીતે કરાઈ રહી છે?
અમેરિકામાં કોરોનાના દર્દીઓનાં મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. સતત વધી રહેલા મરણાંકના સમાચારો વચ્ચે ન્યૂ યૉર્કમાં કોરોનાના દર્દીઓના મૃતદેહોને સામૂહિકપણે દફન કરાઈ રહ્યા હોવાની ચિંતાજનક માહિતી સામે આવી રહી છે.
આ માહિતીના પુરાવા સ્વરૂપે કેટલીક તસવીરો પણ રજૂ કરાઈ રહી છે.
હાર્ટ આઈલૅન્ડની આ તસવીરોમાં સુરક્ષિત કપડાંમાં સજ્જ કર્મચારીઓ ઊંડા ખાડામાં લાકડાનાં તાબૂત મૂકતાં દેખાઈ રહ્યા છે.
ડ્રોન વડે લેવાયેલી આ તસવીરોમાં જે જગ્યા દેખાઈ રહી છે, ત્યાં પાછલાં દોઢસો વર્ષોથી એવા મૃતદેહોને સામૂહિકપણે દફનાવાય છે, જેમના કોઈ નજીકના સંબંધી કે મિત્ર નથી હોતા અથવા જેઓ અત્યંત ગરીબ હોય છે.
ન્યૂ યૉર્કમાં સૌથી વધારે પ્રકોપ
અમેરિકામાં ન્યૂ યૉર્કમાં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ જોવા મળી રહ્યો છે.
ન્યૂ યૉર્કમાં કોરોનાની પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે અમેરિકાને બાદ કરતાં વિશ્વના તમામ દેશો કરતાં ન્યૂ યૉર્કમાં આ વાઇરસના દર્દીઓ વધુ છે.
ન્યૂ યૉર્કમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખ 60 હજાર કરતાં વધુ છે, જે પૈકી આઠ હજાર દર્દીઓ મૃત્યુને ભેટ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી એપી અનુસાર હાર્ટ આઈલૅન્ડ પર સામાન્યપણે એક અઠવાડિયામાં લગભગ 25 મૃતદેહો આવતા અને અઠવાડિયામાં એક જ દિવસ અંત્યેષ્ટિ થતી.
પરંતુ સુધારગૃહ વિભાગના પ્રવક્તા જેસન કર્સ્ટને જણાવ્યું હતું કે, "હવે આઈલૅન્ડ પર પાંચ દિવસ સુધી સતત અંત્યેષ્ટિની પ્રક્રિયા થઈ રહી છે, દરરોજ લગભગ 25 મૃતદેહો આવી રહ્યા છે."
મડદાઘરમાં જગ્યાની અછત
નિષ્ણાતોના મતે આ મૃતદેહો પૈકી ઘણા કોરોનાના એવા દર્દીઓના મૃતદેહો પણ હોઈ શકે છે, જેમના કોઈ નજીકના સંબંધી હયાત નથી અથવા જેમના પરિવારો અંત્યેષ્ટિનો ખર્ચ ભોગવી શકે તેમ નથી.
આ આઈલૅન્ડ પર મૃતદેહોને દફન કરવાનું કામ શહેરની મુખ્ય જેલ રાઇકર્સ આઈલૅન્ડના કેદીઓથી કરાવાતું હતું. પરંતુ કામમાં અચાનક વધારો થવાના કારણે આ કામ એક કૉન્ટ્રાક્ટરોને સોંપી દેવાયું છે.
હજુ સુધી એ માહિતી નથી મળી શકી કે મૃતકો પૈકી કેટલા લોકો અત્યંત ગરીબ હતા કે કેટલાના નજીકના સંબંધીઓ નહોતા.
પરંતુ મડદાઘરમાં જગ્યાની અછત હોવાના કારણે બિનવારસી લાશોને મૂકી રાખવાનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે.
હવે વાત કરીએ અમેરિકામાં સતત વધી રહેલા મૃતકોના આંકડા વિશે.
અમેરિકામાં શનિવારે એક જ દિવસ દરમિયાન બે હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર મળ્યા હતા.
એક જ દિવસમાં કોઈ એક દેશમાં આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત લોકોનાં મૃત્યુ થયાં હોય તેવો આ પ્રથમ બનાવ છે.
અમેરિકામાં એક દિવસમાં બે હજારથી વધારે મૃત્યુ
અમેરિકાની જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં ગત 24 કલાકમાં 2108 લોકોનાં મૃત્યુ થયાં છે.
તેમજ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 5 લાખને પાર કરી ગઈ છે.
એવું મનાઈ રહ્યું છે કે મહામારીના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા મામલે અમેરિકા ટૂંક સમયમાં ઇટાલી કરતાં પણ આગળ નીકળી જશે.
આ પરિસ્થિતિ અંગે વ્હાઇટ હાઉસના કોવિડ-19 અંગે બનેલી ટાસ્ક ફોર્સના જાણકારોએ માહિતી આપી હતી કે હવે એવું લાગી રહ્યું છે મહામારીની સ્થિતિ સ્થિર થતી જઈ રહી છે.
પરંતુ ડૉક્ટર ડેબોરા બર્ક્સે આ પરિસ્થિતિ અંગે ચેતવણી આપતાં કહ્યું છે કે, ‘આ પરિસ્થિતિ ઉત્સાહવર્ધક સાબિત થઈ શકે છે, પરંતુ આપણે હજુ સુધી સંકટની ચરમ સ્થિતિ સુધી નથી પહોંચ્યા.’
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પરિસ્થિતિ સુધરતાં એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે હવે મૃતકોની સંખ્યા એક લાખને પાર નહીં જાય.
ટાસ્ક ફોર્સના એક પ્રમુખ સદસ્ય ડૉક્ટર ઍન્થની ફૉસીએ એનબીસી ચૅનલ પર જણાવ્યું હતું કે તેમને આશંકા છે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે મહામારીના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 60 હજાર આસપાસ રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો