ચીનમાં પ્રદૂષણથી વર્ષે 16 લાખ મોત થાય છે

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, બેઇજિંગ,ચીન

એક રિપોર્ટ મુજબ ચીનમાં વાયુ પ્રદૂષણના કારણે પ્રતિ વર્ષ 16 લાખ મોત થઈ જાય છે. આ પ્રમાણ દેશમાં થતાં કુલ મૃત્યુના 17 ટકા જેટલું છે.

બેઇજિંગ શહેર સાથે જોડાયેલા વિસ્તારમાં કોલાસની ખાણ અને સ્ટીલના ઉત્પાદનના કારણે ઉદ્ભવતા ધુમ્મસના લીધે આકાશ રાખોડી કલરનું દેખાય છે અને દિવસ કે સાંજની વચ્ચે કોઈ ફરક દેખાતો નથી.

ચીનના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ધુમ્મસના વાદળો જાણે લોકોને ઢાંકી લેતા હોય તેવું લાગે છે. જ્યાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય છે.

રસ્તાઓ પર લોકો પોતાના ચહેરાને માસ્કથી ઢાંકીને ફરતા જોવા મળે છે. અહીંયા સામાન્ય લોકોને પણ ખબર હોય છે પી.એમ. 2.5 કે 10 શું છે.

પીએમ 2.5 એટલે પાર્ટિકલનો એટલો નાનો અંશ જે ફેફસાં સુધી પહોંચી જાય છે.

ઓઝોન પ્રદૂષણની સમસ્યા

આ ઉપરાંત એક સમસ્યા ઓઝોનના પ્રદૂષણની છે.

ગ્રીનપીસ સાથે જોડાયેલી એક વેબસાઇટ 'અનઅર્થ્ડ' મુજબ જમીન પર ઓઝોનના પ્રદૂષણના કારણે વર્ષ 2016માં ચીનમાં 70 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.

અનઅર્થ્ડ મુજબ ઓઝોન અલ્ટ્રા-વાયલેટ રેડિએશનને રોકીને પૃથ્વી પર જીવનની સુરક્ષા કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જમીન પર ઓઝોનની ટકાવારી વધવાના કારણે શ્વાસની બીમારીઓ થઈ શકે છે. જે સમય પહેલાં મૃત્યુનું કારણ બને છે.

ચીનમાં સ્થાનિક લોકો કહે છે કે પાછલા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા પ્રદૂષણ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવ્યાં છે.

શહેરોમાં તમને ઇલેક્ટ્રિક કાર, ટેક્સી અને બસ દોડતી જોવા મળશે.

શહેરોમાં રહેતા લોકો કહે છે કે પ્રદૂષણની માત્રા વધે ત્યારે સરકાર ફેક્ટ્રીઓને બંધ કરવામાં સહેજ પણ સંકોચ રાખતી નથી.

કોલસા પર આધારીત વીજ ઉત્પાદન કારખાનાં બંધ કરવામાં આવ્યાં છે.

ઘરે ઘરે પ્યુરિફાયર

ચીનની સમાચાર એજન્સી જિન્હુઆમાં પીકિંગ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના આધારે એક રિપોર્ટ લખાયો હતો.

જેના રિસર્ચ મુજબ વર્ષ 2001થી વર્ષ 2017ની વચ્ચે પીએમ 2.5 અને પીએમ 10, સલ્ફરડાયૉક્સાઇડ જામી જવાની ટકાવારીમાં 33.3 ટકા, 27.8 ટકા અને 54.1નો ઘટાડો નોંધાયો છે.

એન્જિનિયર જ્હોનાસન લાઓસન વર્ષો સુધી આ ધુમ્મસમાં રહ્યાં હતા અને જ્યારે તેમના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે તેમણે પ્યુરિફાયર તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો.

લાઓસન કહે છે કે "ઘણી વાર પ્રદૂષણનું સ્તર એટલુ વધી જતું હતું કે અમે આખુ સપ્તાહ દીકરીને લઈને ઘરની બહાર નીકળી શકતા નહીં."

બેઇજિંગમાં ભાડે લીધેલાં બે રૂમ તેમની ઓફિસ અને વર્કશોપ છે. જ્યાં તેઓ પ્યુરિફાયર બનાવીને વેચે છે.

નજીકમાં તેમની નાની દીકરી પાના પર કોઈ આકૃતિ તૈયાર કરી રહી હતી. ટેબલ પર રાખેલા નાનકડા મશીનમાં રૂમમાં પ્રદૂષણમાં દર સેકન્ડે થતા ઉતાર-ચઢાવની નોંધ લેવાઈ રહી હતી.

જ્હોનાસન લાઓસન કહે છે " અમે એવું પ્યુરિફાયર બનાવ્યું જે 100થી 150 ઘનમીટર ઘરને સાફ રાખી શકે. ”

“રૂમમાં હવાના સ્તરને સંતુલિત કરી તાપમાન સ્થિર રાખી શકે."

"અમારા એર પ્યુરિફાયરમાં અન્ય એર પ્યુરિફાયર કરતા વધુ સેન્સર છે. તેની અંદર એક કમ્પ્યુટર છે જે પ્યુરિફાયરને મેનેજ કરે છે."

“સ્થિતિ એવી છે કે બેઇજિંગમાં તમને સ્કૂલ, કૉલેજ, ઘર, ઓફિસ, ગાડીમાં એર પ્યુરિફાયર મળશે.”

લાઓસન વધુમાં કહે છે "મને યાદ નથી કે એવું કોઈ ઘર હોય જ્યાં હું ગયો હોય અને મે પ્યુરિફાયર ન જોયું હોય."

"કેટલાક લોકો તો પંખામાં પણ ફિલ્ટર મૂકે છે જેથી હવા શુદ્ધ રહે. કંઈ ન કરવા કરતા એ વધું સારું કે કોઈ ઉપાય શોધી શકાય"

લોકોના કથળતા સ્વાસ્થ્યની સ્થિતિ સર્જાવાને કારણે કારણે સરકારે પ્રદૂષણ સામે લડવા માટે આકરાં પગલાં ભર્યાં છે.

પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ

લાઓસન કહે છે "પાછલા બે વર્ષમાં ઇલેક્ટ્રિક કાર, ટ્રક, અને બસની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે."

"પ્રદૂષણ વધે તો કારખાના બંધ કરી દેવામાં આવે છે.”

“ઘર, સોસાયટી, ઓફિસ, મૉલ તમામ સ્થળો પર ઇલેક્ટ્રિક ગાડીઓ ચાર્જ કરવાના ચાર્જર મળી જાય છે.”

“ઠંડીમાં કોલસા સળગાવાનો કાયદો કડકાઈથી લાગુ કરાય છે."

કડકડતી ઠંડીમાં કોલસા પ્રગટાવવાને પણ ચીનના પ્રદૂષણનો મહત્ત્વનો ભાગ સમજવામાં આવે છે.

બાળકો પર પ્રદૂષણના વધતા જતા પ્રભાવને કારણે શિક્ષણ સલાહકાર ક્રિસ્ટોફર ડોબિંગએ ચીનમાં એક માસ્ક કંપનીની સ્થાપના કરી છે.

તેઓ કહે છે "મેં જોયું કે બાળકોએ આકાશ વાદળીને બદલે રાખોડી રંગથી રંગવાનું શરૂ કરી દીધુ હતું.”

"જ્યારે હવાના પ્રદૂષણનું સ્તર ઍલર્ટ પર પહોંચી જાય છે ત્યારે બેઇજિંગની નજીકના કારખાના પર પ્રતિબંધ ઉપરાંત કેટલીક સરકારી ગાડીઓના વપરાશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે.”

”લાલ સ્તરના ઍલર્ટમાં રસ્તાઓ પર ઑડ-ઇવન નંબરની ગાડીઓ ચાલે છે. મોટા સંમેલનો દરમ્યાન સ્કૂલ અને કારખાના બંધ કરી દેવામાં આવે છે.”

“રસ્તાઓ પર ગાડીઓ દેખાતી નથી જેથી પ્રદૂષણનું સ્તર ઘટે છે."

“પરંતુ વીજળીથી સંચાલિત આ ગાડીઓનું ઈંધણ કોલસાથી જ પેદા કરવામાં આવે છે.“

બેઇજિંગમાં રહેતા ભારતીય પત્રકાર સૈબલ દાસ ગુપ્તા કહે છે "તમે શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા માટે વીજળીથી સંચાલિત કારનો ઉપયોગ કરો છે, પરંતુ વીજળી ઉત્પન્ન કરવા માટે 65 ટકા કોલસાનો ઉપયોગ કરો છો.”

“ચીનનો કોલસો વધુ ધુમાડો ઉત્પન્ન કરે છે. કારણ કે તે હલકી ગુણવત્તાનો છે."

" જેથી ચીન, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાથી કોલસો મંગાવીને તેમાં કોક મિક્સ કરે છે જેના દ્વારા ધુમાડાનું સ્તર ઘટાડી શકાય."

ચીનમાં દુનિયાની સૌથી મોટી સોલર પેનલ ઇન્ડસ્ટ્રી છે.

સૌથી વધુ હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પેદા કરતો ડેમ છે. અહીંયા બેટરી ઑપરેટેડ ગાડીઓ ચાલી રહી છે.

ચીની કંપનીઓ બેટરી ઑપરેટેડ ગાડીઓ બનાવે છે. દરેક જગ્યાએ બેટરી રિચાર્જ કરવાનાં સ્ટેશન છે.

કોલસાને સાફ કરવા માટે પ્લાન્ટ નંખાયા છે પરંતુ પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે ચીનએ કોલસા પરની નિર્ભરતા સમાપ્ત કરવી પડશે.

આ અંતર કાપવામાં ખૂબ વાર લાગશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો