સોનાનું હૉલમાર્કિંગ ગુજરાતના 23 જિલ્લામાં ફરજિયાત, તમારા ઘરમાં જે સોનું છે, એનું શું થશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

15 જૂનથી ગુજરાત સહિત દેશભરમાં સોના-ચાંદીના દાગીના માટે હૉલમાર્કિંગ ફરજિયાત કરી દેવાયું છે, હાલ ગુજરાતના 31માંથી 23 જિલ્લામાં વેપાર કરતા વેપારીઓએ તેનો અમલ કરવાનો રહેશે.

હૉલમાર્કિંગ એ કિંમતી ધાતુઓની શુદ્ધતા પર મહોર છે, સરકાર માને છે કે આનાથી ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકશે.

જોકે મુંબઈ સહિત દેશના લાખો જ્વેલર્સે સરકારના આ નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો છે. સરકારના આ નિર્ણયને રાતોરાત અમલમાં મૂકવો અશક્ય હોવાની ફરિયાદ પણ જ્વેલરો દ્વારા સરકારને કરવામાં આવી છે.

સોનાનું હૉલમાર્કિંગ શું છે?

આ કામગીરી બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નેજા હેઠળ કરવામાં આવી રહી છે અને સંગઠન દ્વારા માન્ય લૅબોરેટરીમાં દાગીનાની ખરાઈ થઈ શકશે.

સોનાનું હૉલમાર્કિંગ એ ધાતુ કેટલી શુદ્ધ છે તેનો માપદંડ અને સર્ટિફિકેટ છે. ગ્રાહકો સાથે છેતરામણી ન થાય તે હેતુસર સરકારે હૉલમાર્કિંગને પ્રાધાન્ય આપ્યું છે.

નવા નિયમ મુજબ જો જ્વેલર્સ 14,18, 22 કૅરેટ સોનાનું ઘરેણું બીઆઈએસ હૉલમાર્ક વગર વેચશે તો પાંચગણી રકમ દંડ સ્વરૂપે વસૂલવામાં આવશે અથવા એક વર્ષની જેલ પણ થઈ શકે છે.

15 જાન્યુઆરી 2020ના હૉલમાર્કિંગનું ગૅઝેટ બહાર પાડવામાં આવ્યું હતું, જે એક વર્ષ બાદ જાન્યુઆરી-2021થી લાગુ થવાનું હતું, પરંતુ કોરોનાની સ્થિતિને જોતા તેની અમલવારી મોકૂફ કરી દેવામાં આવી હતી.

ભારતમાં વર્ષ 2000થી સોનાનું તથા 2005થી ચાંદીનું હૉલમાર્કિંગ ચાલી રહ્યું છે, પરંતુ હાલ સુધી તે સ્વૈચ્છિક અને કાયદાકીય રીતે બંધનકર્તા ન હતું.

સોનાનાં તમામ ઘરેણાં પર હૉલમાર્ક કરવો ફરજિયાત રહેશે. તેમાં બીઆઈએસ માર્ક, ઓળખ ગુણવત્તા સહિતની વિગતો સામેલ હોઈ શકે છે. આની નોંધણી માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન પણ શરૂ કરાયું છે.

બીઆઈએસ હૉલમાર્કવાળા સોનાની એ પણ ખાસિયત હોય છે કે ગ્રાહક જ્યારે તેને વેચવા જાય ત્યારે તેને સોનાનો વર્તમાન ભાવ મળી શકે છે.

ગુજરાતના કયા જિલ્લામાં લાગુ પડશે હૉલમાર્કિંગ નિયમ?

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અમરેલી, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા મોરબી, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ, કચ્છ, નવસારી, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લામાં નવા નિયમ લાગુ પડશે.

અન્ય આઠ જિલ્લામાં આ નિયમો હાલમાં લાગુ નહીં પડે. ભારતમાં પણ હાલમાં માત્ર 256 જિલ્લામાં જ આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યા છે.

હાલ દેશમાં 940 જેટલા એસેઇંગ તથા હૉલમાર્કિંગ સેન્ટર કાર્યરત્ છે, જેમાંથી અમુક જિલ્લામાં સેન્ટર ઊભું કરવા માટે સરકાર દ્વારા 84 જેટલા એકમનો સબસિડી પણ આપવામાં આવી છે. દરેક સેન્ટર દરરોજ 1500 ઘરેણાંનું હૉલમાર્કિંગ કરી શકશે.

શુદ્ધતાનો સિક્કો

ભારત એ વિશ્વમાં સોનાનું સૌથી મોટું બજાર છે, પરંતુ આ ક્ષેત્રે વિશ્વસનિયતાનો અભાવ છે. એક અનુમાન મુજબ, હાલમાં દેશની કુલ જ્વેલરીમાંથી 30 ટકા જ હૉલમાર્કવાળી છે. ઘણી વખત ગ્રાહકને ખરીદી તથા વેચાણ સમયે બેવડો માર પડતો હતો.

'વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ' મુજબ હાલ ભારતમાં ચાર લાખ જ્વેલરમાંથી ફક્ત 35,879 જ્વેલર બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાર્ન્ડ (BIS) સર્ટિફાઇડ છે.

હૉલમાર્કિંગને કારણે ગ્રાહકને ખરીદી કરતી વખતે શુદ્ધતાનો ચોક્કસ અંદાજ આવશે અને વેચાણ કરતી વેળાએ તે ઉપજનારી કિંમતનો અંદાજ મેળવી શકે છે. આ સિવાય ખરીદનાર તથા વેચાનારનો સમય પણ ગુણવત્તાની બાબતે બચશે.

સરકારને આશા છે કે તેનાથી વિશ્વભરમાં ભારતના સોનાના દાગીનાની વિશ્વસનિયતા વધશે. અત્યાર સુધી 14, 18 અને 22 કૅરેટ સોનાનું જ પ્રચલન હતું, પરંતુ 20, 23 અને 24 કૅરેટની શ્રેણીમાં પણ હૉલમાર્કિંગ થઈ શકશે.

ચાંદીમાં હૉલમાર્કિંગ

સોનાના સિક્કા (કે લગડી વગેરે) માટે 995 તથા 999 એમ બે ગ્રૅડમાં હૉલમાર્કિંગ કરવામાં આવે છે અને ઉત્પાદનની પ્રક્રિયા માટે જ સિક્કો મારવામાં આવે છે.

બીજી બાજુ, ચાંદીના માટે છ શ્રેણીમાં હૉલમાર્કિંગ થશે.

આમ તો લગભગ દોઢ વર્ષથી હૉલમાર્કિંગની ચર્ચા થઈ રહી હતી, છતાં સોનાના ઉત્પાદકો, જથ્થાબંધ તથા છૂટક વેપારીને સમય મળી રહે તે માટે હાલમાં કોઈ દંડ લાદવામાં નહીં આવે અને ઑગસ્ટ મહિના સુધી છૂટ આપવામાં આવી છે.

સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રના એક સોનીએ બીબીસી પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવ્યું, "હૉલમાર્કિંગના કાયદાથી ખરીદનારોને લાભ થશે એ ખરું, પરંતુ તેમાં અનેક છટકબારી રહેલી છે. જેમ કે 40 લાખથી ઓછાનું ટર્નઑવર ધરાવનારા જ્વેલર્સ માટે તે ફરજિયાત નથી."

"જો તેઓ કાગળ પર બે પેઢી ઊભી કરીને વેપાર કરશે તો? હાલ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ)માં આવું થઈ જ રહ્યું છે."

"બીઆઈએસ દ્વારા લૅબોરેટરીઓને માન્યતા આપવામાં આવી રહી છે, પરંતુ તેઓ પોતાનું કામ પ્રમાણિકતાથી નહીં કરે તો? તેમની સમયમર્યાદા સમાપ્ત થયા બાદ પણ સિક્કા મારવાનું (હૉલમાર્કિંગના સંદર્ભમાં) ચાલુ રાખશે તો?"

બીઆઈએસનું કહેવું છે કે સમયાંતરે તેમના દ્વારા જ્વેલર્સનું ઑડિટ કરવામાં આવશે. આ સિવાય જરૂર પડ્યે ચેન્નાઈ, શાહિબાબાદ તથા કોલકતામાં તેની પોતાની લૅબમાં ચેક કરાવી શકાશે.

આ યોજનાને લાગુ કરતી વખતે કોઈ સમસ્યા ઊભી થાય તો તેના નિરાકરણ માટે સંબંધિત હિતધારકો, મહેસૂલ વિભાગના અધિકારીઓ તથા કાયદાકીય નિષ્ણાતોની એક સમિતિનું ગઠન કરવામાં આવશે.

દાગીનાને ગીરવે રાખતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાને લેવામાં આવશે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.

સોનાનાં ખરીદ-વેચાણમાં હૉલમાર્કિંગ કઈ રીતે કામ કરશે?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અનુમાન મુજબ, દેશમાં ચાર લાખ સોના-ચાંદીની દુકાનો છે, જેમાંથી લગભગ 36 હજાર જેટલી જ સોનાની દુકાનોએ બીઆઈએસનું સર્ટિફિકેશન મેળવ્યું છે. વેપારીએ 'અહીં હૉલમાર્કિંગવાળા દાગીના ઉપલબ્ધ છે' એવું બોર્ડ દુકાનની બહાર લગાવવાનું રહેશે.

બીઆઈએસ પાસે જ્વેલર્સ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઑનલાઇન નોંધણી કરાવી શકશે. જ્વેલર્સની માગ છે કે એક વખત જ નોંધણી કરાવવાની જોગવાઈ રાખવામાં આવે તથા આ માટે કોઈ ફી વસૂલવામાં ન આવે, આ અંગે સરકારે વિચારણા હાથ ધરી છે.

તમારા જૂના સોનાના દાગીનાનું શું થશે?

સોનાના દાગીનાની હૉલમાર્કિંગ માટે ગ્રાહકે નંગદીઠ રૂ. 35 અને ચાંદીની જણસ માટે રૂ. 25 ચૂકવવાના રહેશે, જેની પર જીએસટી લાગશે. દાગીનાનું વજન ગમે તેટલું હોય, પણ આ ભાવ અફર રહેશે.

આ વચ્ચે ચર્ચા એ વાતની પણ થઈ રહી છે કે ગ્રાહકો પાસે જે જૂના સોનાના દાગીના છે, તેનું શું થશે?

અમુક બાબતો પૂર્વવત્ રહેશે, જેમ કે સોની તેમને યોગ્ય લાગે તો હૉલમાર્ક વગરના જૂના દાગીના ગ્રાહક પાસેથી ખરીદી શકશે.

જો અનુકૂળતા હોય તો જૂના દાગીના ઉપર હૉલમાર્ક મેળવી શકાશે. જૂના સોનાને ગાળીને તેમાંથી નવું સોનું બનાવીને તેનું હૉલમાર્કિંગ કરાવી શકાશે.

કોને લાગુ નહીં પડે?

  • સોનાની લગડી, સિક્કા, પ્લેટ, વરખ, તાર
  • વિદેશમાં નિકાસ કરવા માટેની જણસ, જેના માટે ખરીદનારે ચોક્કસ પ્રકારની સૂચના આપી હોય
  • બે ગ્રામથી ઓછા વજનની જણસ
  • તબીબી, દંત્ય કે પશુચિકિત્સા કે ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક કે ઔદ્યોગિક વપરાશ માટેની ચીજવસ્તુ
  • જે ઝવેરીઓનું વાર્ષિક ટર્નઑવર રૂ. 40 લાખથી ઓછું હોય
  • ઘડિયાલ, ફાઉન્ટેનપેન, વિશેષ પ્રકારના દાગીના જેમ કે, કુંદન, પોલકી અને ઝાડુ
  • આયાત તથા પુનઃઆયાતની વેપારનીતિ મુજબ, વિદેશમાં પ્રદર્શન માટે લઈ જનારા સામાન કે દેશમાં પણ વેપારી-વેપારી વચ્ચેની પ્રદર્શનીઓમાં હૉલમાર્કિંગ જરૂરી નહીં હોય.
  • સોનાના તારની બનેલી કોઈ પણ વસ્તુ

સાડા ચાર લાખ જ્વેલર્સની મુશ્કેલીમાં વધારો?

જોકે આ આદેશને પગલે દેશના સાડાચાર લાખથી પણ વધુ રિટેલર-જ્વેલર્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે, એવું એક વર્ગ માને છે.

તેમણે સરકારને આ નિર્ણયને અમલમાં મૂકવા માટે થોડા સમયની માગણી કરી છે.

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન-મુંબઈના પ્રૅસિડેન્ટ કુમાર જૈન અનુસાર 15 જૂનથી સોના પર હૉલમાર્ક ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે, પણ એને અમલમાં મૂકવો અઘરો છે.

આ મામલે તેમણે કોરોના વાઇરસને પગલે સર્જાયેલી સ્થિતિને જવાબદાર ગણાવી હતી.

ઍસોસિયેશનનું કહેવું છે કે જ્વેલર્સ પાસે મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો છે. તેને ફરીથી હૉલમાર્કવાળુ બનાવવા માટે પુષ્કળ સમયની સાથે જ મોટા પ્રમાણમાં ખર્ચો છે.

એટલું જ નહીં પણ હાલ દેશમાં એટલા મોટા પ્રમાણમાં હૉલમાર્ક સેન્ટર પણ નથી. તેથી આ નિર્ણયને અમલમાં મૂકવો મુશ્કેલ છે.

અત્રે એ પણ નોંધવું કે જાન્યુઆરી-2021થી નવો નિયમ લાગુ કરવાની વાત હતી પણ કોરોના વાઇરસના કારણે સરકારે ફરી તેને 1 જૂન સુધી લંબાવી દીધો હતો. પણ હવે તેને લાગુ કરી દીધો છે.

સરકાર શું કહે છે?

બીજી તરફ સરકારનું કહેવું છે કે દેશમાં છેલ્લાં પાંચ વર્ષોમાં હૉલમાર્કિંગ કરતાં કેન્દ્રોમાં 25 ટકાનો વધારો થયો છે. આમ દેશમાં એક દિવસમાં 14 કરોડ ઘરેણાંમાં હૉલમાર્કિંગ કરવાની ક્ષમતા છે.

પરંતુ જ્વેલર્સ ઍસોસિયેશનનું એવું પણ કહેવું છે કે આમાંનાં મોટાંભાગનાં કેન્દ્રો મૅટ્રો શહેરોમાં અથવા મોટાં શહેરોમાં છે. આથી ગ્રામ્ય વિસ્તારના લોકો અથવા જ્વેલર્સે હૉલમાર્ક માટે શહેરોમાં આવવું પડશે.

કઈ રીતે નક્કી થાય છે કિંમત?

કૅરેટ ગોલ્ડનો અર્થ છે 1/24 ટકા ગોલ્ડ. એટલે જો 24 કૅરેટ સોનાની કિંમત ઉદાહરણ તરીકે 27 હજાર રૂપિયા પ્રતિ ગ્રામ છે તો 22 કૅરેટ સોનાનો ભાવ 2700 * 22/24 એટલે કે 24,750 રૂપિયા થશે. આવી જ રીતે 18 કૅરેટ ગોલ્ડનો ભાવ પણ નીકળી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો