You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદનાં દાદી-પૌત્રીના મિલનનો એ ફોટો કેવી રીતે મળ્યો?
- લેેખક, કલ્પિત ભચેચ
- પદ, બીબીસી ગુજરાતી માટે
BBC ગુજરાતીએ 19 મી ઑગસ્ટે ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના વિવિધ અખબારોમાં કામ કરતા ફોટો જર્નાલિસ્ટ્સ પાસેથી તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ફોટો સ્ટોરી અમારી સાથે વહેંચવા જણાવ્યું હતું.
ગુજરાતના જુદા જુદા ભાગોમાં કામ કરતા પ્રેસ ફોટોગ્રાફર્સે તેમની શ્રેષ્ઠ સ્ટોરી બીબીસી સાથે શૅર કરી હતી. જેમાંથી એક તસવીર હતી વૃદ્ધાશ્રમમાં રહેતા દાદી અને તેમની પૌત્રીના આકસ્મિક મિલનની.
19 ઑગસ્ટ, 2018 પછી આ તસવીર રાષ્ટ્રીય કક્ષાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.
ક્રિકેટર હરભજન સિંઘ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક લોકોએ આ ફોટોગ્રાફને રિ-ટ્વીટ પણ કર્યો છે.
આ તસવીર હાલમાં બીબીસી સાથે કામ કરતા અમદાવાદના સિનિયર ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચે ખેંચી હતી. આ તસવીર કેવી રીતે ખેંચવામાં આવી હતી તે વિશે વાંચો તેમના જ શબ્દોમાં...
પત્રકારત્વના વ્યવસાયમાં કેવા વિપરીત સંજોગો અચાનક સર્જાય છે. એ દિવસ હતો 12મી સપ્ટેમ્બર 2007. મારા જન્મદિનની પૂર્વસંધ્યા.
હું સવારે 9 વાગે ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે મારા પત્નીએ કહ્યું હતું, “રાત્રે વેળાસર ઘેર આવી જજો કારણકે આવતીકાલે તમારો જન્મદિન છે અને આજે રાત્રે બાર વાગે તમારે કેક કાપવાની છે!!”
મેં આનંદીત થઈ ઘરેથી વિદાય લીધી. થોડા સમયમાં જ મારા મોબાઈલ ફોન પર મણિનગરની GNC સ્કૂલનાં પ્રિન્સિપાલ રીટાબેન પંડ્યાનો ફોન આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે એ તેમની શાળાનાં બાળકોને સાથે વૃદ્ધાશ્રમની મુલાકાતે પહોંચ્યાં છે. એમણે મને કવરેજ માટે પૂછ્યું અને હું ઘોડાસર સ્થિત મણિલાલ ગાંધી વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો.
શું તમે આ વાંચ્યું?
જ્યાં એક એક તરફ બાળકો અને સામે વડીલો બેઠાં હતાં. મેં વિનંતી કરી કે બાળકોને વડીલો સાથે બેસાડો તો ફોટોગ્રાફ સારા મળશે.
જેવા બાળકો ઊભાં થયાં ત્યાંજ તેમનામાંથી એક વિદ્યાર્થિની વડીલો તરફ જોતાં જ રડી પડી.
સૌના આશ્ચર્ય વચ્ચે સામે બેઠેલાં એક વૃદ્ધા પણ ભાંગી પડ્યાં. એ છોકરી દોડીને તેમને ભેટી પડી. આ દૃશ્ય જોઈ અમે સૌ અવાક્ બની ગયા.
તેમની તસવીરો લીધા બાદ જ્યારે મેં પૂછ્યું ત્યારે બાએ કહ્યું કે એ બાળકી તેમની લાડકી પૌત્રી છે.
પેલી બાળકીએ પણ રડતા રડતા કહ્યું કે તેના પ્રિય બા વગર તે સૂની પડી ગઈ હતી.
બાળકીને તેના પિતાએ એમ કહ્યું હતું કે બા બહારગામ ગયા છે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે તેઓ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયાં હતાં.
બા-પૌત્રીના મિલનનું હૃદયદ્રાવક દૃશ્ય જોઈ મારા સહિત ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ.
ગમગીન બની ગયેલા એ માહોલને હળવો કરવા કેટલીક વિદ્યાર્થિનીઓએ વડીલો સમક્ષ સુંદર ભજનો ગાવાનું શરૂ કર્યું.
આ ફોટો સ્ટોરી બીજા દિવસે ‘દિવ્ય ભાસ્કર’ અખબારના પ્રથમ પેજ પર પ્રકાશિત થતા તે લગભગ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ. એ તસવીરે લોકોને હચમચાવી મૂક્યા હતા.
મારી ત્રણ દાયકા ઉપરાંતની ફોટો પત્રકારત્વની કારકિર્દીમાં પહેલી વાર એવું બન્યું કે આ ફોટો-સ્ટોરી છપાઈ ત્યારે એક જ દિવસમાં મને હજાર કરતાં વધારે ફોન કૉલ્સ આવ્યા!! કારણકે તસવીર ‘ટૉક ઑફ ધી ટાઉન’ બની ગઈ હતી.
પત્રકાર તરીકે આ ઘટના દ્વારા સામાજિક ચેતના ઢંઢોળવાનું કાર્ય કર્યાનો આત્મસંતોષ અનુભવી મેં મારી વર્ષગાંઠની શ્રેષ્ઠ ઉજવણી કરી હોય તેવી લાગણી મને થઈ હતી.
અલબત્ત, બીજા દિવસે બાનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચેલા ટીવી ચેનલ્સના પત્રકારોને બાએ કહી દીધું કે તેઓ પોતાની મરજીથી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો