You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમારી હોટલના પ્રથમ માળ સુધી પાણી ભરાઈ ગયું'
- લેેખક, પ્રમિલા ક્રિષ્નન
- પદ, બીબીસી સંવાદદાતા
"મેડમ, મારા પતિની હાલમાં જ લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થઈ છે. શું તમે અમને અહીંથી સુરક્ષિત જગ્યાએ ખસેડી શકો? "
આ શબ્દો કેરળ પૂરમાં ફસાયેલી એક મહિલાના છે જે ફોન પર બીબીસીની પત્રકારને સહાયતા માટે કહી રહ્યાં છે.
કેરળમાં પૂરની પરિસ્થિતિ એટલી ભયાનક હદે પહોંચી ચૂકી છે કે 3 લાખ લોકોને તેમના ઘર છોડવાનો વારો આવ્યો.
આ પૂર સદીનું સૌથી ભયાનક પૂર હોવાનું માનવામાં આવે છે.
પૂરની પરિસ્થિતિનું રિપોર્ટિંગ કરવા માટે બીબીસીનાં મહિલા પત્રકાર પ્રમિલા ક્રિષ્નન ત્યાં હાજર હતાં.
જોકે, પરિસ્થિતિ બગડતા તેઓ પણ આ પૂરમાં ફસાયાં હતાં.
કુદરતના કહેરે કેરળમાં કેવી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું તેનું વર્ણન પ્રમિલાએ તેમના શબ્દોમાં કર્યું છે.
કેરળ પૂરની પળેપળનું રિપોર્ટિંગ કરતી વખતે મને જાણ નહોતી કે હું પણ પૂરનો ભોગ બની જઈશ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હું જે હોટલમાં રોકાઈ છું, ત્યાં હાજર એક સાઠ વર્ષનાં ઘરડાં મહિલાએ આંખોમાં આંસુ સાથે મને મદદ માટે કહ્યું.
મેં તેમને દિલાસો આપવા માટે કહ્યું, "મા, મેં કલેક્ટરને જાણ કરી દીધી છે. આપણને બચાવી લેવાશે."
એર્નાકુલમના સ્થાનિક ધારાસભ્ય હીબી ઇડને મને ફોન પર જણાવ્યું કે મારી હોટલ ઊંચાણવાળા વિસ્તારમાં છે એટલા માટે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શક્ય નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
અમારી હોટલમાં પીવાના પાણીની તંગી છે અને સંપૂર્ણ બૅઝમેન્ટ પૂરનાં પાણીથી ભરાઈ ગયું હતું.
હોટલના મેનેજર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હોટલમાં પીવાના પાણીની તંગી છે અને આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.
અમે દુઆ કરી રહ્યાં હતાં કે વરસાદ થોભી જાય. સતત ત્રણ દિવસથી મારા કાને હેલિકૉપ્ટરનો અવાજ અથડાય રહ્યો હતો.
બચાવકર્મીઓ દ્વારા દિવસ-રાત લોકોની મદદ કરવામાં આવી રહી છે. હજી પણ આ અવાજ કાને અથડાતા હું અડધી રાત્રે ઊંઘમાંથી ઊઠી જઉં છું.
વણસેલી પરિસ્થિતિને કારણે હજારો લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. મદદ માટે રડી રહેલા લોકોને હું મારી નજરો સમક્ષ જોઈ રહું છું.
પહેલો દિવસ
રિપોર્ટીંગના પ્રથમ દિવસે હું ઇડુક્કી વિસ્તારમાં ગઈ હતી. અહીં એક ચર્ચ નિરાશ્રિતોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
અહીં જેટલા લોકો હતા તેમના ગંભીર ચહેરા પર ભય અને નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
અહીં હાજર લોકોનાં ઘરો પૂર અને ભૂસ્ખલનને કારણે ધરાશાયી થઈ ગયાં હતાં.
આ કૅમ્પમાં એવાં બાળકો પણ હતાં જેમણે તેમનાં માતાપિતા ગુમાવ્યાં હતાં.
અહીં આધેડ ઉંમરના એવા લોકો પણ હતા જેઓ પોતાનું સર્વસ્વ ગુમાવવાનો સંતાપ કરી રહ્યા હતા.
હું જ્યારે તેમને મળી ત્યારે તેઓ નિ:શબ્દ હતા. અત્યારે તેઓના ગંભીર ચહેરાઓ મારી નજર સમક્ષ તરી રહ્યા છે.
આ કૅમ્પમાં સલી નામની એક મહિલાએ આંખોમાં આંસુ સાથે મને કહ્યું, "મારો જન્મ ઇડુક્કીમાં થયો અને હું ત્યાં જ મોટી થઈ છું."
"મેં અહીં વરસાદી વાદળો ફાટતા પણ જોયેલાં છે પરંતુ આ પૂરને કારણે અમારું ઘર ધરાશાયી થઈ ગયું છે અને મારા પિતા મૃત્યુ પામ્યા છે."
"તેમના અંતિમસંસ્કાર કરવા છે પણ મૃતદેહ મળતો નથી."
જે હોટલમાં રોકાઈ તે ધરાશાયી થઈ
બે દિવસ સુધી વરસાદ પ્રભાવિત વિસ્તારની મુલાકાત બાદ ત્રીજા દિવસે હું કોચી શહેર પહોંચી.
ઇડુક્કીની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે હું ત્રણ દિવસ સુધી મારી ઓફિસનો સંપર્ક નહોતી કરી શકી.
કોચી શહેરમાં સવારે મારી સામે એક અખબાર આવ્યું જેમાં ભૂસ્ખલનમાં એક ઇમારત ધરાશાયી થઈ ગઈ હોય એવી તસવીર છપાઈ હતી.
આ એ જ હોટલ હતી જ્યાં એક દિવસ પહેલાં હું રોકાઈ હતી. તે સંપૂર્ણ રીતે વિખેરાઈ ચૂકી હતી.
ત્યારબાદ હું પર્યાવરણવીદ અને મારા સાથી પત્રકાર સાથે હોટલ બહાર ગઈ જેથી કેરળની તકલીફને સમજી શકું.
આ સમગ્ર વિસ્તાર પાણીમાં ધોવાઈ ગયો હતો. જેમજેમ અમે આગળ વધતા તેમતેમ અમને કંઈક ખરાબ થવાના અણસાર આવી ગયા હતા.
આ વિસ્તારમાં આવેલું કમ્પાયનપડી મેટ્રો સ્ટેશન પૂરનાં પાણીથી ભરાઈ ગયું હતું.
છેલ્લાં 90 વર્ષના સમયમાં કોચી શહેર આવા ભયાનક પૂરથી પ્રથમવાર પ્રભાવિત થયું હતું.
ત્યાં હાજર એક બચાવ કર્મચારીએ અમને જણાવ્યું, "ધનવાન લોકો તેમનાં ઘરો છોડવા તૈયાર નથી. તેમને તેમના જીવ કરતાં તેમની મિલકત વધુ વહાલી છે."
'લોકોને જીવ કરતાં મિલકત વહાલી'
સર્વત્ર પાણી સિવાય કશું જ નહોતું દેખાતું. બચાવ કર્મચારીઓ નાના બાળકો સહિતના લોકોને પૂર પ્રભાવિત વિસ્તારથી સુરક્ષિત સ્થળે લઈ જતા હતા.
આ બાદ જ્યારે હું મારી હોટલે પહોંચી. મને કહેવામાં આવ્યું કે હું હોટલ છોડીને બહાર ન જઉં, કારણ કે આ વિસ્તારમાં પાણી ભરાવવાનું શરૂ થઈ ચૂક્યું છે.
પરંતુ હું બીજા દિવસે લોકોની પરિસ્થિતિ જાણવા માટે નજીકના રાહત કૅમ્પ પર પહોંચી.
અહીં હું નિદમ્બસરી પંચાયતના મહિલા પ્રમુખ મિનિ અલ્ધોરાને મળી જેઓ લોકોની મદદ માટે ખડેપગે હતા.
મારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું, "હું અહીં લોકોને ભોજન અને મેડિકલ સારવાર પહોંચાડવાના પ્રયાસો કરી રહી છું."
"પરંતુ મને નથી ખબર કે મારા વિસ્તારના તમામ લોકોને બચાવી લેવાયા છે કે નહીં."
આંખોમાં આંસુ સાથે તેમણે ઉમેર્યું, "લાપતા લોકોનો કોઈ આંકડો સામે નથી આવ્યો. ઘણા લોકો તેમના પરિવારથી વિખૂટા પડી ગયા છે. લોકો ઊંડા આઘાતમાં છે."
જ્યાં સુધી મને જાણ હતી ત્યાં સુધી 300 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લાખો લોકો બેઘર બન્યા હતા.
પૂરની પરિસ્થિતની વધુ માહિતી મેળવવા માટે અમારે આગળ જવાનું હતું પરંતુ અમારી કૅબમાં પેટ્રોલ ખતમ થઈ રહ્યું હતું. આ પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ શોધવો પણ અઘરું કામ હતું.
હોટલના પ્રથમ માળ સુધી ભરાયું પાણી
આખરે એ દિવસ આવ્યો જ્યારે હું હોટલની બહાર જ ના નીકળી શકી. એ પાંચમો દિવસ હતો.
પૂરનું પાણી અમારી હોટલના પ્રથમ માળ સુધી પહોંચી ચૂક્યું હતું. આ સાથે જ વીજળી પણ જતી રહી હતી.
મારી હોટલમાં જનરેટરની મદદથી દિવસમાં માત્ર બે વખત વીજળી આપવામાં આવતી હતી જેથી અમે અમારા ફોન ચાર્જ કરી શકીએ.
હોટલના કર્મચારીઓ બહારથી જે પણ ખાવાનું મળે તેની વ્યવસ્થા કરી રહ્યા હતા.
બચાવકર્મીઓ દ્વારા લોકોને બચાવવાની કામગીરીનો અવાજ હું સાંભળી શકતી હતી.
હું એ ગાડીઓનો અવાજ સાંભળી શકતી જેમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા હતા.
'પાણી જ પાણી પરંતુ પીવાલાયક નહીં'
બચવાની આશા અને જીવવાની હિમ્મત સાથે પૂરમાં ફસાવવાનો વધુ એક દિવસ વીતી ગયો.
આજે છઠ્ઠો દિવસ છે. અમારી હોટલમાં પીવાનું પાણી ખતમ થવાને આરે છે.
પૂરની આ કહાણી લખતી વખતે હું પીવાના પાણી માટે તરસી રહી છું.
આ સાથે જ મારા દિમાગમાં અંગ્રેજીની એક કહેવત યાદ આવી 'વૉટર વૉટર એવરીવ્હેર, નોટ અ સિંગલ ડ્રૉપ ટુ ડ્રિન્ક' મતલબ કે ચારેતરફ પાણી જ પાણી છે, પરંતુ એક ટીપું પણ પી શકાય એવું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો