કોરોના વાઇરસ : લોકલ ટ્રાન્સમિશન અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશનમાં શું ફરક હોય છે?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

જ્યારે ભારતમાં કોરોના વાઇરસના કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની ચિંતા વધી રહી છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણથી મૃત્યુ પામનારા અમુક દર્દીઓને ચેપ ક્યાંથી લાગ્યો એ જાણી નથી શકાયું.

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 82 કેસમાંથી 41 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશનના છે એવું ગુજરાત સરકારે 30 માર્ચે કહ્યું હતું. 5 એપ્રિલે સાંજ સુધીમાં ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 128 થઈ ગઈ છે.

ગુજરાત સરકાર પ્રમાણે 31 માર્ચ સુધી ગુજરાતમાં મૃત્યુ પામનાર છ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓના કેસ પણ લોકલ ટ્રાન્સમિશનના હતા. 5 માર્ચ સુધી ગુજરાતમાં મૃતકોની સંખ્યા 11 થઈ ગઈ છે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીથી સ્પષ્ટ થાય છે કે સોમવારે એટલે કે 30 માર્ચે છઠા દર્દીનું મૃત્યુ થયું ત્યા સુધી સ્વાસ્થ્ય અધિકારીઓ 50 ટકા જેટલાં દર્દીઓને ચેપ ક્યાંથી લાગ્યો એ જાણી શકાયું નથી.

ભારતમાં કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુનો દર મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વધારે છે.

મહારાષ્ટ્ર એ રાજ્ય છે જ્યાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે.

1 એપ્રિલ, બુધવારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજકોટમાં સાત, ગાંધીનગરમાં નવ, સુરતમાં ચાર અને ભાવનગરમાં પાંચ સંક્રમિત દર્દીઓને લોકલ ટ્રાન્સમિશનની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા.

સરકાર પ્રમાણે દેશમાં હજી કોરોના વાઇરસ સંક્રમણ બીજા તબક્કામાં છે. કૉમ્યુનિટી ટ્રાન્સમિશન કોરોના વાઇરસનો ત્રીજો તબક્કો છે જેમાં સમુદાયમાં સંક્રમણનો ખતરો મોટા પાયે વધી જાય છે.

આઈએમઆરસીના ડાયરેક્ટર ડૉ કમલેશ સરકારે ભાર્ગવ પરીખ સાથે વાતચીતમાં કહ્યું, “ગુજરાતમાં અત્યાર સુધી લોકલ ટ્રાન્સમિશન થઈ રહ્યું છે, કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું.”

વાઇરસના સ્રોતની ખબર નથી

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ મૃત્યુ પામનારા છ દર્દીઓ કોરાના વાઇરસનો ચેપ લાગવા ઉપરાંત પણ અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા.

અખબારે લખ્યું હતું કે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઑમ પ્રકાશ માચરા કહ્યું છે કે વાઇરસને લીધે મૃત્યુ પામનારાં અમદાવાદના બે દર્દીઓને સંક્રમણ કઈ રીતે થયું એ જાણી શકાયું નથી.

આ ઉપરાંત અમદાવાદના વધુ એક દર્દીને સંક્રમણ કઈ રીતે થયું એ પણ જાણી શકાયું નથી.

જોકે, તંત્રનું માનવું છે કે આ દર્દી તબીબી ક્ષેત્રે સંકળાયેલા હોઈ અજાણતાં જ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હશે.

ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસને ભાવનગરમાં જિલ્લા ચિકિત્સા અધિકારી ડૉ એ કે તાવિયાડે કહ્યું કે કોરોના વાઇરસના સંક્રમણના કારણે મૃત્યુ પામનારાં 45 વર્ષીય મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. જોકે તેમનાં ગામમાં અમુક લોકો સુરતથી પાછા આવ્યા હતા જેમાંથી તેમને સંક્રમણ થઈ શક્યું હોય.”

ડૉક્ટર કમલેશ સરકાર કહે છે, “ભાવનગરમાં ગીચ વિસ્તાર હોવાને લોકલ ટ્રાન્સમિશન થયું છે.”

હાલમાંજ ઇકૉનોમિક્સ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં ગુજરાત સરકારના પ્રમુખ સચિવ જયંતી રવીએ કહ્યું હતું, “અમુક વિસ્તારોમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતાને નકારી ન શકાય. જે કેસ સામે આવી રહ્યા છે તેનાથી એવું લાગે છે કે અમુક ક્લસ્ટર્સમાં આ છૂટીછવાઈ રીતે બન્યું હોઈ શકે છે.”

અમદાવાદમાં રવિવારે કોરોના વાઇરસના એક દર્દીના મૃત્યુનો દાખલો આપતા જયંતી રવિએ કહ્યું હતું કે ગોમતીપુરના એક દર્દીને ચેપ ક્યાંથી લાગ્યો એ વિશે હજી સ્પષ્ટતા નથી થઈ.

લોકલ ટ્રાન્સમિશન અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશનમાં શું ફેર છે?

લોકલ ટ્રાન્સમિશનમાં વિદેશથી આવતા લોકોના સીધા સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલાય છે.

વાઇરસનો સ્રોત ચિહ્નિત હોય અને સંપર્કમાં આવનારા લોકોની ચેઇનને ટ્રેસ કરી શકાય છે જ્યારે કૉમ્યુનિટી ટ્રાન્સમિશનમાં આવું નથી હોતું.

સ્ટેજ 3 કે કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં દર્દી કોઈ પણ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન આવ્યો હોય અથવા તે કોઈ સંક્રમિત દેશમાં ન ગયો હોય તો વાઇરસ સંક્રમણનો સ્રોત શોધવો મુશ્કેલ હોય છે.

નિષ્ણાતોને બીક છે કે જો ભારત આ સ્ટેજમાં આવે તો પરિસ્થિતિને નિયંત્રણમાં લેવી મુશ્કેલ બનશે.

છેલ્લા એક અઠવાડિયાની અંદર ભારતમાં કોરોના વાઇરસના કેસ બમણાથી વધારે થયા છે અને કોરોના વાઇરસના સંક્રમણમાંથી બહાર આવનારા લોકોની સંખ્યા પણ વધી છે.

ત્યારે આઈએમઆરસીના ડાયરેક્ટર ડૉ કમલેશ સરકારે ભાર્ગવ પરીખ સાથે વાતચીતમાં કહ્યું, “કૉમ્યુનિટી ટ્રાન્સમિશન અને લોકલ ટ્રાન્સમિશનમાં ફેર એ છે કે વધારે મોટા પ્રમાણમાં સંક્રમણનો ખતરો હોય તો કૉમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવાય. નાના વર્તુળમાં ઓછા લોકો વચ્ચે લોકલ ટ્રાન્સમિશનથી વાઇરસનો ચેપ ફેલાતો હોય છે.”

તેઓ કહે છે, “ગુજરાતમાં વિદેશથી આવતા ટ્રાન્સમિશન બંધ છે કારણકે ફ્લાઇટ્સ બંધ છે , તેનાથી વિદેશથી ટ્રાન્સમિશનની શક્યતા હવે નથી પરંતુ આંતરરાજ્ય અને આંતરજિલ્લા સ્તરે ટ્રાન્સમિશન થઈ શકે છે. તેનું કારણ છે એક રાજ્યથી બીજા રાજ્ય કે પછી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જનારા લોકો. ”

તેઓ ઉમેરે છે, “હજી સુધી ગુજરાત મોટા ખતરાની કગાર પર નથી પહોંચ્યું પરંતુ આ રોગને પ્રસરતો અટકાવવા માટે આંતરરાજ્ય અને આંતર જિલ્લામાં પ્રવાસીઓની અવર-જવર રોકવી જરૂરી છે.”

મહામારીના ચાર તબક્કા

આઈસીએમઆર પ્રમાણે કોરોના વાઇરસની મહામારીના ચાર ચરણ છે.

  • પ્રથમ તબક્કામાં એ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત જોવા મળ્યા જે બીજા દેશોમાંથી ભારત આવ્યા હતા અને તેમાં પહેલાંથી જ કોરોના વાઇરસના વિષાણુ હતા. ભારત આ સ્ટેજને પાર કરી ચૂક્યું છે કારણકે વિદેશથી ભારત આવેલા લોકોમાંથી સંક્રમણ સ્થાનિક સ્તર પર ફેલાઈ ચૂક્યું છે.
  • બીજા તબક્કામાં સ્થાનિક સ્તર પર સંક્રમણ ફેલાય છે, પરંતુ એ એવા લોકો હોય છે જે કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય છે જે વિદેશ યાત્રા કરીને પાછા આવ્યા છે.
  • ત્રીજો તબક્કો વધારે ખતરનાક હોય છે. આ હોય છે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન જેને લઈને ભારત સરકાર ચિંતિત છે.
  • ચોથો તબક્કો ત્યારે આવે છે જ્યારે સંક્રમણ સ્થાનિક સ્તર પર મહામારીનું સ્વરૂપ ધારણ કરે છે.

ભારત સરકાર શું કહે છે?

ભારત સરકારે કહ્યું છે કે દેશ હજી કોરોના વાઇરસના ત્રીજા તબક્કા એટલે કે કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજ પર નથી પહોંચ્યું.

જોકે, 5 માચ સુધી ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસની સંખ્યા 3000ને પાર કરી ગઈ છે અને 77 લોકોનાં મૃત્યુ થયાં છે તથા 266 લોકો સાજા થયા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ પ્રમાણે સરકાર કહે છે કે હજી ભારત લોકલ ટ્રાન્સમિશન સ્ટેજમાં છે.

ભારત સરકારનાં સ્વાસ્થ્ય મંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે મંગળવારે કહ્યું હતું, “અમે હજી તેને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી કહી રહ્યા. આપણે હજી લોકલ ટ્રાન્સમિશન તબક્કામાં છીએ. જો કૉમ્યુનિટી શબ્દ વાપરીએ તો એ એક અટકળ છે.”

લવ અગ્રવાલે કહ્યું હતું, લૉકડાઉન સ્ટેજમાં અમે જોયું કે 100 કેસથી 1,000 કેસ સુધી પહોંચવામાં 12 દિવસનો સમય લાગ્યો. બીજા દેશોમાં 3,000-5,000 કેસ સામે આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગથી થોડો લાભ જોવા મળ્યો છે.

અમેરિકા, બ્રિટનમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન

અમેરિકામાં ફેબ્રુઆરીમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના એક કેસની પૃષ્ટિ કરવામાં આવી હતી. લગભગ એક મહિનામાં અમેરિકામાં સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના અનેક કેસની પુષ્ટિ કરી છે.

હાલ અમેરિકા કોવિડ-19 સંક્રમણનું હૉટસ્પૉટ બન્યું છે કારણકે ચીન કરતા પણ વધારે લગભગ 8,5000થી વધારે મૃત્યુ 5 એપ્રિલ સુધી થયાં છે અને કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સવા ત્રણ લાખ જેટલી થવા જઈ રહી છે.

અમેરિકામાં પરિસ્થિતિ જોતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવનારા બે અઠવાડિયા અતિ મુશ્કેલ હોવાની ચેતવણી આપી છે.

બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં પણ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનથી કોરોના વાઇરસના સંક્રમણના કેસ સામે આવ્યા છે.

11 માર્ચે બ્રિટનના વ્હેલ્સમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે કોરોના વાઇરસના પ્રથમ કેસ સામે આવવાની પુષ્ટિ થઈ હતી. વ્હેલ્સ વિસ્તારના મુખ્ય ચિકિત્સા અધિકારીએ કહ્યું હતું કે આ દર્દી કોવિડ-19 સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં નહોતી આવી અને આ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો કેસ હોઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો