અમેરિકા : જ્યારે બ્રિટિશરોએ કૅપિટલ બિલ્ડિંગ અને વ્હાઇટ હાઉસને લૂંટીને આગ ચાંપી

    • લેેખક, મૅગેઝિન મોનિટર
    • પદ, સાંસ્કૃતિક કળાકૃતિઓનો સંચય

ટ્રમ્પ સમર્થકોએ કૅપિટલ બિલ્ડિંગમાં કરેલી તોડફોડ અને લૂંટ પહેલી વારની નથી. 200 વર્ષ અગાઉ બ્રિટિશરોએ વૉંશિગ્ટન ડીસીને આગ ચાંપી હતી.

ટેમ્મી થુઈરિંગરે લખ્યું છે કે બ્રિટિશરોએ વૉશિંગ્ટન સળગાવ્યું તેને 200થી વધારે વર્ષ થયાં પણ ત્યાંથી 1814માં લૂંટવામાં આવેલી સામગ્રી ક્યારેય પરત કરવામાં આવી નથી.

બ્રિટિશ રાજદૂતાવાસ દ્વારા એક અભદ્ર ટ્વીટ અને એ બાબતે માગવામાં આવેલી માફી સિવાય, 1814ની જે દંડાત્મક કાર્યવાહીને કારણે અમેરિકાની રાજધાની આગની જ્વાળામાં લપેટાઈ હતી એ ઘટના પરત્વે લોકોનું બહુ ઓછું ધ્યાન ખેંચાયું હતું.

આગચંપીની એ ઘટના 1812ના બહુધા ભૂલી જવાયેલા યુદ્ધની અંતિમ ઘટનાઓ પૈકીની એક હતી.

એ સંઘર્ષમાં અમેરિકાએ કૅનેડા હડપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને બ્રિટન અમેરિકાની નાકાબંધીના પ્રયાસમાં નિષ્ફળ રહ્યું હતું.

બ્રિટિશ લશ્કરે યુદ્ધના અંતે એક દંડાત્મક કાર્યવાહીમાં વ્હાઇટ હાઉસ, ટ્રેઝરી અને કૅપિટલ બિલ્ડિંગના કેટલાક હિસ્સાને આગ ચાંપી હતી.

તેમણે શક્ય હોય તેટલી સામગ્રી "સ્મૃતિચિન્હ" એકઠાં કરવાના નામે લૂંટી પણ હતી.

એ હુમલા પછી બ્રિટિશ નૌકાદળનું જહાજ લૂંટેલી સામગ્રી ભરીને બર્મુડા ભણી રવાના થયું હતું. લૂંટેલી સામગ્રીમાં કિંગ જ્યોર્જ તૃતીય અને ક્વીન શાર્લોટનાં ચાર પૅઇન્ટિંગ્ઝ, એક ઘડિયાળ અને પ્રમુખ જેમ્સ મેડિસનની અંગત સરકારી રિસિપ્ટ બૂકનો સમાવેશ થાય છે.

આજે એ કળાકૃતિઓ બર્મુડા સરકારની ઇમારતોમાં લટકે છે અને ઘડિયાળ કોઈના અંગત કલેકશનમાં છે.

હવે ટૉરોન્ટો તરીકે ઓળખાતા યોર્ક ખાતેની લોઅર કૅનેડાની સંસદ પર અમેરિકાએ અગાઉ કરેલા હુમલાના બદલા સ્વરૂપે વૉશિંગ્ટનમાં એ વિનાશ વેરવામાં આવ્યો હતો.

અમેરિકાએ પણ લૂંટ કરી હતી અને એક શાહી માનક, ઓન્ટારિયોનો પ્રથમ રાજદંડ, અપર કૅનેડાની સંસદ દ્વારા વાપરવામાં આવતી સોનેરી છડી અને લાકડામાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી તથા સોનેરી રંગે રંગાયેલી સિંહની પ્રતિમા અમેરિકા ઉઠાવી ગયું હતું.

એન્નાપોલીસ, મેરિલૅન્ડ ખાતેની અમેરિકન નેવલ એકૅડમીમાં પ્રદર્શિત કરવામાં આવેલી યુદ્ધની અનેક ટ્રોફીઓમાં માનક તથા સિંહની પ્રતિમા આજે જોવા મળે છે.

અમેરિકાના આંતરવિગ્રહ સમયના 'લાઇબેર કોડ'ને કારણે બર્મુડા અને મેરીલૅન્ડમાંની એ ટ્રોફીઓ ત્યાં જ રહેશે.

યુદ્ધના સમયમાં દુશ્મન દેશ પાસેથી જપ્ત કરેલી સામગ્રી સાચવી રાખવામાં આવશે એવું અમેરિકા જાહેર કરી ચૂક્યું છે. આ કાયદો માત્ર અમેરિકન લશ્કરી દળોને જ ચાલુ પડે છે, પણ અન્ય રાજ્યોએ પણ આવા નિયમો અપનાવ્યા છે.

એ પછી યુદ્ધના સમયે લૂંટફાટ પર પ્રતિબંધ ફરમાવતા અનેક આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઘડાયા છે, પણ મૂળભૂત કાયદો તેના મૂળ સ્વરૂપમાં અમલી બની રહ્યો છે.

મૂળભૂત કાયદો અમલી હોવા છતાં લૂંટવામાં આવેલી સામગ્રી પૈકીની કેટલીક લોકોના ઘરોમાં પહોંચી ગઈ છે.

રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે રાજદંડ પરત કરવાનો આદેશ 1934માં આપ્યો હતો અને મેડિસનની રિસિપ્ટ બૂક અમેરિકન સંસદના ગ્રંથાલયને 1940માં પરત મળી હતી.

જોકે, બ્રિટિશ રાજવીઓનાં પૅઈન્ટિંગ્ઝ પરત મેળવવાનું દબાણ અમેરિકનો કરે તેવી શક્યતા ઓછી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો