શ્રેય હૉસ્પિટલ આગ : આઠ લોકોનાં મૃત્યુ માટે કોણ જવાબદાર?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદમાં 6 ઑગસ્ટે મળસકે નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલના આઈસીયુ (ઈન્ટેન્સિવ કૅર યુનિટ)માં આગ લાગતાં 8 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તમામ મૃતક કોરોનાના દરદી હતા.

જે બાદ શ્રેય હૉસ્પિટલના કોરોનાના અન્ય દરદીઓને શહેરની સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

શ્રેય હૉસ્પિટલમાં કોરોનાના દરદીને સારવાર આપવાનું 16 મેથી શરૂ થયું હતું.

આગ લાગ્યાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવેલા મૃતકોના સ્વજનોએ તંત્ર અને હૉસ્પિટલ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા.

આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ પણ આપ્યા છે.

તો એ સમજવાનો પ્રયાસ કરીએ કે હૉસ્પિટલમાં આગ કેવી રીતે લાગી અને સેફ્ટીનાં સાધનોની શું વ્યવસ્થા હતી.

હૉસ્પિટલ પાસે ફાયરવિભાગનું એનઓસી જ નહોતું

હૉસ્પિટલ ખૂબ સંવેદનશીલ સ્થળ હોય છે. ત્યાં આગ જેવી દુર્ઘટના ન સર્જાય એ માટે કેટલાક નિયમો સઘનપણે પાળવાના હોય છે.

ત્યાં ફાયરસેફ્ટીના નિયમો કેટલા પાળવામાં આવે છે એને આધારે શહેરનું અગ્નિશમન દળ એટલે કે ફાયર-બ્રિગેડ 'નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ' (એનઓસી) આપે છે.

એનઓસી હૉસ્પિટલે દર વર્ષે રિન્યૂ કરવાનું હોય છે. અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં ચીફ ફાયર ઑફિસર એમ.એફ. દસ્તૂરે જણાવ્યા મુજબ શ્રેય હૉસ્પિટલે ફાયર એનઓસી રિન્યૂ જ કરાવ્યું નહોતું. અમદાવાદ સહિત ગુજરાતમાં એવી ઘણી હૉસ્પિટલો છે, જે ફાયર એનઓસી મામલે દુર્લક્ષ સેવે છે.

જોકે, શ્રેય હૉસ્પિટલના ડિરેક્ટર ભરત મહંતે કહ્યું હતું કે તેમની પાસે ફાયરવિભાગનું ક્લિયરન્સ હતું.

શૉર્ટ-સર્કિટ

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે છ ઑગસ્ટે કહ્યું હતું કે "પ્રાથમિક માહિતી અનુસાર શ્રેય હૉસ્પિટલમાં જે આગ લાગી તે શૉર્ટ-સર્કિટને કારણે લાગી હતી."

મોટી મોટી ઇમારતોમાં શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોય એવા ઘણા બનાવ અમદાવાદમાં બન્યા છે.

મોટાં શહેરોમાં જેટલી આગ લાગે છે એમાંથી ઘણીખરી દુર્ઘટના શૉર્ટ-સર્કિટને કારણે થતી હોય છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો બીજી જાન્યુઆરીનો એક અહેવાલ છે, જેમાં જણાવાયું હતું કે અલાહાબાદમાં વર્ષ 2019માં જેટલા પણ આગના બનાવ બન્યા હતા, તેમાંના 67 ટકા બનાવ શૉર્ટ-સર્કિટને કારણે થયા હતા.

દૈનિક હિન્દુસ્તાન ટાઇમ્સનો 1 નવેમ્બર, 2017નો અહેવાલ દર્શાવે છે કે મુંબઈમાં છેલ્લાં ત્રણ વર્ષમાં લાગેલી 80 ટકા આગ શૉર્ટ-સર્કિટને કારણે લાગી છે.

અગાઉના બનાવોની વાત કરીએ તો 24 જૂને અમદાવાદ જિલ્લાના સાણંદમાં જીઆઈડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) વિસ્તારમાં કારખાનામાં આગ લાગી હતી.

આ આગ પણ શૉર્ટ-સર્કિટને કારણે લાગી હતી.

શ્રેય હૉસ્પિટલમાં આગ લાગી તે સબબ ફાયર-બ્રિગેડના એક અધિકારીએ કહ્યું હતું "ઇલેક્ટ્રિસિટીને લગતી બાબતોને આપણે ત્યાં અત્યંત હળવાશથી લેવામાં આવે છે. શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગતી હોવા છતાં પણ એની ગંભીરતાને સમજવામાં આવતી નથી.""હૉસ્પિટલ જેવી જગ્યાએ શૉર્ટ-સર્કિટ જેવી ચૂક કઈ રીતે ચલાવી શકાય?"

"શું વિમાનમાં આપણે ઊડીએ ત્યારે આનું પૂરતું ધ્યાન નથી રાખવામાં આવતું? મિસાઈલ પરીક્ષણ વખતે શૉર્ટ-સર્કિટની પૂરતી કાળજી નથી લેવાતી? તો પછી હૉસ્પિટલ જેવા સ્થળે લોકો પોતાનો જીવ બચાવવા આવે છે ત્યાં શૉર્ટ-સર્કિટ ન થાય એની તકેદારી કેમ લેવામાં આવતી નથી?"

ફિંગરપ્રિન્ટ બાયૉમેટ્રિક લૉક

આજકાલ હૉસ્પિટલો, કૉર્પોરેટ કાર્યલયો વગેરેમાં બાયૉમેટ્રિક લૉક સીસ્ટમ રાખવાામાં આવે છે.

જે અંતર્ગત હૉસ્પિટલ કે કાર્યાલયોમાં કામ કરતી વ્યક્તિ કાર્ડ કે ફિંગરપ્રિન્ટ પ્રવેશદ્વાર પર દર્શાવે એટલે તેમને અંદર જવા મળે, જેને બાયૉમેટ્રિક સિસ્ટમ કહેવામાં આવે છે.

બાયૉમેટ્રિક લૉક હૉસ્પિટલ જેવા સ્થળે આઈસીયુમાં દરદીને તકલીફ ન પડે એ માટેની એક વ્યવસ્થા છે, પણ જ્યારે આગ લાગે ત્યારે ફિંગરપ્રિન્ટ કે કાર્ડ બાયૉમેટ્રિક લૉક મોટું જોખમ સાબિત થાય છે.

શ્રેય હૉસ્પિટલમાં પણ આવી સિસ્ટમ ગોઠવાઈ હોવાનો સ્થાનિક મીડિયામાં દાવો કરાયો છે.

ડૉક્ટર, નર્સ કે કમ્પઉન્ડર જેવાં ચોક્કસ લોકો જ કાર્ડ કે પોતાની ફિંગરપ્રિન્ટ વડે એ દરવાજો ખોલી શકતા હોય છે.

રાજ્ય સરકારે શ્રેય હૉસ્પિટલ દુર્ઘટના મામલે એક સમિતિ રચીને તપાસનો આદેશ આપ્યો છે. શક્ય છે કે એ સમિતિ જે અહેવાલ આપશે, એમાં આ વિશે વિગતવાર ખુલાસા થશે.

હૉસ્પિટલોમાં ફાયર-સેફ્ટીને લઈને બેદરકારી?

અમદાવાદમાં બે હજાર જેટલી હૉસ્પિટલો અને નર્સિંગ હોમ છે, જેમાંથી માત્ર સો જેટલી હૉસ્પિટલો અને નર્સિંગ હોમ ફાયર-સેફ્ટી એટલે કે અગ્નિશમન સુરક્ષાનું એનઓસી ધરાવે છે, એવું ઇન્ડિયન એક્સપ્રેસનો છ ઑગસ્ટનો રિપોર્ટ જણાવે છે.

એ રિપોર્ટમાં જણાવાયું છે કે 'શ્રેય હૉસ્પિટલ આગહોનારત બાદ એક સમિતિ રચવામાં આવી છે, જે શહેરમાં આવેલી 72 કોવિડ હૉસ્પિટલમાં ફાયર-સેફ્ટીની શું સુવિધા છે એ તપાસી રહી છે. 72માંથી 20 હૉસ્પિટલોની મુલાકાત તેમણે લીધી હતી, જેમાંની મોટા ભાગની હૉસ્પિટલોમાં ફાયરસેફ્ટીની જરૂરી સુવિધા નહોતી.'

ગયા વર્ષે મે મહિનામાં અમદાવાદની ઍપલ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.

ત્યાં અગાસી પર શૅડ તૈયાર કરીને કૅન્ટીન ઊભી કરવામાં આવી હતી. ગૅસના બાટલાને કારણે આ આગ લાગી હતી. ફાયર-સેફ્ટીના ધારાધોરણ મુજબ અગાસી ખુલ્લી હોવી જોઈએ.

અમદાવાદ મિરર અખબારે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં ફાયરસુરક્ષાની સમસ્યા અંગે વિગતો દર્શાવાઈ હતી.

અહેવાલમાં જણાવાયું હતું કે 'અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રોજ દશ હજાર લોકો મુલાકાત લે છે. સરેરાશ સાડા પાંચસો દરદી ત્યાં સારવાર લે છે. સોલા સિવિલના એ બિલ્ડિંગમાં ગત જાન્યુઆરી સુધી ફાયરવિભાગનું એનઓસી નહોતું. આગ લાગે ત્યારે વૉર્ડમાં છત પરથી પાણીનો ફુવારો છૂટે એવા ફાયર સ્પ્રીન્કલર્સ ત્યાં કાર્યરત નહોતા.'

અમદાવાદ મિરરનો જ આ વર્ષે મે મહિનામાં અમદાવાદ કૉર્પોરેશન સંચાલિત ખોખરા વિસ્તારમાં આવેલી ડેન્ટલ કૉલેજનો ફાયરસેફ્ટી અંગે એક અહેવાલ હતો.

જેમાં જણાવાયું હતું કે 'પાંચ બિલ્ડિંગમાં પથરાયેલી કૉલેજમાં ફાયરસુરક્ષા ખામી ભરેલી છે. ફાયરબ્રિગેડની ટીમ આવે એ અગાઉ ત્યાં જે પમ્પ પૅનલ દ્વારા આગ ઓલવવાની જે આગોતરી વ્યવસ્થા રાખવામાં આવી છે તે કાર્યરત નહોતી. અંદાજે સિત્તેર લાખનો ખર્ચ તેના પર કરવામાં આવ્યો હતો. માર્ચ મહિના સુધી ત્યાંની ફાયર એનઓસી રિન્યૂ થયું નહોતું.'

દસ વર્ષ અગાઉ આ ડેન્ટલ કૉલેજ અને હૉસ્પિટલનું ઉદ્ઘાટન એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

અખબારી અહેવાલમાં જણાવાયું હતું કે જ્યારે બિલ્ડિંગ બન્યું ત્યારે ફાયર એનઓસી આપવામાં આવ્યું હતું. એ પછી રિન્યૂ થયું નથી. આ અહેવાલ માર્ચ સુધીનો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો