ભારત કોરોના મહામારીની મુશ્કેલીમાં છે ત્યારે દક્ષિણ એશિયા પર પકડ બનાવી રહ્યું છે ચીન - કોવિડ વિશ્લેષણ

    • લેેખક, પદ્મજા વેંકટરમણ
    • પદ, બીબીસી મોનિટરિંગ

ચીને જણાવ્યું છે કે દક્ષિણ એશિયાના દેશોમાં સાતત્યપૂર્ણ રીતે વૅક્સિન મળી રહે તે માટે તે પ્રયાસ કરશે

ભારત કોવિડ-19ના સંકટમાં ઘેરાઈ ગયું તેનો લાભ લઈને ચીન પોતાના પ્રાદેશિક હરીફ કરતાંય વધારે અગત્યની ભૂમિકા દક્ષિણ એશિયામાં ભજવવા માટે તૈયાર થઈ ગયું છે. પોતાની વસતિને રસી આપવા માટે અત્યાર સુધી મોટા પાયે ભારત પર આધારિત દક્ષિણ એશિયાના દેશોની વહારે ચીન આવ્યું છે.

બીજિંગે એક તરફ રસીના લાખો ડૉઝ મોકલવાનું શરૂ કર્યું છે અને કોવિડ-19 માટે નિયમિત રિવ્યૂ મિટિંગ કરી રહ્યું છે અને તે રીતે પરંપરાગત રીતે ભારતની છાયામાં રહેલા દેશો તરીકે જાણીતા આ દેશોમાં પોતાનું પ્રભુત્વ વધારવા કોશિશ કરી રહ્યું છે.

ચીને કોવિડ-19 માટે સહાય આપવાની સાથે પોતાના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)ની યોજનાને જોડી દીધી છે. ભારત સિવાય આમ પણ મોટા ભાગના દક્ષિણ એશિયાના દેશો આ યોજનામાં જોડાયેલા છે.

BRI દેશોમાં સામેલ દેશોને સહાય

જુલાઈ 2020થી ચીને દક્ષિણ એશિયાના દેશો સાથે કોરોના મહામારીમાં સહાય માટેની બહુસ્તરીય વાતચીત શરૂ કરી દીધી હતી. આવી ચોથી બેઠક છેલ્લે એપ્રિલમાં યોજાઈ હતી, જેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ચીનના વિદેશ પ્રધાનો જોડાયા હતા.

ભારત તેમાં હાજર નહોતું. ભારતે વારંવાર સ્પષ્ટતા કરી છે કે માળખાગત સુવિધાના આ પ્રૉજેક્ટમાં જોડાવામાં તેને રસ નથી, કેમ કે તેના કારણે સરહદી સાર્વભૌમત્વનો સવાલ ઊભો થાય છે. આ બેઠકમાં ભારતની ગેરહાજરીની કોઈને નવાઈ લાગી નહોતી, કેમ કે ગત વર્ષે સરહદે સંઘર્ષ પછી બંને દેશો વચ્ચેના સંબંધો આમ પણ તંગ બનેલા છે.

ચીનના સરકારી પ્રસારણ CGTNના જણાવ્યા અનુસાર 27 એપ્રિલે યોજાયેલી બેઠકમાં ચીને ખાતરી આપી કે તે "વધારે વૈવિધ્ય અને સાતત્ય સાથે" આ પ્રદેશના દેશોને વૅક્સિન પૂરી પાડશે. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભાગ લેનારા દેશોએ "BRI ફ્રેમવર્ક હેઠળ સહકાર આપતા રહેવાના પ્રયાસો ચાલુ રાખવાની" સહમતી આપી હતી.

BRI પ્રૉજેક્ટ સાથે કોવિડ સહાયનું જોડાણ

દક્ષિણ એશિયામાં પોતાનું પ્રભુત્વ વધારવા માટે ચીન લાંબો સમયથી બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવનો ઉપયોગ કરતું આવ્યું છે. હવે ચીન કોવિડ-19ની તબીબી સહાયને પણ BRIમાં સહકાર માટે જોડી રહ્યું છે.

માર્ચમાં પ્રમુખ શી જિનપિંગે શ્રીલંકાના પ્રમુખ ગોટાબાયા રાજપક્ષેને જણાવ્યું હતું કે ચીન શ્રીલંકાને કોરોનાનો સામનો કરવા માટે સહાય કરતું રહેશે.

આમ જણાવી તેમણે ઉમેરેલું કે ચીન આ સાથે જ "કોલંબો પોર્ટ સિટી અને હંબનતોટા પોર્ટ જેવા મહત્ત્વના પ્રૉજેક્ટ્સને આગળ વધારવા તથા BRIમાં ઉચ્ચ કક્ષાના સહકાર માટે આતુર છે".

આ જ રીતે તેમણે 26 મેના રોજ નેપાળના પ્રમુખ વિદ્યા દેવી ભંડારીને ફોન કરીને જણાવ્યું હતું કે "BRI માટે સહકારને આગળ વધારશો, [અને] હિમાલયની આરપાર મલ્ટિ-ડાયમેન્શનલ કનેક્ટિવિટી નેટવર્કને પણ સાતત્ય સાથે આગળ વધારશો".

મે મહિનામાં જ ચીને તેના જૂના સાથી પાકિસ્તાનમાં રશ્કાઈ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોનનું ઉદ્ધાટન કર્યું હતું, જેને ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કોરિડોરના ભાગ તરીકે વિકસાવાઈ રહ્યો છે.

કોરોના મહામારીમાં ચીનની મદદથી પાકિસ્તાને વૅક્સિન વિકસાવી હતી. પાકિસ્તાનના યોજનામંત્રી અસદ ઉમરે આ માટે પાકિસ્તાનની સ્વાસ્થ્યટીમો સહિત ચીનના સહયોગીઓનો પણ આભાર વ્યક્ત કર્યો. એમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન હાલ વૅક્સિન મુકાવવા આવી રહેલા લોકોની પહેલી પસંદ ચીનમાં બનેલી વૅક્સિન સાઇનોફાર્મ જ છે, પશ્ચિમમાં બનેલી વૅક્સિનો નહીં.

ભારતની રસીની જગ્યાએ ચીનની રસી

વર્ષની શરૂઆતમાં ભારત એસ્ટ્રાઝેનેકા વૅક્સિન નિકાસ કરવામાં અગ્રસ્થાને હતું, જેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાએ લાયસન્સ મેળવીને કોવિશિલ્ડ બ્રાન્ડ સાથે કર્યું હતું. કોવિશિલ્ડ રસી શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળને 'વૅક્સિન મૈત્રી' પહેલ હેઠળ મોકલવામાં આવી હતી.

પરંતુ ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો અને તેના કારણે પોતાના જ નાગરિકોને પૂરતા પ્રમાણમાં રસી આપવાનું શક્ય ના બન્યું. તેના કારણે ભારતને રસીની નિકાસ બંધ કરવાની ફરજ પડી અને ચીને તે તકનો ફાયદો ઉઠાવી લીધો છે.

ચીને આ દરમિયાન શ્રીલંકાને સિનોફાર્મની રસીના 10 લાખ ડૉઝ આપ્યા છે. બાંગ્લાદેશને પ્રથમ શિપમેન્ટમાં 500,000 રસી મળી છે. ચીને નેપાળમાં વધારે રસી મોકલવાની પણ ખાતરી આપી છે. માર્ચમાં માલદીવમાં પણ ચીને રસી અને બીજા ઉપકરણો દાનમાં મોકલ્યા હતા. અફઘાનિસ્તાનને પણ 400,000 સિનોફાર્મ રસી આપવાની ખાતરી ચીને આપી છે.

ભારતની રાજદ્વારી પીછેહઠનો ફાયદો ઉઠાવ્યો

ભારતના પડોશી દેશો સાથે, ખાસ કરીને નેપાળ અને બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં સમસ્યાઓ આવતી રહી છે ત્યારે ચીને તકનો લાભ લઈને સહાય મોકલી છે.

વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીના શાસનમાં નેપાળ ચીન તરફ વધારે ઢળતું રહ્યું છે. ગત વર્ષે જૂનમાં નેપાળની સંસદે નવો નકશો જાહેર કર્યો અને તેમાં ભારત સાથે સરહદી વિખવાદ હતો તે ભાગ પોતાનામાં બતાવ્યો ત્યારથી ખટરાગ વધ્યો છે.

નવી દિલ્હીએ 2019માં નવો નાગરિકતા કાયદો પસાર કર્યો અને તે પછી ભારતના વરિષ્ઠ પ્રધાનોએ તે વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી ત્યારથી બાંગ્લાદેશે પણ ઘણી વાર નારાજગી વ્યક્ત કરી છે.

ભારતની 'દખલગીરી' સામે ચીનની ટીકા

ચીનના સરકારી મીડિયામાં વારંવાર ભારતે રસીની નિકાસ મર્યાદિત કરી તેની ટીકા કરીને જણાવ્યું છે કે આના પરથી એ ખ્યાલ આવે છે કે કયા પડોશી દેશ પર ભરોસો કરી શકાય.

"ભારત તરફથી જરૂરી મદદ મળી નથી, તેમ છતાં ભારતને ખુશ રાખવા માટે નેપાળ ચીન સાથે તંદુરસ્ત સંબંધો રાખવામાં નિષ્ફળ ગયું છે. ભારતની વૅક્સિનને અગ્રતા આપવા માટે ચીનની રસીને મંજૂરી આપવામાં નેપાળમાં વિલંબ થયો હતો. આટલી બધી આશા હોવા છતાં બીજી લહેરમાં નેપાળ મહામારી ભારે પડી ત્યારે પણ ભારતે કાઠમંડુ માટે કોઈ દયા દાખવી નથી," એમ સરકારી દૈનિક ગ્લૉબલ ટાઇમ્સે 12 મેના રોજ લખ્યું હતું.દક

જાન્યુઆરીમાં પણ ગ્લૉબલ ટાઇમ્સે લખ્યું હતું કે ભારત સરકાર સિનોવેકની કોરોના રસીની ઢાકામાં ચાલતી ટ્રાયલમાં "દખલ" કરી રહી છે. રસી ઉત્પાદકે કથિત રીતે બાંગ્લાદેશ સરકારને ટ્રાયલનો ખર્ચ સાથે ભોગવવા જણાવ્યું તે પછી આવું થયાનું જણાવાયું હતું.

"દક્ષિણ એશિયાના દેશોમાં ચીન સહકાર આપે છે તેની સામે ભારત દુષ્પ્રચાર કરે છે અને આ વિસ્તારમાં રોગચાળાનો સામનો કરવાની પ્રવૃત્તિ ભારતના પ્રભાવ હેઠળ જ પરંપરાગત રીતે ચાલે છે," એમ ટીયાન ગોંગકિંગને ગ્લૉબલ ટાઇમ્સમાં ટાંકવામાં આવ્યા હતા. ગોંગકિંગ ચાઇનીઝ એકેડમી ઑફ સોશિયલ સાયન્સીઝની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજીના આસિસ્ટન્ટ રિસર્ચ ફૅલો છે.

ભારતમાં ધ પ્રિન્ટ વૅબસાઇટમાં પહેલી જૂને અહેવાલ હતો કે આ રોગચાળાએ "દક્ષિણ એશિયામાં ભારતની આગેવાની લેવાની કેટલી મર્યાદાઓ છે તે દર્શાવી આપ્યું છે" અને તેના કારણે ચીનનું વર્ચસ્વ આ વિસ્તારમાં વધ્યું છે.

ચીનનો બીજો ઇરાદો

આ વિસ્તારમાં પ્રભુત્વ જમાવવા ઉપરાંત ચીનનો એવો પણ ઇરાદો હોઇ શકે છે કે તે દક્ષિણ એશિયામાં પણ ઝડપથી રસી પહોંચાડે. આ વિસ્તારમાંથી રોગચાળો ફરી પોતાના વિસ્તારોમાં ના ફેલાય તેવી ઇચ્છા પણ હોઈ શકે.

"ચીનને ચિંતા છે કે ભારતમાં જેવી સ્થિતિ થઈ હતી તેવી સ્થિતિ આ દેશોમાં પણ થઈ શકે છે - રોગચાળો અનહદ ફેલાય અને તે વખતે સારવાર માટેની અપૂરતી સુવિધાઓ હોય," એમ ફુડન યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર લીન મિન્વેંગે કહ્યું હતું. હોંગ કોંગના અગ્રણી અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે 29 એપ્રિલે મિન્વેંગને આમ કહેતા ટાંક્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો