CBSE ધોરણ 12th : કેવી રીતે આપવામાં આવશે માર્ક્સ સીબીએસઈ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં જણાવી ફૉમ્યુલા

કોરોના મહામારીને પગલે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ-12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી અને હવે સુપ્રીમ કોર્ટમાં માર્કની ગણતરી કેવી રીતે થશે તે અંગે જવાબ રજૂ કરવામાં આવ્યો છે.

સીબીએસઈએ સુપ્રીમ કોર્ટમાં રદ કરવામાં આવેલી પરીક્ષા બાબતે મુલ્યાંકન પદ્ધતિ અંગે કહ્યું છે. સીબીએસઈના જવાબ મુજબ ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12માં વિદ્યાર્થીના ગુણને આધારે અંતિમ પરિણામ આપવામાં આવશે. પરિણામ 31 જુલાઈના રોજ આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એ એમ ખાનવેલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની વૅકેશન પીઠે સીબીએસઈની પરીક્ષાઓને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી.

સીબીએસઈએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યાં મુજબ મુલ્યાંકનમાં કુલ ત્રણ ભાગ રહેશે. ધોરણ 10માં બોર્ડની પરીક્ષાના ગુણના આધારે 30 ટકા માર્ક, ધોરણ 11ના 30 ટકા માર્ક અને ધોરણ-12ની યુનિટ ટેસ્ટ/મીડ ટર્મ કે પ્રિ-બોર્ડ પરીક્ષાના ગુણના આધારે 40 ટકા માર્કની ગણતરી થશે.

કોઈને પરિણામથી સંતોષજનક ન લાગે તો?

બીજી બાજુ 12મા ધોરણની યૂનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક મૂકવામાં આવશે. આના આધારે જ 12માના પરિણામમાં વિદ્યાર્થીઓને માર્ક મળશે.

એજી કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અલગ અલગ સ્કૂલોની મૂલ્યાંકનની વ્યવસ્થામાં જે અંતર છે, તેમાં સમાનતા લાવવા માટે એક સમિતિ બનાવવામાં આવી છે. વેણુગોપાલે કહ્યું કે દરેક સ્કૂલે એક પરિણામ સમિતિ બનાવી પડશે જે 12માના મૂલ્યાંકનમાં મદદ કરશે.

વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું જો કોઈ વિદ્યાર્થી આ મૂલ્યાંકન પ્રક્રિયામાં નાપાસ થાય છે તો તેને ઇસેન્શલ રિપીટ અથવા કમ્પાર્ટમેન્ટની શ્રેણીમાં રાખવામાં આવશે. તે સાથે જ જો કોઈ વિદ્યાર્થી પોતાના માર્કથી સંતુષ્ટ ન હોય તો તો તેને સીબીએસઈના 12મા ધોરણની આગામી બોર્ડ પરીક્ષામાં બેસવાની તક મળશે.

સુપ્રીમ કોર્ટે સીબીએસઈ બોર્ડની ફૉર્મ્યુલાનો સ્વીકાર કરી લીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ સંતુષ્ટ નથી થાય તે પરીક્ષામાં સામેલ થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો