BBC EXCLUSIVE: 'કેરળમાં પૂર નહીં, નદીઓનાં આંસુ છે.'

''કેરળમાં પૂર નહીં પરંતુ અહીંની 44 નદીઓનાં આંસુ છે.'' આ કહેવું છે ભારતના 'વૉટર મેન' તરીકે જાણીતા રાજેન્દ્ર સિંહનું.

જેમને 'વૉટર મેન' એટલે કહેવામાં આવે છે કે તેમણે ઘણી મૃત નદીઓને જીવંત કરી ભારતમાં ફરી એકવાર 'જળ ક્રાંતિ' લાવી દીધી હતી.

આ 'વૉટર મેન' ભારતનું રણ ગણાતા રાજ્ય રાજસ્થાનમાંથી આવે છે.

રાજેન્દ્ર સિંહ રેમનને એશિયાના નોબલ સન્માન ગણાતા રેમન મેગ્સેસ ઍવૉર્ડ અને અનઑફિશિયલ રીતે 'પાણીનું નોબલ સન્માન' ગણાતા સ્ટૉકહોમ વૉટર પ્રાઇઝથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

'કેરળ સરકાર મને ભૂલી ગઈ'

રસપ્રદ વાત એ છે કે વર્ષ 2015માં કેરળ સરકારે રાજેન્દ્ર સિંહને ત્યાંની મૃતપ્રાય નદીઓને જીવંત કરવા એક સ્કીમ બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

રાજેન્દ્ર જણાવે છે, "ત્યાં એક બેઠક થઈ તેમાં મંત્રી અને ઘણા મોટા અધિકારીઓ સામેલ હતા."

તમે આ વાંચ્યું કે નહીં?

"અમે બેઠકમાં નદીઓને બચાવવા માટે એક બિલનો ડ્રાફ્ટ બનાવવાનું નક્કી કર્યું હતું."

"તેના માટે તેઓએ મારો અભિપ્રાય માંગ્યો હતો. મેં બિલ માટે અનેક મુદ્દાઓની યાદી બનાવીને તેમને આપી હતી પરંતુ લાગે છે કે તેઓ મને ભૂલી ગયા છે.''

'દરેક નદીઓનો પોતાનો સ્વભાવ હોય છે'

રાજેન્દ્ર સિંહ નદીઓના પ્રવાહને રોકનારા તમામ અવરોધો અને અતિક્રમણને હટાવવાની બાબાત પર ભાર આપે છે.

તેની સાથે જ તેઓ કહે છે, "દરેક નદીનો પોતાનો એક સ્વભાવ હોય છે. દરેક નદીઓને બચાવવાનો કોઈ એક જ ઉપાય ના હોઈ શકે."

"કેરળની વાત કરીએ તો અહીં 44 નદીઓના પ્રવાહમાંથી અતિક્રમણ હટાવવું જોઈએ અને એક કન્ઝર્વેશન ઝોન બનાવવો જોઈએ."

તેમણે કહ્યું, "હું ભારપૂર્વક કહું છું કે શરૂઆત નદીના પ્રવાહને અવરોધતા આવાસો અને કારખાનાંને હટાવીને કરવી જોઈએ કે જે નદીઓને પ્રદૂષિત કરે છે."

"કેરળમાં જંગલોનો નાશ અને રેતીની ચોરી થઈ રહી છે. મેં પહેલાં જ ચેતવણી આપી હતી કે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો આનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે."

આવું જ ચાલતું રહ્યું તો....

રાજેન્દ્રનું માનવું છે કે જો રાજસ્થાનમાં કેરળની અડધી નદીઓ પણ હોત તો રાજસ્થાન એક સમૃદ્ધ અને શાંત રાજ્ય બન્યું હોત.

તેમણે કહ્યું, "આપણે સુખ-સમૃદ્ધિ લાવનારી નદીઓને પૂર લાવનારી નદીઓમાં તબદીલ કરી નાખી છે."

"જો આવી જ સ્થિતિ રહી તો કેરળમાં ક્યારેક પૂર અને ક્યારેક દુષ્કાળ જોવા મળી શકે છે. કોઈ પણ નદીઓને મનમરજીપૂર્વક વહેતા રોકી શકશે નહીં."

રાજેન્દ્રએ કહ્યું કે તેઓ ફરી એકવાર કેરળ સરકારની મદદ કરવા માટે તૈયાર છે.

'આ નીતિઓ પર વાત કરવાનો સમય નથી'

બીબીસીએ આ મામલે કેરળના જળ વ્યવસ્થાપન વિભાગના અધિકારી જેમ્સ વિલ્સન સાથે વાત કરી અને પૂછ્યું કે નદીઓને બચાવવાના મકસદથી બનાવવામાં આવેલું બિલ ક્યારેય સામે કેમ ના આવ્યું.

તેના જવાબમાં તેમણે કહ્યું, "આ વખતે આપણે ભયંકર પૂરનો સામનો કરી રહ્યા છીએ."

"આ નીતિઓ વિશે વાત કરવાનો યોગ્ય સમય નથી. હાં, રાજેન્દ્ર સિંહ અહીં આવ્યા હતા અને તેમણે બિલના ડ્રાફ્ટ વિશે સૂચનો આપ્યાં હતાં."

"આપણે એ સ્વીકાર કરવો જોઈએ કે દરેક વસ્તુને લાગુ કરવી શક્ય નથી, જેની ચર્ચા થઈ હતી."

'લોકોને હટાવવા એ સારી બાબત નહીં હોય'

વિલ્સને નીતિઓમાં રાજકીય દખલગીરીની વિશે પણ વાત કરી.

તેમણે કહ્યું, "કેરળમાં જમીન પહેલાંથી જ ઓછી છે. લોકો અનેક વર્ષોથી નદીના કિનારે વસવાટ કરે છે."

"અહીં અનેક જગ્યાઓએ ઘરો અને નદી સાવ પાસેપાસે હોય છે. લોકોને આ જગ્યાએથી હટાવવા સરળ કામ નથી."

"તેઓ સીધા જ નેતાઓ પાસે જતા રહેશે અને વિરોધ પ્રદર્શનો થવા લાગશે."

વિલ્સનનું માનવું છે કે જે જગ્યાઓએ લોકો વરસોથી રહે છે, તેમને ત્યાંથી હટાવવા એ સારી બાબત નહીં હોય.

તેમણે કહ્યું, "નદીઓ પાસે ધાર્મિક સ્થળો પણ છે. આ એક સંવેદનશીલ મુદ્દો છે."

"જેને ખૂબ જ કાળજી અને સતર્કતાપૂર્વક જોવાની જરૂર છે."

કેરળમાં વધતી વસ્તી અને ખુલી જગ્યાઓ પર નિર્માણ કાર્યોના ઉલ્લેખ પર વિલ્સન કહે છે કે કેરળમાં દર વર્ષે પૂર આવે છે પરંતુ આ વર્ષે ખૂબ વધારે પૂર આવ્યું.

તેમણે કહ્યું, "આપણે જેટલી પણ સાવધાની રાખીયે, દરેક 50 કે 100 વર્ષોમાં આવી આફત આવશે."

"આપણે સમજી લેવું જોઈએ નદીઓને ફરીથી જીવતી કરવાની જરૂરત છે."

"એકવાર પૂરનાં પાણી ઓસરી જાય પછી તેનું સમાધાન શોધવા વિશે વિચારી શકાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો