You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Exclusive - મ્યાનમાર તખતાપલટો : ભારત ભાગી આવેલા પોલીસકર્મીઓએ કહ્યું, 'પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવા કહેવાયું હતું'
- લેેખક, રજની વૈદ્યનાથન
- પદ, બીબીસી ન્યૂઝ, મિઝોરમ
મ્યાનમારના પોલીસ અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે મિલિટરીનો હુકમ માનવાથી ઇન્કાર કર્યા પછી તેઓ સરહદ પાર કરીને ભારત આવી ગયા. ભારત ભાગીને આવેલા લોકોની સંખ્યા એક ડઝનથી પણ વધુ છે.
આ લોકોએ બીબીસીને જણાવ્યું કે તેઓ ડરી ગયા હતા. તેઓ એ વાતથી ડરી ગયા હતા કે તેમને સામાન્ય લોકોના જીવ લેવા અથવા તેમને નુકસાન પહોંચાડવા માટે મજબૂર કરવામાં આવી શકાયા હોત.
27 વર્ષના નાઇંગ (જેમનું નામ અમે સુરક્ષાના કારણસર બદલ્યું છે) પાછલાં નવ વર્ષથી મ્યાનમારની પોલીસમાં છે.
પરંતુ તેઓ હવે ભારતના મિઝોરમ રાજ્યમાં છુપાઈને રહે છે. હું આ લોકોને મળી. તેઓ પોલીસ અને મહિલાઓનું એક જૂથ હતું, જેમની વય 20થી 30 વર્ષ વચ્ચેની હતી.
એક અધિકારીએ જણાવ્યું, "હું ડરેલો હતો કે મને મિલિટરી સામે પ્રદર્શન કરી રહેલા નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડવા અથવા તો તેમનો જીવ લેવા માટે મજબૂર કરવામાં આવશે. અમને લાગે છે કે એક ચૂંટાયેલી સરકારનો તખતો પલટીને સેનાએ ભૂલ કરી છે."
મ્યાનમારની સેના એક પહેલી ફેબ્રુઆરીથી જ્યારથી સત્તા પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે, સંખ્યાબંધ લોકતંત્ર સમર્થકો માર્ગો પર ઊતરી આવ્યા છે.
લોકતંત્ર સમર્થક કાર્યકર્તા
મ્યાનમારમાં સુરક્ષાદળો પર એવો આરોપ લાગી રહ્યો છે કે તેમણે 50થી વધુ લોકતંત્ર સમર્થક કાર્યકર્તાઓની હત્યા કરી છે.
નાઇંગ પોલીસમાં એક નાના પદના અધિકારી છે. તેમની પોસ્ટિંગ મ્યાનમારના પૂર્વીય વિસ્તારના એક શહેરમાં થઈ હતી. નાઇંગે જણાવ્યું કે તેમના વિસ્તારમાં ફેબ્રુઆરીના આખરમાં વિરોધપ્રદર્શન ભડકી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું છે કે તેમને બે વખત પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવા માટે કહેવાયું હતું. તેમણે આનાથી ઇન્કાર કરી દીધો ત્યારબાદ તેઓ ભારત આવી ગયા.
"મેં મારા બૉસને કહ્યું કે હું આ નથી કરી શકતો અને હું લોકોને સાથ આપવા જઈ રહ્યો છે. સેનામાં એક પ્રકારની બેચેની છે. તેઓ સતત બર્બર થઈ રહ્યા છે."
જ્યારે અમે વાત કરી રહ્યા હતા તો નાઇંગે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પરિવારની તસવીર જોવા લાગ્યા. પત્ની અને બે દીકરીઓ. જે માત્ર પાંચ-છ વર્ષની જ છે.
તેમણે જણાવ્યું,"મને ડર છે કે કદાચ તેમને મળવું ક્યારેય શક્ય બનશે કે કેમ."
મ્યાનમારમાં તખતાપલટ
હું નાઇંગ અને તેમના જૂથના લોકોને એક અજ્ઞાત ઠેકાણે મળી હતી. ત્યાં તેઓ મિઝોરમના પહાડોની ટોચ અને ખીણ બંને જોઈ શકાતી હતી. જે જગ્યાએથી અમે વાત કરી રહ્યા હતા, ત્યાંથી નાઇંગનો દેશ માત્ર દસ માઇલ દૂર પહાડી પર હતો.
પોલીસના જે અધિકારીઓ સાથે અમારી વાત થઈ તેઓ તખતાપલટ પછી મ્યાનમાર છોડવા માગતા શરૂઆતી લોકોમાંથી હતા. તેઓ એ વાતના સાક્ષી હતા કે તેમના દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે તેમણે અમને જણાવ્યું.
તેમનું કહેવું હતું કે તેઓ મ્યાનમાર પ્રશાસનના એ અધિકારીઓમાંથી છે જેઓ દેશના લોકતંત્રના સમર્થક અને નાગરિક અવજ્ઞા આંદોલનમાં સામલે થઈ રહ્યા છે. આવા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જોકે મ્યાનમાર છોડીને ભારત આવેલા આ પોલીસકર્મીઓના દાવાની સ્વતંત્ર સૂત્રો પાસેથી બીબીસી પુષ્ટિ નહોતું કરી શકતું.
મ્યાનમારમાં તખતાપલટનો વિરોધ કરી રહેલા સામાન્ય લોકો સામે થઈ રહેલી કાર્યવાહીની સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને અન્ય દેશો દ્વારા ટીકા કરવામાં આવી છે અને મિલિટરીને ધૈર્ય જાળવવા પણ કહેવાયું છે.
મ્યાનમારની સેના આ આરોપોનો ઇન્કાર કરી રહી છે. સ્થાનિક અધિકારીઓ અનુસાર તખતાપલટ પછી 100થી પણ વધુ લોકો મ્યાનમાર છોડીને મિઝોરમ આવી ચૂક્યા છે.
ભારત અને મ્યાનમારની સરહદ
હતુત (આ તેમનું અસલી નામ નથી) એ રાતની વાત યાદ કરે છે જ્યારે મ્યાનમારની સેનાએ ચૂંટાયેલી સરકારનો તખતાપલટ કરી દીધો હતો. દેશમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. તેમના પોલીસ સ્ટેશન પાસે એક સેનાની ચોકી બનાવી દેવાઈ હતી.
તેઓ જણાવે છે, "કેટલાક કલાકો પછી અમને માલૂમ પડ્યું કે સેનાએ તખતાપલટ કરી દીધો છે."
22 વર્ષના હતુતે જણાવ્યું કે તેઓ અને અન્ય પોલીસવાળા મિલિટરી સાથે મળીને રસ્તાઓ પર ચોકી કરી રહ્યા હતા.
લોકતંત્ર સમર્થક આંદોલનના સમર્થનમાં વાસણો વગાડીને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓને ધરપકડની ધમકી આપીને ડરાવાવમાં આવ્યા હતા.
હતુત મ્યાનમારના એક મોટા શહેરમાંથી આવે છે. તેમણે જણાવ્યું કે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ અપાયો પણ તેમણે તેને માનવાનો ઇન્કાર કરી દીધો.
તેઓ જણાવે છે, "મિલિટરીનો જે અધિકારી ત્યાં કમાન સંભાળી રહ્યો હતો તેણે અમને પાંચથી વધુ વ્યક્તઓ ધરાવતા સમૂહ પર ગોળી ચલાવવા આદેશ આપ્યો હતો."
"હું જાણતો હતો કે લોકોને મારવામાં આવી રહ્યા હતા. મારી રાત્રીની ઊંઘ ઊડી ગઈ હતી. જ્યારે મેં જોયું કે નિર્દોષ લોકો ખૂનથી લથપથ છે. મારા અંતરાત્માએ મને આ ગુનામાં સામેલ થવાની પરવાનગી ન આપી."
'સિસ્ટમ બદલાઈ ગઈ છે'
હતુતે જણાવ્યું કે પોતાના પોલીસ સ્ટેશનથી ભાગનારી તેઓ એકમાત્ર વ્યક્તિ હતી. પછી આગળની યાત્રા તેમણે બાઇક પર પૂરી કરી હતી.
તેમણે કહ્યું કે ભારતની સરહદ સુધી પહોંચવા માટે તેમણે ગામડાંઓનો માર્ગ અપનાવ્યો. તેઓ ઘણા ડરેલા હતા.
જે લોકો સાથે અમારી વાત થઈ તેઓ તિઆઉ નદી પાર કરીને ભારત આવ્યા હતા. 250 માઇલ લાંબી આ નદી ભારત અને મ્યાનમારની સરહદનો કેટલાક હિસ્સો નક્કી કરે છે.
જે લોકો સાથે અમારી વાત થઈ, તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં હજુ વધુ પોલીસકર્મીઓ દેશ છોડીને ભારત આવશે.
હતુત અને નાઇંગના સમૂહમાં બે મહિલા પોલીસકર્મી પણ છે. તેમાંથી એક ગ્રેસ (નામ બદલ્યું છે) હતા. તેમણે જણાવ્યું કે મિલિટરી પ્રદર્શનકારીઓ પર લાઠી-ડંડા સિવાય રબર બુલેટનો પણ પ્રયોગ કરી રહી છે.
તેઓ કહે છે, "એક વખતે તો મિલિટરીના એક જૂથે ટિયર ગૅસનો પણ પ્રયોગ કર્યો જેમાં બાળકો પણ હતાં. તેઓ ઇચ્છતા હતા કે અમે ભીડને વિખેરી, અમારા મિત્રોની ધરપકડ કરીએ. પણ અમે આવું નહોતા કરી શકતા. અમને પોલીસના કામથી લગાવ છે. પણ હવે, અમે અમારું કામ નથી કરી શકતા."
24 વર્ષના ગ્રેસનું કહેવું છે કે મ્યાનમારમાં તેમનાં માતા છે જેમને હૃદયની બીમારી છે.
તેઓ જણાવે છે, "મારાં માતાપિતા વૃદ્ધ થઈ ગયાં છે. તેઓ ઘણા ડરેલા પણ છે. પણ તેમને એકલા છોડવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો."
મ્યાનમારની સરકારે ભારત સાથે મિત્રતાના સંબંધો જાળવી રાખવા માટે પોતાના પોલીસકર્મીઓ પરત કરવા કહ્યું છે.
મિઝોરમના મુખ્ય મંત્રી જોરમથંગાએ કહ્યું કે તેમની સરકાર મ્યાનમારથી આવેલા લોકોને અસ્થાયી રીતે શરણ આપશે અને આ મામલે કેન્દ્ર સરકાર જ નિર્ણય કરશે.
સ્થાનિકોએ કહ્યું કે આગામી દિવસોમાં હજુ પણ કેટલાંક લોકો મ્યાનમાર છોડીને આવવાના છે. એવું નથી કે મ્યાનમારથી માત્ર પોલીસકર્મીઓ જ ભાગીને આવી રહ્યા છે.
અમારી મુલાકાત એક દુકાનદાર સાથે થઈ જેમની સામે મ્યાનમારમાં લોકતંત્ર સમર્થક આંદોલનમાં સામેલ થવા બદલ વૉરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો