You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનની સંસદમાં ગાળાગાળી અને મારામારી
પાકિસ્તાનની સંસદમાં મંગળવારે એ થયું જે ન થવું જોઈએ, સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો મારપીટ કરતાં જોવા મળ્યાં.
વિપક્ષી નેતા શહબાઝ શરીફ મંગળવારે સંસદમાં બજેટ પરની ચર્ચાના બીજા દિવસે બોલવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષના સાસંદો ઝઘડી પડ્યા.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની સંસદમાં મચેલા હંગામાનો વીડિયો શૅર થઈ રહ્યો છે.
વીડિયોમાં દેખાય છે કે વડા પ્રધાન ઇમરાન ખાનની સત્તાધારી પાર્ટી તહરીક-એ-ઇન્સાફના અલવી અવાન એક વિપક્ષી સાંસદને ગંદી ગાળો બોલી રહ્યા છે. સાંસદ એક બીજા પર ચોપડીઓ ફેંકતાં અને એ જ બજેટ બૂકથી એકબીજાને મારતાં પણ દેખાય છે.
સંસદમાં હિંસા વકરતી જોઈને સચિવે વધારાના સુરક્ષાદળોને બોલાવવાનો અનુરોધ કર્યો પરંતુ વધારાના દળો આવ્યા પછી પણ સ્થિતિ કાબૂમાં ન આવી.
બેઉ પક્ષો સંસદ હોલમાં એકબીજાને નિશાન બનાવતા રહ્યાં.
શહબાઝ શરીફે સત્ર બાદ આખી ઘટના પર ટ્વિટ કરીને કહ્યું કે, ''આજે ટીવી પર આખા દેશે જોયું કે કેવી રીતે સત્તાધારી પાર્ટીએ ગુંડાગીરી કરી, ત્યાં સુધી કે ગંદી ગાળો આપવામાં આવી. આનાથી ખબર પડે છે કે ઇમરાન ખાન અને તેમની પાર્ટી ફાસીવાદી થઈ ગઈ છે અને વિપક્ષ સાથે ગુંડાગીરી કરે છે.''
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલએન)ના સાંસદ મરિયમ ઔરંગઝેબે આખા ઘટનાક્રમ માટે વડા પ્રધાન ઇમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે ટ્વિટ કરીને કહ્યું ''ઇમરાન ખાને જે નવું પાકિસ્તાન બનાવ્યું છે આ એની હકીકત છે. આ ફાસીવાદી માનસિકતાની ઝલક છે. ઇમરાન ખાને સંસદને અપ્રાસંગિક અને લોકશાહીને નબળી કરવામાં કોઈ કસર છોડવા નથી માગતા. વિપક્ષ પર બજેટ બૂક ફેંકવામાં આવી. આ જ ઇમરાન ખાનની રિયાસત-એ-મદીના છે.''
ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન ઘણી વાર પોતાના ભાષણમાં પાકિસ્તાનને રિયાસત-એ-મદીના બનાવવાની વાત કરે છે.
સત્તા પક્ષે કહ્યું, વિપક્ષ જવાબદાર
જોકે, સત્તાપક્ષે સંસદમાં તોફાન બાબતે વિપક્ષને જવાબદાર ઠેરવ્યો.
પીટીઆઈના સાંસદ અવાને ટ્વિટ કરીને કહ્યું કે ભલે એમની ગાળાગાળીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે પણ પહેલાં વિપક્ષના સાંસદે મર્યાદા તોડી હતી.
અવાનનું કહેવું છે કે પહેલાં પીએમએલ-એનના સાંસદોએ ગાળો આપી અને એના જવાબમાં એમણે ગાળો આપી.
પાકિસ્તાનના માહિતી પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, સંસદમાં હિંસાની શરૂઆત પીએમએલ-એનના સભ્ય ગૌહર ખાનના નારાઓ સાથે થઈ.
ફવાદે ટ્વિટમાં કહ્યું કે ''પીએમએલ-એનના સભ્યોએ પહેલાં સંસદની મર્યાદા તોડી અને ગાળોની શરૂઆત પણ એમણે કરી. એ પછી અમુક નવયુવાન સભ્યોએ ભાવુક થઈને બજેટ બુક ફેંકી.''
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો