મહારાષ્ટ્ર : હૉસ્પિટલમાં આગ, 10 નવજાત બાળકોનાં મોત, પીડિત પરિવારોને 5 લાખની સહાય

મહારાષ્ટ્રના ભંડારામાં એક હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 10 બાળકોનાં મોત થયા છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર મહારાષ્ટ્રના ભંડારા ડિસ્ટ્રિક જનરલ હૉસ્પિટલમાં સિક ન્યૂ બોર્ન કૅર યુનિટમાં વહેલી સવારે 2 વાગ્યે આગ લાગી હતી.

જેમાં 10 બાળકોનાં મોત થયા છે જ્યારે 7ને બચાવી લેવાયા છે. એવું હૉસ્પિટલના સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેને ટાંકીને કહેવામાં આવ્યું છે.

ભંડારા નાગપુરથી 62 કિલોમીટર દૂર આવેલું છે. ફરજ પર રહેલા નર્સે યુનિટની બહાર ધુમાડો નીકળતો જોઈને અધિકારીઓને ઍલર્ટ કર્યા હતા.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

હૉસ્પિટલના સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે "હૉસ્પિટલમાં બે યુનિટ હતાં. હૉસ્પિટલના અધિકારીઓએ સાત બાળકોને બચાવી લીધા છે, પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે."

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ તોપેએ મૃત બાળકોના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને વર્તમાનમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ આ મામલે દુખ વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ સાથે જ જવાબદારો સામે પગલા લેવાની પણ માગ કરી છે.

ભંડારાના એસપી વંસત જાદવે તપાસના આદેશ આપી દીધા છે. જ્યારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ દુખ્ય વ્યક્ત કરીને કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે પગલાં પણ લેવાશે.

મુખ્ય મંત્રીએ કલેક્ટર અને જિલ્લાના પોલીસ વડા સાથે વાતચીત કરીને તપાસના આદેશ કર્યાં છે. ઉપરાંત મહારાષ્ટ્ર આગામી દિવસોમાં નવજાત બાળકોના યુનિટ ધરાવતી તમામ હૉસ્પિટલના ઑડિટ પણ કરવામાં આવશે.

પીએમ મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું..

આ દરમિયાન કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને બાળકોનાં મોત પર દુખ વ્યક્ત કર્યું છે.

તેમણે લખ્યું, "મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ઘણો દુખી છે. જેમણે બાળકો ગુમાવ્યા તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું મહારાષ્ટ્ર સરકારને અપીલ કરું છું કે પીડિતોને તમામ મદદ પૂરી પાડવામાં આવે."

વળી વડા પ્રધાન મોદીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે, "ભંડારા જિલ્લામાં થયેલી ઘટના ઘણી ગંભીર અને વ્યથિત કરનારી છે. આપણે માસૂમ ભૂલકાંઓને ગુમાવ્યા છે. પરિવારોને મારી સાંત્વના"

ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે "આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. હું આનાથી ઘણો દુખી છું."