'અહીં ઊંચી જાતિના લોકોના વાળ કપાય છે' કહીને વાળ કપાવવા ગયેલા દલિતોને માર મરાયો

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બેંગલુરુથી, બીબીસી માટે

"તેમણે અમને કહ્યું કે તમે ગમે ત્યાં હશો અમે તમને જીવતાં સળગાવી દેશું. અમે ગમે ત્યાં રહીએ, અમે ગમે તે કરીએ, અમારી પર સતત ખતરો રહે છે. આથી અમે આપઘાત કરવાનો નિર્ણય લીધો."

ગત સોમવારે કર્ણાટકના એક ગામમાં પોતાનો જીવ આપવાની કોશિશ કરનારા હનુમંતા કહેતા હતા કે આખરે તેમણે આપઘાત માટે કેમ વિચાર્યું.

27 વર્ષીય હનુમંતાની સાથે તેમના 22 વર્ષીય ભત્રીજા બસવા રાજુએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો, પણ બંનેના જીવ બચી ગયા.

પોલીસ અનુસાર, જે વિવાદને લઈને તેમણે જીવ આપવાની કોશિશ કરી, એની શરૂઆત વાળ કપાવવાને લઈ થઈ હતી. પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

આ ઘટના કર્ણાટકના કોપ્પલ જિલ્લાના હોસાહલ્લી ગામની છે. એ દિવસે રવિવાર હતો. સૌથી પહેલાં વાળ કાપનારી વ્યક્તિએ તેમને પૂછ્યું, "તમે અહીં કેમ આવ્યા છો? અમે માત્ર લિંગાયત (ઊંચ્ચ અને દબંગ ગણાતી જાતિ)ના વાળ કાપીએ છીએ. આ જગ્યા હોલેયાઓ (દલિત સમુદાય) માટે નહીં."

ત્યારબાદ ગામના લોકો તેમનાં ઘરોમાંથી બહાર આવી ગયા.

હનુમંતાએ જણાવ્યું, "તેઓ અમારી પર બુમબરાડા પાડવા લાગ્યા, તમે અહીં કેમ આવ્યા છો? આ અમારી જગ્યા છે. અમારી પોતાની જગ્યા છે. જ્યારે અમે પૂછ્યું કે અમે વાળ કેમ ન કપાવી શકીએ તો તેઓ અમને ધક્કો મારવા લાગ્યા અને ત્યારબાદમાં તેમણે અમને માર માર્યો."

તેમણે જણાવ્યું, "તેઓ સંખ્યામાં અમારી કરતાં વધુ હતા. તેઓ 20થી વધુ લોકો હતા. અમે માત્ર બે લોકો હતા. જ્યારે અમે કહ્યું કે અમે ફરિયાદ કરશું, તો બોલ્યા કે જે કરવું હોય એ કરી લો."

હનુમંતાએ જે કહ્યું એની પુષ્ટિ એક વીડિયોથી પણ થાય છે. જેમાં આ ઘટના કેદ છે. આ વીડિયો વાઇરલ થયો હતો.

હનુમંતાએ બીબીસીને કહ્યું કે "અમારા એક છોકરાએ આ ઘટનાના કેટલાક ભાગને પોતાના મોબાઇલ ફોનમાં રેકૉર્ડ કરી લીધો હતો."

દલિતોનાં માત્ર 20 ઘર, લિંગાયતોનાં 500

હનુમંતા અને બસવા રાજુ એક જ ગામમાં રહે છે. હનુમંતા કહે છે કે તેઓ દલિત પરામાં રહે છે. અહીં માત્ર 20 ઘર છે, જ્યારે લિંગાયતોનાં 500 મકાન છે. ગામમાં મુસલમાન પણ છે, પણ તેમની વસતી વધુ નથી અને તેઓ કોઈ વાતમાં દખલ દેતા નથી.

વાળ કપાવવા માટે હનુમંતા અને તેમના ભત્રીજા પહેલાં પાસેના તાલુકા યેલબુર્ગા ગયા હતા, પણ ત્યાં લૉકડાઉનને કારણે બધું બંધ હતું.

તેઓ પાછા ગામ આવ્યા અને એક મોટા ઘરની પાસે વાળ કાપી રહેલી વ્યક્તિ પાસે ગયા.

કોપ્પલના પોલીસ અધીક્ષક ટી. શ્રીધરે બીબીસીને જણાવ્યું, "આ બંને યુવાનો વાળ કપાવવા માગતા હતા અને તેને કારણે ચર્ચા શરૂ થઈ. મકાનમાલિકે કહ્યું કે જ્યાં વાળ કાપતા હતા એ તેમની પોતાની જગ્યા છે અને ત્યાં તેમનું કોઈ કામ નહોતું."

મામલો સામાન્ય નથી

વાળ કાપવાનો મુદ્દો ભલે 'સામાન્ય' લાગે, પણ એવું નથી.

દલિત સંઘ રાયચૂરના એમઆર ભેરીએ બીબીસીને કહ્યું, "ગામમાં દલિતો માટે વાળ કપાવવા એક સમસ્યા રહી છે. પછાત જાતિમાં આવનારા વાળંદ એ વાતને લઈને ચિંતિત કહે છે કે જો એ ખબર પડશે કે તેઓ દલિતોના વાળ કાપે છે, તો અન્ય ગ્રાહકો નહીં આવે."

ભેરી યાદ અપાવે છે કે એક સમયે એક કૂવામાંથી પાણી પીવા મામલે ઝઘડો થઈ જતો હતો.

તેઓ કહે છે, "જ્યારે પાઇપથી પાણી આવવા લાગ્યું ત્યારથી આ સમસ્યા ઓછી થઈ ગઈ છે. પણ તમે જોશો તો ખબર પડશે કે મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પણ હોટલમાં આજે પણ દલિતોને પાણી કે ચા પ્લાસ્ટિકના કપમાં આપવામાં આવે છે. પણ ઊંચી કે દબંગ જાતિના લોકો સાથે આવું નથી થતું."

વાળ કાપનારની જેમ અન્ય પછાત જાતિના લોકો અને મુસલમાનો કાં તો ગામના ઊંચી જાતિના લોકોનું સમર્થન કરે છે અથવા તો મૂકદર્શક બની રહે છે.

પહેલાં પણ ઘટી આવી ઘટનાઓ

દલિત સંઘના કાર્યકર કહે છે કે આવી ઘટનાઓ રાયચૂર જિલ્લાના માન્વી તાલુકા, બગલકોટ જિલ્લાના હુંગુંડ તાલુકા અને અન્ય જગ્યાએ પણ થઈ ચૂકી છે.

ડિસેમ્બર 2020માં મૈસૂર જિલ્લાના નાંજંગુડ તાલુકામાં નાયક સમુદાયના લોકોએ આવો વિરોધ કર્યો હતો.

નાયક સમુદાય અનુસૂચિત જનજાતિમાં આવે છે, પણ મૈસૂર જિલ્લામાં આ એક દબદબાવાળો એટલે કે દબંગ સમુદાય છે. ગામની અન્ય પછાત જાતિના લોકોએ નાયક સમુદાયના લોકોનું સમર્થન કર્યું હતું.

ભેરી કહે છે, "એટલે દલિત સમુદાયના યુવાનોને સલાહ આપવામાં આવે છે કે તેઓ શહેરમાં જઈને પોતાના વાળ કપાવે. ત્યાં કોઈ ભેદભાવ નથી. પણ દલિત યુવાઓમાં આવી રહેલી જાગૃતિને કારણે તેઓ જૂની પ્રથાને લઈને સવાલ ઉઠાવે છે."

હનુમંતા અને તેમના ભત્રીજા સાથે થયેલી મારપીટને લઈને ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ પર અત્યાચાર રોકવા માટે બનેલા કાયદા હેઠળ કેસ દાખલ કરાયો છે.

પણ વાસ્તવિકતાને દર્શાવતા હનુમંતા કહે છે, "આજે દલિતો ગામમાં ગમે ત્યાં જઈ શકતા નથી. અન્ય સમુદાયના લોકો અમારી સાથે વાત કરતા નથી. "

"અમે રોજની કમાણી કરતા લોકો છીએ. અમે ખેતમજૂર છીએ. કમાણી માટે અમારા સમુદાયના લોકો પાસેનાં ગામોમાં જઈ રહ્યાં છે."

નોં : દવા અને થૅરપીથી માનસિક બીમારીઓની સારવાર શક્ય છે. તેના માટે તમારે કોઈ મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. જો તમારા કે તમારા કોઈ સંબંધીમાં કોઈ પણ પ્રકારની માનસિક તકલીફનાં લક્ષણો હોય તો તમે આ હેલ્પલાઇન નંબરો પર ફોન કરીને મદદ મેળવી શકો છો.

- સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય- 1800-599-0019

- ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ ઍલાઇડ સાયન્સ- 9868396824, 9868396841, 011-22574820

- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સ- 080 - 26995000

- વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ઍલાઇડ સાયન્સ- 24X7 હેલ્પલાઇન-011 2980 2980

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો