મહામોંઘવારી : વેનેઝુએલામાં એક કિલો ટમેટાંની કિંમત 50 લાખ બોલિવર

જો તમારા મનમાં મોંઘવારીને લઈને કોઈ અંદાજ હોય તો વેનેઝુએલામાં એ અંદાજ પણ ફેલ થઈ જશે. વેનેઝુએલામાં તેને મહામોંઘવારી કહેવામાં આવી રહી છે.

ત્યાંની સરકારે આ મોંઘવારીને કાબૂમાં લેવા માટે એક યોજાના બનાવી છે અને તેને લઈને મૂંઝવણ વધી રહી છે. સવાલ થઈ રહ્યા છે કે શું આ યોજના કામ કરશે?

નિકોલસ મડુરોની સરકારે પોતાના ચલણ બોલિવરનું નામ બદલીને 'સૉવરેને બોલિવર' કરી દીધું છે.

તેની સાથે જ વેનેઝુએલાના ચલણનું 95 ટકા જેટલું અવમૂલ્યન પણ થઈ ગયું છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે વેનેઝુએલાના મોંઘવારી દરમાં 10 લાખ ટકાનો ઉછાળો થઈ શકે છે.

અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આનાથી વેનેઝુએલાની હાલાત વધારે ખરાબ થઈ જશે.

સોમવારે શું થયું?

મડુરોનું આ પગલું દેશના ચલણ બદલવા જેવું છે. નોટોનાં નામ પણ બદલી નાખવામાં આવ્યાં છે.

આ સાથે જ નવી આઠ નોટો બહાર પાડવામાં આવી છે. આ નવી નોટો 2, 5, 10, 20, 50, 100, 200 અને 500ની છે.

વેનેઝુએલા સેન્ટ્રલ બૅન્કના પ્રમુખ કેલિક્સ્ટો ઓર્ટેગોએ ઘોષણા કરી છે કે જૂની નોટો નક્કી કરેલા સમય સુધી ચલણમાં રહેશે. માત્ર એક હજારની નોટને ચલણમાંથી બહાર કરવામાં આવી છે.

કિંમત પર તેની શું અસર પડશે?

વેનેઝુએલા હાલ મહામંદીમાંથી પસાર થઈ રહ્યું છે. વિપક્ષના નિયંત્રણ વાળી વેનેઝુએલાની રાષ્ટ્રીય એસેમ્બલી અનુસાર સરેરાશ દરેક 26 દિવસો બાદ કિંમતો બે ગણી થઈ રહી છે.

કેટલાક અર્થશાસ્ત્રી દૂધવાળી એક કપ કૉફીની કિંમતને મોંઘવારીનું પ્રતિક માને છે.

31 જુલાઈના રોજ રાજધાની કરાકસના કૅફે હાઉસમાં એક કપ કૉફી 25 લાખ બોલિવરમાં મળી રહી હતી.

પાંચ સપ્તાહ પહેલાંની કિંમતની સરખામણીમાં આ બે ગણી કિંમત હતી. હવે બદલવામાં આવેલા ચલણના 95 ટકા અવમૂલ્યન બાદ 25 સૉવેરિયન બોલિવરમાં એક કપ કૉફી મળશે.

એનાથી શું આસાન થશે?

કેટલાક સમય માટે તેનાથી રોકડનું આદાન-પ્રદાન સરળ થઈ જશે. હાલમાં લોકોને એક કપ કૉફી માટે નોટોનું બંડલ લાવવું પડે છે.

વેનેઝુએલાના જૂના ચલણમાં સૌથી મોટો એક લાખનો બોલિવર હતો. મતલબ એક લાખના બોલિવરની નોટ લઈને પણ ઘરેથી નીકળો તો એક કપ કૉફી માટે 25 બોલિવર નોટ આપવી પડે.

વેનેઝુએલામાં મોંઘવારીના કારણે મોટી નોટોની માંગ વધી ગઈ, પરંતુ ત્યાંની બૅન્કોએ ગ્રાહકો પર એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી દીધી.

એવામાં અહીંના નાગરિકોને નાની નોટો મોટી સંખ્યામાં લઈને જવું પડતું હતું અથવા તો ઑનલાઇન પેમેન્ટ કરવું પડતું હતું.

બીબીસીનાં દક્ષિણ અમેરિકાનાં સંવાદદાતા કેટી વૉટ્સનનું કહેવું છે કે હોટલમાં ટિપ પણ ઑનલાઇન આપવી પડે છે.

શું હવે વેનેઝુએલામાં મોંઘવારી ઘટી જશે?

સરકારનું માનવું છે કે નવી આર્થિક યોજનાથી માત્ર મોંઘવારી પર કાબૂ મેળવવામાં જ મદદ નહીં મળે પરંતુ આર્થિક યુદ્ધનો સામનો કરવામાં પણ મદદ મળશે.

વેનેઝુએલાનું કહેવું છે કે સામ્રાજ્યવાદી તાકાતોએ તેમના વિરુદ્ધ આર્થિક જંગ છેડ્યો છે.

નવા બોલિવરને સરકાર તેલ માટે જારી કરવામાં આવેલી વર્ચ્યૂલ કરન્સીની જેમ જોઈ રહી છે.

રાષ્ટ્રપતિ મડુરોએ ટ્વીટ કરીને કહ્યું છે કે સરકાર 'નવઉદાર મૂડીવાદ'ના મનસૂબાને નાકામ કરી દેશે.

તેમણે ટ્વીટમાં લખ્યું કે દેશની આર્થિક વ્યવસ્થા હવે પૂરી રીતે સદ્ધર થઈ જશે.

જોકે, અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ ઉપાયોથી મોંઘવારી પર વાર કરવામાં નથી આવી રહ્યો.

તેમનું કહેવું છે કે નવી નોટો છાપવાથી મોંઘવારીને લાંબા સમય સુધી કાબૂમાં નહીં રાખી શકાય અને પરિસ્થિતિ વધુ બગડશે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ન્યૂનતમ મજૂરીમાં વધારાથી મોંઘવારી વધારે વધશે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે નવા ચલણનો લાગ મહામોંઘવારી સામે એક મહિનામાં જ હવા થઈ જશે.

એની તાત્કાલિક અસર શું થશે?

સોમવારે નવી નોટ લૉન્ચ કરવામાં આવશે. જોકે, મડુરોએ બૅન્કોમાં રજાની ઘોષણાની કરી રાખી છે.

માત્ર બૅન્કો જ નહીં પરંતુ નાણાકીય સંસ્થાને પણ કહેવામાં આવ્યું છે કે 24 કલાક માટે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ પણ બંધ રાખે.

જેના કારણે નવી નોટોનો ઉપયોગ મંગળવાર પહેલા શક્ય નહીં બને.

સામાન્ય દિવસોમાં પણ બૅન્કો બહાર લાંબી લાઇનો લાગેલી હોય છે અને અચાનક નવી નોટ લૉન્ચ કરવામાં આવશે તો ભાગદોડની સ્થિતિ પેદા થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો