You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસના વૅરિયન્ટ હજુ કેટલા જોખમી બની શકે એમ છે?
- લેેખક, જૅમ્સ ગેલાઘર
- પદ, આરોગ્ય તથા વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
હવે એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે વર્તમાન સમયમાં આપણે એક એવા વાઇરસનો સામનો કરી રહ્યા છીએ, જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં બહુ આસાનીથી અને કદાચ બમણી ઝડપે ફેલાય છે અને એ ચીનના વુહાનમાં 2019ના અંતમાં મળી આવેલા વાઈરસનું નવું સ્વરૂપ છે.
બ્રિટનના કેન્ટમાંથી સૌપ્રથમ મળી આવેલું કોરોનાનું આલ્ફા વૅરિયન્ટ પહેલાં કરતાં વધારે સંક્રામક હતું એ આપણે જાણીએ છીએ, પણ ભારતમાં જેની ઓળખ થઈ છે એ ડેલ્ટા વૅરિયન્ટ વધારે સંક્રામક અને ખતરનાક છે.
વળી વાઇરસની નવાં-નવાં સ્વરૂપ ધારણ કરવાની પ્રક્રિયા અત્યારે પણ ચાલુ છે.
સવાલ એ છે કે આપણે કોરોનાના નવા અને વધારે ખતરનાક વૅરિયન્ટ ક્યારેય ખતમ ન થનારી પરેડમાં ફસાઈ ગયા છીએ? વાઇરસ આખરે કેટલું વધારે ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે તેની કોઈ મર્યાદા છે ખરી?
આ સવાલોના જવાબ જાણવા માટે આપણે કોરોના વાઇરસની અત્યાર સુધીની સફરને ધ્યાનમાં રાખવી પડશે. વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, કોરોના વાઇરસ ચામાચિડિયામાંથી માણસમાં પ્રસર્યો હતો. તેનું પહેલું વૅરિયન્ટ આ વિનાશક મહામારીની શરૂઆત માટે પૂરતું હતું, પણ હવે એ વાઇરસ તેનું કામ સારી રીતે શીખી રહ્યો છે.
ઇમ્પીરિયલ કૉલેજ ઑફ લંડનનાં એક વાયરોલૉજિસ્ટ પ્રોફેસર વેન્ડી બાર્કલેએ કહ્યું હતું કે "વાઇરસ માણસની શરીરમાં પ્રવેશે ત્યારે એ તેની સૌથી ખતરનાક સ્થિતિમાં હોય એવું ભાગ્યે જ જોવા મળ્યું છે. વાઇરસ માણસના શરીરમાં વસવાના અને તેમાં પોતાનો સમય સારી રીતે પસાર કરવાના પ્રયાસ કરતો હોય છે."
સંક્રામક મહામારી ઈબોલાથી માંડીને સામાન્ય ફ્લૂ સુધીનાં ઉદાહરણ આપતાં વેન્ડીએ કહ્યું હતું કે "વાઇરસ માણસોનાં શરીર સુધી પહોંચ્યા છે અને પછી જ તેમણે તેમનો અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું હોય એવું હંમેશા બનતું રહ્યું છે."
કોરોનાના કેટલા વૅરિયન્ટ હોઈ શકે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વાઇરસના પ્રસારની ક્ષમતા કેટલી હોય છે તેનો તાગ તેની આર-નોટ એટલે કે સંક્રમણ દરને જોઈને મેળવી શકાય છે.
ધારો કે આપણામાંથી કોઈ વ્યક્તિ ઇમ્યૂન નથી એટલે કે કોઈનામાં રોગપ્રતિકારક ક્ષમતા નથી અને આપણે કોઈ પણ પ્રકારની તકેદારી પણ રાખતા નથી. એ સંજોગોમાં એક વાઇરસ, કોઈ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી જેટલી વ્યક્તિઓના શરીરમાં ફેલાઈ શકે તેને વાઇરસની આર-નોટ ક્ષમતા કહેવામાં આવે છે.
કોરોના વાઇરસના પહેલા વૅરિયન્ટની ઓળખ ચીનના વુહાનમાં થઈ ત્યારે તેની આર-નોટ ક્ષમતા 2.5ની હતી, જ્યારે વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં મળી આવેલા કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટની આર-નોટ ક્ષમતા 8.0 સુધીની હોઈ શકે છે.
ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં 'વાઇરલ ઇવોલ્યૂશન'નો અભ્યાસ કરી ચૂકેલા ડો. એરિસ કાટ્ઝોરાકિસે કહ્યું હતું કે "આ વાઇરસે આપણને બહુ હેરાન કર્યા છે. આપણામાં જે પ્રકારનો સંભવિત ડર હોય છે તેનાથી આ એકદમ અલગ છે. વધુ મોટી વાત એ છે કે આ વાઇરસે તેનું સ્વરૂપ 18 મહિનામાં બે વખત બદલ્યું છે. તેના આલ્ફા અને ડેલ્ટા બન્ને વૅરિયન્ટો અગાઉના વૅરિયન્ટ કરતાં 50 ટકા વધુ સંક્રામક હોવાનું જાણવા મળ્યું છે. કોઈ વાઇરસમાં આટલું પરિવર્તન થાય એ અસાધારણ બાબત છે."
ડો. એરિસ માને છે કે આ વાઈરસના વૃદ્ધિદર સંબંધી કોઈપણ સંખ્યાનું અનુમાન કરવું 'મુર્ખતાભર્યું' છે. તેઓ એવું પણ માને છે કે આ વાઇરસની સંક્રામકતા આગામી થોડાં વર્ષોમાં વધી જશે એટલે કે તેના કેટલાક વધુ વૅરિયન્ટો જોવા મળી શકે છે.
જોકે, કેટલાક વાઇરસ એવા છે કે જેનો સંક્રમણદર કોરોના વાઇરસ કરતાં ઘણો વધારે છે. દાખલા તરીકે, ઓરી અને શીતળાના વાઇરસ આ સંદર્ભમાં 'વિક્રમધારક' છે, જે સંક્રમણના વિસ્ફોટક પ્રકોપનું કારણ બની શકે છે.
પ્રોફેસર બાર્કલેએ કહ્યું હતું કે "કોરોના વાઇરસ વધુ ખતરનાક થવાની શક્યતા વ્યાપક છે, પણ એ કેટલો ખતરનાક હોઈ શકે એ વિશે અત્યારે કશું સ્પષ્ટ કહેવું યોગ્ય નથી."
વૅરિયન્ટો કઈ રીતે વધી રહ્યા છે?
પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે વાઇરસ કેટલીક તરકીબોનો આશરો લેતા હોય છે.
જેમ કે તેઓ માનવ શરીરના કોષો સાથેનાં તેમનાં સમીકરણોને બદલતાં હોય છે, હવામાં ખુદને વધુ સમય સુધી જીવંત રાખવાના પ્રયાસ કરતા હોય છે. એ વિષાણુઓ કેટલાક દર્દીઓમાં વાઇરસનો લોડ વધારે છે, જેથી દર્દી શ્વાચ્છોશ્વાસ, છીંક અને કફ મારફત વધુ વાઇરસ હવામાં છોડે. એ ઉપરાંત સંક્રમણ દરમિયાન વાઇરસ પોતાના સ્વરૂપમાં પરિવર્તન પણ કરતા હોય છે.
કોરોના વાઇરસમાં જે પ્રકારનું પરિવર્તન આપણે આલ્ફાથી ડેલ્ટા સુધીના વૅરિયન્ટોમાં જોયું છે એવી જ રીતે આપણે ઓમેગા કે અન્ય વૅરિયન્ટો પણ સામનો કરવો પડશે? એ વૅરિયન્ટો વધુને વધુ ખતરનાક થતા જશે?
આ સવાલના જવાબમાં ડૉ. એરિસ કાટ્ઝોરાકિસે કહ્યું હતું કે "આખરે તો તેની પણ એક સીમા હોય છે. કોઈ સુપર-અલ્ટીમેટ વાઇરસ આવશે અને તેની પાસે મ્યૂટેન્ટ કરવાનાં બધાં ભયાનક કૉમ્બિનેશન હશે એવું નથી."
આ સંદર્ભમાં એક પ્રચલિત માન્યતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે "કેટલીક બાબતમાં તમે બહેતર બની રહ્યા હો ત્યારે કેટલીક બાબતમાં તમે ખરાબ પણ થતા હો છો."
બીજી તરફ કેટલાક જાણકારો માને છે કે ઇતિહાસમાંની સૌથી મોટી રસીકરણ ઝૂંબેશ આ વાઇરસ માટે મોટી અડચણ સાબિત થઈ શકે છે.
ડૉ.કાટ્ઝોરાકિસે કહ્યું હતું કે "વાઇરસમાંનું જે પરિવર્તન તેમને વૅક્સિન સામે ઝીંક ઝીલવામાં બહેતર બનાવે છે તેને જ કારણે આખરે વાઇરસની પ્રસારક્ષમતા તદ્દન ઘટી જાય એવી શક્યતા પણ ઘણી છે."
પોતાની આ વાતના સંદર્ભમાં તેમણે બીટા અને ડેલ્ટા વૅરિયન્ટોમાં થયેલા પરિવર્તનનો દાખલો આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે "આપણે જોયું તેમ, ડેલ્ટા વૅરિયન્ટ ઝડપથી ફેલાય છે એટલું જ નહીં, તે ઇમ્યુનિટી પણ છેતરી શકે છે."
આ સંજોગોમાં કોરોના પર લગામ તાણવાની સૌથી ઉત્તમ વ્યૂહરચના કઈ હોવી જોઈએ તેનું અનુમાન કરવું અત્યારે પણ મુશ્કેલ છે.
અલગ-અલગ વાઇરસ લોકોને સંક્રમિત કરવા માટે અલગ-અલગ રીતનો ઉપયોગ કરતા હોય છે. દાખલા તરીકે ઓરીનો વાઇરસ વિસ્ફોટક છે, પણ તે જીવનભરની ઇમ્યુનિટી આપતો જાય છે. તેથી તેણે દરેક વખતે નવા શરીરની શોધ કરવી પડે છે.
ઇન્ફ્લૂએન્ઝા વાઇરસની આર-નોટ બહુ ઓછી હોય છે. તે ભાગ્યે જ એકથી ઉપર જાય છે, પણ એ સતત સંક્રમણ કરતો રહે છે અને ઘણીવાર તો મજબૂત ઇમ્યુનિટી હોવા છતાં લોકોને હેરાન કરતો રહે છે.
આશાનું એક કિરણ
પ્રોફેસર બાર્કલેએ કહ્યું હતું કે "આપણે વાસ્તવમાં બહુજ દિલચસ્પ, મધ્યવર્તી અને કેટલીક હદ સુધી અણધાર્યા તબક્કામાં છીએ. તેથી આગામી વર્ષોમાં શું થશે તેનું અનુમાન અત્યારે કરવું મુશ્કેલ છે."
એક અન્ય થિયરી પણ છે. તેના વિશે ઘણીવાર વાત થાય છે. જોકે, ઘણા વિજ્ઞાનીઓને જે પસંદ નથી તે વાત એ છે કે વાઇરસે વધારે આસાનીથી ફેલાવું હોય અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો તેણે તેનું સ્વરૂપ ઓછું ખતરનાક રાખવું પડે.
કેટલાક વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે આવું દબાણ કોઈ વાઇરસ પર શું કામ હોય? એ પણ એવા સમયે જ્યારે વાઇરસ એક વ્યક્તિને સંક્રમિત કરીને બીજી વ્યક્તિના શરીરમાં ઘૂસી ગયો છે અને પહેલી વ્યક્તિ સંક્રમણમાંથી બચશે કે નહીં એ જોવાનું બાકી છે.
આ અણધાર્યા સમયગાળામાં ઝડપભેર ચાલી રહેલ રસીકરણ ઝુંબેશ આશાનું એક કિરણ છે.
વિજ્ઞાનીઓને આશા છે કે જે સમૃદ્ધ અને વિકસિત દેશોમાં રસીકરણ ઝૂંબેશ ઝડપભેર ચલાવવામાં આવી રહી છે ત્યાં કોરોના વાઇરસના ભાવિ વૅરિયન્ટો, વૅક્સિનેટેડ લોકોમાં ઇમ્યુનિટી હોવાને કારણે વધારે સમસ્યા સર્જી શકશે નહીં, પણ વધારે સંક્રામક બની રહેલા આ વૅરિયન્ટો અને તેમની ખતરનાક બની રહેલી પ્રવૃત્તિ વિશ્વના બાકીના દેશો માટે કોઈ દુઃસ્વપ્નથી જરાય ઓછી નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો