You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્વિટર અને મોદી સરકાર વચ્ચે વિવાદ : ટ્વિટર વિરુદ્ધ ફરિયાદ બાદ હવે રવિશંકર પ્રસાદે કર્યા અનેક સવાલ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મુસ્લિમ વૃદ્ધના વીડિયો મામલે પોલીસે ટ્વિટર, પત્રકાર અને કૉંગ્રેસ-સમાજવાદી પાર્ટીના નેતાઓ સામે ફરિયાદ કરી છે અને તપાસ ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટર સામે અનેક સવાલો કર્યા છે.
કેન્દ્રીય કાનૂન, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણમંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટમાં લખ્યું કે, ''26 મેના રોજ ભારત સરકાર તરફથી રજૂ કરવામાં આવેલી ઇન્ટરમીડિયરી ગાઇડલાઇનનું પાલન કરવામાં ટ્વિટર નિષ્ફ્ળ રહ્યું છે. ટ્વિટરને અનેક તકો આપવામાં આવી કે તે નિયમોનું પાલન કરે પરંતુ તેણે જાણી જોઈને નિયમો નહીં માનવાનો રસ્તો અપનાવ્યો છે.''
એમણે કહ્યું કે, ''ભારતની સાંસ્કૃતિક વિવિધતા ભૌગોલિક સંરચના મુજબ છે. અમુક ખાસ કિસ્સાઓમાં સોશિયલ મીડિયાથી ફેલાવાયેલી એક ચિંગારી મોટી આગનું સ્વરૂપ ધારણ કરી શકે છે, ખાસ કરીને ખોટા સમાચારો થકી. આને રોકવા માટે અમે નવા નિયમો બનાવ્યા છે.''
એમણે કહ્યું ''ટ્વિટર પોતાને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું પ્રહરી બતાવે છે પણ જ્યારે ગાઇડલાઇનનું પાલન કરવાની વાત આવી તો જાણી જોઈને આંખ આડા કાન કરે છે. આ ઉપરાંત ટ્વિટર ભારતની કાનૂન વ્યવસ્થાને માનવાનો ઇન્કાર કરે છે અને યુઝર્સની ફરિયાદોની પણ અવગણના કરે છે. તે પોતાની સુવિધા અનુસાર અને પસંદ-નાપસંદ મુજબ કોઈ પોસ્ટને મૅનિપ્યુલેટેડ મીડિયાની શ્રેણીમાં મૂકી દે છે.''
રવિશંકર પ્રસાદે કહ્યું, ''ઉત્તર પ્રદેશમાં જે થયું એમાં ટ્વિટરની ખોટા સમાચાર રોકવામાં મનમાની સાફ દેખાય છે. ટ્વિટર હકીકતોની પુષ્ટિને લઈને ઉત્સાહિત નજર આવે છે પણ ઉત્તર પ્રદેશ સહિત અનેક કેસમાં તેની બેરદકારી પરેશાન કરનારી છે.''
કાયદામંત્રીએ કહ્યું, ''ભારતની કંપનીઓ ચાહે તે ફાર્મા હોય કે આઈટી સેક્ટરની કંપની હોય, તે અમેરિકા કે કોઈ અન્ય દેશમાં વેપાર કરવા જાય છે તો ત્યાંના નિયમો-કાયદાઓનું પાલન કરે છે. હવે જ્યારે ભારતે પીડિતોને વાચા આપવા માટે નિયમ બનાવ્યા તો ટ્વિટર તેનું પાલન કરવાનું ઇચ્છુક નથી લાગી રહ્યું.''
એમણે કહ્યું, ''કાનૂનનું રાજ ભારતીય સમાજનો આધાર છે. ભારતમાં અભિવ્યક્તિની આઝાદીની બંધારણ ગૅરન્ટી આપે છે અને જી-7માં એને દોહરાવી છે. કોઈ પણ વિદેશી કંપની અભિવ્યક્તિની આઝાદીની આડમાં નિયમોનું પાલન કરવામાંથી બચી ન શકે.''
ટ્વિટરે શું કહ્યું?
આ આખા મામલાને લઈને ટ્વિટરે નિવેદન આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના નિવેદનમાં ટ્વિટરે કહ્યું કે, અમે પ્રક્રિયાના દરેક તબક્કે પ્રગતિ વિશે ભારતીય આઈટી મંત્રાલયને માહિતી આપી રહ્યા છીએ. અમે એક કાર્યકારી અનુપાલન અધિકારીની નિયુક્તી કરી છે અને તે અંગેની જાણકારી સીધી મંત્રાલયને આપવામાં આવશે. ટ્વિટર નવા દિશાનિર્દેશોનું પાલન કરવાનો દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે.
ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું, એમને રવિશંકર પ્રસાદના નિવેદન અને ગાઝિયાબાદની ફરિયાદ બાબતે કોઈ ટિપ્પણી નથી કરવી.
ગાઝિયાબાદની ઘટનામાં શું થયું?
ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે સાંપ્રદાયિક સદ્ભાવના તોડવાના આરોપસર ટ્વિટર, અનેક પત્રકારો અને નેતાઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
5 જૂને એક મુસ્લિમ વૃદ્ધ પર હુમલાના મામલામાં પોલીસે આ કાર્યવાહી કરી છે.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથેની વાતચીતમાં પોલીસે આ એફઆઈઆર કરી હોવાના સમાચારની પુષ્ટિ કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે.
જોકે, અબ્દુલ સમદ નામના એ વૃદ્ધ વ્યક્તિએ એક વીડિયોમાં દાવો કર્યો હતો કે એમની દાઢી કાપી નખાઈ અને તેમને 'વંદે માતરમ' સાથે 'જય શ્રી રામ બોલવા' માટે મજબૂર કરવામાં આવ્યા.
અબ્દુલ સમદે આરોપ મુક્યો હતો કે એમને જંગલ તરફ લઈ જવામાં આવ્યા અને ત્યાં એમને બંધક બનાવીને રાખવામાં આવ્યા.
પરંતુ ગાઝિયાબાદ પોલીસ આ ઘટનામાં કોઈ પણ સાંપ્રદાયિક દૃષ્ટિકોણને રદિયો આપે છે, પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં પત્રકાર રાણા અયૂબ, સબા નકવી અને મહમદ ઝુબેરને નામજોગ અરોપી તરીકે દર્શાવવામાં આવ્યાં છે.
આ ઉપરાંત ઑનલાઇન ન્યૂઝ પૉર્ટલ 'ધ વાયર', કૉંગ્રેસ નેતા સલમાન નિઝામી, સમા મહમદ અને મસ્કૂર ઉસ્માની પણ નામજોગ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યાં છે. આ તમામ પર આરોપ છે કે એમણે હકીકતની પુષ્ટિ કર્યા વિના ઘટનાને સાંપ્રદાયિક રંગ આપ્યો હતો.
પોલીસનું કહેવું છે કે આ ટ્વીટનો હેતુ સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો હતો. પોલીસ ફરિયાદ મુજબ આ ટ્વીટને હજારો વાર રિટ્વીટ કરવામાં આવ્યાં.
પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ તરફથી આ કેસમાં સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું હતું તે છતાં ટ્વીટ્ ડિલીટ ન કરવામાં આવ્યા અને ન તો ટ્વિટરે તેના પર કોઈ કાર્યવાહી કરી.
જોકે, આ ફરિયાદની વાત બાદ પત્રકારોએ ટ્વિટ ડિલીટ કરી નાખ્યાં છે.
ટ્વિટરની સામે પણ ગાઝિયાબાદ પોલીસે કેસ દાખલ કર્યો છે અને આ કેન્દ્ર સરકારની નવી નીતિ મુજબનો પહેલો કેસ છે.
5 જૂને કેન્દ્ર સરકારે માઇક્રોબ્લૉગિંગ પ્લૅટફૉર્મ ટ્વિટરને નવા નિયમો બાબતે વિગતવાર કહ્યું હતું અને તેને લાગુ કરવા જણાવ્યું હતું.
આ નવા નિયમોને એક અઠવાડિયામાં લાગુ કરવાના હતા પરંતુ આશ્વાસન બાદ એ સમયસીમા સમાપ્ત થઈ ગઈ.
'ધ હિંદુ' અખબાર અનુસાર ટ્વિટર ઇન્ટરમીડિયરીનો દરજ્જો ગુમાવી શકે છે. હવે ટ્વિટર કોઈ પણ સામગ્રી માટે પોતે જવાબદાર ઠરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો