You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બર્ડ ફ્લૂના કેસો વચ્ચે જૂનાગઢમાં ચાર કાગડાનાં મૃત્યુ - BBC TOP NEWS
ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે શુક્રવારે બર્ડ ફ્લૂના કેસ નોંધાયા હતા.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે જૂનાગઢના માંગરોળ તાલુકાના એક ગામમાં ચાર કાગડાનાં મૃત્યુ થયું છે.
આ અંગે અધિકારીઓ દ્વારા શનિવારે સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
આ અગાઉ શુક્રવારે જૂનાગઢ જિલ્લામાં જ બર્ડ ફ્લૂના બે કેસ નોંધાયા હોવાથી લોકોમાં ડરનો માહોલ છે.
જોકે આ કાગડાનાં મૃત્યુનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
દેશમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસની પુષ્ટિ
કેન્દ્ર સરકારે દેશમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાયા હોવાની પુષ્ટિ કરી છે.
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ગુજરાત, કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં તાજેતરમાં પક્ષીઓનાં મોત માટે બર્ડ ફ્લૂ જવાબદાર હોવાનું કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે.
ગુજરાતમાં જૂનાગઢમાં બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય રાજ્યોને પણ તેમના પ્રદેશમાં પક્ષીઓનાં શંકાસ્પદ મોત અંગે તત્કાળ તપાસ કરી જાણ કરવા માટે તાકીદ કરી દેવાઈ છે.
આ દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા બિહારમાં પણ પક્ષીઓનાં શંકાસ્પદ મોતના અહેવાલ નોંધાયા છે.
અસરગ્રસ્ત રાજ્યોમાં કેન્દ્રની ટીમ રવાના કરી દેવાઈ હોવાનું પણ અહેવાલમાં કહેવાયું છે. દિલ્હીમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં 20 કાગળાનાં મોતથી રહીશોમાં ચિંતા જોવા મળી છે.
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની જૈફ વયે નિધન
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીનું આજે નિધન થયું છે. 94 વર્ષની જૈફ વયે આજે તેમનું અવસાન થયું છે.
માધવસિંહ સોલંકી ગુજરાત કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહના નામે છે.
માધવસિંહ સોલંકી ભારતના ભૂતપૂર્વ વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ 1980માં ગુજરાતની રાજનીતિમાં આવ્યા હતા.
વડા પ્રધાન મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમમે ટ્વીટ કરીને લખ્યું કે,"સમાજને કરેલી સેવા બદલ તેઓ હંમેશાં યાદ રહેશે. તેમની નિધન પર દુખ વ્યક્ત કરું છું."
'પીડિતા રાતે બહાર ન નીકળી હોત તો રેપ ન થયો હોત'
નેશનલ કમિશન ફૉર વુમન (એનસીડબલ્યુ)નાં સભ્ય ચંદ્રમુખી દેવીએ ઉત્તર પ્રદેશમાં થયેલી બળાત્કારની ઘટના પર એક નિવેદન આપ્યું છે.
તેઓએ કહ્યું કે "પીડિતા રાતે બહાર ન નીકળ્યા હોય તો રેપ ન થયો હોત."
'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર, ચંદ્રમુખી દેવીએ ઉત્તર પ્રદેશના બદાયુમાં મહિલાના પરિવાર સાથે મુલાકાત કરી હતી એ સમયે તેઓએ આ નિવેદન આપ્યું હતું.
તેઓએ કહ્યું કે "આંગણવાડી કાર્યકરની બળાત્કાર-હત્યાની ઘટના ટાળી શકાઈ હોત, તો પીડિતા સાંજે એકલાં ન નીકળ્યાં હોત."
ચંદ્રાદેવીએ જણાવ્યું કે "હું મહિલાઓને ફરીથી અને ફરીથી કહું છું કે કોઈની અસરમાં આવીને વિચત્ર કલાકોમાં બહાર ન નીકળવું જોઈએ."
ઉલ્લેખનીય છે કે 50 વર્ષીય આંગણવાડી કાર્યકર ગામની સીમમાં આવેલા મંદિરે ગયા હતા અને મૃત મળી આવ્યાં હતાં.
ઝકી-ઉર-રેહમાનને 15 વર્ષની જેલ
લશ્કર-એ-તૈયબ જૂથના લીડર ઝકી-ઉર-રેહમાન લખવીને 15 વર્ષની સજા ફટકારાઈ છે.
પાકિસ્તાનની એક કોર્ટે આતંકવાદીઓને ફંડ આપવા મામલે લશ્કર-એ-તૈયબ જૂથના વરિષ્ઠ નેતા ઝકી-ઉર-રેહમાન લખવીને 15 વર્ષની સજા સંભળાવી છે.
એટલે કે ઝકી-ઉર-રહેમાન પર પાંચ-પાંચ વર્ષની ત્રણ સજા એકસાથે ચાલશે.
લખવી પર ભારતમાં 2008ના મુંબઈમાં આતંકવાદી હુમલાઓ કરવાનો આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 160 લોકો માર્યા ગયા હતા.
કોર્ટે લખવીને લશ્કર-એ-તૈયબ દ્વારા આતંકવાદી હુમલા માટે નાણાં એકત્રિત કરવાના કેસમાં દોષી ઠેરવ્યા હતા.
શનિવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી ઝકી-ઉર-રેહમાનની ધરપકડ કરવામાં આવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો