You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખાણમાંથી સોનું કાઢવું આટલું મુશ્કેલ કેમ હોય છે?
- લેેખક, ક્રિસ બારાનિક
- પદ, બીબીસી ફ્યૂચર
કોરોના વાઇરસની મહામારી દરમિયાન સોનાના ભાવ આસમાને પહોંચી ગયા. સોનાના ભાવમાં અચાનક અભૂતપૂર્વ ઉછાળો આવ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ગયા વર્ષે સોનાના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે એક ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દાયકામાં આ પહેલો ઘટાડો છે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આપણે સોનું કાઢવાની ટોચમર્યાદા સુધી પહોંચી ગયા છીએ અને હવે સોનાના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાશે, જ્યાં સુધી તેને ખોદી કાઢવાનું કામ સંપૂર્ણપણે બંધ ન થઈ જાય.
રોગચાળાના કારણે સોનાના ભાવમાં જોરદાર વધારો થયો છે. તેથી સોનાનું ખાણકામ કરવાના પ્રોજેક્ટ અંગે નવેસરથી ઉત્સાહનો સંચાર થયો છે. તેના કારણે ઍમેઝોનનાં જંગલોમાં ગેરકાયદે ખાણકામના મામલામાં વધારો થયો છે.
સોનાના ભાવમાં ભલે ઉછાળો આવ્યો હોય, પરંતુ તેની માગમાં કોઈ ઘટાડો નથી થયો. સીએફઆરએ ઇક્વિટી રિસર્ચના નિષ્ણાત મૅટ મિલરનું માનવું છે કે સોનાની અત્યારે જેટલી માગ છે તેટલી અગાઉ ક્યારેય જોવા મળી નહોતી.
સીએફઆરએ મુજબ વિશ્વમાંથી મળી આવતા કુલ સોનાનો લગભગ અડધો હિસ્સો ઝવેરાત બનાવવા માટે વપરાય છે.
તેમાં એ હિસ્સો સામેલ નથી જે હજુ જમીનમાં ધરબાયેલો છે. બાકી રહેલા અડધા સોનામાંથી એક ચતુર્થાંશ સોનું દુનિયાભરની કેન્દ્રિય બૅન્કોના નિયંત્રણ હેઠળ છે. જ્યારે બાકીનું સોનું રોકાણકારો અથવા ખાનગી કંપનીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.
સોનું - વિશ્વસનીય સંપત્તિ
મિલરનું કહેવું છે કે કોવિડ-19ના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા હચમચી ગઈ છે. અમેરિકન ડૉલરથી લઈને રૂપિયા સુધીનાં ચલણ નબળાં પડ્યાં છે.
લગભગ તમામ દેશોની સરકારી તિજોરીનો મોટો હિસ્સો રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે ખર્ચ થઈ રહ્યો છે. ચલણના છાપકામ માટે જંગી રકમ ઉધાર લેવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારોનું કહેવું છે કે આ કારણથી જ કરન્સીનું મૂલ્ય વધારે અસ્થિર થઈ ગયું છે. બીજી તરફ રોકાણકારો સોનાને ભરોસાપાત્ર સંપત્તિ ગણે છે.
કોરોના રોગચાળાએ ખાણમાંથી સોનાને બહાર કાઢવાના કામને પણ અસર કરી છે. નજીકના ભવિષ્યમાં તેનો પુરવઠો વધવાની શક્યતા પણ નથી.
મિલરનું કહેવું છે કે સોનાની માગ હજુ આવી જ રીતે વધતી રહેશે અને બજારમાં અત્યારે જે સોનું આવે છે તેમાંથી મોટા ભાગનું રિસાઇકલ થયેલું છે.
મિલર તો ત્યાં સુધી કહે છે કે આગામી સમયમાં રિસાઇકલ કરવામાં આવેલાં જૂનાં ઘરેણાં, સોનાના સિક્કા અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોના સર્કિટ બૉર્ડમાં ઉપયોગ થતાં થોડાં-ઘણાં સોનાંનો પણ આ ધાતુના મહત્ત્વપૂર્ણ સ્રોત તરીકે ઉપયોગ થવા લાગશે.
સીએફઆરએ મુજબ છેલ્લાં 20 વર્ષોમાં સોનાનો જેટલો પુરવઠો મળ્યો છે તેનો 30 ટકા હિસ્સો રિસાઇક્લિંગમાંથી જ આવ્યો છે.
ખાણકામનો વિરોધ
સોનાના રિસાઇક્લિંગમાં કેટલાંક ઝેરી રસાયણોનો ઉપયોગ થાય છે જે પર્યાવરણ માટે અત્યંત જોખમી છે. છતાં તે ખાણકામ દ્વારા સોનું બહાર કાઢવા કરતાં ઓછું જોખમી છે.
જર્મનીની ગોલ્ડ રિફાઇનરીનું તાજેતરનું સંશોધન દર્શાવે છે કે એક કિલો સોનું રિસાઇકલ કરવામાં 53 કિલોગ્રામ અથવા તેની આસપાસ કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે.
જોકે, ખાણમાંથી આટલું જ સોનું બહાર કાઢવામાં આવે તો લગભગ 16 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે.
સોનાના ખનનથી પર્યાવરણ પર નકારાત્મક અસર પડે છે. તેથી વિશ્વભરમાં જ્યાં પણ સોનાની ખાણો છે, ત્યાંના સ્થાનિક લોકો તેના ઉત્ખનનનો વિરોધ કરે છે.
આ વિરોધના કારણે સોનાના ઉત્પાદનમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે ચીલીમાં પાસ્કુલા-લામા ખાણમાં ઉત્ખનન એટલા માટે અટકાવી દેવું પડ્યું કારણ કે ત્યાંના સ્થાનિક પર્યાવરણ કાર્યકરો તેનો વિરોધ કરતા હતા.
તેવી જ રીતે ઉત્તર આયર્લૅન્ડના ટાઇરોનમાં પણ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ વિસ્તારમાં સોનાની ખાણો આવેલી છે. ઘણી કંપનીઓ અહીં પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે. પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓ તેનો સતત વિરોધ કરી રહ્યા છે.
તેમની દલીલ છે કે સોનાના ઉત્ખનનથી જે નુકસાન થશે તેની ભરપાઈ સ્થાનિક લોકોએ કરવી પડશે.
જોકે, આ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લાં ત્રીસ વર્ષથી રોજગારીની અછતનો સામનો કરી રહ્યા છે. કંપનીએ તેમને રોજગારી અને બીજી સુવિધાઓ આપવાનું વચન આપ્યું છે. આમ છતાં લોકો રાજી નથી.
ખાણ હોય તેવી જગ્યાઓ પર જિંદગી બદલાઈ
પરંતુ એક સત્ય એ પણ છે કે જ્યાં સોનાની ખાણો શરૂ કરવામાં આવી હતી ત્યાં લોકોનું જીવન સાવ બદલાઈ ગયું છે.
અમેરિકાના નૅવાડા વિસ્તારની ગોલ્ડ માઇન દુનિયામાં સૌથી મોટી સોનાની ખાણ છે. અહીં દર વર્ષે લગભગ 100 ટનથી વધારે સોનું કાઢવામાં આવે છે.
આ વિસ્તારની આસપાસના લોકોને આ ખાણોના કારણે નોકરી મળે છે એટલું જ નહીં, તેમનું જીવનધોરણ પણ સુધર્યું છે.
સોનાની ખાણમાંથી માત્ર સોનું જ નથી નીકળતું. તેની સાથે બીજી કિંમતી ધાતુઓ, જેમ કે તાંબું અને સીસું પણ નીકળે છે.
ઉત્તર આયર્લેન્ડના ક્યૂરેઘિનાલ્ટ ખાણમાંથી સોનું કાઢવામાં સ્વયં આયર્લૅન્ડની રાજકીય સ્થિતિ ઘણા અંશે અવરોધ બની છે.
દેશમાં ફેલાયેલા આતંક અને હિંસાના કારણે અહીં કામ કરવું ઘણું મુશ્કેલ હતું. ક્યૂરેઘિનાલ્ટ એ બ્રિટનમાં શરૂ થયેલી અત્યાર સુધીની સૌથી મોટી સોનાની ખાણ છે.
ખાણની આસપાસ લગભગ 20 હજાર લોકો રહે છે. આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.
આસપાસમાં ગાઢ જંગલો અને ખેતરો છે. અહીં કામ કરતી કંપની લોકોને દરેક રીતે મનાવવા માટે પ્રયત્ન કરી રહી છે.
કંપનીએ એક ખુલ્લા ખાડા પ્રકારના પ્રોજેક્ટના બદલે એક ભૂમિગત ખાણના નિર્માણ અને વિદેશમાં ઉપયોગ થતી ટેકનિકની મદદથી સળિયા બનાવવાની યોજના પણ ઘડી છે.
કંપનીએ લોકોને એટલે સુધી જણાવ્યું કે પાણીનો 30 ટકા ઓછો વપરાશ કરવામાં આવશે.
કાર્બન ઉત્સર્જનને પણ 25 ટકા સુધી નિયંત્રિત કરીને તેને યુરોપની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ માઇન બનાવવામાં આવશે.
પરંતુ લોકો કોઈ પણ વાત સ્વીકારવા તૈયાર નથી. આખરે થાકીને કંપનીએ 2019માં પ્રોજેક્ટ જ બંધ કરી દેવો પડ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો