સ્વાઇન ફ્લૂથી આવી રીતે બચી શકાય

રાજ્યમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂએ માથું ઊચક્યું છે. રાજ્યના સ્થાનિક અખબારોના અહેવાલ મુજબ રાજ્યમાં 185 દર્દીઓ સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યાં છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 301 કેસ નોંધાયા હોવાની વિગતો બહાર આવી છે.

આ સ્થિતિમાં સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચવું તેના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ બીબીસીએ કર્યો હતો.

સ્વાઇન ફ્લૂ શું છે?

સ્વાઇન ફ્લૂ શ્વાસ સાથે જોડાયેલી બીમારી છે. આ બીમારી ઈંફ્લુએન્ઝા-એ ટાઇપના વાઇરસના કારણે થાય છે.

આ બીમારીના કારણે ભૂંડને પણ ચેપ લાગે છે.

ઈંફ્લુએન્ઝાના અનેક પ્રકારો હોય છે અને તેનો ચેપ સતત બદલાયા કરે છે.

સ્વાઇન ફ્લૂના પ્રારંભિક કેસ વર્ષ 2009માં મેક્સિકોમાં નોંધાયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 100 દેશો સ્વાઇન ફ્લૂના ભરડામાં આવી ગયા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રયોગશાળામાં થયેલા પરિક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઉત્તર અમેરિકાના ભૂંડમાં જોવા મળતા જનીન સ્વાઇન ફ્લૂના વાઇરસના જનીન જેવાં હતાં જેના કારણે તે ‘સ્વાઇન ફ્લૂ’ના નામે ઓળખાયો.

વૈજ્ઞાનિક ભાષામાં આ વાઇરસને ઈંફ્લુએન્ઝા (એચ1એન1) કહેવામાં આવે છે.

અન્ય પ્રકારના એચ1 એન1ના કારણે વર્ષ 1918માં પણ રોગાચાળો ફેલાયો હતો.

સ્વાઇન ફ્લૂ કેવી રીતે થાય છે

શરૂઆતમાં આ વાઇરસનો ચેપ ભૂંડના કારણે પ્રસરાતો હોવાનું મનાતું હતું પરંતુ આગળ જતા જાણવા મળ્યું કે આ વાઇરસ બે માણસોની વચ્ચે પણ પ્રસરાય છે.

ખાસ કરીને જ્યારે માણસને છીંક આવે ત્યારે અને ઉધરસ થાય ત્યારે સ્વાઇન ફ્લૂ પ્રસરી શકે છે.

સામાન્ય રીતે થતી શરદી પણ એચ1એન1થી થાય છે, પરંતુ સ્વાઇન ફ્લૂ એચ1એન1ના એક ખાસ પ્રકારના ચેપથી થાય છે.

સ્વાઇન ફ્લૂના લક્ષણો શું છે?

સ્વાઇન ફ્લૂના લક્ષણો સામાન્ય ફ્લૂનાં લક્ષણો જેવાં જ છે, જેથી તેની ઓળખ લોહીના પરિક્ષણથી જ શક્ય છે.

સ્વાઇન ફ્લૂના મુખ્ય લક્ષણો માથામાં દુ:ખાવો, તાવ, ગળામાં અસહજતાનો અનુભવ, ઉધરસ, શરીરમાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ છે.

આ વાઇરસનો ચેપ ફેલાવાથી શરીરના કેટલાક અંગો કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે મોત પણ થઈ શકે છે.

ઉપચાર શક્ય છે?

સ્વાઇન ફ્લૂની સારવાર એક હદ સુધી થઈ શકે છે.

શરૂઆતના તબ્બકે આનો ઉપચાર ટૅમી ફ્લૂ અને રેલેન્ઝા નામની વાઇરસ વિરોધી દવાથી કરવામાં આવી છે.

ડૉક્ટરોના મતે આ દવા ફ્લૂને અટકાવી શકતી નથી પરંતુ તેની ઘાતક અસરો ઓછી કરી શકે છે.

બચવાના ઉપાયો

સ્વાઇન ફ્લૂથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય સ્વચ્છતાનું પાલન છે.

જ્યાં ખૂબ જ ભીડ હોય તેવી જગ્યાઓએ જવાનું ટાળવું, ઉઘરસ ખાતા સમયે કે છીંક આવે ત્યારે મોઢા અને નાકને રૂમાલ કે કપડાથી ઢાકવાં.

અને જે વ્યક્તિને ફ્લૂની અસર હોય તેનાથી અંતર જાળવી રાખવું જોઈએ.

જાહેર સ્થળો પર જતા સમયે માસ્ક બાંધવું હિતાવહ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો