Shenzhou-12 : ચીન અવકાશમાં તૈયાર કરશે 'ઘર', ત્રણ અવકાશયાત્રીઓ અંતરિક્ષ જવા રવાના

ચીને તેના નવા સ્પેસ સ્ટેશન શેન્ઝોઉ-12 મિશન માટે ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલ્યા છે.

નેઈ હેઇશેંગ, લિયુ બોમિંગ અને ટેન્ગ હોંગબો પૃથ્વીથી 380 કિલોમિટર ઉપર અવકાશમાં તિએન્હે કૅપ્સ્યૂલમાં 3 મહિના રહેશે.

ચીનના અંતરીક્ષ ઇતિહાસનું આ સૌથી લાંબુ મિશન છે અને છેલ્લા પાંચ વર્ષોમાં હાથ ધરાયેલું પ્રથમ મિશન છે.

ગુરુવારે શેન્ઝોઉ-12 કેપ્સ્યૂલે લૉંગ માર્ચ 2એફ રૉકેટ દ્વારા સફળ લૉન્ચ કર્યું હતું. તેને બીજિંગ સમય અનુસાર 9:22 કલાકે ગોબીના રણમાં આવેલા જિક્વાન સેટેલાઇટ સેન્ટરથી લૉન્ચ કરાયું હતું.

અવકાશ ક્ષેત્રમાં ચીનના પ્રભુત્ત્વ અને ક્ષમતાને દર્શાવતું આ એક મિશન છે.

ગત છ મહિનામાં ચીનના એક અન્ય મિશને ચંદ્ર પરથી માટી અને ખડકના નમૂના પૃથ્વી પર મોકલ્યા છે. તથા મંગળ પર 6 વ્હિલવાળો રૉબોટ પણ ઊતાર્યો છે અને ઘણા પડકારજનક કામ કર્યાં છે.

ચીનના અવકાશયાત્રીઓ સ્પેસમાં શું કરશે?

કમાન્ડર નેઈ હેઇશેંગ અને તેમની ટીમનો મુખ્ય હેતુ 22.5 ટનના તિએન્હે કૅપ્સ્યૂલ મૉડ્યૂલને કાર્યરત કરવાનો છે.

લૉન્ચ પહેલા નેઈ હેઇશેંગે કહ્યું, "મને ખૂબ જ અપેક્ષાઓ છે."

"અમારે સ્પેસમાં નવું ઘર તૈયાર કરવાનું છે અને ઘણી નવી તકનીકોના પ્રયોગ કરવાના છે. આથી મિશન મુશ્કેલ છે. પણ અમે ત્રણેય ખૂબ જ ચોક્કસાઈથી કામ કરીશું તો પડકારોને પહોંચી વળીશું. અમે મિશન પૂરું કરીશું એવો વિશ્વાસ છે."

અત્રે નોંધવું કે 16.6 મિટર લાંબુ અને 4.2 મિટર પહોળું તિએન્હે સિલિન્ડર એપ્રિલમાં લૉન્ચ કરાયું હતું.

અંતરીક્ષમાં સ્પેસ સ્ટેશન મામલે આ મુખ્ય ભાગ છે. પછી તેમાં રહેવાની કેપ્સ્યૂલ અને લૅબોરેટરી સહિતના ભાગ છે.

આગામી સમયમાં એક એક કરીને તમામ ભાગોને મોકલવામાં આવશે અને એ રીતે અંતરીક્ષમાં સ્ટેશન તૈયાર કરાશે.

મિશનમાં સામેલ અવકાશયાત્રીઓ કોણ છે?

ચીનની સરકારે લૉન્ચ સુધી આ ત્રણેય અવકાશયાત્રીની ઓળખ છતી નહોતી કરી.

નેઈ હેઇશેંગ 56 વર્ષના છે અને અંતરીક્ષવિજ્ઞાનમાં ચીનના સૌથી અનુભવી અવકાશયાત્રી છે.

તેઓ 2013માં 15 દિવસ માટે અંતરીક્ષમાં સ્પેસમાં ગયા હતા અને એક અન્ય મિશન માટે પણ અંતરીક્ષમાં જઈ આવ્યા છે.

વળી 54 વર્ષીય લિયુ બોમિંગ અને 45 વર્ષીય ટેંગ હોંગબો હવાઈદળમાં હતા. લિયુ વર્ષ 2007માં શેન્ઝોઉ-7માં અંતરીક્ષમાં ગયા હતા. ચીનના પહેલા સ્પેસવૉકના તેઓ સાક્ષી બન્યા હતા.

જોકે ટેંગ હોંગબોનું આ પ્રથમ અંતરીક્ષ મિશન છે. તેઓ આ પૂર્વે ક્યારેય અંતરીક્ષમાં નથી ગયા.

ચીન અંતરીક્ષમાં શું કરવા માગે છે?

તાજેતરના વર્ષોમાં ચીનની અંતરીક્ષ ક્ષેત્રની મહત્ત્વકાંક્ષાઓ વધુ તીવ્રતાથી સપાટી પર આવી છે.

અંતરીક્ષ મામલે તેણે જબરદસ્ત ફંડિગ કર્યું છે. વર્ષ 2019માં તેણે ચંદ્રની બીજી તરફની સપાટી પર એક રોવર મોકલ્યું હતું. આવું કરનારું તે પ્રથમ રાષ્ટ્ર હતું.

જોકે તેણે પોતાનું સ્પેસ સ્ટેશન એકલા જ બનાવવું પડી રહ્યું છે કેમ કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટમાં તેને સામેલ નથી કરાયું.

અત્રે નોંધવું કે અંતરીક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્ટેશનનો પ્રોજેક્ટ અમેરિકાના નેતૃ્ત્ત્વમાં થઈ રહ્યો છે. જેમાં રશિયા, યુરોપ, કૅનેડા અને જાપાન પણ સામેલ છે. જોકે તે એશિયાના દેશ સાથે સહકાર નહીં કરે. આમ ચીન પણ તેમાં સામેલ નથી કરાયું.

બીજી તરફ ચીને કહ્યું છે કે તે તેનું સ્પેસ સ્ટેશન વિદેશી રાષ્ટ્રો માટે પણ ખુલ્લું રાખશે. જેથી તેઓ પણ રિસર્ચ કરાવી શકે. જેમ કે નોર્વે કેન્સર મામલેના પ્રયોગો આ જ સ્પેસ સ્ટેશનના ઉપયોગથી કરશે.

વળી સ્પેસ સ્ટેશનમાં બહારની બાજુએ ભારત દ્વારા તૈયાર થયેલ ટેલિસ્કોપ હશે તે અવકાશમાં તારાઓના વિસ્ફોટમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ ઉત્સર્જનનો અભ્યાસ કરશે.

તેમાં ચીન સિવાયના અવકાશયાત્રીઓ પણ મુલાકાત લે એવી પણ શક્યતા છે. રશિયાએ પણ આ મામલે રસ દાખવ્યો છે.

ચીનની સ્પેસક્રાફ્ટ એજન્સીએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે ભવિષ્યમાં એવું જોવા મળી શકે છે કે ચીન અને અન્ય દેશના અવકાશયાત્રીઓ એક સાથે અંતરીક્ષમાં જાય અને સાથે કામ પણ કરે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ અંતરીક્ષ મિશનને ઘણું મહત્ત્વ આપે છે. તેને ચીનના રાષ્ટ્રવાદની પુનઃજાગૃતિ તરીકે જોવાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો