You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની હૉસ્પિટલમાં આગ લાગે ત્યારે શૉર્ટ સર્કિટ જ કારણ કેમ હોય છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ ફરી એક વખત ગુજરાતની હૉસ્પિટલોમાં આગની ઘટનાના મુદ્દે સવાલો ઊઠી રહ્યા છે.
ઑગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટના ઘટી એ સાથે અત્યાર સુધીમાં ગુજરાતમાં હૉસ્પિટલમાં લાગવાની છ ઘટના નોંધાઈ છે.
રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં આગ લાગવા પાછળ વૅન્ટિલેટર જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જોકે આ વાત હજી સુધી તપાસમાં પુરવાર થઈ નથી.
આ અગાઉ વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં લાગેલી આગ વખતે પણ વૅન્ટિલેટરને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.
શૉર્ટ-સર્કિટ જવાબદાર?
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લાગેલી આગની ઘટનાઓમાં શૉર્ટ-સર્કિટ કારણ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
જોકે નિષ્ણાતો અન્ય એક બાબત તરફ આંગળી ચીંધે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હૉસ્પિટલની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં સતત વીજભાર વહન કરવાની ક્ષમતા છે કે નહીં એની તપાસ થતી નથી.
અમદાવાદના રિટાયર્ડ ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર પી. એસ. પરમાર પણ આ વાતનું સમર્થન કરતાં કહે છે કે "ખાનગી હૉસ્પિટલમાં પાવરનો લૉડ કેટલો છે, એ તપાસવું જોઈએ."
પરમાર કહે છે, "ખાનગી હૉસ્પિટલમાં ઇલેક્ટ્રિકનો પાવર વધુ માત્રામાં 24 કલાક ચાલે એમ છે કે નહીં એની ફાયર-સૅફ્ટીની તપાસ થવી જોઈએ, કારણકે ખાનગી હૉસ્પિટલમાં 24 કલાકમાં કેટલો પાવર વપરાશે એનો અંદાજ નથી હોતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાયર ઍક્સપર્ટ અને કૉલેજ ઑફ સેફ્ટી ઍન્ડ ફાયર ટેક્નૉલૉજીના પ્રિન્સિપાલ કે. સી. મોટવાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "કોરોનાની હૉસ્પિટલમાં છેલ્લા ચાર મહિનામાં છ જગ્યાએ આગ લાગી છે પણ માત્ર શૉર્ટ સર્કિટથી આટલી મોટી આગ લાગે નહીં."
તેઓ કહે છે, "સ્પાર્ક થાય અને એને સળગવા માટે આવશ્યક સંજોગો હોય ત્યારે જ આગ પ્રસરીને મોટી થાય છે, ધુમાડો નીકળે અને વૅન્ટિલેશનની વ્યવસ્થા ન હોય તો લોકોનાં મોત થાય."
મોટવાણી કહે છે, "શૉર્ટ-સર્કિટથી આગ ત્યારે જ લાગે જ્યારે અર્થ લીકેજ સર્કિટ બ્રૅકર, અથવા ઓવરલૉડ સર્કિટ બ્રૅકર ન હોય. વીજળીનું જોડાણ અપાય ત્યારે આ બંને વસ્તુઓ ફરજિયાત હોય છે."
"પરંતુ કોરોનાની હૉસ્પિટલમાં આ આગ લાગવાનું કારણ એ છે કે ત્યાં કાયમી વ્યવસ્થા નથી મૅક્શીફ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી."
મોટવાણી કહે છે, "વડોદરાની આગ ઘટનામાં જોઈએ તો સતત વૅન્ટિલેટર ચાલ્યું અને એમાંથી સ્પાર્ક શિફ્ટ થયો અને એના કારણે આગ લાગી હતી."
"જે ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાના ICU ઊભાં કરાયાં છે, ત્યાં યોગ્ય વાયરિંગ ન હોય અને લાંબા સમય સુધી લૉડ ન ખેંચી શકે તો એ સ્થિતિમાં આગ લાગી શકે છે."
મોટવાણી વૅન્ટિલેટરના ઉપયોગ વિશે વાત કરતાં કહે છે કે "સતત વૅન્ટિલેટરના ઉપયોગથી પણ વીજળીનો લૉડ વધે છે અને વાયરિંગ યોગ્ય ન હોય તો આગ લાગી શકે છે."
"વૅન્ટિલેટર સળંગ ચાલે અને એકાદ તણખો થાય ત્યારે ICUનાં ઑક્સિજનનાં સાધનો આગને ફેલાવવાનું કામ કરે છે. આવી જગ્યાએ પૅસિવ અને ઍક્ટિવ સિસ્ટમ લગાવવી જોઈએ."
પરમાર અન્ય એક બાબત પર ભાર મૂકતાં કહે છે કે "ફાયર-સૅફ્ટીનાં સાધનો કેમ વાપરવા એની તાલીમ અપાતી નથી. આઈ.સી.યુ.માં જો આગ લાગે તો વધુ ધુમાડો ફેલાતો હોય છે. સાધનો કેટલા અંતરે રાખવા જોઈએ એની પણ જાણકારી નથી હોતી."
મોટવાણી પણ કહે છે કે હૉસ્પિટલનો સ્ટાફ ફાયર-સૅફ્ટીનાં સાધનોનો ઉપયોગ કરી શકે એ માટે તેમની તાલીમ આપવી જોઈએ, જેથી ફાયર-બ્રિગેડ આવે ત્યાં સુધીમાં તેઓ આગને કાબૂમાં લઈ શકે.
બેદરકારીને કારણે ઘટનાઓ બને છે?
રાજકોટની શિવાનંદ મિશન હોસ્પિટલના દર્દીના સંબંધી દિનેશ ઓડેદરા કહે છે કે એમનાં માતા ઉષાબહેન ઓડેદરાને આ હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં.
રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં ઉષાબહેન ઓડેદરા સારવાર લઈ રહ્યાં હતાં, તેમના પુત્ર દિનેશ ઓડેદરાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે છેલ્લા દસ દિવસ દરમિયાન તેમને નોંધ્યું હતું કે ઘણી વખત વીજળી જતી રહેતી હતી.
તેઓ કહે છે કે રાત્રે લાઇટ જતી રહે એ વખતે કોઈ ન હોય એટલે ચોકી દાર જનરેટર ચાલુ કરતા હતા.
શિવાનંદ હૉસ્પિટલના ટ્રસ્ટી અશોક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે પહેલાંથી જ અમારી હૉસ્પિટલને કોરોના માટે આપવા તૈયાર નહોતા પણ સરકારના દબાણથી આપવી પડી હતી, જે ઘટના બની એ દુખદ છે."
તેઓ જણાવે છે, "અમારા બીજા ટ્રસ્ટીઓનું કહેવું હતું કે આ સમયે દર્દીઓની મદદ કરીએ પણ અમે કોરોના માટે હૉસ્પિટલ આપવા તૈયાર ન હતા કારણકે અમારી હૉસ્પિટલ એ માટે તૈયાર નહોતી."
હૉસ્પિટલમાં વૅન્ટિલેટરથી આગ લાગતી હોવાની વાતનો ઇન્કાર કરતાં ધમણ વૅન્ટિલેટરના ઉત્પાદક પરાક્રમસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહયું, "વડોદરાની હૉસ્પિટલમાં લાગેલી આગમાં ધમણ વૅન્ટિલેટરને જવાબદાર ગણાવવાનો પ્રયાસ થયો હતો પણ અમે અમારાં વૅન્ટિલેટર પૅરામીટર પ્રમાણે બનાવીએ છીએ."
"એમાં માત્ર 24 વૉટ વીજળી વપરાય છે. વૅન્ટિલેટરને બદનામ કરવામાં આવી રહ્યાં છે, જે આગ લાગી છે એ શૉર્ટ-સર્કિટના કારણે લાગી છે, વૅન્ટિલેટરના કારણે નહીં."
આગની ઘટનાઓ
ગુજરાતમાં કોરોના હૉસ્પિટલમાં લાગેલી આગના બનાવો
- ઑગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં 12 લોકોનાં મોત થયાં હતાં, જેની તપાસ ચાલી રહી છે.
- 13 ઑગસ્ટના દિવસે બોડેલીની કોરોના હૉસ્પિટલમાં આગ લાગી હતી.
- 25 ઑગસ્ટના દિવસે જામનગરની જી. જી. હૉસ્પિટલમાં આગ લાગી હતી.
- 9 સપ્ટેમ્બરે વડોદરાની એસ.એસ.જી. હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં વૅન્ટિલેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી.
- 18 નવેમ્બરે સુરતની ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ લાગી હતી.
- રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓનાં મોત થયાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો