કોરોના વાઇરસ : ગુજરાત આઇસોલેશન વૉર્ડમાં બાથરૂમમાંથી પાણી પીવું પડ્યું હોવાનો આરોપ

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

સમગ્ર દેશ અને દુનિયામાં હાલના સમયમાં કોરોના વાઇરસને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે અને એમાં ગુજરાત પણ બાકાત નથી ત્યારે આઇસોલેશન વોર્ડમાં દર્દી બાથરૂમમાંથી પાણી પીવા મજબૂર થયાની ઘટના બની છે. જોકે, સરકાર આ ઘટનાનો ઇન્કાર કરે છે અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહે છે.

ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોના વાઇરસનું એ.પી. સેન્ટર બન્યું છે. સરકાર અલગઅલગ સ્થળો પર આઇસોલેશન વોર્ડ બનાવી રહી છે.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પણ કોરોના વાઇરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

યુવાને કમિશનર અને સીએમ સામે સ્થિતિ મૂકી

આ પરિસ્થિતિની વચ્ચે અમદાવાદના એક યુવાને અમદાવાદ સિવિલના આઇસોલેશન વોર્ડમાંથી ટ્વીટ કર્યું હતું.

યુવાને ટ્વીટમાં લખ્યું કે "તેમના વોર્ડમાં પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે મજબૂરીમાં બાથરૂમના નળમાંથી પાણી પીવું પડ્યું હતું."

આ ટ્વીટ બાદ બીબીસી ગુજરાતીએ ટ્વીટ કરનારા યુવાનનો સંપર્ક કર્યો હતો.

યુવાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમદાવાદના શાહેઆલમ વિસ્તારમાંથી સાત તારીખે કેટલાક લોકોનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી કેટલાંક સૅમ્પલ પોઝિટિવ આવતાં મેડીકલ ટીમ તે લોકોને નવ તારીખે લેવા પહોંચી હતી.'

'આ તમામ લોકોને અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. વોર્ડમાં અમે કુલ 60 જેટલા લોકો છીએ અને તેમના વચ્ચે માત્ર એક જ પાણીનું કૂલર મૂકવામાં આવ્યું છે. જેમાં દર ત્રણ કલાકે પાણી ખૂટી પડે છે. પાણીની વ્યવસ્થા બાબતે અમે હૉસ્પિટલમાં વારંવાર વિનંતી કરી પરંતુ કોઈ વ્યવસ્થા ન થવાને કારણે અમારે નવ તારીખે રાતે બાથરૂમના નળમાંથી પાણી પીવા મજબૂર થવું પડ્યું હતું."

વધુમાં યુવાને કહ્યું કે, "દસ તારીખે બપોર પછી બીજી પાણીની થોડી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હજુ પણ આટલા બધા લોકો વચ્ચે તે પૂરતી જણાતી નથી. ગરમીની મોસમમાં દરેક લોકોને એક-એક બોટલ પાણી દર કલાકે જોઈએ એ સામાન્ય છે."

શું કહેવું છે સરકારનું?

આ સમગ્ર ઘટના મામલે બીબીસીએ અમદાવાદ કલેક્ટર કે.કે. નિરાલા સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે આ વાત સત્ય નથી.

તેમણે જણાવ્યું હતું કે, "આ વાત સત્ય નથી. મેં સુપરિન્ટેન્ડેન્ટ સાથે વાતચીત કરી હતી. સિવિલની કૅન્ટિનમાં વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમ છતાંય કૅન્ટિન મૅનેજરને જેટલી અપેક્ષા હતી તેના કરતાં લોકોએ વધારે પાણીનો ઉપયોગ કર્યો હતો. લોકોની સંખ્યાની પણ આટલી અપેક્ષા નહોતી. સંખ્યા અલગઅલગ કારણોથી વધી રહી છે. અમે તમામ જરૂરિયાતો પૂરા પાડવાની સૂચના આપી છે."

છેલ્લા બે દિવસથી અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોના વાઇરસ માટેનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા લોકોનું રેન્ડમ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. પોલીસને પણ સૂચનો આપવામાં આવ્યાં છે કે લૉકડાઉનનું સખત રીતે પાલન કરાવવામાં આવે.

રાજ્યકક્ષાના મંત્રી કિશોર કાનાણી (હેલ્થ ઍન્ડ ફેમિલી વેલફેર)એ બીબીસી સાથે વાતચીત કરતાં જણાવ્યું, "આવી કોઈ ફરિયાદ મારી પાસે આવી નથી. સિવિલ અને તેના જેવી તમામ હૉસ્પિટલ્સમાં લોકોને અગવડ ન પડે તેની તકેદારી લેવામાં આવી હતી. તેમ છતાંય હું તપાસ કરાવી રહ્યો છું અને તાત્કાલિક નિવારણ કરાવી રહ્યો છું."

નોંધનીય છે કે, ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (તારીખ- 11-04-2020, મૉર્નિંગ હેલ્થ બુલેટિન) દ્વારા જાહેર કરવામાં આંકડા પ્રમાણે, ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં - 228 છે જેમાંથી 186 લોકો સ્થાનિક છે. કુલ 7 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 31 નવા કેસ સામે આવ્યા છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો હાલ કુલ 432 કેસ છે. જેમાંથી 367 કેસ સ્થાનિક છે. અને કુલ 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. પંચમહાલ, મોરબી, સાંબરકાઠા, દાહોદમાંથી માત્ર એક-એક કેસ સામે આવ્યા છે.

અત્યાર સુધી કુલ 8331 લોકોના લૅબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 432 પૉઝિટિવ અને 7617 નૅગેટિવ કેસ છે. જ્યારે 282 કેસ પૅન્ડિંગ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો