You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન પહોંચેલી આ રહસ્યમય ટ્રેન કેમ હાલ ચર્ચામાં છે?
જાપાનના મીડિયામાંથી આવી રહેલા સમાચારો મુજબ ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારીઓને લઈને ટ્રેન બેઇજિંગ પહોંચી છે.
'બ્લૂમબર્ગ ન્યૂઝ'નો દાવો છે કે આ ટ્રેનમાં બીજા કોઈ નહીં પરંતુ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન જ હતા.
ચીનને ઉત્તર કોરિયાનું એકમાત્ર મિત્ર માનવામાં આવે છે. જોકે, ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને જોતાં હાલ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે.
માનવામાં આવી રહ્યું છે કે સાત વર્ષ પહેલાં 2011માં ઉત્તર કોરિયાની સત્તા સંભાળ્યા બાદ કિમ જોંગ ઉન પોતાના દેશથી બહાર નીકળ્યા નથી.
કોઈ અધિકારીક પુષ્ટી નહીં
ટ્રેનમાં કિમ જોંગ ઉન હોવાના સમાચારને ચીન અને ઉત્તર કોરિયાના મીડિયાએ કવર કર્યા નથી.
આ પ્રવાસ વિશે કોઈ અધિકારીક ટિપ્પણી પણ કરવામાં આવી નથી.
જોકે, કિમ ખરેખર ચીનના પ્રવાસે આવ્યા હોય તો આ એક મહત્ત્વપૂર્ણ કૂટનીતિનું પગલું ગણાશે.
દક્ષિણ કોરિયાઈ પ્રવક્તાએ સોમવારે કહ્યું હતું કે સરકાર સંબંધિત દેશો જોડે આ મામલે વાતચીત કરી રહી છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટોક્યો સ્થિત નિપૉન ન્યૂઝ નેટવર્કે લીલા ડબ્બા પર પીળી લાઇન્સ વાળી એ ટ્રેનની તસ્વીરો પ્રસારિત કરી હતી.
ચેનલનું કહેવું છે કે કિમ જોંગ ઉનના પિતા અને ઉત્તર કોરિયાના નેતા રહેલા કિમ જોંગ ઇલ 2011માં આ ટ્રેનથી જ બેઇજિંગ પહોંચ્યા હતા. એ ટ્રેન પણ આવી જ દેખાતી હતી.
કિમ જોંગ ઇલના ચીનના પ્રવાસની પુષ્ટિ પણ તેમના રવાના થયા બાદ કરવામાં આવી હતી.
અસામાન્ય દ્રશ્ય
બેઇજિંગ રેલવે સ્ટેશનની બહાર એક દુકાનના મેનેજરનું કહેવું છે કે સોમવારની સાંજે તેમણે અસામાન્ય દ્રશ્યો જોયાં.
સમાચાર એજન્સી એએફપીએ કહ્યું, "બહાર, રસ્તા પર અને સ્ટેશનની સામે ઘણા જ પોલીસ અધિકારીઓ હતા. સ્ટેશનને અંદરથી બંધ કરી દેવામાં આવ્યું હતું."
સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે પોલીસે બેઇજિંગના ત્યેનઆનમન સ્ક્વેર પરથી પણ પ્રવાસીઓને હટાવી દીધાં હતાં.
આ મહિને જ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીની સ્ટૉકહોમમાં સ્વીડનના વડા પ્રધાન સ્ટીફન લોફવેન સાથે મુલાકાત થઈ હતી.
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાતને લઈને સહમતિ સધાઈ હતી.
પરંતુ આ મુલાકાતનું કારણ સામે આવ્યાં ન હતાં. માત્ર એટલું કહેવામાં આવ્યું કે અમેરિકા અને ઉત્તર કોરિયાના મુખ્ય નેતાઓ વચ્ચે ઐતિહાસિક મુલાકાત મે મહિનામાં થવાની શક્યતા છે.
કિમ જોંગ ઉન તેમના દક્ષિણ કોરિયાના સમકક્ષ મૂન જે ઇનને આગલા મહિને મળવાના છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો