‘હિંદુસ્તાની મુસલમાન’નો સોશિયલ મીડિયા પર વિરોધ કેમ?

    • લેેખક, મહેઝબીન સૈયદ
    • પદ, બીબીસી ગુજરાતી

સોશિયલ મીડિયા પર ‘હિંદુસ્તાની મુસલમાન’ કવિતા વાઇરલ થઈ એ પછી ખૂબ ચર્ચામાં આવેલા લેખક, કવિ અને ગીતકાર હુસૈન હૈદરી આજે ફરી ચર્ચામાં આવ્યા છે.

હુસૈન હૈદરીની સાથે-સાથે કલાકારોના ઑનલાઇન શોનું આયોજન કરાવતી તેમજ ઑનલાઇન ટિકિટ બુક કરતી કંપની બુક માય શો ગ્રાહકોના નિશાને ચઢી છે.

વાત એવી છે કે કોરોના વાઇરસના સંક્રમણ અને ખતરાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં લૉકડાઉન છે.

તેવામાં ઘણા કલાકાર પોતાના કામને પ્રમોટ કરવા માટે અને તેને ચાલુ રાખવા માટે ઇન્ટરનેટનો સહારો લઈ રહ્યા છે.

બુક માય શોએ કલાકાર હુસૈન હૈદરીના ઇન્સ્ટાગ્રામ લાઇવને પ્રમોટ કરવા માટે એક ટ્વીટ કર્યું.

આ ટ્વીટથી નારાજ થઈને લોકોએ બુક માય શોની ઍપ્લિકેશન ડિલિટ કરવાની વાત કરવા માંડી અને થોડી જ વારમાં #BoycottBookMyShow હૅશટૅગ ટ્રૅન્ડ થવા લાગ્યું.

ટ્વિટર પર રોષ

હુસૈન હૈદરી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવા ભાજપના નેતાઓ પણ આગળ આવ્યા છે.

ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરી બુક માય શો વિરુદ્ધ નારાજગી વ્યક્તિ કરી છે.

તેમણે ટ્વીટ કર્યું કે “મેં #BookMyShow ઍપ્લિકેશનને ડિલીટ કરી દીધી છે જે હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવે છે. ભારતમાં તે સ્વીકાર્ય નથી અને હવે હું ક્યારેય બુક માય શોનો ઉપયોગ નહીં કરું.”

આ સિવાય ભાજપના પ્રવક્તા સુરેશ નાખુઆએ ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા હૈદરીએ હિંદુ સમાજ વિરુદ્ધ પહેલાં જે ટ્વીટ કર્યું હતું તેની તસવીર પણ શૅર કરી.

તો અન્ય લોકોએ પણ ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે અને સતત બુક માય શો એપને ડિલીટ કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે.

ચિરાયુ શ્રીવાસ્તવ નામના એક ટ્વિટર યૂઝર કહે છે, ‘તમે એવી વ્યક્તિને કેવી રીતે પ્રમોટ કરી શકો જે હિંદુવિરોધી છે. આ રીતે તમે બિઝનેસ ના કરી શકો. તમે ભારતમાં છો, પાકિસ્તાનમાં નહીં.’

આદિત્ય સિંહ નામના એક યૂઝર કહે છે, ‘અચ્છા, તો બુક માય શો હવે એવા લોકોને પ્રમોટ કરે છે જેઓ હિંદુઓ વિરુદ્ધ ઝેર ફેલાવે છે અને આખા દેશના શ્રદ્ધાળુઓને ‘આતંકવાદી’ ગણાવે છે.’

હુસૈન હૈદરીનો વિરોધ કેમ?

વાત ફેબ્રુઆરી મહિનાની છે, જ્યારે હુસૈન હૈદરીએ હિંદુવિરોધી એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું.

હુસૈન હૈદરીએ ટ્વીટમાં ‘હિંદુ ટેરરિઝમ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને હિંદુઓને આતંકવાદ સાથે જોડીને દર્શાવ્યા હતા.

તેમણે આ શબ્દ વાપરવા અન્ય લોકોને પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે આમ કહેવું ખૂબ જરૂરી છે. તેના કારણે તેમની ખૂબ ટીકા થઈ હતી.

હુસૈન હૈદરી કરણ જૌહરની ફિલ્મ તખ્તના લેખક છે, જેથી તે ફિલ્મને પણ બૉયકૉટ કરવાની માગ ઊઠી હતી.

કોણ છે હુસૈન હૈદરી?

ઇંદૌરમાં જન્મેલા હુસૈન હૈદરીએ IIM માંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે અને તેઓ એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રહી ચૂક્યા છે.

વર્ષ 2015માં ડિસેમ્બરમાં તેમણે એક કંપનીના નાણાકીય પ્રમુખના પદની નોકરી છોડી દીધી અને ત્યારથી ગીતકાર અને લેખક બની ગયા છે.

10 ફેબ્રુઆરી 2017ના રોજ તેમણે એક કવિતા ફેસબુક પર શેર કરી હતી જેનું શીર્ષક હતું ‘હિંદુસ્તાની મુસલમાન’ અને તે ખૂબ વાઇરલ થઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો