You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે ગુજરાતી ચિત્રકારને શોધવા મેક્સિકોએ ઍમ્બૅસીને કામે લગાડી?
મેક્સિકોની સરકાર આઠ ભારતીય બાળકોની શોધી રહી છે. આ આઠ પૈકી એક નામ ગુજરાતી વ્યક્તિનું છે.
ગુજરાતના જે ચિત્રકાર બાળકને મેક્સિકોની સરકાર શોધતી હતી, એ ચિત્રકાર વ્યક્તિના પરિવારને ગુજરાતના એક પત્રકાર અને ફોટોગ્રાફરે મળીને શોધી કાઢ્યું છે.
આ ગુજરાતી ચિત્રકાર કોઈ જાણીતા ચિત્રકાર નથી અને એમ છતાં મેક્સિકોની સરકાર તેમને શોધી રહી છે.
કોણ છે આ ચિત્રકાર બાળક અને મેક્સિકોની સરકાર તેમને કેમ શોધી રહી છે?
'દોસ્તીની દુનિયા 50 વર્ષ બાદ'
આ ગુજરાતી ચિત્રકારે બાળપણમાં દોરેલાં ચિત્ર માટે મેક્સિકોની સરકાર શોધી રહી છે.
વર્ષ 1968માં મેક્સિકોમાં સમય ઑલિમ્પિકનું આયોજન થયું હતું. જેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. એ વખતે વિશ્વભરની સ્કૂલોના 1800 જેટલાં બાળકોએ ચિત્રો મોકલ્યાં હતાં.
આ ચિત્રોમાં ગુજરાતના વડોદરા શહેરના જિતેન્દ્ર પરીખ ઉપરાંત ભારતના આઠ બાળકોના ચિત્ર પણ હતાં. આ ચિત્રોનું 'અ વર્લ્ડ ઑફ ફ્રેન્ડશિપ' શિર્ષક હેઠળ મેક્સિકોના પ્રસિદ્ધ સ્થળોએ પ્રદર્શન યોજાયું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
હવે આ પ્રદર્શનનાં 50 વર્ષ બાદ એટલે કે 2018માં મેક્સિકો સરકાર ફરીથી આ પ્રદર્શન યોજવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેક્સિકો સરકારે આ પ્રોજેક્ટને 'દોસ્તીની દુનિયા પચાસ વર્ષ બાદ' નામ આપ્યું છે અને આ ચિત્રકારોને શોધવાની જવાબદારી વિશ્વભરમાં આવેલી મેક્સિકો ઍમ્બૅસીની સોંપવામાં આવી છે.
કેવી રીતે મળ્યા આ ચિત્રકાર
આ ગુજરાતી ચિત્રકારને અમદાવાદમાં કામ કરતા ચિત્રલેખાના સિનિયર પત્રકાર કેતન ત્રિવેદી અને વડોદરાના ફોટોગ્રાફર કમલેશ ત્રિવેદીએ મળીને શોધી કાઢ્યા.
આ ચિત્રકારના નામ અને શાળાના નામ આધારે શોધખોળ કરવી મુશ્કેલ હતી.
આ અંગે કેતન ત્રિવેદીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેક્સિકોની ઍમ્બૅસીએ ચિત્રકાર જિતેન્દ્ર પરીખને શોધવા માટે મારો સંપર્ક કર્યો હતો.
તેઓ કહે છે, "જિતેન્દ્ર પરીખ 50 વર્ષ પહેલાં વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં ભણતા હતા અને એટલે ઍમ્બૅસીએ ઇન્ટરનેટ પર સયાજી હાઈસ્કૂલની વેબસાઇટ શોધવાનો પ્રયત્ન કર્યો. પણ શક્ય ન બન્યું"
"ઍમ્બૅસૅડર મેલ્બા પ્રિયાએ મને શોધવામાં મદદ કરવા કહ્યું એટલે મેં વડોદરાના ફોટોગ્રાફર કમલેશ ત્રિવેદીનો સંપર્ક કર્યો. કમલેશભાઈએ સયાજી હાઈસ્કૂલના આચાર્ય નાથુભાઈ ચૌધરીનો સંપર્ક કર્યો પણ 1968માં ત્યાં ભણતા વિદ્યાર્થી વિશે તેમને કોઈ ખ્યાલ નહોતો."
"જૂના વિદ્યાર્થીઓનાં સંપર્ક કરવાનું ચાલું રાખ્યું અને એક અઠવાડિયા બાદ કમલેશભાઈએ જિતેન્દ્ર પરીખનું ઘર શોધી કાઢ્યું."
મેક્સિકોના આ ચિત્રથી પરિવાર અજાણ
ઘર શોધ્યા બાદ તેમના પરિવારની મુલાકાત લેતા ખબર પડી કે જે જિતેન્દ્ર પરીખને મેક્સિકોની સરકાર શોધે છે, તેમનું 1998માં જ અવસાન થઈ ગયું હતું.
જિતેન્દ્રભાઈના ઘરે આશરે 85 વર્ષના તેમના પિતા નવનીતલાલ પરીખ, જિતેન્દ્રભાઈનાં પત્ની દક્ષાબહેન અને તેમનાં પિતરાઈ બહેન હતાં.
મેક્સિકોમાં પ્રદર્શિત થયેલાં જિતેન્દ્રભાઈનાં ચિત્ર વિશે તેમનાં પરિવારને ખ્યાલ જ ન હતો.
કેતનભાઈનાં કહેવા પ્રમાણે તેઓ મળવા ગયા ત્યારે જિતેન્દ્રભાઈના પિતા ભાવુક થઈને રડી પડ્યા હતા. તેમના પરિવારજનોને એનો ખ્યાલ પણ નહોતો કે જિતેન્દ્રભાઈ બાળપણમાં એક સારા ચિત્રકાર પણ હતા.
પરિવારે આપેલી માહિતી પ્રમાણે જિતેન્દ્રભાઈ ક્લાર્ક તરીકે કામ કરતા હતા.
જિતેન્દ્ર પરીખનું ચિત્ર 'માર્કેટ'
વડોદરાના જિતેન્દ્રભાઈ આઠ પૈકી એકમાત્ર ચિત્રકાર છે કે જેમના વિશે ઍમ્બૅસીને માહિતી મળી શકી છે.
જિતેન્દ્ર પરીખનું ચિત્ર 'માર્કેટ' મેક્સિકોના પ્રદર્શનમાં 50 વર્ષ પહેલાં સામેલ કરાયું હતું. આ ચિત્રની પસંદગી થઈ એ વખતે જિતેન્દ્ર પરીખની ઉંમર માંડ 15 વર્ષ હતી.
હવે 50 વર્ષ બાદ આ ચિત્રનું અન્ય ચિત્રો સાથે મેક્સિકોમાં ડૉક્યુમૅન્ટેશન કરાશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો