પાકિસ્તાન: કોરોના રસી ન લેનારનું મોબાઇલ કનેક્શન કપાશે, સરકારી કર્મચારીનો પગાર અટકાવાશે -TOP NEWS

પાકિસ્તાન પણ તેના રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માગે છે પણ અનેક અડચણો સામે આવી રહી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર પાકિસ્તાન સરકારે રસીકરણને વેગ આપવા માટે કડક વલણ અપનાવ્યું છે અને અમુક વિસ્તારમાં રસી નહીં લેનારનું મોબાઇલ કનેક્શન કાપી નાખવાની વાત કરવામાં આવી રહી છે.

અમુક જિલ્લાઓમાં કોરોના રસી મામલે અફવાઓ ફેલાતા લોકો રસી લેવા માટે ઇન્કાર કરી રહ્યા છે.

આથી સ્થાનિક તંત્રએ નિર્દેશ જારી કરી રહ્યા છે કે જો કોઈ રસી નહીં લે તો તેનું મોબાઇલ કનેક્શન કાપી લેવામાં આવશે અને જો સરકારી કર્મચારી એ રસી નહીં લીધી હોય તો તેમનો પગાર નહીં આપવામાં આવે.

આણંદ-તારાપુર હાઇવે પર અકસ્માત, એક જ પરિવારના 10 લોકોનાં મૃત્યુ

આણંદ-તારાપુર હાઇવે પર વહેલી સવારે એક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં 10 લોકો મૃત્યુ પામ્યાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઇકો ગાડીમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા.

પોલીસને જાણ થતાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોને વાહનમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતમાં ઘવાયેલા લોકોને હૉસ્પિટલ લઈ જવાયા હતા પણ કેટલાકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો તો કેટલાકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જેમાં બાળક પણ સામેલ છે.

પિંજરા અજમેરી પરિવારને અકસ્માત નડ્યો હતો. એક જ પરિવારના સભ્યોના મોતથી મોટી કરુણાંતિકા સર્જાઈ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા કૉંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે શ્રદ્ધાંજલિ પાઠવી ઘટના સંદર્ભે દુખ વ્યક્ત કર્યું છે.

ટ્વિટર ભારતમાં સોશિયલ મીડિયા કંપની તરીકેનું ટાઇટલ ગુમાવી દેશે?

માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટર તેને મળેલો સોશિયલ મીડિયા તરીકે મળેલો કાનૂની દરજ્જો ભારતમાં ગુમાવી શકે છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર ઇન્ફર્મેશન ટેકનૉલૉજી કાયદાની કલમ 79 હેઠળ તેને આ દરજ્જો મળેલો છે. જે કદાચ દૂર થઈ શકે છે.

અહેવાલ અનુસાર સરકારનું કહેવું છે કે જે પણ કંપની નવી માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તેનો ઇન્ટરમિડિયેટરી દરજ્જો એટલે કે તેમને થર્ડ પાર્ટી કૉન્ટેન્ટ મામલે કાનૂની કાર્યવાહી સામે જે કેટલુંક રક્ષણ મળતું હતું તે ગુમાવવું પડશે. આથી ઇન્ડિયન પિનલ કોડની તમામ કલમો પણ લાગુ થઈ શકશે.

અત્રે નોંધવું કે ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા સંબંધિત નવા નિયમો મામલે કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે.

લોક જનશક્તિ પાર્ટીમાં તિરાડ, હવે શું થશે?

રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીમાં તિરાડ પડવાના અહેવાલ છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન અને તેમના કાકા પશુપતિ રામ પારસ વચ્ચે ટકરાવ થયો છે.

બંનેએ એકબીજાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરતા મામલો વધુ ગૂંચવાયો છે. કહેવાઈ રહ્યું છે કે પાર્ટી હવે સત્તાવાર રીતે બે ભાગમાં વહેચાઈ જવાની છે.

મંગળવારે બંનેએ એકબીજાને સાંસદોનું સમર્થન છે કહીને એકબીજાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. સોમ વારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પશુપતિ કુમાર પારસને સંસદમાં એલજેપીના નેતા તરીકે સ્વીકાર કરી લીધા છે.

પાર્ટીમાં બે જૂથ પડી ગયા છે અને સત્તાની ખેંચતાણ ચાલી રહી છે. ગત વર્ષે પાર્ટી વડા રામ વિલાસ પાસવાનનું મૃત્યુ થયું હતું. તેઓ મોદી સરકારમાં મંત્રી હતા.

તેમના મૃત્યુ બાદ ચિરાગ પાસવાન અને પશુપતિ રામ પારસ વચ્ચે સત્તા માટે ટકરાવ શરૂ થયો છે.

ઉલ્લેખનીય છે કે ચિરાગ પાસવાને બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે એનડીએથી છેડો ફાડ્યો હતો અને નીતિશ કુમાર સામે આક્રમક પ્રચાર કર્યો હતો. નીતિશ કુમાર ભાજપના ગઠબંધન એનડીએનો હિસ્સો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો