કોરોના વાઇરસ : સુપરપાવર અમેરિકા પાયમાલ થઈ ગયું છે?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, વૉશિંગ્ટનથી

હું મારા અપાર્ટમેન્ટમાં પુરાયેલો છું અને કોરોના વાઇરસના ઝડપી પ્રસારથી ફફડી અમેરિકનો તથા ભયભીત અમેરિકાને જોઈ રહ્યો છું.

જે વાઇરસને વિશ્વના આ સૌથી શક્તિશાળી દેશના પ્રમુખે થોડા જ સમય પહેલાં 'રાજકીય છળ' ગણાવીને ફગાવી દીધો હતો એ વાઇરસ સામે તેને સંઘર્ષ કરતો જોવાનું અવાસ્તવિક લાગે છે.

આ દેશ ઘણા લોકોને બહારથી એટલો પરિપૂર્ણ લાગે છે કે તેઓ અહીં જીવન પસાર કરવા માટે તેમની જીવનભરની કમાણી અને જિંદગી દાવ પર લગાવે છે.

અલબત, ગણતરીના દિવસોમાં જ આ દેશમાં બધું ઉપરતળે થઈ ગયું છે. કોરોના વાઇરસે અમેરિકામાં 230થી વધુ લોકોનો ભોગ લીધો છે અને 18,500થી વધુ લોકોને તેનો ચેપ લાગ્યો છે. આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

શક્તિપ્રદર્શન

પરિસ્થિતિ કેટલી વિકટ બનશે અને તેનો અંત ક્યારે આવશે એ કોઈ જાણતું નથી, પણ વિશ્વની મહાસત્તા ગણાતું અમેરિકા આંતરિક રીતે કેટલું નબળું અને અસલામત છે એ જાણીને ઘણા લોકો દિગ્મૂઢ થઈ ગયા છે.

આ એ દેશ છે જે વિશ્વના કોઈ પણ ખૂણે બનતી દરેક ઘટના વિશે પોતાનો અભિપ્રાય આપવાનું ચૂકતો નથી. તેના નેતાઓ પોતાની પીપુડી વગાડ્યા કરે છે તથા પોતાની શક્તિનું પ્રદર્શન દુનિયામાં કરતા રહે છે.

અમેરિકાની ટોચની સરકારી જાહેર આરોગ્ય સંરક્ષણ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ટોમ ફ્રાઈડેને આગાહી કરી છે કે "અત્યંત વિષમ પરિસ્થિતિ સર્જાય એ શક્ય છે. એ સ્થિતિમાં અમેરિકાની અરધોઅરધ વસતિને કોવિડ-19નો ચેપ લાગશે અને દસ લાખથી વધુ લોકોનાં મોત થશે."

અમેરિકાથી ભાગી રહ્યા છે લોકો

પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો અમેરિકા છોડીને તેમના મૂળ દેશમાં ભાગવા લાગ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

એક અહેવાલ જણાવે છે, "જે ચીની વાલીઓએ તેમનાં બાળકોને ન્યૂ યોર્ક અથવા લંડન ભણવા ગૌરવભેર મોકલ્યાં હતાં એ જ વાલીઓ તેમનાં સંતાનોને માસ્ક્સ તથા સેનિટાઇઝર્સ મોકલી રહ્યા છે તેમજ 25,000 ડોલરનો ખર્ચ કરીને તેમને પોતાના દેશમાં પાછા લાવી રહ્યાં છે."

તાજેતરમાં જ ગ્રેજ્યુએટ થયેલો એક યુવાન તેના સહપાઠી સાથે આ મહિને જ ચીન ખાતેના તેના ઘરે પાછો ફર્યો હતો. 24 વર્ષના એ યુવાનને અહેવાલમાં એવું કહેતાં ટાંકવામાં આવ્યો હતો કે "અમે પાછા ફર્યા છીએ, કારણ કે ન્યૂ યોર્કમાં રહેવા કરતાં ચીન પાછા ફરવામાં સલામતી છે એવું અમે માનીએ છીએ."

કોરોના ટેસ્ટિંગમાં ગરબડ

હજુ બે મહિના પહેલાં ચીન કોરોના વાઇરસના પ્રસારને તથા લોકોને તેનો ભોગ બનતા અટકાવવા સંઘર્ષ કરતું હતું.

એ સમયે પરીક્ષણનું પ્રમાણ વધારવા તથા સંભવિત આપદાને પહોંચી વળવાની યોજનાઓ ઘડવાને બદલે ટ્રમ્પ વહીવટીતંત્ર પગ પર પગ ચડાવીને બેઠું રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

દાવોસમાં જાન્યુઆરીના અંતમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક વખતે પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સીએનબીસી ટેલિવિઝનને કહ્યું હતું, "એ અમેરિકામાં સંપૂર્ણપણે અંકુશમાં છે." ચીનથી આવતી માહિતી પર પોતે ભરોસો કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

જોકે, પછી પરિસ્થિતિ ઝડપભેર બદલાઈ હતી. જે દેશમાં જાહેર આરોગ્યમાં સરકારની ભૂમિકા રાજકીય આક્ષેપબાજીની બાબત છે એ દેશ દિવસો સુધી ચર્ચા અને કોરોના પરીક્ષણનું પ્રમાણ વધારવા સંઘર્ષ કરતો રહ્યો હતો, જે ચોંકાવનારું હતું.

સીડીસીએ કોરોના વાઇરસ ટેસ્ટ્સની આગવી વ્યવસ્થા વિકસાવી હતી, પણ પ્રારંભિક પરીક્ષણમાં મેન્યુફેક્ચરિંગની ખામીને લીધે પરિણામ અનિર્ણિત રહ્યું હતું.

એ સમસ્યાનું નિરાકરણ થઈ ગયું હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.

અહેવાલોમાં જણાવાયા અનુસાર, રૂના પોતાં, હાથમોજાં, ઉપકરણો અને અન્ય ચીજોની તંગીને કારણે કોરોના ટેસ્ટ્સ અપેક્ષિત ગતિએ હાથ ધરી શકાયા ન હતા.

સરકારે લીધેલાં પગલાં સામે લોકો સવાલ ઉઠાવવા લાગ્યા ત્યારે પ્રમુખ ટ્રમ્પે ઉદ્યોગના માંધાતાઓને ટેલિવિઝન સામે કતારમાં ઉભા રાખી દીધા હતા. એ લોકોએ પોતાની ભૂમિકા ભજવી હતી અને સરકારને ટેકાનું વચન આપ્યું હતું.

ખર્ચો નથી ભોગવી શકતું અમેરિકા

'અમેરિકા ઇઝ બ્રોકન' શિર્ષક હેઠળના એક લેખમાં પ્રમુખ ટ્રમ્પ અને સરકારી તંત્રની ઝાટકણી કાઢતાં પત્રકાર ડેવિડ વોલેસ-વેલ્સે લખ્યું હતું, "આપણે એવા ભયાનક, જડ વિશ્વમાં રહીએ છીએ, જ્યાં અમેરિકામાં રોગચાળા ફેલાયો છે ત્યારે જરૂરી ચિકિત્સા સહાય માટે ખાનગી કંપનીઓ અને દાનવીરો પર આધાર રાખવો પડે છે."

"આપણી વર્તમાન સરકારે પરીક્ષણ માટેની ફી માફી માટે અને સહચૂકવણી માટે અગ્રણી સર્વિસ પ્રોવાઈડર્સ તથા વીમા કંપનીઓને રાજી કરવી પડે તેનાથી વધારે ખરાબ બાબત બીજી કોઈ હોઈ શકે નહીં."

પરીક્ષણની વ્યવસ્થા હતી તો પણ ઘણા લોકોને એ પોસાય તેવું ન હતું અને આ સ્થિતિ એ દેશમાં હતી, જ્યાં તમારો આરોગ્ય વીમો ન હોય તો તમારે જિંદગી કાયમ જોખમ સાથે જીવવી પડે છે.

વીમાનો મુદ્દો

સ્વતંત્ર પત્રકાર કાર્લ ગિબ્સન આરોગ્ય વીમો ધરાવતા નથી અને તેમણે કોરોનાના ભયના સમયમાં જોખમી જીવન વિશેનો એક લેખ લખ્યો છે.

તેમણે લખ્યું છે, "અમેરિકામાં આરોગ્યસંભાળ માટે મોટો ખર્ચ થતો હોવાથી 2013 પછી હું કોઈ ડૉક્ટર પાસે ગયો જ નથી. બાઇક ચલાવતાં એક્સિડેન્ટ થયું ત્યારે હું છેલ્લે હૉસ્પિટલે ગયો હતો."

"થોડા કલાક રાહ જોયા પછી ડૉક્ટરે મારો હાથ એક સ્લિંગમાં મૂકાવ્યો હતો, થોડી દવાઓ લખી આપી હતી અને મને ઘરે મોકલ્યો હતો. તેમાં મને 4,000 ડોલરથી વધુનો ખર્ચ થયો હતો. તેની બાકી ચૂકવણી મને આજના દિવસ સુધી હેરાન કરી રહી છે. મારા માટે ભાડાનું ઘર લેવાનું કે કાર ખરીદવાનું મુશ્કેલ થઈ ગયું છે."

વ્હાઇટ હાઉસના દાવામાં કેટલો દમ?

એક અંદાજ મુજબ, અમેરિકામાં 2018માં 2.75 કરોડ લોકો એટલે કે કુલ વસતિના સાડા આઠ ટકા લોકો આરોગ્ય વીમા વગરના હતા.

પગલાં લેવાનું અને ઝડપભેર પગલાં લેવાનું જોરદાર દબાણ હોવાથી વહીવટીતંત્રે એક કાયદો બનાવવો પડ્યો હતો. એ કાયદા હેઠળના પૅકૅજમાં મફત પરીક્ષણની જોગવાઈનો સમાવેશ થાય છે. સરકારના એ પગલાનો પણ વિરોધ થયો હતો.

કેમ્પ્સ, શેલ્ટર્સ અને શેરીઓમાં રહેતા લગભગ પાંચ લાખ બેઘર અમેરિકનો ગમે ત્યારે વાઇરસની લપેટમાં આવી શકે છે.

લાખો માસ્ક્સનું ઉત્પાદન કરવામાં આવ્યાની ડંફાસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસના મંચ પરથી મારતા રહે છે, પણ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે.

સીએટલમાંના ડોક્ટરો તેમના પોતાના માટે પ્લાસ્ટિકની શીટ્સમાંથી ફેસ માસ્ક્સ બનાવી રહ્યા હોવાના આઘાતજનક અહેવાલ પણ મળી રહ્યા છે.

અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય અને હૉસ્પિટલ સંગઠનોએ કન્સ્ટ્રક્શન કંપનીઓ, દાંતના ડૉક્ટરો, પશુ ડૉક્ટરો અને માસ્ક્સ ધરાવતા તમામ જૂથો પાસે માસ્ક દાનમાં આપવાની માગણી કરી છે.

મહાસત્તા બેહાલ

એક અહેવાલમાં જણાવાયા મુજબ, ઇમરજન્સી રૂમમાં ડૉક્ટરોને વપરાશની મુદ્દત પુરી થઈ ગઈ હોય તેવાં માસ્કનું બોક્સ આપવામાં આવ્યું હતું અને તેમણે એ પહેરવાનો પ્રયાસ કર્યો ત્યારે માસ્કનું ઇલાસ્ટિક તૂટી ગયું હતું.

અહેવાલ મુજબ, "દેશમાંના ઘણા ડૉક્ટરોએ કહ્યું હતું કે તેમને માત્ર એક માસ્ક આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ તેમણે અનંતકાળ સુધી કરવાનો છે. તેથી તેઓ તેના પર લાયસોલ છાંટીને તેને જાળવવાના પ્રયાસ તો કરે છે, પણ તેનાથી માસ્કની જાળવણી થશે કે નહીં એ જાણતા નથી."

શિકાગોના એક મેડિકલ સેન્ટરના કર્મચારીઓએ ફેસ શિલ્ડ્ઝ ફેંકી દેવાને બદલા આંખના રક્ષણ માટે વૉશેબલ લેબ ગોગલ્સ વાપરવાનું શરૂ કર્યું છે.

બ્રૂકલીનના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેમને અત્યંત ઓછો પૂરવઠો મળતો હોવાથી તેઓ એક સપ્તાહ સુધી એક જ માસ્કનો ઉપયોગ, તેના પર હૅન્ડ સેનિટાઇઝર છાંટીને કરી રહ્યા છે.

પરિવારો માટે જોખમ

આવી આશ્ચર્યજનક સ્ટોરીઝ જગતના એક સુપરપાવર ગણાતા દેશમાંથી આવી રહી છે.

પરમ આશ્ચર્યની વાત એ છે કે દેશની ટોચની આરોગ્ય સંભાળ એજન્સી સીડીસીએ માસ્ક્સની અછતની સમસ્યાના નિરાકરણ માટે હાથરૂમાલ અને સ્કાર્ફના ઉપયોગની ભલામણ કરી હતી.

સીડીસીએ જણાવ્યું હતું, "ફેસ માસ્ક્સ ઉપલબ્ધ ન હોય ત્યાં છેલ્લા ઉપાય તરીકે હેલ્થ કેર સર્વિસ પ્રોવાઈડર્સ હાથરૂમાલ કે સ્કાર્ફનો ઉપયોગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે કરી શકે."

આ ભલામણથી અનેક આરોગ્યરક્ષા કર્મચારીઓ રોષે ભરાયા હતા અને તેમણે જણાવ્યું હતું કે સીડીસીનું આ સૂચન તેમના માટે તથા પરિવારો માટે જોખમી છે.

દર્દી શ્વાસ ન લઈ શકતો હોય ત્યારે તેને મદદ કરવા વેન્ટિલેટર્સ અનિવાર્ય હોય છે. અમેરિકામાં અંદાજે 1,60,000 વેન્ટિલેટર્સ છે અને 8,900 ભંડારમાં છે. વધુ વેન્ટિલેટર્સની પણ જરૂર છે.

આત્યંતિક પરિસ્થિતિનો વિચાર કરીએ. આ દેશમાં તૈયારીની ઘણી કથાઓ વારંવાર સાંભળવા મળે છે. તેનું એક ઉદાહરણ છેઃ કોરોનાથી બચવા માટેનાં બંકર્સ (ભોંયરા)નું વેચાણ.

અગાઉની મહામારીની અને કોરોના

એક વિશ્લેષણ અનુસાર, ઇન્ફ્લુએન્ઝા A (H3N2) વાઈરસને કારણે 1968માં ફેલાયેલા રોગચાળા જેવી પરિસ્થિતિ સર્જાશે તો 10 લાખ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડશે. 3.8 કરોડ લોકો માટે મેડિકલ કેરની જરૂર પડશે અને બે લાખ લોકો માટે ઇન્ટેન્સિવ કેર યુનિટ(આઈસીયુ)ની જરૂર પડશે.

H1N1 વાઈરસને કારણે 1918માં ફેલાયેલા ફ્લુ રોગચાળા જેવી પરિસ્થિતિ સર્જાશે તો 96 લાખ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડશે અને 29 લાખ લોકો માટે આઈસીયુની જરૂર પડશે.

1968માં ફેલાયેલા રોગચાળામાં વિશ્વમાં 10 લાખથી વધુ લોકોનાં અને અમેરિકામાં એકાદ લાખ લોકોનાં મોત થયાં હતાં.

1918માં ફ્લુનો ચેપ સમગ્ર વિશ્વના અંદાજે 50 કરોડ લોકોને અથવા વિશ્વની કુલ વસતિના ત્રીજા હિસ્સાને લાગ્યો હતો અને 5 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાં અમેરિકાના 6,75,000 લોકોનો સમાવેશ થાય છે.

અમેરિકન હૉસ્પિટલ એસોસિએશનના જણાવ્યા મુજબ, અમેરિકાની હૉસ્પિટલોમાં કુલ 9,24,107 પથારીઓની સગવડ છે. મેડિકલ સર્જિકલ ઇન્ટેન્સિવ કેરની સુવિધા ધરાવતી 46,825 પથારીઓની સગવડ છે. હ્રદયરોગ, બાળદર્દીઓ, શિશુદર્દીઓ, બર્ન પેશન્ટ્સ અને અન્ય દર્દીઓ માટે 50,000થી પથારીઓ છે.

તેનો અર્થ એ થયો કે ભાવિ જરૂરિયાત અને વર્તમાન ઉપલબ્ધતા વચ્ચે મોટો ફરક છે. ઉત્પાદન અને ઉપલબ્ધતા વધારવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે.

અમેરિકામાં પ્રતિ 1,000 લોકો માટે 2.8 હૉસ્પિટલ બેડ્સ છે. દક્ષિણ કોરિયામાં પ્રતિ 1,000 વ્યક્તિએ 12થી વધુ હૉસ્પિટલ બેડ્સ છે. ચીનમાં પ્રતિ 1,000 વ્યક્તિએ 4.3 બેડ્સ છે.

સરખામણી તો થતી જ રહેશે, કારણ કે અર્થતંત્રને દોડતું રાખવા અને વિશ્વાસ પુનર્સ્થાપિત કરવા ટ્રમ્પ વહીવટીતંત્રે સંખ્યાબંધ પગલાંની તથા એક ટ્રિલિયન ડૉલરથી વધુ અર્થતંત્રમાં ઠાલવવાની યોજના ઘડી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો