કોરોના વાઇરસ : અમેરિકામાં વાઘણને ચેપ લાગ્યો

અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે અને વિશ્વભરમાં કોરોનાના સૌથી વધુ 3.35 લાખ દર્દીઓ અમેરિકામાં છે.

આ ઉપરાંત મહામારીથી મરનારા લોકોની સંખ્યા 9,562 થઈ ગઈ છે.

અમેરિકામાં ન્યૂયૉર્ક શહેર કોરોના વાઇરસના સંક્રમણનું હૉટસ્પૉટ બનીને ઊભર્યું છે અને અત્યાર સુધી શહેરમાં 2,256 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ ન્યૂયૉર્ક શહેરના બ્રૉન્ક્સ પ્રાણીસંગ્રહાલયમાં એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. અહીં એક ચાર વર્ષની વાઘણને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

બ્રૉન્ક્સ પ્રાણીસંગ્રહાલયે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે આયોવાસ્થિત નેશનલ વૅટનરી સર્વિસ લૅબમાં ટેસ્ટ દરમિયાન વાઘણને કોરોના પૉઝિટિવ જોવા મળ્યો છે.

નાદિયા નામની આ વાઘણની બહેન અઝુલ અને બે અન્ય વાઘણો તેમજ ત્રણ આફ્રિકન સિંહોમાં સૂકી ઉધરસ જોવા મળી છે.

બ્રૉન્ક્સ પ્રાણીસંગ્રહાલયમાં માનવામાં આવી રહ્યું છે કે પ્રાણીસંગ્રહાલયના કોઈ કર્મચારી થકી વાઘણને ચેપ લાગ્યો છે. પ્રાણીસંગ્રહાલય દ્વારા જણાવાયું છે કે કોઈ એવા કર્મચારીમાંથી આ ચેપ પ્રાણી સુધી પહોંચ્યો છે, જેમાં પહેલાં લક્ષણો જોવાં નહોતાં મળ્યાં.

પ્રાણીસંગ્રહાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારે સાવધાની સાથે નાદિયાનો ટેસ્ટ કરાયો. નાદિયા અને સૂકી ઉધરસથી પ્રભાવિત અન્ય પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો આવ્યો છે. જોકે, પ્રાણીસંગ્રહાલયનું કહેવું છે કે આ તમામની પૂરતી દેખરેખ રાખવામાં આવી રહી છે.

'પ્રાણીઓ પર અસર અંગે કોઈ જાણકારી નથી'

આ પ્રાણીઓને ઝૂથી અલગ બનાવાયેલા ડુંગરાળ વિસ્તારમાં અલગઅલગ રાખવામાં આવ્યાં છે.

પ્રાણીસંગ્રહાલય તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વાઇરસની પ્રાણીઓ પર અસર અંગેની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. જોકે, તેમની દેખરેખ રખાઈ રહી છે.

આનાથી મળેલી જાણકારી કોરોના વાઇરસના સંક્રમણની પ્રાણીઓ પર થતી અસરને સમજવામાં મદદરૂપ થશે.

આ પ્રાણીસંગ્રહાલયમાં ચાર અન્ય વાઘણો પણ છે. આ ઉપરાંત દીપડા, ચિત્તા પણ છે. જોકે, આમાં કોઈ પણ પ્રકારની બીમારીનાં લક્ષણો જોવાં મળ્યાં નથી.

પ્રાણીસંગ્રહાલય તરફથી અપાયેલા નિવેદનમાં એ પણ કહેવાયું છે કે અત્યાર સુધી પ્રાણીઓમાંથી માણસમાં કોવિડ-19નો ચેપ લાગવાનો કોઈ મામલો સામે આવ્યો નથી.

અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે બ્રૉન્ક્સ પ્રાણીસંગ્રહાલય 16 માર્ચથી સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયું છે.

જોકે, આ મામલા બાદ અન્ય પ્રાણીઓને સુરક્ષિત રાખવાનાં પગલાં ભરાઈ રહ્યાં છે. વન્યજીવોના વિશેષજ્ઞો અનુસાર કોવિડ-19નો ચેપ વાંદરાં, ગોરિલ્લા, ચિમ્પાન્ઝીને લાગવાની આશંકા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો