કોરોના રસી : વૅક્સિનનું કોકટેલ શું છે અને તેનાથી શું ફાયદો થાય છે?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

કેટલાક દેશો બે અલગ-અલગ રસીના ઉપયોગને મંજૂરી આપી રહ્યા છે ત્યારે તેના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા છેડાઈ છે.

હાલમાં અમેરિકા, ફિનલૅન્ડ, ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં દરદીને બે અલગ-અલગ વૅક્સિન આપવામાં આવી રહી છે.

હવે આ યાદીમાં કૅનેડા પણ સામેલ થઈ ગયું છે. મંગળવારે પબ્લિક હેલ્થ એજન્સી ઑફ કૅનેડાએ જાહેર કર્યું છે કે જો દરદીને પ્રથમ ડોઝ તરીકે કોવિશિલ્ડ આપવામાં આવી હશે તો બીજા ડોઝમાં ફાઇઝર-બાયોએન-ટેક અથવા મૉડર્નાની રસી મૂકવામાં આવશે.

ભારતમાં પણ બે અલગ-અલગ કોરોના વૅક્સિન આપવા અંગે ચર્ચા ચાલી રહી છે. સરકારે જાહેર કર્યું છે કે ટૂંક સમયમાં તેના પર સંશોધન હાથ ધરવામાં આવશે. તો ઉત્તર પ્રદેશમાં તંત્રની ચૂકને કારણે અમુક નાગરિકોને કોવિશિલ્ડ તથા કોવૅક્સિન એમ અલગ-અલગ વૅક્સિન અપાઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે.

વૅક્સિનનું કોકટેલ કેમ?

પ્રથમ કારણ એ છે કે દરેક દેશમાં રસીકરણ ચાલી રહ્યું હોવાને કારણે વૅક્સિનની માગ અને પુરવઠા પર દબાણ ઊભું થયું છે. દુનિયાના ઘણા દેશો વૅક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે 130 કરોડની વસ્તી ધરાવતા ભારત માટે સ્થિતિ વધારે કફોડી બની છે. વૅક્સિન ન હોવાના કારણે દેશનાં અનેક શહેરોમાં રસીકરણ અટકાવી દેવાની ફરજ પડી છે.

બીજું કારણ છે ઑક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વૅક્સિન લીધા બાદ કેટલાક દરદીઓમાં બ્લડ ક્લૉટની સમસ્યા સામે આવી હતી, જે બાદ ડેનમાર્ક, ફિનલૅન્ડ, જર્મની, ફ્રાંસ, નૉર્વે, સ્પેન અને સ્વિડન જેવા દેશોએ કોવિશિલ્ડ પર થોડા સમય સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો.

બ્લડ ક્લૉટની સમસ્યા સામે આવતા દરદીને બે અલગ-અલગ વૅકિસન આપી શકાય કે કેમ તેમ અંગે સ્પેન, યુકે, અમેરિકા સહિત ઘણા દેશોમાં સંશોધન ચાલી રહ્યું છે. અલગ-અલગ કંપનીઓની વૅક્સિનનો ઉપયોગ કરવો એ નવી વાત નથી. ઇન્ફ્લુએન્ઝા, હિપેટાઇટિસ-એ અને બીજી કેટલીક ચેપી બીમારીઓના રસીકરણ વખતે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ક્લિનિકલ ટ્રાયલ્સ અરેના અનુસાર યુકેમાં Com-COV હેઠળ વૅક્સિનના મિક્સ અને મૅચ થિયરી પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. ક્લિનિકલ ટ્રાયલમાં પ્રથમ ડોઝ લીધો હોય એવા 50 અને તેનાથી વધુ ઉંમરના 830 લોકો ભાગ લઈ રહ્યા છે.

રશિયાની સ્પુતનિક વૅક્સિનની શોધ કરનાર ગામેલિયા અને એસ્ટ્રાઝેનેકા પણ બે વૅક્સિન આપી શકાય કે કેમ? એ દિશામાં સંશોધન કરી રહ્યાં છે. આ ક્લિનિકલ ટ્રાયલ હેટ્રોલોગસ બુસ્ટિંગ અંતર્ગત થઈ રહ્યું છે. ટ્રાયલનાં પ્રાથમિક તારણો અપેક્ષા કરતાં સારાં આવ્યાં છે. જોકે પરિણામ આવતા હજુ સમય લાગશે.

સંશોધનમાં શું બહાર આવ્યું છે?

સ્પેનસ્થિત કાર્લોસ III મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 431 લોકો પર સંશોધન હાથ ધરવામાં આવ્યું, જેમાં બધી વ્યક્તિઓને પ્રથમ ડોઝ તરીકે કોવિશિલ્ડ આપવામાં આવી હતી. પ્રથમ ડોઝ લીધાનાં આઠ અઠવાડિયાં બાદ બીજા ડોઝ તરીકે ફાઇઝર અને બાયોએન-ટેકની રસી આપવામાં આવી હતી.

સંશોધનમાં બહાર આવ્યું કે બીજો ડોઝ લીધા બાદ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં મોટો ઉછાળો આવ્યો હતો અને તેમના શરીરમાં મોટા પ્રમાણમાં ઍન્ટિબૉડીઝ ઉત્પન્ન થયા હતા. સંશોધકો અનુસાર લૅબોરેટરી પરીક્ષણોમાં સામે આવ્યું છે કે ઍન્ટિબૉડીઝ કોરોના વાઇરસને ઓળખીને તેને બિનકાર્યક્ષમ કરી નાખે છે.

કૅનેડાના મૅકમાસ્ટર યુનિવર્સિટીમાં ઇમ્યુનૉલૉજીસ્ટ ઝોઉ જિંગ અનુસાર ટ્રાયલના ડેટા જણાવે છે કે ફાઇઝરનો ડોઝ લીધા બાદ ઍન્ટિબૉડીઝ બહુ સારી રીતે રિસ્પૉન્ડ કરે છે. કોવિશિલ્ડના બે ડોઝ લીધા બાદ પણ આ પ્રકારનો રિસ્પૉન્સ જોવા મળ્યો નથી.

યુકેની ઓક્સફૉર્ડ યુનિવર્સિટી દ્વારા Com-COV હેઠળ સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં બહાર આવ્યું કે એસ્ટ્રાજેનેકા બાદ ફાઇઝરની વૅક્સિન લેવાથી મોટી શારીરિક તકલીફ થતી નથી. જે નાની-મોટી આડઅસર થાય છે તે સમય જતા આપોઆપ મટી જાય છે.

વૈજ્ઞાનિકો શું કહી રહ્યા છે?

વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો અને સંશોધકો બે અલગ-અલગ વૅક્સિન આપવાની તરફેણ કરી રહ્યા છે.

ઇમ્પિરિયલ કૉલેજ ઑફ લંડનમાં ઇમ્યુનૉલૉજીના પ્રોફેસર ડેની અલ્ટમેન કહે છે, "એક ઇમ્યુલૉજિસ્ટ તરીકે મને કોઈ કારણ દેખાતું નથી કે બે અલગ-અલગ વૅક્સિન આપવી કેમ જોખમી છે ? મને જરાય સમજ પડતી નથી કે આ કેમ ખોટું છે? તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો જ થશે અને એમાં કોઈને શું તકલીફ હોઈ શકે?"

વૈજ્ઞાનિકો મુજબ એવો કોઈ સિદ્ધાંત નથી જે કહે કે બે જુદી-જુદી વૅક્સિન લેવાથી નુકસાન થાય છે. એન્ડ્ર્યૂ ફ્રિડમેન કાર્ડિફ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ મેડિસિનમાં રીડર છે.

તેઓ કહે છે, "દરદીને બે અલગ-અલગ આપી શકાય કે કેમ તે વિશે સંશોધન ચાલી રહ્યું છે. હજુ સુધી એવી કોઈ થિયરી નથી જેનાથી પુરવાર થાય કે આ સુરક્ષિત નથી. આપણે સંશોધનનાં પરિણામની રાહ જોવી જોઈએ."

તેઓ વધુમાં જણાવે છે કે કોવિશિલ્ડ લીધા બાદ બીજા ડોઝ તરીકે જો તમે RNA આધારિત વૅક્સિન લેશો તો પણ તમારો વૅક્સિનનો કોર્સ પૂર્ણ ગણાશે.

રૉયલ મેલબર્ન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજીમાં વૅક્સિન રિસર્ચર ડૉ. કાઇલી ક્વિન વૅક્સિનને કાર્ગોની ડિલિવરી કરતા વાહન સાથે સરખાવે છે.

"આ એકદમ કાર્ગોની ડિલિવરી જેવું છે. વાહન અને ડિલિવરી કરવાની રીત ભલે અલગ હોય પરંતુ કાર્ગો (સ્પાઇક પ્રોટિન) એક જ છે. કાર્ગો એક જ હોવાના કારણે સિદ્ધાંત પ્રમાણે વૅક્સિન કામ કરવી જોઈએ. બે અલગ-અલગ વૅક્સિન આપવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે."

કૅનેડામાં એનએસીઆઈ (નેશનલ ઍડવાઇઝરી કમિટી ઑન ઇમ્યુનાઇઝેશન)ના પ્રમુખ ડૉ. કૅરોલિન ક્વાંચ કહે છે, "જે સંશોધનો કરવામાં આવ્યાં છે તેનો અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે વ્યક્તિને બે જુદી-જુદી વૅક્સિન આપી શકાય છે. જેમને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો છે તેમને બીજા ડોઝ તરીકે RNA આધારિત વૅક્સિન આપી શકાય છે."

જુદીજુદી વૅક્સિન લેવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય?

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં આવેલા ઔધાઈ કલાણ ગામમાં 20 લોકોને બે અલગ-અલગ ડોઝ આપવામાં આવ્યા હતા.

અહેવાલ અનુસાર, એપ્રિલ મહિનામાં આરોગ્ય કર્મચારીઓએ આ લોકોને કોવિશિલ્ડનો ડોઝ આપ્યો હતો. 14 મેના રોજ તમામને બીજા ડોઝ તરીકે કોવૅક્સિન આપવામાં આવી હતી.

બે અલગ-અલગ વૅક્સિન લેવાથી આ લોકોના આરોગ્ય પર કોઈ વિપરીત અસર પડી નહોતી અને કોઈએ આડઅસરની ફરિયાદ કરી નહોતી. ઉત્તર પ્રદેશ સરકાર ઘટનાની તપાસ કરી રહી છે.

ઔધાઈ કલાણ ગામના લોકોને આડઅસર નથી થઈ પરંતુ યુરોપના ઘણા દેશોમાં બે અલગ-અલગ વૅક્સિન લીધા બાદ લોકો બીમાર પડ્યા હોવાનું બહાર આવ્યું છે.

બીબીસીના હેલ્થ રિપોર્ટર જિમ રીડ લખે છે કે યુકેની ઓક્સફૉર્ડ યુનિવર્સિટી દ્વારા Com-COV હેઠળ સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં બહાર આવ્યું કે એસ્ટ્રાઝેનેકા અને ફાઇઝરની વૅક્સિન લીધા બાદ તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને થાક લાગવાની સમસ્યા થઈ શકે છે.

જો બીજી કોઈ આડઅસર થાય તો એ ટૂંકાગાળા માટે રહશે. સંશોધન મુજબ મિક્સ ઍન્ડ મૅચ બાદ પુખ્ત વયની વ્યક્તિને શારીરિક તકલીફ થવાની સંભાવના વધારે છે.

એસ્ટ્રાઝેનેકાની એક અને ફાઇઝરની એક વૅક્સિન લીધા બાદ ટ્રાયલમાં સામેલ 34 ટકા લોકોએ તાવની ફરિયાદ કરી હતી. 70 ટકાથી વધુ લોકોએ થાક અને 60થી વધુ લોકોએ માથાના દુખાવાની ફરિયાદ કરી હતી.

કયા દેશમાં બે જુદીજુદી વૅક્સિન આપવામાં આવી રહી છે?

વૅક્સિનનો પુરવઠો સમયસર નહીં મળવાના કારણે અને વૅક્સિન લીધા બાદ આરોગ્ય સંબંધી પ્રશ્નોના કારણે ઘણા દેશોએ બે અલગ-અલગ રસી આપવાનો નિર્ણય લીધો છે.

કૅનેડાએ જાહેર કર્યું છે કે જે વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકાનો પ્રથમ ડોઝ લીધો છે તેઓ બીજા ડોઝ તરીકે ફાઇઝર અથવા મૉડર્નાની રસી લઈ શકે છે.

ફિનલૅન્ડ અને સ્વિડને જાહેરાત કરી છે એસ્ટ્રાઝેનેકાનો પ્રથમ ડોઝ લીધા હોય એવા 65 વર્ષથી ઓછી વયના લોકોને બીજા ડોઝમાં અન્ય વૅક્સિન આપવામાં આવશે.

નૉર્વેમાં એસ્ટ્રાઝેનેકાનો પ્રથમ ડોઝ લેનાર 55 વર્ષથી ઓછી વયના લોકોને બીજો ડોઝ RNA વૅક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ફાન્સની ટોચની આરોગ્ય સલાહકાર સમિતિએ ભલામણ કરી છે કે એસ્ટ્રાઝેનેકાનો પ્રથમ ડોઝ લેનાર 55 વર્ષથી ઓછી વયના લોકોને બીજો ડોઝ RNA વૅક્સિનનો આપવામાં આવે.

સ્પેનના આરોગ્યમંત્રીએ જાહેરાત કરી છે કે પ્રથમ ડોઝ લેનાર 60 વર્ષથી ઓછી વયના લોકોને બીજા ડોઝમાં ફાઇઝરની વૅક્સિન આપવી કે કેમ તે વિશે ટૂંકમાં સમયમાં નિર્ણય લેવામાં આવશે. હાલમાં તેના પર સંશોધન ચાલી રહ્યું છે.

સ્પેન ઉપરાંત ચીન, રશિયા, દક્ષિણ કોરિયા, યુકે અને અમેરિકામાં વૅક્સિનના 'મિક્સ ઍન્ડ મૅચ' પર સંશોધન ચાલી રહ્યાં છે.

ચીનમાં કૅનસીનો બાયોલૉજિક્સ અને ચોંગક્વિંગ ઝીફેઈ બાયોલૉજીકલ પ્રોડક્ટસ્ દ્વારા તૈયાર કરવામાં આવેલી વૅક્સિનો પર ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. હજુ સુધી ટ્રાયલના ડેટા જાહેર કરવામાં આવ્યા નથી.

રશિયા પોતાની સ્પુતનિક અને એસ્ટ્રાઝેનેકા વૅક્સિનના 'મિક્સ ઍન્ડ મૅચ' પર સંશોધન કરી રહ્યું છે, જે અઝરબાઇજાન અને રશિયામાં ચાલી રહ્યું છે. સંશોધનનાં પ્રાથમિક તારણો સકારાત્મક આવ્યાં છે.

એસ્ટ્રાઝેનેકાની વૅક્સિન સાથે અન્ય કોઈ વૅક્સિન આપી શકાય કે કેમ તે અંગે દક્ષિણ કોરિયામાં 'મિક્સ ઍન્ડ મૅચ' ટ્રાયલ કરવામાં આવી રહી છે. આ પ્રકારનાં સંશોધનો યુકે અને અમેરિકામાં પણ ચાલી રહ્યાં છે.

ભારતમાં 'મિક્સ ઍન્ડ મૅચ'ની શું સ્થિતિ છે?

બીજા દેશોની જેમ ભારત પણ વૅક્સિન 'મિક્સ ઍન્ડ મૅચ' શરૂ કરવા જઈ રહ્યું છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ભારતમાં હાલ જે વૅક્સિન ઉપલબ્ધ છે અને જે વૅક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, તેના પર પરીક્ષણ કરવામાં આવશે.

એનટીએજીઆઈ (નેશનલ ટેકનિકલ ઍડવાઇઝરી ગ્રૂપ ઑન ઇમ્યુનાઇઝેશન)ના ચૅરમૅન ડૉ. એન.કે. અરોરાએ કહ્યું કે ટૂંક સમયમાં 'મિક્સ ઍન્ડ મૅચ' પર કામ શરૂ કરવામાં આવશે. કોવિશિલ્ડ, કોવૅક્સિન અને સ્પુતનિક મળીને કુલ આઠ વૅક્સિન પર આ સંશોધન હાથ ધરવામાં આવશે.

"આઈએમસીઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) અને વૅક્સિન કંપનીઓ ભેગા મળીને અભ્યાસ કરશે કે બે અલગ-અલગ વૅક્સિન સાથે આપી શકાય કે નહીં. પ્રથમ ડોઝમાં કઈ વૅક્સિન આપવી અને બીજા ડોઝમાં કઈ વૅક્સિન આપવી તે વિશે પણ સંશોધન કરવામાં આવશે."

"અમે એક સારી કૉમ્બિનેશન શોધમાં છીએ જે કોરોના વાઇરસ સામે સારું રક્ષણ આપી શકે. હાલમાં જે વૅક્સિન છે તે ગંભીર બીમારી સામે રક્ષણ આપી રહી છે પરંતુ ચેપ અને વાઇરસના ટ્રાન્સમિશન સામે એટલી કારગત નથી."

તેઓ વધુમાં કહે છે કે વાસ્તવિક પરિસ્થિતિ અનુસાર સંશોધન કરવાની જરૂર છે. કોઈ પણ આડઅસર વગર લોકોને સારી રોગપ્રતિકારક શક્તિ મળે એ અમારું ધ્યેય છે.

અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં ચેપી રોગના નિષ્ણાત ડૉ. અતુલ પટેલ ગુજરાતના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "ભારતમાં વૅક્સિનનું કોકટેલ શક્ય છે. દેશમાં મોટા પ્રમાણમાં વસતી છે અને વૅક્સિન પણ ઉપલબ્ધ છે. કઈ વૅક્સિનનું કોકટેલ કરવામાં આવી રહ્યું છે તે અગત્યનું છે."

"બીજા દેશોમાં કોવિશિલ્ડ સાથે ફાઇઝરની અથવા તેના જેવી બીજી વૅક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે. કોવિશિલ્ડ એ ઍડ્નોવાઇરસ બૅઈઝડ વૅક્સિન છે જ્યારે ફાઇઝર મેસેન્જર RNA બૅઇઝડ વૅક્સિન છે. એટલે જો બંને રસીનું કોકટેલ મિક્સ પણ કરવામાં આવે તો ધાર્યું પરિણામ મળી પણ શકે છે."

"કોવૅક્સિનના સાચા ડેટા હાજર નથી એટલે કોવિશિલ્ડ સાથે કોવૅક્સિનનો મિક્સ ઍન્ડ મૅચ કઈ રીતે શક્ય બનશે એ એક પ્રશ્ન છે. હજુ સુધી કોવિશિલ્ડના ડેટા કોઈ જર્નલમાં જોવા મળ્યા નથી એટલે તેનાં પરિણામ વિશે કંઈ કહી શકાય નહીં."

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (આઈઆઈપીએચજી)ના નિદેશક ડૉ. દિલીપ માવળંકર કહે છે, "જો કોવૅક્સિન અને કોવિશિલ્ડનું જો કોકટેલ કરવામાં આવે તો માત્ર સ્પાઇકની ઍન્ટિબૉડી બનશે. આ કોકટેલથી કોઈ હેતુ પાર પડે એની શક્યતા ઓછી છે."

"આ કોકટેલ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે તેની કોઈ ખાતરી નથી. એવું પણ બની શકે કે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય. કોવિશિલ્ડ અને કોવૅક્સિનના કોકટેલનાં શું પરિણામ આવશે તે કહેવું અઘરું છે."

કોવૅક્સિન રસી - ભારતની એકમાત્ર સ્વદેશી રસી

કોવૅક્સિન એ ઇનઍક્ટિવેટેડ વૅક્સિન છે, મતલબ કે તે મૃત કોરોના વાઇરસની બનેલી છે અને તે શરીરમાં પ્રવેશ માટે સલામત મનાય છે.

જ્યારે રસીનો ડોઝ આપવામાં આવે છે, ત્યારે શરીરની રોપ્રતિકારકતા સાથે સંકળાયેલા કોષો તેને ઓળખી કાઢે છે અને મહામારી ફેલાવતા વાઇરસની સામે ઍન્ટિબૉડી તૈયાર કરવા લાગે છે.

કોવિશિલ્ડ રસી કઈ રીતે કામ કરે છે?

ઓક્સફૉર્ડ-એસ્ટ્રાઝેનેકાની આ વૅક્સિન સ્થાનિક સ્તરે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. સામાન્ય રીતે ઍડ્નોવાઇરસનું તે હળવું સ્વરૂપ છે.

તેમાં એવી રીતે સુધારો કરવામાં આવ્યો છે કે કોરોના વાઇરસ જેવી લાગે, આ સુધારાને કારણે શરીર પર કોઈ વિપરીત અસર નથી થતી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટનો દાવો છે કે આ રસી 'ખૂબ જ અસરકારક' છે અને બ્રાઝિલ તથા યુકેમાં ત્રીજા તબક્કાનાં પરિણામો ઉત્સાહજનક રહ્યાં છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો