ચીન અને રશિયા ચંદ્ર પર બનાવશે સંયુક્ત સ્પેશ સ્ટેશન, અંતરિક્ષના ક્ષેત્રમાં કરી મોટી ડીલ

રશિયાની સ્પેસ એજન્સી રૉસકૉસમોઝે કહ્યું છે કે તેણે ચંદ્રની સપાટી પર, કક્ષામાં અથવા બંને પર સંશોધનની સુવિધાઓને વિકસાવવા માટે ચીનના રાષ્ટ્રીય અંતરિક્ષ પ્રશાસનની સાથે એક કરાર પર સહી કરી છે. જેના અંતર્ગત સ્પેસ સ્ટેશન તૈયાર કરાશે.

બંને દેશોની અંતરિક્ષ એજન્સીઓના નિવેદન પ્રમાણે આ સ્ટેશન બંને દેશોના ઉપયોગ માટે ઉપલબ્ધ રહેશે.

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે રશિયા પોતાના માનવનિર્મિત અંતરીક્ષ ઉડાનના 60મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

બંને એજન્સીઓએ એક નિવેદનમાં કહ્યું છે કે ઇન્ટરનેશનલ સાયન્ટિફીક લૂનર સ્ટેશન ચંદ્ર પર અનેક પ્રકારની શોધ અને આના ઉપયોગ સાથે જોડાયેલા અનેક વૈજ્ઞાનિક સંશોધન કરશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "ચીન અને રશિયા અંતરિક્ષ વિજ્ઞાન, સંશોધન અને વિકાસ, અંતરિક્ષ ઉપકરણ અને અંતરિક્ષ પ્રોદ્યોગિકીની મદદથી એકઠા કરાયેલા અનુભવોનો ઉપયોગ સંયુક્ત રીતે લૂનર સ્ટેશનનો રોડમેપ બનાવવા માટે કરીશું."

મહત્વપૂર્ણ કરાર

આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રશિયા અને ચીન બંને સંશોધન સ્ટેશનની યોજના, ડિઝાઈન, વિકાસ અને સંચાલનમાં એક બીજાની મદદ કરશે.

ચીનના અંતરિક્ષ કાર્યક્રમ માટે એક નિષ્ણાંત ચેન લેને સમાચાર એજન્સી એએફપીને કહ્યું કે આ પરિયોજના એક મોટી ડીલ છે.

તેમણે કહ્યું, "આ મહત્ત્વની છે કારણ કે આ ચીન માટે સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સહયોગ પરિયોજના હશે."

અંતરિક્ષની દુનિયામાં ચીનને અપેક્ષા કરતા ધીમે આગળ વધનારો દેશ માનવામાં આવે છે. પરંતુ ગત ડિસેમ્બરમાં આનો ચાંગ એ-5 સફળતાપૂર્વક ચંદ્રથી પત્થર અને માટી લાવી શક્યું. આ ચીનની અંતરિક્ષમાં વધતી ક્ષમતાઓ તરીકે જોવામાં આવે છે.

અંતરિક્ષની મામલેની શોધની કામગીરીઓમાં અને સંશોધનોમાં રશિયાને અગ્રણી માનવામાં આવતું હતું પણ હાલના વર્ષોમાં ચીન અને અમેરિકાએ તેને પોતાની પાછળ છોડી દીધું છે. ગત વર્ષે સ્પેસઍક્સના અંતરિક્ષ યાત્રીઓને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલ્યા પછી રશિયાએ એક એકાધિકાર પણ ગુમાવી દીધો છે.

અમેરિકાએ વર્ષ 2024 સુધીમાં ચંદ્ર પર ફરીથી મનુષ્યને મોકલવાની જાહેરાત કરી છે. આ યોજનાનું નામ છે - આર્ટેમિસ, જેમાં 1972માં ચંદ્ર પર પહેલાં માણસને ઉતર્યા પછી ફરીથી એક પુરુષ અને મહિલા ચંદ્રની સપાટી પર ઉતરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો