કોરોના વાઇરસ : 'હું બ્રાહ્મણ છું, મારે તબલીગી જમાતના લોકો સાથે શી લેવાદેવા?'

    • લેેખક, આલોક પ્રકાશ પુતુલ
    • પદ, રાયપુરથી બીબીસી ગુજરાતી માટે

દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી મરકઝમાંથી છત્તીસગઢ પાછા ફરેલા બાવન લોકોને શોધી કાઢવા માટે 'ગહન તલાશી અભિયાન' શરૂ કરવાનો આદેશ છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે.

નિઝામુદ્દીનના તબલીગી જમાત મરકઝથી કથીત રીતે છત્તીસગઢ પાછા ફરેલા 159 લોકોનાં નામની અરજદારે રજૂ

કરેલી યાદીના આધારે અદાલતે ઉપરોક્ત આદેશ આપ્યો છે. તે 159માં 108 લોકો બિન-મુસ્લિમ છે.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ ગૌતમ ભાદુરીની ખંડપીઠે ગુરુવારે કોવિડ-19 સંબંધી અનેક મામલાઓની એક સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સુનાવણી કર્યા બાદ ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

કોવિડ-19 સંબંધી અરજીઓની સુનાવણી વખતે અરજદારે અદાલતને એવી માહિતી આપી હતી કે નિઝામુદ્દીનના તબલીગી જમાત મરકઝમાં ભાગ લઈને છત્તીસગઢ પરત આવેલા લોકોની તબીબી તપાસ કરવામાં આવી નથી.

અરજદારના વકીલે અદાલતને જણાવ્યું હતું કે છત્તીસગઢ પાછા ફરેલા તબલીગી જમાતના 159 સભ્યોમાંથી 107 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

એ પૈકીના 87ના રિપોર્ટ મળ્યા છે, 23ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને બાવન લોકોનું પરીક્ષણ થયું નથી.

એ 52 લોકોને કોવિડ-19નો ચેપ લાગ્યો હશે તો તેઓ છત્તીસગઢ વિસ્તારમાં કોવિડ-19ના પ્રસારનું કારણ બની શકે છે.

એ પછી અદાલતે તબલીગી જમાતના ગુમ થયેલા બાવન લોકો માટે 'સઘન તલાશી અભિયાન' શરૂ કરવાનો અને 23 લોકોનાં પરીક્ષણના રિપોર્ટની માહિતી અદાલતને આપવાનો હુકમ કર્યો હતો.

અદાલતના આ આદેશ પછી સાંજ થતાં સુધીમાં સોશિયલ મીડિયા પર યુઝર્સે કથિત રીતે ગુમ થયેલા એ 52 લોકોની શોધના મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કર્યું હતું.

159 લોકો પૈકીના 108 બિન-મુસ્લિમ

અરજદારના વકીલ ગૌતમ ક્ષેત્રપાલે નિઝામુદ્દીન તબલીગી જમાત મરકઝમાંથી પાછા ફરેલા જે 159 લોકોની યાદી ઉપલબ્ધ કરાવી છે તેમાં 108 લોકો બિન-મુસ્લિમ છે.

એ યાદીમાં બધા લોકોનાં નામ, સરનામાં અને ફોનનંબર નોંધાયેલા છે. એ પૈકીના કેટલાક લોકો સાથે બીબીસીએ વાત કરી હતી.

એ પૈકીના મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે તેમને તબલીગી જમાત કે ઇસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી.

જોકે, તમામ લોકો માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહમાં દિલ્હી ગયા હતા અને દિલ્હીથી પાછા ફર્યા બાદ આરોગ્યવિભાગની સૂચના અનુસાર હોમ ક્વોરૅન્ટીનમાં છે.

બિલાસપુરમાં રહેતા શ્રીકુમાર પાંડે (નામ બદલ્યું છે)નું નામ પણ એ યાદીમાં સામેલ છે.

શ્રીકુમાર પાંડેએ બીબીસીને કહ્યું હતું, "હું બ્રાહ્મણ છું. મારે તબલીગી જમાતના લોકો સાથે શી લેવાદેવા?"

"માર્ચમાં હું દિલ્હી જરૂર ગયો હતો, પણ તબલીગી જમાતના મરકઝમાં જવાનો સવાલ જ નથી. જે ટ્રેનમાં હું બિલાસપુર પાછો આવ્યો હતો એ ટ્રેન મેં નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી પકડી હતી. એ સાચું."

"દિલ્હીથી પરત આવ્યા બાદ પોલીસ તથા આરોગ્યવિભાગે મારી તપાસ કરી હતી અને મને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી."

પોતાના તબલીગી જમાત સાથે કોઈપણ પ્રકારનો સંબંધ હોવાનો રાયપુરનાં જયદીપ કૌરે પણ ઇન્કાર કર્યો હતો.

તેમણે રોષે ભરાઈને કહ્યું હતું, "તબલીગી જમાતનું નામ મેં પહેલીવાર હમણાં ટીવી પર સાંભળ્યું. હું 16 માર્ચે દિલ્હીથી પાછી ફરી હતી અને પોલીસ તથા આરોગ્યવિભાગના લોકોએ મારી તપાસ કરી હતી. તેમણે મને 14 દિવસ ઘરમાં રહેવાની સલાહ આપી હતી અને ત્યારથી હું ઘરમાં જ છું."

દુર્ગના મોહમ્મદ ઝુબૈરે જણાવ્યું હતું કે તેમને તબલીગીઓ સાથે કોઈ સંબંધ નથી અને આ વર્ષે તો શું, તેઓ આખી જિંદગીમાં તબલીગી જમાતના કોઈ કાર્યક્રમમાં સામેલ થયા નથી.

રાજ્યના આરોગ્યમંત્રી ટી. એસ. સિંહદેવનું કહેવું છે કે 'અમને મળેલા ફોનનંબરો, જે દિવસોમાં નિઝામુદ્દીનના તબલીગી જમાત મરકઝમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો એ દિવસોમાં નિઝામુદ્દીનના કોઈ એક મોબાઇલ ફોન ટાવરના પ્રભાવક્ષેત્રમાં આવેલા મોબાઇલ ફોનના નંબરો છે.'

જે લોકોના એ નંબર હતા તેમની તકેદારીના ભાગરૂપે તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેમને સાવધાની રાખવા જણાવવામાં આવ્યું હતું.

તેમાં મોટાભાગના લોકો એવા છે કે જેઓ નિઝામુદ્દીનની આસપાસના વિસ્તારમાંથી પસાર થયા હતા અથવા તેમણે નિઝામુદ્દીન રેલવેસ્ટેશનથી ટ્રેન પકડી હતી.

જોકે, આ 159 લોકોની યાદીમાં સામેલ પ્રેમકુમાર સાહુને વાંધો એ છે કે આ યાદીમાંના તમામ લોકોને તબલીગી જમાત સાથે સંબંધ હોય એ રીતે યાદી રજૂ કરવામાં આવી છે.

પ્રેમકુમાર સાહુએ કહ્યું હતું, "આરોગ્યવિભાગ અને પોલીસે અમારા સ્વાસ્થ્ય માટે, અમારા ભલા માટે જ માહિતી એકઠી કરી હતી."

"અમને હોમ આઇસોલેશન ની સલાહ આપી હતી, પણ તેમની પૂછપરછે અમને અમારા મહોલ્લામાં શકમંદ બનાવી દીધા છે."

છત્તીસગઢ અને તબલીગી

દિલ્હીમાં માર્ચના અંતિમ સપ્તાહમાં લોકડાઉન દરમિયાન નિઝામુદ્દીનસ્થિત તબલીગી જમાતના વડામથકમાં ફસાયેલા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યાના સમાચાર બહાર આવ્યા એટલે છત્તીસગઠ સરકારે પણ બીજાં રાજ્યોની માફક તબલીગી જમાતની તપાસ શરૂ કરી દીધી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે 31 માર્ચની સાંજે એક ટ્વીટમાં લખ્યું હતું, "છત્તીસગઢ પાછા ફરેલા તબલીગી જમાતના 32 સભ્યોને ક્વોરૅન્ટીનમાં અને 69 સભ્યોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ચવિભાગની એ તમામ પર ચાંપતી નજર છે."

છત્તીસગઢમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ 18 માર્ચે નોંધાયો હતો અને છઠ્ઠી એપ્રિલ સુધીમાં રાજ્યમાં કુલ 10 લોકોને કોરોનાનો ચેપ લાગ્યાનું બહાર આવ્યું હતું.

એ પૈકીના નવ લોકોને સારવાર બાદ અલગ-અલગ દિવસે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

કોરોનાનો એકમાત્ર સંક્રમિત દર્દી 16 વર્ષનો કિશોર છે. તેની સારવાર રાયપુરની ઍઇમ્સમાં ચાલુ હતી.

કોરબા જિલ્લાના કટઘોરા વિસ્તારની એક મસ્જિદમાં રોકાયેલા તબલીગી જમાતના લોકો સાથે રહેતા એ કિશોર સિવાય બાકીના 16 લોકોમાં ચેપના કોઈ લક્ષણ જણાયાં ન હતાં.

મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે છઠ્ઠી એપ્રિલે રાજ્યમાં તબલીગી જમાતની એક યાદી ટ્વીટ કરતાં લખ્યું હતું:

"સતર્કતા અને સાવધાનીથી મોટું હથિયાર બીજું કોઈ નથી. અમે કોવિડ-19 બાબતે સમયસર કાર્યવાહી કરી. લોકડાઉન સમયસર કર્યો અને તેનો સખ્તાઈપૂર્વક અમલ પણ કરાવ્યો. તેના પરિણામે અમારા બધા ટેસ્ટ્સ નૅગેટિવ મળી રહ્યા છે. આપણે સાથે મળીને આ સંકટનો સામનો કરી શકીએ છીએ."

એ ટ્વીટ સાથેની એક યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં તબલીગી જમાતના 107 લોકોની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી. તેમાંથી 83 લોકોનું પરિણામ નૅગેટિવ હતું, જ્યારે 23 લોકોની તપાસના રિપોર્ટ મળવા બાકી છે.

એ યાદીમાં જણાવ્યા અનુસાર, કોરોના પૉઝિટિવનો એકમાત્ર કેસ કોરબા જિલ્લાનો હતો. કોરબા જિલ્લામાં કુલ 47 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તેમાંથી 46ના રિપોર્ટ નૅગેટિવ આવ્યા હતા, જ્યારે 16 વર્ષના એક કિશોરને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ રિપોર્ટ બાદ તે કિશોર જ્યાં રોકાયો હતો, એ કટઘોરા વિસ્તારમાં લોકોની તબીબી તપાસ કરવામાં આવી હતી.

બુધવારે એ વિસ્તારમાંથી એક અને ગુરુવારે સાત કોરોના પૉઝિટિવ કેસ મળ્યા હતા.

રાજ્યના આરોગ્ય પ્રધાન ટી. એસ. સિંહદેવે નિષ્ણાતોને ટાંકતા જણાવ્યું હતું કે સંક્રમણની બાબતમાં આપણે (છત્તીસગઢ) એક મહીનો પાછળ છીએ. એ દૃષ્ટિએ એપ્રિલના અંત અને મેના પ્રથમ સપ્તાહમાં સંક્રમણના આવા મામલા વધવાની આશંકા છે. તેને તબલીગી જમાત સાથે કોઈ લેવાદેવા નથી.

ટી. એસ. સિંહદેવે કહ્યું હતું, "ભારત સરકાર પાસેથી પહેલાં 158 લોકોની યાદી આવી હતી. પછી 194 લોકોની યાદી આવી હતી."

"તેમાં જેમના નામ હતા તેમના ફોન નિઝામુદ્દીન આસપાસના મોબાઇલ ટાવરમાંથી લોકેટ કરવામાં આવ્યા હતા."

"તેમાં અનેક લોકો એવા છે, જેમને તબલીગી જમાત સાથે કોઈ લેવાદેવા નથી. યાદીમાંના સાત લોકો છત્તીસગઢ આવ્યા નથી."

"તેમના સિવાયના જે લોકો હતા એ તમામની તબીબી તપાસ કરવામાં આવી છે." "હાઈકોર્ટ સોમવારે આગામી સુનાવણી હાથ ધરવાની છે. એ દિવસે અમે અદાલત સમક્ષ બધી માહિતી રજૂ કરીશું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો